Tuesday, July 23, 2013

તુલસીશ્યામ મંદિરમાંથી છ મહિના પૂર્વે ચોરાયેલો સોનાનો હાર ગમાણમાં મળ્યો.


  • મંદિરથી એક કિ.મી. દૂર ગૌશાળામાં હાર કોણે રાખ્યો ? અન્ય આભુષણો હજૂ મળ્યા નથી
ઉના :  તૂલસીશ્યામ ખાતે મધ્યગીરમાં આવેલા શ્યામસુંદર ભગવાનની ર્મૂતિ પર ચડાવેલા પાંચ લાખના મુગટ અને સોનાનો હાર છ માસ પહેલા ચોરાયો હતો. કર્મચારીઓની આકરી પુછપરછ છતાં ચોરીનો ભેદ ઉકેલાયો ન હતો. પણ, ગઈ કાલે મંગળવારે ત્યાંની ગૌશાળામાં વાસીદુ કરતા એક કર્મચારીને ચોરી થયેલો સોનાનો હાર મળી આવતા પોલીસને બોલાવી મુદામાલ તરીકે સોંપવામાં આવ્યો છે. જો કે, આ હારમાંનું પેડલ હજૂ ગુમ જ છે. ગત જાન્યુઆરી માસમાં વહેલી સવારે મંગળા આરતી બાદ પુજારી વિનોદભાઈ માણેકલાલ જાની ભોજનાલયમાં ચા પીવા ગયા હતાં. માત્ર અડધી કલાકમાં શ્યામસુંદરના નીજ મંદિરના નકૂચા તોડી સાડા તેર તોલાનો સોનાનો હાર, ચાંદીનો મુગટ, ચાંદીની ગદા, ચાંદીના અને સોનાના ઢાળવાળા મુગટ, ચાંદીના મુગટ પાછળનું કીરીટ, કાનના કુડલ, પદમની ખોળ મળી કુલ પાંચ લાખના કિંમતના સોના ચાંદીના દાગીનાની ચોરી થઈ ગઈ હતી. આ બનાવની ફરિયાદ નોંધાઈ હતી. જે પછી પોલીસે તપાસ ચાલુ કરતા અને સ્ટાફને પૂછતાછ છતાં મુદામાલ મળી આવ્યો ન હતો. ગત મંગળવારે મંદિરથી એક કિલોમીટર દુર મંદીરની ગૌશાળામાં વાસીદુ કામ કરી રહેલા સફાઈ કર્મચારી કિશોર ચીથર (રહે. બોરડી તા.મહુવા)ને સોનાનો હાર મળી આવતા તેમણે મહંત ભોળાનાથ બાપુને આ હાર સુપ્રત કર્યો હતો. બાદમાં મંદીરના ટ્રષ્ટીઓને જાણ કરવામાં આવતા આખરે પોલીસ સુધી જાણ કરવામાં આવી હતી. જેના પગલે જિલ્લા એલસીબી પોલીસ ઈન્સપેકટર હરેશ વોરા પહોચી ગયા હતાં. જેને આ હાર મુદામાલ તરીકે સોંપવામાં આવ્યો હતો. જેનું વજન કરાવવામાં આવતા ૧૧૦.૬૦ ગ્રામ થયું હતુ. સોનાના હારમાં જડેલું પેડલ ગૂમ હતુ. હવે સવાલ એ છે કે, આ હાર ગમાણ સુધી કેમ પહોંચી ગયો ? બાકીના આભુષણો કયાં ? ચોરી થયા પછી છ માસે આ હાર કેમ મળી આવ્યો ? વગેરે પ્રશ્નો અનુતર છે એ તરફ તપાસ કરવી જોઈએ.

No comments: