Monday, July 29, 2013

નાના લીલિયામાં બે સિંહણે બળદનું મારણ કરી મિજબાની માણી.

નાના લીલિયામાં બે સિંહણે બળદનું મારણ કરી મિજબાની માણી
Bhaskar News, Lilia | Jul 24, 2013, 03:46AM IST
બપોરના સમયે વાડીમાં સિંહણે દેખા દીધાના બનાવથી સીમ વિસ્તારના લોકોમાં ફફડાટ

લીલીયા પંથકમાં સાવજોની વસતિ જેમ જેમ વધતી જાય છે તેમ તેમ સાવજો દ્વારા પોતાના પેટની ભુખ ભાંગવા માટે માલધારીઓના ઉપયોગી પશુઓના મારણની ઘટનાઓ પણ વધતી જાય છે. આજે લીલીયા તાલુકાના નાના લીલીયા ગામે બે સિંહણે એક ખેડૂતની વાડીમાં ઘુસી બળદને ફાડી ખાધો હતો.

લીલીયા તાલુકો સાવજનું ઘર બન્યો છે. ત્યારે અહિં વસતા સાવજો અવાર નવાર વાડી ખેતરો કે ગામમાં પણ ઘુસીને પશુનું મારણ કરે છે. ઘણી વાર તો આ સાવજો વંડી કે વાડ ટપીને માલધારીઓના ઘરમાં પણ ઘુસી જાય છે. ક્યારેક વાડી-ખેતરોમાં બાંધેલા ઢોર પર ભુખ્યા સાવજો તુટી પડે છે તો ક્યારેક સીમમાં ચરતા ધણ પર વાર કરે છે. આજે આવી એક ઘટના લીલીયા તાબાના નાના લીલીયા ગામમાં રણજીતભાઇ ધીરૂભાઇ ખુમાણના ગામમાં બની હતી.

વન વિભાગના સુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર આજે બપોરના સમયે રણજીતભાઇ ખુમાણની વાડીમાં બે સિંહણો ઘુસી આવી હતી અને તેમના એક બળદનું મારણ કર્યુ હતું. બનાવની જાણ થતા અહિં આસપાસના લોકો દોડી આવ્યા હતાં. ફોરેસ્ટર બી.એમ. રાઠોડ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતાં અને કાર્યવાહી શરૂ કરી હતી.

આઠ ફૂટ લાંબા અજગરને જોવા ઉમટી પડ્યા લોકો.

આઠ ફૂટ લાંબા અજગરને જોવા ઉમટી પડ્યા લોકો

Bhaskar News, Rajula   |  Jul 28, 2013, 05:04AM IST
- વાડી માલિકે વનવિભાગને જાણ કરતા વનવિભાગના સ્ટાફ દ્વારા અજગરને પકડી પાડી જંગલમા મુકત કરી દેવાયો

રાજુલા તાલુકાના બર્બટાણા અને મોટી ખેરાળી ગામ વચ્ચે આવેલ એક વાડીમાં લીમડાના વૃક્ષ પર એક મહાકાય અજગરે દેખાદેતા ગામ લોકો અને ખેડુતોમાં ભય ફેલાયો હતો. આ અંગે લોકો દ્વારા વનવિભાગને જાણ કરવામાં આવતા વનવિભાગનો સ્ટાફ અહી દોડી આવ્યો હતો અને આ મહાકાય અજગરને પકડી જંગલમાં મુકત કરી દેતા લોકોએ રાહત અનુભવી હતી.
રાજુલા પંથકમાં અવારનવાર જમીનમાંથી સરિસૃપો મળી આવવાની ઘટનાઓ બનતી રહે છે. હાલ ચોમાસાની સિઝનમાં અહી વધુ પ્રમાણમાં સરિસૃપો જમીનમાંથી બહાર નીકળે છે. ત્યારે આજે રાજુલા તાલુકાના બર્બટાણા અને મોટી ખેરાળી ગામ નજીક ગભરૂભાઇ કાનજીભાઇની વાડીમાં લીમડાના એક વૃક્ષ પર મહાકાય અજગર ચડી આવ્યો હતો.
વાડી માલિક ગભરૂભાઇ આ અજગરને જોઇ જતા તેઓએ તુરત વનવિભાગને જાણ કરી હતી. વનવિભાગના ડી.એન.રાઠોડ, નરેશભાઇ પંડયા સહિ‌ત સ્ટાફ અહી દોડી આવ્યો હતો. અને ગણતરીની કલાકોમાં આ અજગરને પકડી પાડયો હતો. આ અજગર આઠેક ફુટ જેટલો લાંબો હતો. વાડીમાં અજગરે દેખાદેતા અહી ગામના આગેવાનો ભોળાભાઇ, ભખુભાઇ, રાજુભાઇ, જીલુભાઇ, મેરૂભાઇ, પ્રતાપભાઇ સહિ‌ત ગામ લોકો અહી અજગરને જોવા માટે દોડી આવ્યા હતા. વનવિભાગે આ અજગરને સલામત રીતે પકડી જંગલ વિસ્તારમાં મુકત કરી દેતા લોકોએ રાહત અનુભવી હતી.

અનોખો પશુ પ્રેમ: ખેડૂતે બળદનું બારમું કરીને ગામને ધુમાડાબંધ જમાડયું.


Bhaskar News, Lathi   |  Jul 29, 2013, 06:53AM IST
અનોખો પશુ પ્રેમ:  ખેડૂતે બળદનું બારમું કરીને ગામને ધુમાડાબંધ જમાડયું
- સુરતથી સગાંવહાલા અને મિત્રો બે બસમાં દૂધાળા ગામે બારમાની વિધિમાં આવ્યા
- બાળકોને બટુક ભોજન કરાવાયું


વર્તમાન સમયમાં ગાય અને બળદોની કતલો થઇ રહી છે. ત્યારે લાઠી તાબાના ખોબા જેવડા દુધાળા ગામના એક પટેલ ખેડુતે પોતાના બળદનુ મોત થઇ જતા તેમણે બળદનુ બારમુ કર્યુ હતુ. અને ગામને ધુમાડાબંધ જમાડીને પશુ પ્રત્યેના પ્રેમનુ અનોખુ ઉદાહરણ પુરૂ પાડયુ હતુ.

લાઠી તાલુકાના દુધાળા ગામે રહેતા અને હાલમાં સુરતમાં કોન્ટ્રાકટરનો વ્યવસાય કરતા રવજીભાઇ શંભુભાઇ રાદડીયા પશુ પ્રત્યે અનોખો પ્રેમ ધરાવે છે. તેમના આ બળદનો જન્મ તા. ૧૭/૧/૧૯૮૩મા સુરતમાં થયો હતો. રવજીભાઇએ બળદનુ નામ બાદશાહ પાડયુ હતુ. બાદમાં રવજીભાઇ આ બળદને દુધાળા ગામે લાવ્યા હતા.
અનોખો પશુ પ્રેમ:  ખેડૂતે બળદનું બારમું કરીને ગામને ધુમાડાબંધ જમાડયું
તેઓના આ બળદનુ બાર દિવસ પહેલા મોત નિપજયુ હતુ. રવજીભાઇએ બળદનુ બારમુ ગોઠવ્યુ હતુ. અને ગામને ધુમાડા બંધ જમાડવાનું આયોજન કર્યુ હતુ. ત્યારે આજે બળદના બારમામાં આખુ ગામ આવ્યુ હતુ. અહી રસોઇમાં ગુંદી, ગાંઠીયા, શાક, દાળભાત સહિ‌તની વાનગીઓ પણ બનાવવામા આવી હતી. લોકોએ રવજીભાઇના આ પશુઓ માટેના પ્રેમને બિરદાવ્યો હતો. આ ઉપરાંત રવજીભાઇએ બાળકો માટે બટુક ભોજનનુ પણ આયોજન કર્યુ હતુ.

આ તકે ડો. જગદીશભાઇ બલ્લર, પોપટભાઇ વશરામભાઇ માણપરા, નાનુભાઇ મિયાણા, વલ્લભભાઇ લાબડીયા, લાભુભાઇ ધોળીયા, ભરતભાઇ લાલજીભાઇ ધોળકીયા, ધીરૂભાઇ વલ્લભભાઇ સહિ‌તના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા.
બારમામાં ઉપસ્થિત ગામ લોકોએ ખેડૂતના સ્વજન બની ગયેલા બળદને શ્રધ્ધાંજલિ પણ આપી હતી.
અનોખો પશુ પ્રેમ:  ખેડૂતે બળદનું બારમું કરીને ગામને ધુમાડાબંધ જમાડયું
બળદને બદામ અને દૂધ ખવડાવવામાં આવતા
રવજીભાઇનો પશુ પ્રત્યેના અપાર પ્રેમને કારણે તેઓ પોતાના બળદને પરિવારના સભ્યની જેમ જ સાચવતા તેઓ બળદને બદામ અને દુધ જેવો પોષ્ટિક આહાર પણ આપતા. જ્યારે પણ બળદ બિમાર પડતો પરિવારજન બિમાર પડી ગયા હોય તેવો ખેડૂતને અહેસાસ થતો હતો.

અનોખો પશુ પ્રેમ:  ખેડૂતે બળદનું બારમું કરીને ગામને ધુમાડાબંધ જમાડયું
સગાંવહાલાઓને મેલો મોકલાયો
નાના એવા દુધાળા ગામે રવજીભાઇના બળદનુ મોત નિપજતા તેમણે સગાવહાલાઓને પણ મેલો મોકલ્યો હતો અને તેણે ગોઠવેલા બળદના બારમામાં ગામ સમસ્ત તો ધુમાડાબંધ જમાડવામાં આવ્યુ જ હતુ. તો સાથેસાથે સુરતથી પણ બે બસો ભરાઇને તેના મિત્રો અને સગાવહાલાઓ દુધાળા ગામે આવી પહોંચ્યા હતા.

Tuesday, July 23, 2013

સરકડીયા હનુમાનજી જગ્યાની માલિકી માટે બે જુથ વચ્ચે ડખ્ખો.

Jul 21, 2013
ભેંસાણ : ગીરનાર જંગલની મધ્યે આવેલ સરકડીયા હનુમાનની જગ્યાના મહંત રામદાસબાપુનું ગઈકાલે નિધન થતા અંતિમયાત્રામાં ગયેલા ગોલાધારની જગ્યાના મહંત રાઘવદાસબાપુને એક સાધુ સહિત ત્રણ શખ્સોએ જાનથી મારી નાખવાની ધમકી આપી ત્યાંથી કાઢી મુકયાની ફરિયાદ પોલીસમાં નોંધાવી છે.સમગ્ર મામલો જગ્યાની માલિકી અને ગાદિપતિ બનવા માટે બન્યો હોવાનું જાણવા મળે છે.

  • જગ્યાની માલિકી તથા ગાદિપતી બનવા માટે ચકમક ઝરી
ગીરનાર જંગલની મધ્યે આવેલ સરકડીયા હનુમાનની જગ્યાના મહંત રામદાસબાપુનું ગઈકાલે નિધન થતા તેમની સ્મશાનયાત્રામાં જુનાગઢના ગોલાધાર ગામની સંકટમોચન હનુમાન જગ્યાના મહંત રાઘવદાસબાપુ ગુરુ શત્રુગ્નદાસબાપુ ગયા હતા ત્યારે ત્યા હાજર સરકડીયા હનુમાન
મંદિરની સેવા પુજા કરતા તુલશીદાસબાપુ, કરીયાના ભુપત ડાંગર અને દોલતપરા ના અનિલ વાઘેલા, રાજકોટના જીવણ પટેલ સહિતના લોકોએ રાઘવદાસબાપુ ને અહીં શું કામ આવ્યો છો તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવી છે.

તાલાલાની કેસર કેરીના આઠ લાખ બોકસનું પ્રોસેસીંગ થયું.


Jul 20, 2013તાલાલા : તાલાલાની કેસર કેરીના દશ કિલોના આઠ લાખ બોકસનું નાના મોટા કેનીંગ પ્લાન્ટમાં પ્રોસેસીંગ કરી સાંઈઠ લાખ કેરીના રસના ટીનનું ઉત્પાદન થતાં કિસાનોને પોતાનો માલ ઘર આંગણે જ નિકાલ કરવા ખુબ જ રાહત મળી છે.
  • રૃ. ૩૬ કરોડના ૬૦ લાખ કેરીના રસના ટીનનું ઉત્પાદન થયું
તાલાલા પંથકના કિસાનોની કેરીના વિપુલ પાકનું ઘર આંગણે જ માર્કેટીંગ મળે તેવી વ્યવસ્થા ગોઠવવા વર્ષાે જુની માગણી પરિપુર્ણ કરવા કેનીંગ પ્લાનને ગૃહઉદ્યોગ તરીકે માન્યતા આપવા માગણી ઉઠી છે. કેસર કેરીને આબોહવા અનુકુળ હોય ત્યારે સો કરોડથી વધુનો પાક તૈયાર થાય છે. પણ યોગ્ય માર્કેટીંગના અભાવે વેચાણ કરવું કિસાનો માટે કઠીન બનતું હોય રાજય સરકાર દ્વારા અદ્યતન કેસર કેરીનો પ્લાન કાર્યરત કરી કિસાનોની વહારે આવે તેવી માગણી હતી. આખરે ત્રણ વર્ષથી કેરીનું પ્રોસેસીંગ કરવા પ્લાન્ટો શરૃ થતાં કિસાનોને રાહત મળી છે.
ગીરમાં ત્રણ મોટા પ્લાન્ટ દ્વારા કેરીનું પ્રોસેસીંગ થઈ રહ્યું છે. આ વર્ષે એક હજાર બોકસની એક ગાડી એવી ૮૦૦ જેટલી ગાડીનું પ્રોસેસીંગ થયું છે. જેમાંથી એક લીટરના સાંઈઠ લાખ કેરીના રસના ટીનનું ઉત્પાદન થયું છે. વિવિધ કેનીંગ પ્લાનમાં રૃ.૩૬ કરોડનો વિવિધ વજનના પેકીંગમાં ટીનનો જથ્થો ઉપલબ્ધ છે.
કેસર કેરીના પ્રોસેસીંગ ઉદ્યોગને વેગ આપવા માટે રાજય સરકારે પ્રોત્સાહક યોજના જાહેર કરવી જોઈએ અને વેટ અને એકસાઈઝ ડયુટી માફ કરવી જોઈએ તેવી માગણી ઉઠી છે.

તુલસીશ્યામ મંદિરમાંથી છ મહિના પૂર્વે ચોરાયેલો સોનાનો હાર ગમાણમાં મળ્યો.


  • મંદિરથી એક કિ.મી. દૂર ગૌશાળામાં હાર કોણે રાખ્યો ? અન્ય આભુષણો હજૂ મળ્યા નથી
ઉના :  તૂલસીશ્યામ ખાતે મધ્યગીરમાં આવેલા શ્યામસુંદર ભગવાનની ર્મૂતિ પર ચડાવેલા પાંચ લાખના મુગટ અને સોનાનો હાર છ માસ પહેલા ચોરાયો હતો. કર્મચારીઓની આકરી પુછપરછ છતાં ચોરીનો ભેદ ઉકેલાયો ન હતો. પણ, ગઈ કાલે મંગળવારે ત્યાંની ગૌશાળામાં વાસીદુ કરતા એક કર્મચારીને ચોરી થયેલો સોનાનો હાર મળી આવતા પોલીસને બોલાવી મુદામાલ તરીકે સોંપવામાં આવ્યો છે. જો કે, આ હારમાંનું પેડલ હજૂ ગુમ જ છે. ગત જાન્યુઆરી માસમાં વહેલી સવારે મંગળા આરતી બાદ પુજારી વિનોદભાઈ માણેકલાલ જાની ભોજનાલયમાં ચા પીવા ગયા હતાં. માત્ર અડધી કલાકમાં શ્યામસુંદરના નીજ મંદિરના નકૂચા તોડી સાડા તેર તોલાનો સોનાનો હાર, ચાંદીનો મુગટ, ચાંદીની ગદા, ચાંદીના અને સોનાના ઢાળવાળા મુગટ, ચાંદીના મુગટ પાછળનું કીરીટ, કાનના કુડલ, પદમની ખોળ મળી કુલ પાંચ લાખના કિંમતના સોના ચાંદીના દાગીનાની ચોરી થઈ ગઈ હતી. આ બનાવની ફરિયાદ નોંધાઈ હતી. જે પછી પોલીસે તપાસ ચાલુ કરતા અને સ્ટાફને પૂછતાછ છતાં મુદામાલ મળી આવ્યો ન હતો. ગત મંગળવારે મંદિરથી એક કિલોમીટર દુર મંદીરની ગૌશાળામાં વાસીદુ કામ કરી રહેલા સફાઈ કર્મચારી કિશોર ચીથર (રહે. બોરડી તા.મહુવા)ને સોનાનો હાર મળી આવતા તેમણે મહંત ભોળાનાથ બાપુને આ હાર સુપ્રત કર્યો હતો. બાદમાં મંદીરના ટ્રષ્ટીઓને જાણ કરવામાં આવતા આખરે પોલીસ સુધી જાણ કરવામાં આવી હતી. જેના પગલે જિલ્લા એલસીબી પોલીસ ઈન્સપેકટર હરેશ વોરા પહોચી ગયા હતાં. જેને આ હાર મુદામાલ તરીકે સોંપવામાં આવ્યો હતો. જેનું વજન કરાવવામાં આવતા ૧૧૦.૬૦ ગ્રામ થયું હતુ. સોનાના હારમાં જડેલું પેડલ ગૂમ હતુ. હવે સવાલ એ છે કે, આ હાર ગમાણ સુધી કેમ પહોંચી ગયો ? બાકીના આભુષણો કયાં ? ચોરી થયા પછી છ માસે આ હાર કેમ મળી આવ્યો ? વગેરે પ્રશ્નો અનુતર છે એ તરફ તપાસ કરવી જોઈએ.

ગિરનાર જંગલમાં ધોધમાર ૬ ઇંચ વરસાદ.


ગિરનાર જંગલમાં ધોધમાર ૬ ઇંચ વરસાદ

Bhaskar News, Junagadh   |  Jul 22, 2013, 01:10AM IST
જંગલમાં ઝરણા વહયા, મનોહર દ્રશ્ય

ગિરનાર જંગલમાં ધોધમાર વરસાદથી પર્વતો જાણે પાણીથી ધરાયા હોય તેમ સરવાણીઓ ફૂટી વહી નિકળી રહી અને જંગલમાં ટેકરીઓમાંથી ઝરણાઓ વહેવા લાગ્યા હતા.

દામોદરકુંડ છલોછલ
ગિરનાર જંગલ અને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદથી દામાકુંડમાં પાણી આવ્યુ હતુ અને છલોછલ ભરાઇ ગયો હતો.

ભવનાથમાં લોકોએ કુદરતી સૌંદર્યની મજા માણી

આજે સવારથી જ ભવનાથ વિસ્તારમાં લોકો ઉમટી પડયા હતા અને વરસાદી માહોલ વચ્ચે કુદરતે ભવનાથમાં વેરેલા સૌંદર્યની મજા માણી હતી. ઢળતી સાંજે પણ ભવનાથમાં મનોરમ્ય દ્રશ્યો જોવા મળ્યા હતા.

વાદળો વચ્ચે ગિરનાર પર્વત ઢંકાયો
સવારથી આકાશમાં કાળા
ડીંબાગ વાદળો છવાઇ ગયા હતા અને જાણે વાદળો વચ્ચે ગિરનાર પર્વત ઢંકાય ગયો હોય તેવું દ્રશ્ય ખડુ થયું હતું.

શાંતેશ્વરમાં દિવાલ પડી
આજે દિવસભર એકધારા પડેલા વરસાદને કારણે શાંતેશ્વર વિસ્તારમાં ગટરની દિવાલ તૂટી પડી હતી.

ક્યાં કેટલો વરસાદ(ઇંચમાં)
વડાલ   ૪
તાલાલા         ૨//
મેંદરડા ૨//
વિસાવદર       ૧/
ભેંસાણ ૦//
કેશોદ   ૧/
માળિયા         ૦//
માણાવદર      ૦//
માંગરોળ        ૦//
ધોરાજી ૦//
ગોંડલ ૧
ભાયાવદ       ર ૨
ભાણવડ ૦//
લાલપુર         ૦//
ધારી    ૦//
ચુડા    ૨
ગિરનાર જંગલમાં ધોધમાર ૬ ઇંચ વરસાદ
- હસ્નાપુર ડેમમાં ૪ ફૂટ નવા નીરની આવક
- સોનરખ બે કાંઠે: શહેરમાં દોઢ ઇંચ પાણી પડયું


જૂનાગઢ શહેર પર છેલ્લા કેટલાક દિવસોથી મેઘરાજાએ હેત વરસાવવાનું જારી રાખ્યું છે. આજે પણ વહેલી સવારથી મેઘાએ સટાસટી બોલાવવાનું શરૂ કર્યુ હતું. ગિરનાર જંગલ અને ઉપરવાસમાં ધોધમાર ૬ ઇંચ વરસાદથી હસનાપુર ડેમમાં ૪ ફૂટ નવા નીરની આવક થઇ હતી. જંગલ વિસ્તારમાં ભારે વરસાદથી સોનરખ નદી બે કાંઠે વહી હતી. જ્યારે શહેરમાં દિવસ દરમિયાન દોઢ ઇંચ પાણી પડયું હતું.

મેઘરાજાએ આજે સવારથી જ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. ગિરનાર જંગલ અને ઉપરવાસમાં એકધારા જોરદાર વરસાદથી ૬ ઇંચ પાણી પડયું હતું. ગિરનાર જંગલ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડતા સોનરખ અને કાળવો બે કાંઠે વહેવા લાગ્યા હતા. જ્યારે શહેર મધ્યે આવેલા નરસિંહ સરોવરમાં પણ પાણી આવ્યું હતું. આજે રવિવારે ભવનાથ અને ગિરનાર જંગલમાં વરસાદ વરસતા સવારથી જ ભવનાથ વિસ્તારમાં લોકોની ચહલ-પહલ જોવા મળી હતી. લોકોએ વરસાદી માહોલ વચ્ચે ભવનાથમાં કુદરતી સૌંદર્યનો ભરપુર આનંદ માણ્યો હતો. જંગલમાં સારો એવો વરસાદ પડતા હસનાપુર ડેમમાં ૪ ફૂટ નવા નીરની આવક થઇ હતી. વહેલી સવારથી શરૂ થયેલા વરસાદ બપોરનાં ૩ વાગ્યા સુધી એકધારો શરૂ રહ્યો હતો. જો કે, ત્યારબાદ થોડીવાર વિરામ લીધો હતો અને ઝરમરીયા છાંટા ચાલુ રહ્યા હતા. શહેરમાં એકધારા વરસાદથી દોઢ ઇંચ પાણી પડયું હતું.

ઘણા લોકો વરસાદની મજા માણવા રસ્તા પર નિકળી પડયા હતા. ઉપરવાસમાં પડેલા ભાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જ્યારે કાળવાપુલ પર અને નરસિંહ મહેતા સરોવરમાં પાણી જોવા માટે લોકો ઉમટયા હતા.