Bhaskar News, Amreli
Apr 04, 2015, 00:14 AM IST
- એક દાયકામાં બદલાયુ ખેતીનું ચિત્ર : લોકો બને છે ગંભીર રોગનો ભોગ તથા તંત્ર મૌન
- રસાયણના બેફામ ઉપયોગથી જનારોગ્યની સાથે ખેતીને પણ વ્યાપક નુકસાન
કેરીની પ્રાકૃતિક અવસ્થામાં ખેતી થાય તેવુ દ્રશ્ય હવે ભાગ્યે જ નઝરે પડે છે. ખાસ કરીને રસાયણોના બેફામ ઉપયોગે આડો આંક વાળ્યો છે. શીયાળો ઉતરતા આંબે મોર આવે બાદમાં ખાખડીઓ બંધાય અને અંતે કેરી મોટી થાય. ચોમાસા પહેલા ખેડૂતો પુરો પાક લઇ લે તેવી સ્થિતીની જગ્યાએ હવે રસાયણોનો ઉપયોગ કરી કેરીનો વહેલો પાક લેવા પ્રયાસ થઇ રહ્યો છે. છેલ્લા એક-દોઢ દાયકાથી અમરેલી પંથકમાં કેરીની ખેતી કરતા ખેડૂતો દ્વારા કલ્ટારનો બેફામ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ રસાયણ જીનમાં વૃધ્ધી કરતુ રસાયણ છે.
કેરીની સિઝન શરૂ થાય તે પહેલા જ આંબાવાડીઓમાં દરેક આંબાના મુળમાં કલ્ટારનો રસ પાઇ દેવામાં આવે છે. જેના કારણે આંબામાં મોર પણ વહેલો આવે છે. ખાખડી પણ વહેલી આવે છે અને પાક પણ વહેલો આવે છે. ખેડૂતોને ઝડપથી મોટા ફળ મળે છે. પરંતુ કલ્ટારના ઉપયોગના કારણે કેરીનો રસ આકાર અને સ્વાદ બેહુદો બની જાય છે. સ્વાભાવિક રીતે જ આ રસાયણો લોકોના શરીરને ગંભીર નુકશાન પહોંચાડી રહ્યા છે. કેરીની સિઝન વખતે આ કારણે જ અનેક પ્રકારના રોગો સામે આવે છે અને કેરીની સિઝન પૂર્ણ થતા આવા રોગોનો ઉપદ્રવ શમી જાય છે.
કલ્ટાર માત્ર લોકોને વિપરીત અસર કરે છે એવું નથી. તેના કારણે આંબાઓને પણ નુકશાન થઇ રહ્યુ છે. શરૂના વર્ષોમાં ખેડૂતને ફાયદો દેખાય છે પરંતુ ઝડપથી ખરાબ થતી કેરીના કારણે ખેડૂતો નુકશાનમાં રહે છે. પાછલા વર્ષો દરમીયાન અમરેલી જીલ્લામાં ધારી, ચલાલા અને ખાંભા પંથકમાં ખેડૂતોએ આવા જ કારણોસર આંબાવાડીઓમાંથી હજારો આંબા કપાવી નાખ્યા હોય તેવુ બની ચુક્યુ છે.
સરકારી તંત્ર આ પ્રકારની ખેત પધ્ધતી સામે ચુપકીદી ધારણ કરીને બેઠુ છે. જનારોગ્યની સુરક્ષા અને ખુદ ખેતીની રક્ષા માટે તંત્ર દ્વારા આ દિશામાં પગલા જરૂરી બન્યા છે. ઉલ્લેખનીય છે કે, જો કેરીની ખેતીમાં આ રીતે વધારે ઉત્પાદન લેવા માટે કલ્ટરનો ઉપયોગ સતત ચાલુ રહેશે તો આવનારા દિવસોમાં આંબાના બગીચા નાશ પામશે.
No comments:
Post a Comment