Bhaskar News, Amreli
Apr 02, 2015, 00:19 AM IST
Apr 02, 2015, 00:19 AM IST
- ગાગડીયો નદી કાંઠે ફરી આગ લાગતા 50 દિવસમાં દવની સાતમી ઘટના: 500 વિઘા વિસ્તાર ખાક
અમરેલી: લીલીયા તાલુકાના ક્રાંકચ તથા આસપાસના વિસ્તારમાં છેલ્લા બે માસથી સાવજોનું જ્યાં રહેઠાણ છે તે વિસ્તારમાં અવાર નવાર દવની ઘટનાઓ બની રહી છે. અગાઉ આવી છ ઘટનાઓ નોંધાયા બાદ ગઇકાલે ક્રાંકચની સીમમાં ફરી એકવાર દવ લાગતા આશરે 500 વિઘા વિસ્તારમાં વન્યસૃષ્ટિ નાશ પામી હતી. અહિં ગાગડીયો નદી આસપાસના બાવળના જંગલમાં આ આગ લાગી હતી અને વહેલી સવારે આગ પોતાની રીતે જ શમી ગઇ હતી.
જે વિસ્તારમાં 40થી વધુ સાવજોનો વસવાટ છે તે લીલીયા તાલુકાના ક્રાંકચ તથા આસપાસના વિસ્તારોમાં ચાલુ સાલે દવની ઘટનાઓમાં ભારે ઉછાળો જોઇ શકાય રહ્યો છે. છેલ્લા 50 દિવસ દરમીયાન જ આ વિસ્તારમાં દવની છ ઘટનાઓ બની ચુકી છે. પરંતુ વાત આટલેથી અટકી નથી. લીલીયા તાલુકાના ક્રાંકચ તથા નાના લીલીયા ગામની સીમમાં ગઇ મોડીસાંજે ફરી એકવાર દવની ઘટના બની હતી. સુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર આ વિસ્તારમાં ગાગડીયો નદીના કાંઠે નાળીયેરોથી લઇ ખોડીયારની ખાણ સુધીના વિસ્તારમાં આ દવ લાગ્યો હતો.
મોડી સાંજે શરૂ થયેલો દવ વહેલી સવાર સુધી રહ્યો હતો અને ત્યાં સુધીમાં પ00 વિઘા વિસ્તારમાં બાવળની કાંટ, ઘાસ અને અન્ય વનસ્પતીને ઝપટે લઇ તેનો નાશ કરી નાખ્યો હતો.
જો કે તે સમયે આ વિસ્તારમાં સાવજો ન હોવાનું જાણવા મળેલ છે. એવું પણ જાણવા મળેલ છે કે વન વિભાગનો સ્ટાફ મોડી રાત્રે આ વિસ્તારમાં ગયો હતો અને પરત ફરી ગયો હતો.
90 ટકા વિસ્તારમાં વન્યસૃષ્ટિનો નાશ
ક્રાંકચ તથા આસપાસના વિસ્તારમાં છેલ્લા 50 દિવસમાં દવની આ સાતમી ઘટના છે. આ દરમીયાન લગભગ 90 ટકા જેટલા વિસ્તારમાં ઉંચુ ઘાસ અને બાવળની કાંટ તથા અન્ય વનસ્પતિનો નાશ થયો છે. જો કે આગની ઘટના બાદ પણ બાવળ પોતાનું અસ્તીત્વ ટકાવી રાખશે. પરંતુ ઘાસના મેદાનો સાફ થઇ ગયા છે.
તંત્ર દ્વારા કોઇ તપાસ નહી
ક્રાંકચ પંથકમાં દવની ઘટનાઓ અવાર નવાર બની રહી છે. છતાં વનતંત્ર દ્વારા કોઇ તપાસ કરવામાં આવતી નથી. અગાઉની છ ઘટનાઓમાં પણ કોઇ તપાસ થઇ ન હતી અને આજે સાતમી ઘટના બાદ પણ તંત્ર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી નથી.
http://www.divyabhaskar.co.in/news/SAU-AMR-kankarach-jungle-burned-90-percent-in-fire-4951122-NOR.html
No comments:
Post a Comment