Sunday, June 1, 2014

અમરેલી: રાજુલાના ખાખબાઇમા વધુ એક દપિડો પાંજરે સપડાયો.

Dilip Raval, Amreli | May 31, 2014, 18:38PM IST
અમરેલી: રાજુલાના ખાખબાઇમા વધુ એક દપિડો પાંજરે સપડાયો
- રાજુલાના ખાખબાઇમા વધુ એક દપિડો પાંજરે સપડાયો
- હજુ ગઇકાલે પણ એક દપિડો પાંજરે પુરાયો હતો
- લોકોએ રાહતનો શ્વાસ લીધો
 
રાજુલા જાફરાબાદના દરિયાકાંઠા વિસ્તારોમાં અનેક સાવજો તેમજ દપિડાઓ વસવાટ કરી રહ્યાં છે. ત્યારે હજુ ગઇકાલે અહીના ખાખબાઇની સીમમાંથી એક દપિડો પાંજરે સપડાયો હતો. ત્યાં આજે વધુ એક દપિડાને પાંજરે પુરવામા વનવિભાગને સફળતા મળી હતી. અહી દિલુભાઇ અમરૂભાઇ વરૂની વાડીમા પાંજરૂ ગોઠવવામા આવ્યુ હતુ. દપિડો પાંજરે પુરાઇ જતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

ગીરગઢડામાં કુવામાં ખાબકેલા સિંહબાળને બચાવાયું.

Bhaskar News, Una | Jun 01, 2014, 00:29AM IST
ગીરગઢડામાં કુવામાં ખાબકેલા સિંહબાળને બચાવાયું
- ગીરગઢડામાં કુવામાં ખાબકેલા સિંહબાળને બચાવાયું
- રેસ્ક્યુ : સાત સિંહનું ગૃપ સવારમાં સીમમાંથી જંગલ તરફ જઈ રહ્યું હતું ત્યારે બની ઘટના
- વન વિભાગની ટીમનું રેસ્કયુ ઓપરેશન

ગીરગઢડામાં એક સિંહબાળ કુવામાં ખાબકી જતાં વન વિભાગે રેસ્કયુ કરી તેને બચાવી લીધુ હતું. સાત સિંહનું ગૃપ સીમમાંથી જંગલ તરફ જઇ રહયું હતું ત્યારે આ ઘટના બની હતી. રેસ્કયુ વખતે લોકોનાં ટોળા ઉમટી પડયાં હતાં.

ગીરગઢડામાં જામવાળા રોડ પર રહેતાં કરણાભાઇ દેવશીભાઇ ભાલીયાનાં મકાન પાસેથી આજે વહેલી સવારનાં અરસામાં સાત સિંહોનું ગૃપ જંગલ તરફ જઇ રહયું હતું ત્યારે પાણી વગરનાં ૨૦ ફૂટ ઉંડા ખુલ્લા કુવામાં એક સિંહબાળ ખાબકી ગયું હતું. સવારનાં ઘરની આસપાસ પાણીની પાઇપ લાઇન તૂટેલી જોવા મળતાં કરણાભાઇ અને તેનો પરિવાર નવાઇ પામી ગયો હતો અને તપાસ કરતાં કુવામાંથી આવતાં અવાજથી અંદર જોતા સિંહનું બચ્ચું જોવા મળ્યું હતું.

આ સમયે જિ.પં.નાં સભ્ય બાલુભાઇ હિ‌રપરા અને સરપંચ કેશુભાઇ અહીંયાથી પસાર થતાં હોય તેમને ઝાંખીયા વન વિભાગને વાકેફ કરતાં તેઓએ જશાધાર રેન્જનાં આરએફઓ બી.ટી. આહિ‌રને જણાવતાં રેસ્કયુ ટીમ પાંજરા સાથે સ્થળ પર પહોંચી ગયેલ અને સિંહબાળને કુવામાંથી સલામત રીતે કાઢી પાંજરામાં પુરી એનિમલ કેર સેન્ટર ખાતે લઇ જવાયું હતું. જયાં વેટરનરી તબીબે તેનું પરિક્ષણ કરી કોઇ ઇજા ન હોવાનું જણાતા આ બચ્ચાને જંગલમાં તેના પરિવાર સાથે મિલન કરાવી દીધું હતું. આ રેસ્કયુ દરમિયાન લોકોનાં ટોળા સ્થળ પર ઉમટી પડયાં હતાં.

દંપતિએ ઘરમાં બનાવ્યુ કિચન ગાર્ડન, ઉગાડ્યા શાકભાજી.

Bhaskar News, Junagadh | May 31, 2014, 09:55AM IST
દંપતિએ ઘરમાં બનાવ્યુ કિચન ગાર્ડન, ઉગાડ્યા શાકભાજી
- જૂનાગઢનાં દંપતિએ ઘરમાં બનાવ્યું કીચન ગાર્ડન
- ન્યૂ ટ્રેન્ડ - કૃષિ યુનિવર્સિ‌ટીનાં કવાર્ટરમાં રહેતા દંપતિએ અનેક શાકભાજી, ફળ અને ફૂલો ઉગાડયાં

આજની ફાસ્ટ લાઇફમાંથી ફ્રેશ થવા કે પછી મનને શાંતી મળે તે હેતુથી લોકો પ્રકૃતિ, કુદરતી વાતાવરણ તરફ વળી રહેલા જોવા મળે છે. જોકે, કોંક્રીંટનાં જંગલો, ઇલેકટ્રોનિક ઉપકરણો, ફાસ્ટ ફૂડવાળી જીંદગીમાંથી જો ક્યારેક કુદરતનાં સાનિધ્યમાં વિહરવાનો મોકો મળે તે પણ ખૂબ મોટી વાત છે. ત્યારે જૂનાગઢમાં રહેતા કે. બી. પરમાર દંપતિએ પોતાના ઘરમાં સુંદર કિચન ગાર્ડન બનાવ્યું છે. જેમાં નાનાકડા ફળિયામાં ખૂબ જ મોટી સંખ્યામાં ફળ, ફૂલ અને શાકભાજી ઉગાડયા છે.

ડો. કે. બી. પરમાર અને તેમના પત્ની છેલ્લા થોડા સમયથી કૃષિ યુનિવર્સિ‌ટીનાં કવાર્ટરમાં રહે છે. હજુ પાંચેક મહિ‌ના પૂર્વે જ તેમને કેમ્પસ પરિસરમાં ક્વાર્ટર મળ્યું છે. ત્યારે આટલા ટૂંકા ગાળામાં જ તેઓએ વિવિધ શાકભાજી, ફૂલ અને ફળ ઉગાડયા છે. આ વિશે નંદુબેન પરમારે જણાવ્યું હતું કે, અમે અહીં રહેવા આવ્યા ત્યારે મોટું ઘાસ ઉગેલું હતું. આ ઘાસને સાફ કરવામાં તેઓને અઠવાડીયા જેટલો સમય લાગી ગયો હતો. આજે એ જગ્યામાં શાકભાજીની પચાસેક જાતો હશે. ઉપરાંત જસ્મીન, જૂઇ, ડોલર, ગુલાબ, ચંપો, મધુમાલતી વગેરે જેવા સુગંધી ફૂલો પણ ખરા.

શહેરમાં વસતા લોકો આ પ્રકારે ઘરમાં જ શાકભાજી અને ફળ ઉગાડતા થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા કિચન ગાર્ડનની એક યોજના ચાલે છે. જેમાં જિલ્લાનાં નાયબ નિયામક (બાગાયત) દ્વારા કિચન ગાર્ડનનો વ્યાપ વધે તે માટે દર વર્ષે સ્પર્ધા પણ યોજાતી રહે છે.
દંપતિએ ઘરમાં બનાવ્યુ કિચન ગાર્ડન, ઉગાડ્યા શાકભાજી
દરરોજ ૩ કલાક બગીચાનું જતન કરે છે

ડો. કે. બી. પરમાર આ બગીચાની સારસંભાળ માટે ૩ કલાકનો સમય ફાળવે છે. નંદુબેન પરમારનાં જણાવ્યા મુજબ, બગીચાની સારસંભાળ રાખવાથી અનેક પ્રકારના ફાયદા થાય છે. તેમાનો એક છે શરીરને સંપૂર્ણ કસરત મળી રહે છે.

રીંગણા, ભીંડો, સરગવો જેવા પ૦ જાતના શાકભાજી

આ બગીચામાં રીંગણા, ભીંડો, સરગવો, દુધી, મૂળા, મરચા, કોબીજ, ટીંડોરા, ડુંગળી, બીટ, ગરમર, મોગરી, પાલક, ગલકા, પાંદડી, કંટોલા, સક્કરીયા, ફૂદિનો, અગઠીયા જેવા વિવિધ પ્રકારનાં પ૦ જેટલી જાતના શાકભાજી ઉગાડવામાં આવ્યા છે.

નવા પીપળીયા ગામે પ્રૌઢ પર સિંહણનો હુમલો : પીઠમાં ઇજા.

Bhaskar News, Junagadh | May 31, 2014, 01:05AM IST
- નવા પીપળીયા ગામે પ્રૌઢ પર સિંહણનો હુમલો : પીઠમાં ઇજા
- વાડી માલિકની સુચનાથી સિંહણ જોવા ગયો, પણ નશામાં હતો એટલે સિંહણ દેખાઇ જ નહીં

જૂનાગઢ તાલુકાનાં નવા પીપળીયા ગામે વાડી વિસ્તારમાં આજે સાંજે પોણા સાત વાગ્યાના અરસામાં ખેતરમાં સિંહણ આવી ચઢી હતી. ખેતરમાં સિંહણ આવી છે કે નહિં, એ જોવા માટે ગયેલા એક પ્રૌઢને સિંહણે ઘાયલ કર્યા હતા. નવા પીપળીયા ગામે રહેતા સાદુરભાઇ નાગભાઇ ચાંદ્રોડ નામના પ્રૌઢ ધીરૂભાઇ પુંજાભાઇ હીરપરાની વાડીએ કામ કરતા હતા. તે દરમિયાન વાડી માલિક ધીરૂભાઇએ સાદુરભાઇને કહ્યું કે, વાડીમાં સિંહ આવ્યો લાગે છે.

જરા જોઇ આવતો. તેમ કહેતા વાડીમાં સિંહ આવ્યા છે કે નહિ‌ તે જોવા માટે સાદુરભાઇએ વાડીમાં ઝાડ ઉપર ચઢીને સિંહ આવ્યા છે કે નહીં તે જોવા જતા અંધારાને લીધે લિમડા પાસેજ બેઠેલી સિંહણ નજરે ચઢી ન હતી.

પરિણામે સિંહણથી એક મિટર દુર રહેલા સાદુરભાઇ લીમડાના ઝાડ પર ચઢવા જઇ રહ્યા હતા. તે દરમિયાન સિંહણે તેમના ઉપર તરાપ મારી વાંસાના તથા ખભાના ભાગે બચકા ભર્યા હતા. જેમાં સાદુરભાઇને ઇજા પહોંચતા સારવાર માટે બિલખા સરકારી હોસ્પિટલે ખસેડાયા હતા. આ બનાવ અંગે વન વિભાગના આરએફઓ કનેરીયાએ જણાવ્યું હતું કે, સાદુરભાઇ દારૂના નશામાં હોવાને કારણે સિંહણ નજીક આવી ગઇ હોવાથી તેમનાં ધ્યાને આવી ન હતી.

સિંહનાં મોત સામે લોકાયુક્તમાં ફરિયાદ : પગલા લેવાની માંગ.


Bhaskar News, Veraval | May 30, 2014, 00:38AM IST
 
- સિંહનાં મોત સામે લોકાયુક્તમાં ફરિયાદ : પગલા લેવાની માંગ

જંગલ વિભાગનાં અધિકારીઓ ફરજમાં બેદરકારી દાખવતા હોવાની લેખિત રજૂઆત ગુજરાત રાજ્ય પર્યાવરણ બચાવ સમિતિનાં રજાક બ્લોચ દ્વારા રાજ્યનાં લોકાયુક્ત વિભાગમાં કરી જવાબદાર અધિકારીઓ સામે પગલા લેવાની માંગણી કરેલ છે. ગુજરાત રાજ્ય પર્યાવરણ બચાવ સમિતિનાં પ્રમુખ રજાક બ્લોચ દ્વારા કરેલ લેખિત રજૂઆતમાં જણાવેલ કે, ગીર અભ્યારણ વિસ્તારમાં થતી ગેરકાયદેસર પ્રવૃતિ અટકાવવામાં નિષ્ફળ ગયેલ હોય તેમ વર્ષ ૧૯૬પ તથા ૧૯૭૪માં ગીર અભ્યારણ વિસ્તારની થયેલ માપણી મુજબ કુલ ૧૪૧૨.૧૩ ચો.કી.મી.નું ક્ષેત્રફળ હતુ પરંતુ હાલમાં આ વિસ્તારમાં ઘણુ દબાણ થયેલ હોવાનો આક્ષેપ કરેલ છે. અને ખનિજચોરો દ્વારા બેફામ પણે ગીર અભ્યારણ વિસ્તારમાંથી ખનીજ ચોરી કરવામાં આવી રહેલ હોવાનું જણાવેલ છે.

આ ઉપરાંત ઇ.સ.૧૯૯પમાં થયેલ સિંહ ગણતરી મુજબ ૩૦૪ સિંહો હતા અને વર્ષ ૨૦૦૧માં ૩૨૭ સિંહો હતા જ્યારે વર્ષ ૨૦૦પમાં ૩પ૯, વર્ષ ૨૦૧૦માં ૪૧૧ સિંહો હતા અને આ આંકડા મુજબ છેલ્લા વીસ વર્ષમાં ૧૦૭ સિંહની સંખ્યામાં વધારો થયેલ તેની સામે છેલ્લા પાંચ વર્ષમાં ૨૩૭ સિંહોનાં સત્તાવાર મૃત્યું નિપજેલ છે. ગીર અભ્યારણ વિસ્તારમાં ૮૪પ માલધારી કુટુંબ વસવાટ કરતા તે પૈકીના માલધારીઓ પાસે ૧૬૮૪૨ ઢોરની સંખ્યા હતા. અને આ અભ્યારણમાં સિંહોને પુરતા પ્રમાણમાં શિકાર મળી રહેતો પરંતુ વર્ષ ૧૯૮૬ દરમ્યાન જંગલખાતા દ્વારા પ૮૦ માલધારી કુટુંબને અભ્યારણ બહાર કાઢી મુકવામાં આવ્યા અને અભ્યારણ વિસ્તારમાં ઉદ્યોગને બાંધકામ કરવા પર પ્રતિબંધ હોવા છતા આ કાયદાનો ભંગ થઇ હોવાનું રજૂઆતમાં જણાવેલ છે.

કોડીનાર પંથકનાં ચીડીવાવ ગામે દિપડો કુવામાં ખાબક્યો.

કોડીનાર પંથકનાં ચીડીવાવ ગામે દિપડો કુવામાં ખાબક્યો
Bhaskar News, Kodinar | May 29, 2014, 01:55AM IST
દોડધામ : રાત્રીનાં અંધકારમાં ખાબક્તા રેસ્કયુ

૧ કલાકની જહેમત બાદ વનવિભાગે દિપડાને બહાર કાઢયો

કોડીનાર તાલુકાનાં ચીડીવાવ ગામે એક દિપડો ખેતરનાં કુવામાં ખાબક્યો હતો. આ અંગની જાણ થતાં વનવિભાગની રેસ્ક્યુ ટીમ ત્યાં દોડી ગઇ હતી. અને એક કલાકની જહેમતનાં અંતે દિપડાને બહાર કાઢયો હતો. દિપડો ગતરાત્રિનાં કુવામાં ખાબક્યો હોવાનું મનાઇ રહ્યું છે. જોકે, વાડી માલિકને માલુમ પડતાં તેણે વનવિભાગને આજે સાંજે તેની જાણ કરી હતી.

કોડીનાર તાલુકાનાં ચીડીવાવ ગામે આવેલી જશાભાઇ રામસીંગભાઇની વાડીનાં ખુલ્લા કુવામાં એક દિપડો પડી ગયાનું આજે સાંજે પ:૩૦ વાગ્યાનાં અરસામાં ધ્યાને આવ્યું હતું. આ અંગે જામવાળા સ્થિત વનવિભાગની કચેરીને જાણ કરાઇ હતી. આથી જામવાળાનાં આરએફઓ એલ. ડી. પરમાર, ફોરેસ્ટર રાઠોડભાઇ, પ્રતાપભાઇ, રણજીતભાઇ અને રેસ્ક્યુ ટીમનાં બુધેશભાઇ તુરતજ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

કાંઠા વગરનાં ખુલ્લા કુવામાંથી એક કલાકની જહેમત બાદ દિપડાને સહીસલામત રીતે બહાર કાઢયો હતો. બાદમાં દિપડાને તબીબી તપાસ માટે સાસણ ખાતે મોકલી અપાયો હતો. દિપડો ૮ થી ૯ વર્ષની વયનો નર હોવાનું જાણવા મળ્યું છે. આ દિપડો ગતરાત્રિ દરમ્યાન મોરને અથવા કોઇ શિકારને પકડવા દોડતી વખતે કુવામાં પડી ગયાનું મનાઇ રહ્યું છે.

તાલાલામાં સીદી આદિવાસીઓનું પાલિકા સામે ઉપવાસ આંદોલન શરૂ.

તાલાલામાં સીદી આદિવાસીઓનું પાલિકા સામે ઉપવાસ આંદોલન શરૂ
Bhaskar News, Talala | May 29, 2014, 01:51AM IST
મળવા પાત્ર વિવિધ ૧૮ મુદ્દાઓ સાથે લડત આદરી
 
તાલાલા શહેરમાં વસતા સીદી આદિવાસી સમાજનાં લોકોએ પાયાની સવલતો પુરી પાડવા અને આદીવાસી તરીકે મળવા પાત્ર લાભો મળતા ન હોય સીદી સમાજનાં ગરીબ અને પછાત પરિવારોને સરકારનો વિવિધ યોજના હેઠળનાં લાભો પુરા પાડવા અઢાર મુદ્દાની માંગ સાથે તાલાલા નગરપાલિકા સામે સીદી સમાજનાં લોકોએ ઉપવાસ આંદોલન શરૂ કર્યુ છે.

સૌરાષ્ટ્ર સીદી આદી જાતી વિકાસ મહીલા સંગઠનનાં નેજા હેઠળ શરૂ થયેલ આંદોલન અંગે સંગઠનનાં અગ્રણી હાસુભાઇ રજબભાઇ પરમારે જણાવેલ કે આંદોલન પહેલા અમોએ તાલાલા નગર પાલિકા સમક્ષ માંગો રજૂ કરી મળવાપાત્ર સવલતો અપાવવા રજૂઆતો કરેલ અને માંગ નહીં પુરી કરાય તો ના છૂટકે આંદોલન કરવાની જાણ કરેલ આજ સુધી નગરપાલિકાનાં સત્તાધીશો તરફથી રજૂઆતો અંગે ધ્યાન ન અપાતા ઉપવાસ આંદોલન શરૂ કરેલ છે.

આંદોલન માટે મુખ્ય મુદ્દા ઘર માટે જમીન આપવી, જૂના મકાનો પાડી નવા બનાવી આપવા, પીવા માટે શુધ્ધ પાણી આપવુ દરેક ઘરોમાં નળ કનેકશનો આપવા સીદી વાડા માટે અલગથી પાણીનો ઓવરહેડ ટાંકો બનાવી આપવો. પ્રસંગો માટે સીદી ભવન બનાવવુ, સીદી વિસ્તારમાં ભુગર્ભ ગટર સહિ‌ત વિવિધ અઢાર માંગો સાથે શરૂ થયેલા ઉપવાસ આંદોલનને પ્રથમ દિવસે જ ભારે સહકાર મળ્યો હતો જવાબદાર વહીવટી તંત્ર રજૂઆતોનાં ઉકેલ માટે ધ્યાન નહીં આપે તો આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનાવાશે. ઉલ્લેખનીય એ છેકે, ઉપવાસ છાવણીમાં સીદી આદિવાસીઓનાં પ્રતિનિધીઓએ કહ્યું હતુ કે, શહેરમાં મળવા પાત્ર લાભો પણ ન મળતા હોય ત્યારે રજૂઆત પછી સૌરાષ્ટ્રનાં સંગઠનનાં નેતૃત્વમાં આ પગલુ લઇ પાલિકા સામે આંદોલનનાં મંડાણ કર્યા છે.