૧ કલાકની જહેમત બાદ વનવિભાગે દિપડાને બહાર કાઢયો
કોડીનાર તાલુકાનાં ચીડીવાવ ગામે એક દિપડો ખેતરનાં કુવામાં ખાબક્યો હતો. આ અંગની જાણ થતાં વનવિભાગની રેસ્ક્યુ ટીમ ત્યાં દોડી ગઇ હતી. અને એક કલાકની જહેમતનાં અંતે દિપડાને બહાર કાઢયો હતો. દિપડો ગતરાત્રિનાં કુવામાં ખાબક્યો હોવાનું મનાઇ રહ્યું છે. જોકે, વાડી માલિકને માલુમ પડતાં તેણે વનવિભાગને આજે સાંજે તેની જાણ કરી હતી.
કોડીનાર તાલુકાનાં ચીડીવાવ ગામે આવેલી જશાભાઇ રામસીંગભાઇની વાડીનાં ખુલ્લા કુવામાં એક દિપડો પડી ગયાનું આજે સાંજે પ:૩૦ વાગ્યાનાં અરસામાં ધ્યાને આવ્યું હતું. આ અંગે જામવાળા સ્થિત વનવિભાગની કચેરીને જાણ કરાઇ હતી. આથી જામવાળાનાં આરએફઓ એલ. ડી. પરમાર, ફોરેસ્ટર રાઠોડભાઇ, પ્રતાપભાઇ, રણજીતભાઇ અને રેસ્ક્યુ ટીમનાં બુધેશભાઇ તુરતજ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
કાંઠા વગરનાં ખુલ્લા કુવામાંથી એક કલાકની જહેમત બાદ દિપડાને સહીસલામત રીતે બહાર કાઢયો હતો. બાદમાં દિપડાને તબીબી તપાસ માટે સાસણ ખાતે મોકલી અપાયો હતો. દિપડો ૮ થી ૯ વર્ષની વયનો નર હોવાનું જાણવા મળ્યું છે. આ દિપડો ગતરાત્રિ દરમ્યાન મોરને અથવા કોઇ શિકારને પકડવા દોડતી વખતે કુવામાં પડી ગયાનું મનાઇ રહ્યું છે.
No comments:
Post a Comment