Thursday, April 30, 2015

અમરેલી: સિંહણને લગાવાયેલો રેડિયોકોલર બંધ થઈ ગયો.


 અમરેલી: સિંહણને લગાવાયેલો રેડિયોકોલર બંધ થઈ ગયો

Bhaskar News, Liliya

Apr 03, 2015, 02:27 AM IST
લીલિયા: લીલિયા તાલુકાના ક્રાંકચ તથા આસપાસના વિસ્તારમાં એક દસકામાં જ સાવજની મોટી વસાહત ઊભી થઇ છે. એક દસકા પહેલા અહિં  સૌ પ્રથમ આવેલી સિંહણને વનતંત્રે રેડિયોકોલર પહેરાવ્યા બાદ વર્ષોથી તે બંધ હાલતમાં છે. દરમિયાન ગઇસાલે વધુ એક સિંહણને રૂ. 1.80 લાખના ખર્ચે રેડિયોકોલર લગાવાયો હતો, પરંતુ ગણતરીના દિવસોમાં જ આ રેડિયોકોલર બંધ થઇ જવા પામ્યો છે. સાવજોની મુવમેન્ટ પર નજર રાખવા અગત્યના ડેટા મેળવવા આ કોલરઆઇડી લગાવાયો હતો, પરંતુ આ તમામ ખર્ચો પાણીમાં ગયો હોય તેવી સ્થિતિ છે.
 
ક્રાંકચમાં સાવજોની મુવમેન્ટ જાણવા માટે 1.80 લાખના ખર્ચે રેડિયોકોલર લગાવાયો હતો
સાવજોની મુવમેન્ટ પર નજર રાખવા માટેની પ્રોજેક્ટને ફટકો લાગ્યો, ડેટા મળવાનું બંધ થઈ ગયું
 
સાવજોની વસતી વધી તેમ તેમનું વિચરણ પણ નવા નવા પ્રદેશોમાં થવા લાગ્યું. એક દાયકા પહેલા લીલિયાના ક્રાંકચ પંથકમાં પ્રથમ વખત સિંહણ આવી. હાલમાં અહિં આ સિંહણનો હર્યોભર્યો પરિવાર વસી રહ્યો છે. વર્ષ 2008માં આ સિંહણની મુવમેન્ટ પર નજર રાખવા માટે વનતંત્ર દ્વારા તેને કોલરઆઇડી પહેરાવવામાં આવેલ, પરંતુ માત્ર બે વર્ષમાં જ તે બંધ પડી જતા સિંહણ માટે ગળામાં પહેરેલો પટ્ટો માથાના દુ:ખાવારૂપ બની ગયો છે. દરમિયાન સરકાર દ્વારા ગીરના સાવજોની મુવમેન્ટ પર નજર રાખવા માટે વધુ કેટલાક સાવજોને કોલરઆઇડી લગાવવાનો પ્રોજેક્ટ દહેરાદુનની ડબલ્યુ આઇઆઇ નામની સંસ્થાને આપવામાં આવ્યો હતો.
 
આ સંસ્થા દ્વારા ગયા વર્ષે જ લીલિયા પંથકની એક પાંચેક વર્ષની ઉંમરની એક સિંહણને નવો કોલરઆઇડી લગાવવામાં આવ્યો હતો. જીપીઆરએસ સિસ્ટમ હેઠળ આ સંસ્થાને દહેરાદુનમાં જ તેની મુવમેન્ટના ડેટા મળી જતા હતા. ગણતરીના દિવસોમાં જ આ રેડિયોકોલર પણ બંધ થઇ ગયેલ છે. આ રેડિયોકોલર લગાવવામાં આવ્યો તેને માત્ર સાત માસ જ થયા છે. આમ જંગી ખર્ચ કરવા છતાં તંત્રને સાવજો અંગે યોગ્ય ડેટા મળતા નથી.

દરમિયાન એવું પણ જાણવા મળેલ છે કે ગયા વર્ષે પાંચેક વર્ષની ઉંમરની જે સિંહણને રેડિયોકોલર લગાવવામાં આવ્યો છે તે સિંહણને હાલમાં જમણા પગમાં ઇજા પણ પહોંચી છે. જેના કારણે તે લંગડી ચાલી રહી છે. સિંહણ જીભથી ઘાવ ચાટી રહી હોય આ ઘાવ આપમેળે જ રૂઝાઇ જવાની શક્યતા હોય વનતંત્ર દ્વારા હાલમાં કોઇ કાર્યવાહી કરાઇ રહી નથી.
 
પાંચ વર્ષથી સિંહણના ગળામાં નિરર્થક પટ્ટો
ક્રાંકચની સીમમાં સૌ પ્રથમ જે સિંહણને રેડિયોકોલર લગાવવામાં આવ્યો હતો તે રેડિયોકોલર છેલ્લા પાંચ વર્ષથી બંધ હાલતમાં છે. આ સિંહણને વર્ષ 2008માં રેડિયોકોલર લગાવાયો હતો અને 2010થી તે બંધ છે. ત્યારબાદ રેડિયોકોલર હટાવવા માટે પણ અવાર નવાર પ્રયાસો કરાયા હતા પરંતુ તંત્રને સફળતા મળી ન હતી.

No comments: