Thursday, April 30, 2015

ધારી: કરમદડીમાં દીપડીના બચ્ચાંની હત્યા કરનાર 3 ખેડૂત જેલહવાલે.

ધારી: કરમદડીમાં દીપડીના બચ્ચાંની હત્યા કરનાર 3 ખેડૂત જેલહવાલે
Bhaskar News, Dhari
Apr 04, 2015, 01:22 AM IST
 
- હત્યામાં વપરાયેલો પાવડો કબજે લેતું વનતંત્ર

ધારી: ધારી તાલુકાના કરમદડી ગામની સીમમાં ગુરુવારે દીપડીના બચ્ચાંએ ત્રણ ખેડૂતો પર હુમલો કરી ઘાયલ કર્યા બાદ ત્રણેય શખ્સોએ દીપડીના બચ્ચાંની હત્યા કર્યા બાદ વનતંત્રે તેની ધરપકડ કરી આજે હત્યામાં વપરાયેલ પાવડો અને લાકડું કબજે લીધા હતા. ત્રણેયને અદાલતમાં રજૂ કરાતા અદાલતે તેમને જેલહવાલે કરવાનો હુકમ કર્યો હતો.

કરમદડીના રામદાસ પ્રેમદાસ ગોંડલિયા ઉપરાંત તેમના સાઢુભાઇ બાઢડા ગામના રણછોડભાઇ હરિદાસ ગોંડલિયા અને ધીરૂભાઇ રામજીભાઇ વાઘારા પર ગુરુવારે સવારે દીપડીના બચ્ચાંએ હુમલો કર્યો હતો. રણછોડભાઇ કુદરતી હાજતે ગયા હતા ત્યારે બચ્ચાંએ હુમલો કરતા બાકીના બંને શખ્સો પણ દોડી આવ્યા હતા. બચ્ચાંએ ત્રણેય પર હુમલો કરતા સામાન્ય ઇજા પહોંચી હતી, પરંતુ ત્રણેય શખ્સોએ પાવડા અને લાકડાંના ઘા મારી તેના રામ રમાડી દીધા હતા.

 બીજી તરફ વનતંત્રે ગુરુવારે રાત્રે જ તેની ધરપકડ કર્યા બાદ આજે પાવડો અને લાકડું કબજે લેવામાં આવ્યા હતા. પાવડો અને લાકડાંના ઘા મારી ત્રણેય શખ્સોએ બચ્ચાંને મારી નાખ્યું હતું. દરમિયાન એસીએફ મુની સ્ટાફના એ.વી.ઠાકર, નિલેશભાઇ વેગડા વગેરેએ આરોપીઓ પાસે ઘટનાસ્થળનુ રિહર્સલ કરાવ્યું હતું અને વીડિયોગ્રાફી તથા ફોટોગ્રાફી પણ કરાવી હતી. દરમિયાન આજે ત્રણેયને ધારી કોર્ટમાં રજૂ કરવામાં આવતા અદાલતે તેને જેલહવાલે કરવાનો હુકમ કર્યો હતો.

ખાંભાનાં ભાડમાં ઘરમાં ઘુસી દીપડાએ 5 બકરાને ફાડી ખાધા.

Bhaskar News, Khambha
Apr 04, 2015, 00:36 AM IST

 
- ગ્રામજનોમાં ફફડાટ : દીપડાને પાંજરે પૂરવા માંગ

ખાંભા: ખાંભા તાલુકાના ભાડ ગામે છેલ્લા કેટલાક સમયથી એક દિપડાની રંજાડના કારણે લોકોમાં ભય ફેલાયો છે. ત્યારે ગતરાત્રીના દિપડાએ પાંચ બકરાના મારણ કરતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો.

દિપડો ઘરમા ઘુસી જવાની આ ઘટના ખાંભા તાલુકાના ભાડ ગામે બની હતી. અહી ગતરાત્રીના બારેક વાગ્યાના સુમારે અહી રહેતા શારદાબેન રઘુરામભાઇ નિમાવતના ઘરમા અચાનક દિપડો ઘુસી આવ્યો હતો. દિપડાએ ઘરના ફરજામા બાંધેલા પાંચ બકરાનુ મારણ કરી મોતને ઘાટ ઉતારી દીધા હતા. અગાઉ પણ આ દિપડાએ આ જ ઘરમાં ઘુસી બકરાનુ મારણ કર્યુ હતુ.

ઘટનાને પગલે ભાડ ગામના સરપંચ રસીકભાઇએ લેખિતમા વનવિભાગને રજુઆત કરી આ દિપડાને તાકિદે પાંજરે પુરવાની માંગણી કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે અઠવાડીયા પહેલા પણ આ દિપડાએ અહી રહેતા ભોજાભાઇ ગોકળભાઇના ઘરમાં ઘુસી એક વાછરડીનુ મારણ કર્યુ હતુ. આ દિપડાની છેલ્લા કેટલાક સમયથી રંજાડ હોવાથી ગ્રામજનોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. દિપડાના ભયના કારણે રાત્રીના સમયે ખેડૂતો ખેતરોમાં જતા પણ ડર અનુભવી રહ્યાં છે. ત્યારે વનવિભાગ દ્વારા તાકિદે અહી પાંજરૂ ગોઠવી આ દિપડાને પકડવાની કાર્યવાહી કરવામા આવે તેવુ લોકો ઇચ્છી રહ્યાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગીર જંગલમાં વસતા દિપડાઓ પણ હવે રેવન્યુ વિસ્તારમાં આંટાફેરા મારતા જોવા મળી રહ્યાં છે.

વન વિભાગ ધ્યાન દેતું નથી

ખાંભાના ભાડ ગામે દિપડાએ ઘરમાં ઘૂસી પાંચ બાંધેલા બકરાનું મારણ કરતાં ગ્રામજનોમાં ભારે ફફડાટનો માહોલ સર્જાયો છે. અગાઉ પણ વન વિભાગને રજૂઆત કરવા છતાં પણ આ વિસ્તારમાં પાંજરા મુકવામાં આવતા નથી અને દિપડાને પુરવાની કામગીરી કરવામાં ન આવતા લોકો તંત્રની કામગીરી સામે રોષે ભરાયા છે.

કેરીની સીઝનમાં કલ્ટારનો ઉપયોગ કર્યા બાદ પાંચ વર્ષ પછી આંબા બને છે નકામાં.


કેરીની સીઝનમાં કલ્ટારનો ઉપયોગ કર્યા બાદ પાંચ વર્ષ પછી આંબા બને છે નકામાં


Bhaskar News, Amreli

Apr 04, 2015, 00:14 AM IST
અમરેલી: અમરેલી જિલ્લામાં ગીર કાંઠાના તાલુકાઓમાં કેસર કેરીની મોટાપાયે ખેતી કરવામાં આવી રહી છે. એક જમાનામાં દેશી કેરી પુષ્કળ પાકતી પરંતુ હાલમાં ખેડૂતો માત્ર કેસર કેરી જ પકાવે છે. છેલ્લા કેટલાક વર્ષોથી લોકોના આરોગ્ય સાથે પણ ગંભીર ચેડા કરી કેરીના જીનમાં વૃધ્ધી કરતા રસાયણ કલ્ટારનો બેફામ ઉપયોગ થઇ રહ્યો છે. ઝડપથી અને મોટી કેરી પકાવવા માટે કલ્ટારના બેફામ ઉપયોગથી ખુદ કેસરની કેરીને પણ નુકશાન થઇ રહ્યુ છે. સરકારી તંત્ર માત્ર મુકપ્રેક્ષક બનીને તમાશો જુએ છે. પરંતુ લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા થઇ રહ્યા છે.
- એક દાયકામાં બદલાયુ ખેતીનું ચિત્ર : લોકો બને છે ગંભીર રોગનો ભોગ તથા તંત્ર મૌન
- રસાયણના બેફામ ઉપયોગથી જનારોગ્યની સાથે ખેતીને પણ વ્યાપક નુકસાન


કેરીની પ્રાકૃતિક અવસ્થામાં ખેતી થાય તેવુ દ્રશ્ય હવે ભાગ્યે જ નઝરે પડે છે. ખાસ કરીને રસાયણોના બેફામ ઉપયોગે આડો આંક વાળ્યો છે. શીયાળો ઉતરતા આંબે મોર આવે બાદમાં ખાખડીઓ બંધાય અને અંતે કેરી મોટી થાય. ચોમાસા પહેલા ખેડૂતો પુરો પાક લઇ લે તેવી સ્થિતીની જગ્યાએ હવે રસાયણોનો ઉપયોગ કરી કેરીનો વહેલો પાક લેવા પ્રયાસ થઇ રહ્યો છે. છેલ્લા એક-દોઢ દાયકાથી અમરેલી પંથકમાં કેરીની ખેતી કરતા ખેડૂતો દ્વારા કલ્ટારનો બેફામ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ રસાયણ જીનમાં વૃધ્ધી કરતુ રસાયણ છે.

કેરીની સિઝન શરૂ થાય તે પહેલા જ આંબાવાડીઓમાં દરેક આંબાના મુળમાં કલ્ટારનો રસ પાઇ દેવામાં આવે છે. જેના કારણે આંબામાં મોર પણ વહેલો આવે છે. ખાખડી પણ વહેલી આવે છે અને પાક પણ વહેલો આવે છે. ખેડૂતોને ઝડપથી મોટા ફળ મળે છે. પરંતુ કલ્ટારના ઉપયોગના કારણે કેરીનો રસ આકાર અને સ્વાદ બેહુદો બની જાય છે. સ્વાભાવિક રીતે જ આ રસાયણો લોકોના શરીરને ગંભીર નુકશાન પહોંચાડી રહ્યા છે. કેરીની સિઝન વખતે આ કારણે જ અનેક પ્રકારના રોગો સામે આવે છે અને કેરીની સિઝન પૂર્ણ થતા આવા રોગોનો ઉપદ્રવ શમી જાય છે.

કલ્ટાર માત્ર લોકોને વિપરીત અસર કરે છે એવું નથી. તેના કારણે આંબાઓને પણ નુકશાન થઇ રહ્યુ છે. શરૂના વર્ષોમાં ખેડૂતને ફાયદો દેખાય છે પરંતુ ઝડપથી ખરાબ થતી કેરીના કારણે ખેડૂતો નુકશાનમાં રહે છે. પાછલા વર્ષો દરમીયાન અમરેલી જીલ્લામાં ધારી, ચલાલા અને ખાંભા પંથકમાં ખેડૂતોએ આવા જ કારણોસર આંબાવાડીઓમાંથી હજારો આંબા કપાવી નાખ્યા હોય તેવુ બની ચુક્યુ છે.

સરકારી તંત્ર આ પ્રકારની ખેત પધ્ધતી સામે ચુપકીદી ધારણ કરીને બેઠુ છે. જનારોગ્યની સુરક્ષા અને ખુદ ખેતીની રક્ષા માટે તંત્ર દ્વારા આ દિશામાં પગલા જરૂરી બન્યા છે. ઉલ્લેખનીય છે કે, જો કેરીની ખેતીમાં આ રીતે વધારે ઉત્પાદન લેવા માટે કલ્ટરનો ઉપયોગ સતત ચાલુ રહેશે તો આવનારા દિવસોમાં આંબાના બગીચા નાશ પામશે.

ધારી: 3 શખ્સોનો દીપડીનાં બચ્ચા પર હિંસક હુમલો, ઉતાર્યા મોતન ઘાટ.


ધારી: 3 શખ્સોનો દીપડીનાં બચ્ચા પર હિંસક હુમલો, ઉતાર્યા મોતન ઘાટ

Bhaskar News, Dhari
Apr 03, 2015, 11:24 AM IST
 
ધારી: અમરેલી જીલ્લાના રેવન્યુ વિસ્તારમાં દિપડાઓની સતત વધી રહેલા સંખ્યા વચ્ચે દિપડા દ્વારા માણસ પર હુમલાની ઘટનાઓ વધી રહી છે. ત્યારે ધારીના કરમદડી ગામની સીમમાં કુદરતી હાજતે ગયેલા બાવાજી ખેડૂત પર દિપડીના દસ માસના બચ્ચાએ હુમલો કરતા અન્ય બે ખેડૂતો મદદે દોડ્યા હતાં. જો કે બચ્ચાએ ત્રણેયને ઘાયલ કરી દીધા હતાં. જેને પગલે ત્રણેય શખ્સોએ બોથડ પદાર્થના ઘા ઝીંકી દિપડીના બચ્ચાની હત્યા કરી નાખી હતી. ઘટનાની જાણ થતા વન વિભાગે બચ્ચાનો મૃતદેહ કબજે લઇ તેની હત્યા કરનાર ત્રણેય શખ્સોને ઝડપી લીધા હતાં.
 
- કરમદડીમાં 3 શખ્સોએ દીપડીનાં બચ્ચાને મારી નાંખ્યું
- કુદરતી હાજતે ગયેલા યુવાન પર હુમલો કરતા આપ્યો અંજામ
- ત્રણેય શખ્સોએ બચ્ચાની હત્યા કરી દવાખાને ચાલ્યા ગયા
 
દિપડા દ્વારા માણસ પર હુમલાની  ઘટનાઓ સતત વધી રહી છે તેની વચ્ચે આજે ધારીના કરમદડીમાં આ ઘટના બની હતી. દલખાણીયા રેન્જમાં આવતા કરમદડી ગામની સીમમાં રામદાસ પ્રેમદાસ ગોંડલીયા નામના બાવાજી ખેડૂતને ત્યાં બાઢડા ગામે રહેતા તેના સાઢુભાઇ રણછોડભાઇ હરીદાસ ગોંડલીયા આજે આવ્યા હતાં. રણછોડભાઇ વાડીના શેઢે આજે સવારે દસેક વાગ્યે કુદરતી હાજતે ગયા હતાં ત્યારે આશરે દસેક માસની ઉંમરનું દિપડીનું બચ્ચુ ત્યાં ધસી આવ્યુ હતુ અને રણછોડભાઇ પર હુમલો કરી દીધો હતો. તેમણે દેકારો કરતા રામદાસ ગોંડલીયા તથા ધીરૂભાઇ રામજીભાઇ વાઘારા પણ ત્યાં દોડી આવ્યા હતાં. જેને પગલે દિપડીના બચ્ચાએ ત્રણેય પર હુમલો કરી તેમને ઘાયલ કરી દીધા હતાં.
 
ત્રણેય શખ્સોએ આક્રમક બનેલા બચ્ચાનો પ્રતિકાર કર્યો હતો અને બોથડ પદાર્થના ઘા મારી બચ્ચાની હત્યા કરી નાખી હતી અને બાદમાં ત્રણેય સારવાર માટે ધારી દવાખાને દોડી ગયા હતાં. પાછળથી કોઇએ ઘટના અંગે વન વિભાગને જાણ કરતા ડીએફઓ અંશુમન શર્માની સુચનાને પગલે વનતંત્રના નિલેષભાઇ વેગડા, એ.વી. ઠાકર, ડો. હિતેષ વામજા વિગેરે ઘટનાસ્થળે દોડી ગયા હતાં અને દિપડીના બચ્ચાનો મૃતદેહ કબજે લીધો હતો. ત્રણ ખેડૂત દ્વારા દિપડીના બચ્ચાની હત્યા કરાઇ હોવાની જાણ થતા વનતંત્રમાં પણ દોડધામ મચી ગઇ હતી.
 
ધારીના વેટરનરી ડોક્ટર હિતેષ વામજા દ્વારા દિપડીના બચ્ચાના મૃતદેહને ધારીના ભુતીયા બંગલે ખસેડી પોસ્ટ મોર્ટમની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અમરેલી જીલ્લામાં વાડી ખેતરોમાં કામ કરતા ખેડૂતો પર દિપડા દ્વારા હુમલાની અવાર નવાર ઘટનાઓ બની રહી છે. તેની વચ્ચે આજે હુમલો કરનાર દિપડીના બચ્ચાને જ ખેડૂતોએ મારી નાખ્યાની ઘટના બનતા ચકચાર મચી છે. મોડી રાત સુધી વનતંત્રએ ઘટના અંગે મગનું નામ મરી પાડ્યુ ન હતું.
 
ધારીના  ડીએફઓ અંશુમન શર્માએ જણાવ્યુ હતું કે આ કેસમાં રામદાસ ગોંડલીયા, ધીરૂ રામજીભાઇ અને રણછોડ ગોંડલીયાની ધરપકડ કરવામાં આવી છે. તેમણે એમ પણ જણાવ્યુ હતું કે ઘટનાસ્થળની તેમણે મુલાકાત લીધી હતી અને પીએમ બાદ હત્યાની સ્પષ્ટતા થઇ હતી.

ખોપરી તુટી જતા થયુ મોત
ત્રણેય ખેડૂતોએ દિપડીના બચ્ચા પર બોથડ પદાર્થથી હુમલો કર્યો હતો. એવું પણ મનાય છે કે પાવડા વડે હુમલો થયો હતો જો કે વનતંત્રએ આ અંગે સ્પષ્ટતા કરી ન હતી. પરંતુ પીએમ બાદ એટલુ જરૂર સ્પષ્ટ થયુ હતું કે હુમલાથી ખોપરી ફાટી જવાથી બચ્ચાનું મોત થયુ હતું.
 
વાડી નજીક જ બચ્ચાએ ઘેંટાનું મારણ કર્યુ
સુત્રોમાંથી એવું પણ જાણવા મળેલ છે કે રામદાસ ગોંડલીયાની જે વાડીમાં દિપડીના બચ્ચાએ ત્રણ લોકો પર હુમલો કર્યો તે વાડીની બાજુમાં જ ઘેંટાનું મારણ થયુ હતું. જો કે આ મારણ દિપડી દ્વારા કરાયુ હતું કે કેમ તે સ્પષ્ટ નથી. પરંતુ બચ્ચા અહિં હોય જેને પગલે દિપડી પણ આ વિસ્તારમાં હોવાની આશંકાએ ખેડૂતો ભયભીત છે.

અમરેલી: સિંહણને લગાવાયેલો રેડિયોકોલર બંધ થઈ ગયો.


 અમરેલી: સિંહણને લગાવાયેલો રેડિયોકોલર બંધ થઈ ગયો

Bhaskar News, Liliya

Apr 03, 2015, 02:27 AM IST
લીલિયા: લીલિયા તાલુકાના ક્રાંકચ તથા આસપાસના વિસ્તારમાં એક દસકામાં જ સાવજની મોટી વસાહત ઊભી થઇ છે. એક દસકા પહેલા અહિં  સૌ પ્રથમ આવેલી સિંહણને વનતંત્રે રેડિયોકોલર પહેરાવ્યા બાદ વર્ષોથી તે બંધ હાલતમાં છે. દરમિયાન ગઇસાલે વધુ એક સિંહણને રૂ. 1.80 લાખના ખર્ચે રેડિયોકોલર લગાવાયો હતો, પરંતુ ગણતરીના દિવસોમાં જ આ રેડિયોકોલર બંધ થઇ જવા પામ્યો છે. સાવજોની મુવમેન્ટ પર નજર રાખવા અગત્યના ડેટા મેળવવા આ કોલરઆઇડી લગાવાયો હતો, પરંતુ આ તમામ ખર્ચો પાણીમાં ગયો હોય તેવી સ્થિતિ છે.
 
ક્રાંકચમાં સાવજોની મુવમેન્ટ જાણવા માટે 1.80 લાખના ખર્ચે રેડિયોકોલર લગાવાયો હતો
સાવજોની મુવમેન્ટ પર નજર રાખવા માટેની પ્રોજેક્ટને ફટકો લાગ્યો, ડેટા મળવાનું બંધ થઈ ગયું
 
સાવજોની વસતી વધી તેમ તેમનું વિચરણ પણ નવા નવા પ્રદેશોમાં થવા લાગ્યું. એક દાયકા પહેલા લીલિયાના ક્રાંકચ પંથકમાં પ્રથમ વખત સિંહણ આવી. હાલમાં અહિં આ સિંહણનો હર્યોભર્યો પરિવાર વસી રહ્યો છે. વર્ષ 2008માં આ સિંહણની મુવમેન્ટ પર નજર રાખવા માટે વનતંત્ર દ્વારા તેને કોલરઆઇડી પહેરાવવામાં આવેલ, પરંતુ માત્ર બે વર્ષમાં જ તે બંધ પડી જતા સિંહણ માટે ગળામાં પહેરેલો પટ્ટો માથાના દુ:ખાવારૂપ બની ગયો છે. દરમિયાન સરકાર દ્વારા ગીરના સાવજોની મુવમેન્ટ પર નજર રાખવા માટે વધુ કેટલાક સાવજોને કોલરઆઇડી લગાવવાનો પ્રોજેક્ટ દહેરાદુનની ડબલ્યુ આઇઆઇ નામની સંસ્થાને આપવામાં આવ્યો હતો.
 
આ સંસ્થા દ્વારા ગયા વર્ષે જ લીલિયા પંથકની એક પાંચેક વર્ષની ઉંમરની એક સિંહણને નવો કોલરઆઇડી લગાવવામાં આવ્યો હતો. જીપીઆરએસ સિસ્ટમ હેઠળ આ સંસ્થાને દહેરાદુનમાં જ તેની મુવમેન્ટના ડેટા મળી જતા હતા. ગણતરીના દિવસોમાં જ આ રેડિયોકોલર પણ બંધ થઇ ગયેલ છે. આ રેડિયોકોલર લગાવવામાં આવ્યો તેને માત્ર સાત માસ જ થયા છે. આમ જંગી ખર્ચ કરવા છતાં તંત્રને સાવજો અંગે યોગ્ય ડેટા મળતા નથી.

દરમિયાન એવું પણ જાણવા મળેલ છે કે ગયા વર્ષે પાંચેક વર્ષની ઉંમરની જે સિંહણને રેડિયોકોલર લગાવવામાં આવ્યો છે તે સિંહણને હાલમાં જમણા પગમાં ઇજા પણ પહોંચી છે. જેના કારણે તે લંગડી ચાલી રહી છે. સિંહણ જીભથી ઘાવ ચાટી રહી હોય આ ઘાવ આપમેળે જ રૂઝાઇ જવાની શક્યતા હોય વનતંત્ર દ્વારા હાલમાં કોઇ કાર્યવાહી કરાઇ રહી નથી.
 
પાંચ વર્ષથી સિંહણના ગળામાં નિરર્થક પટ્ટો
ક્રાંકચની સીમમાં સૌ પ્રથમ જે સિંહણને રેડિયોકોલર લગાવવામાં આવ્યો હતો તે રેડિયોકોલર છેલ્લા પાંચ વર્ષથી બંધ હાલતમાં છે. આ સિંહણને વર્ષ 2008માં રેડિયોકોલર લગાવાયો હતો અને 2010થી તે બંધ છે. ત્યારબાદ રેડિયોકોલર હટાવવા માટે પણ અવાર નવાર પ્રયાસો કરાયા હતા પરંતુ તંત્રને સફળતા મળી ન હતી.

ગાગડીયો નદી કાંઠે ફરી આગ લાગતા 50 દિવસમાં દવની સાતમી ઘટના: 500 વિઘા વિસ્તાર ખાક.

DivyaBhaskar News Network
Apr 02, 2015, 03:35 AM IST
લીલીયા તાલુકાના ક્રાંકચ તથા આસપાસના વિસ્તારમાં છેલ્લા બે માસથી સાવજોનું જ્યાં રહેઠાણ છે તે વિસ્તારમાં અવાર નવાર દવની ઘટનાઓ બની રહી છે. અગાઉ આવી ઘટનાઓ નોંધાયા બાદ ગઇકાલે ક્રાંકચની સીમમાં ફરી એકવાર દવ લાગતા આશરે 500 વિઘા વિસ્તારમાં વન્યસૃષ્ટિ નાશ પામી હતી. અહિં ગાગડીયો નદી આસપાસના બાવળના જંગલમાં આગ લાગી હતી અને વહેલી સવારે આગ પોતાની રીતે શમી ગઇ હતી.

ક્રાંકચનું જંગલ અત્યાર સુધીમાં 90 ટકા બળી ગયું.

Bhaskar News, Amreli
Apr 02, 2015, 00:19 AM IST
ક્રાંકચનું જંગલ અત્યાર સુધીમાં 90 ટકા બળી ગયું
- ગાગડીયો નદી કાંઠે ફરી આગ લાગતા 50 દિવસમાં દવની સાતમી ઘટના: 500 વિઘા વિસ્તાર ખાક

અમરેલી: લીલીયા તાલુકાના ક્રાંકચ તથા આસપાસના વિસ્તારમાં છેલ્લા બે માસથી સાવજોનું જ્યાં રહેઠાણ છે તે વિસ્તારમાં અવાર નવાર દવની ઘટનાઓ બની રહી છે. અગાઉ આવી છ ઘટનાઓ નોંધાયા બાદ ગઇકાલે ક્રાંકચની સીમમાં ફરી એકવાર દવ લાગતા આશરે 500 વિઘા વિસ્તારમાં વન્યસૃષ્ટિ નાશ પામી હતી. અહિં ગાગડીયો નદી આસપાસના બાવળના જંગલમાં આ આગ લાગી હતી અને વહેલી સવારે આગ પોતાની રીતે જ શમી ગઇ હતી.

જે વિસ્તારમાં 40થી વધુ સાવજોનો વસવાટ છે તે લીલીયા તાલુકાના ક્રાંકચ તથા આસપાસના વિસ્તારોમાં ચાલુ સાલે દવની ઘટનાઓમાં ભારે ઉછાળો જોઇ શકાય રહ્યો છે. છેલ્લા 50 દિવસ દરમીયાન જ આ વિસ્તારમાં દવની છ ઘટનાઓ બની ચુકી છે. પરંતુ વાત આટલેથી અટકી નથી. લીલીયા તાલુકાના ક્રાંકચ તથા નાના લીલીયા ગામની સીમમાં ગઇ મોડીસાંજે ફરી એકવાર દવની ઘટના બની હતી. સુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર આ વિસ્તારમાં ગાગડીયો નદીના કાંઠે નાળીયેરોથી લઇ ખોડીયારની ખાણ સુધીના વિસ્તારમાં આ દવ લાગ્યો હતો.

મોડી સાંજે શરૂ થયેલો દવ વહેલી સવાર સુધી રહ્યો હતો અને ત્યાં સુધીમાં પ00 વિઘા વિસ્તારમાં બાવળની કાંટ, ઘાસ અને અન્ય વનસ્પતીને ઝપટે લઇ તેનો નાશ કરી નાખ્યો હતો.

જો કે તે સમયે આ વિસ્તારમાં સાવજો ન હોવાનું જાણવા મળેલ છે. એવું પણ જાણવા મળેલ છે કે વન વિભાગનો સ્ટાફ મોડી રાત્રે આ વિસ્તારમાં ગયો હતો અને પરત ફરી ગયો હતો.

90 ટકા વિસ્તારમાં વન્યસૃષ્ટિનો નાશ

ક્રાંકચ તથા આસપાસના વિસ્તારમાં છેલ્લા 50 દિવસમાં દવની આ સાતમી ઘટના છે. આ દરમીયાન લગભગ 90 ટકા જેટલા વિસ્તારમાં ઉંચુ ઘાસ અને બાવળની કાંટ તથા અન્ય વનસ્પતિનો નાશ થયો છે. જો કે આગની ઘટના બાદ પણ બાવળ પોતાનું અસ્તીત્વ ટકાવી રાખશે. પરંતુ ઘાસના મેદાનો સાફ થઇ ગયા છે.

તંત્ર દ્વારા કોઇ તપાસ નહી

ક્રાંકચ પંથકમાં દવની ઘટનાઓ અવાર નવાર બની રહી છે. છતાં વનતંત્ર દ્વારા કોઇ તપાસ કરવામાં આવતી નથી. અગાઉની છ ઘટનાઓમાં પણ કોઇ તપાસ થઇ ન હતી અને આજે સાતમી ઘટના બાદ પણ તંત્ર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી નથી.
http://www.divyabhaskar.co.in/news/SAU-AMR-kankarach-jungle-burned-90-percent-in-fire-4951122-NOR.html