Sunday, June 1, 2014

ગીરગઢડામાં કુવામાં ખાબકેલા સિંહબાળને બચાવાયું.

Bhaskar News, Una | Jun 01, 2014, 00:29AM IST
ગીરગઢડામાં કુવામાં ખાબકેલા સિંહબાળને બચાવાયું
- ગીરગઢડામાં કુવામાં ખાબકેલા સિંહબાળને બચાવાયું
- રેસ્ક્યુ : સાત સિંહનું ગૃપ સવારમાં સીમમાંથી જંગલ તરફ જઈ રહ્યું હતું ત્યારે બની ઘટના
- વન વિભાગની ટીમનું રેસ્કયુ ઓપરેશન

ગીરગઢડામાં એક સિંહબાળ કુવામાં ખાબકી જતાં વન વિભાગે રેસ્કયુ કરી તેને બચાવી લીધુ હતું. સાત સિંહનું ગૃપ સીમમાંથી જંગલ તરફ જઇ રહયું હતું ત્યારે આ ઘટના બની હતી. રેસ્કયુ વખતે લોકોનાં ટોળા ઉમટી પડયાં હતાં.

ગીરગઢડામાં જામવાળા રોડ પર રહેતાં કરણાભાઇ દેવશીભાઇ ભાલીયાનાં મકાન પાસેથી આજે વહેલી સવારનાં અરસામાં સાત સિંહોનું ગૃપ જંગલ તરફ જઇ રહયું હતું ત્યારે પાણી વગરનાં ૨૦ ફૂટ ઉંડા ખુલ્લા કુવામાં એક સિંહબાળ ખાબકી ગયું હતું. સવારનાં ઘરની આસપાસ પાણીની પાઇપ લાઇન તૂટેલી જોવા મળતાં કરણાભાઇ અને તેનો પરિવાર નવાઇ પામી ગયો હતો અને તપાસ કરતાં કુવામાંથી આવતાં અવાજથી અંદર જોતા સિંહનું બચ્ચું જોવા મળ્યું હતું.

આ સમયે જિ.પં.નાં સભ્ય બાલુભાઇ હિ‌રપરા અને સરપંચ કેશુભાઇ અહીંયાથી પસાર થતાં હોય તેમને ઝાંખીયા વન વિભાગને વાકેફ કરતાં તેઓએ જશાધાર રેન્જનાં આરએફઓ બી.ટી. આહિ‌રને જણાવતાં રેસ્કયુ ટીમ પાંજરા સાથે સ્થળ પર પહોંચી ગયેલ અને સિંહબાળને કુવામાંથી સલામત રીતે કાઢી પાંજરામાં પુરી એનિમલ કેર સેન્ટર ખાતે લઇ જવાયું હતું. જયાં વેટરનરી તબીબે તેનું પરિક્ષણ કરી કોઇ ઇજા ન હોવાનું જણાતા આ બચ્ચાને જંગલમાં તેના પરિવાર સાથે મિલન કરાવી દીધું હતું. આ રેસ્કયુ દરમિયાન લોકોનાં ટોળા સ્થળ પર ઉમટી પડયાં હતાં.

No comments: