Friday, June 29, 2012

વરસાદના છાંટા પડતા સિંહોનું શેત્રુંજીના પટ્ટમાંથી ડૂંગરાળ વિસ્તારમા સ્થળાંતર.


સાવરકુંડલા,તા.ર૮
વર્ષારાણીના આગમન પૂર્વે માનવજાત રહેણાક મકાનોનાં સમારકામમા લાગી જાય છે જયારે જંગલના રાજા સાવજની પણ સીકસ સેન્થ કેટલી કાબીલેદાદ છે કે આઠ આઠ માસ શેત્રુંજી નદીના પટમાં પડયા પાથર્યા રહેતા સાવજો વરસાદના એકાદ છાંટાથી અત્યારથી પોતાનું નવું રહેણાંક ડુંગરાળ વિસ્તારમાં વસાવી ઠરીઠામ થઈ ગયા છે.
  • દરેક પ્રાણીઓમાં ઋતુ મુજબ ફેરફાર આવે જ છે
સાવરકુંડલાના જુનાસાવરથી ક્રાંકચ અને શેત્રુંજી નદીના પટના વિસ્તારોમાં રર જેટલા જંગલના રાજાઓએ વસવાટ કરીને પોતાનું અલગ જ સામ્રાજય ઉભુ કરી દીધુ છે. ક્રાંકચનો શેત્રુંજીનો વિસ્તાર ખુબ જ મોટો હોવાથી જંગલના રાજા સાવજોને માફક આવી ગયું છે. ચોમાસાનાં આગમન અંગેના વરસાદના છાટાના સંકેતો આ સાવજોને પોતાના રહેણાંક વિસ્તાર ફેરવવા માટે મજબુર કરી દીધા અને શેત્રુંજીના પટમાથી ડુંગરાળ વિસ્તારોમાં પોતાનું જીવન ગુજારી રહયા છે. થોડા વર્ષો પહેલા શેત્રુંજી નદીના પાણીમાં પૂરના પ્રકોપથી ચાર ચાર સાવજોના મૃતદેહો મળ્યા હોવાનું જાણવા મળે છે. આથી આ સિંહ કેરસીઓ ચોમાસાના આગમન પૂર્વે જ પોતાનું રહેણાંક વિસ્તાર છોડી ને અનય વિસ્તારોમાં પગપેસારો કરી દીધો છે. આ અંગ અમરેલી જિલ્લા વિભાગના નાયબ ડી.અફે.ઓ. મીલીન્દ એમ. મૂનીના જણાવ્યાનુસાર જેવી રીતે માનવજાતની સિકસસેન્થ હોય છે તેવી જ રીતે દરેક વન્યપ્રાણીઓની પણ સિકસસેન્થ હોય છે. અને પોતાના ભવિષ્યને અનુલક્ષીને દરેક પ્રાણીઓમાં ઋતુ મુજબ ફેરફાર આવે જ છે. જયારે જંગલોના રાજા આ શેત્રુંજીના વિસ્તારો મુકી ડુંગરાળ વિસ્તારોમાં પગદંડો જમાવવાથી વનિવભાગ સાથે સિંહપ્રેમીઓ પણ આનંદનો અહેસાસ અનુભવી રહયા છે.
Source: http://www.sandesh.com/article.aspx?newsid=68949

ચુલડી પાસે સિંહદર્શન કરાવતો માથાભારે શખ્સ ઝડપાયો.


માળિયા હાટિના તા. ૨૮
ગીર વિસ્તારમાં અનાધિકૃત રીતે પ્રવેશી ગેરકાયદે સિંહ દર્શન કરાવવાનો ઉદ્યોગ ખિલ્યો છે. આ વિસ્તારના ગામડામાં રહેતા લોકો વનરાજના જુથને હેરાન પરેશાન કરી આનંદ મેળવે છે. તાલુકાના ચુલડી ગામે રહેતા એક શખ્સે લાયન શો યોજયો છે. એવી વનવિભાગને કોઈએ જાણ કરતા વનવિભાગ ઘટનાસ્થળે પહોંચ્યો હતો આ શખ્સે વન અધિકારી સાથે માથાકૂટ કરતા માળિયાથી પોલીસ બોલાવવી પડી હતી.
  • જંગલ વિસ્તારમાં પ્રવેશી અવારનવાર વનરાજોને ખલેલ પહોંચાડતો હોવાની રાવ
માળિયા તાલુકાના બરૂલા ગીર નજીક આવેલા ચુલડી ગામના હમીર ઉકાભાઈ નંદાણિયા નામનો માથાભારે આહેર શખ્સ જામનગર અને જામ ખંભાળિયાના પર્યટકોને સાથે રાખી લાયન શો યોજી સિંહોને બતાવે છે. એવી કોઈએ વન વિભાગને જાણ કરતા માળિયા રેન્જ ફોરેસ્ટનો સ્ટાફ ચુલડીના જંગલ વિસ્તારમાં પહોંચ્યો હતો. આ શખ્સ અવારનવાર સિંહ દર્શન કરાવી રોકડી કરતો હોવાની પણ માહિતી મળી હતી.
 આ વેળા એ વનરાજાને જુદી જુદી રીતે પજવતો હતો. એને વનવિભાગે ટપારતા મામલો બિચકાયો હતો અને વનવિભાગ સાથે બોલાચાલી તેમજ ટપાટપી બોલી ગઈ હતી આથી વનવિભાગના અધિકારીઓએ તાકિદે માળિયા પોલીસને જાણ કરી બોલાવતા પોલીસે આવી હમીરની ધરપકડ કરી બોધપાઠ ભણાવ્યો હતો.
Source: http://www.sandesh.com/article.aspx?newsid=68940

ગુંદિયાળી ગામે ઝૂંપડામાં સૂતેલા યુવાન પર દીપડાનો હુમલો.


Source: Bhaskar News, Junagadh   |   Last Updated 3:35 AM [IST](29/06/2012)
- માથા તથા હાથ-પગનાં ભાગે ગંભીર ઇજા પહોંચતા રાજકોટ સારવારમાં ખસેડાયો

મેંદરડાનાં ગુંદીયાળી (રાણીધાર) ગામે મધરાતનાં સુમારે ઝુંપડામાં નિંદ્રાધીન કોળી યુવાન પર દીપડાએ અચાનક હુમલો કરી દઇ તેને માથા તથા હાથ-પગનાં ભાગે ગંભીર રીતે ઘાયલ કરી દેતાં આ યુવાનને વધુ સારવાર અર્થે રાજકોટ ખાતે ખસેડવામાં આવ્યો છે.

આ અંગેની મળતી વિગત મુજબ ગીર જંગલ બોર્ડરને અડીને આવેલા અને આશરે ચારસો માણસોની વસતી ધરાવતા મેંદરડા તાલુકાનાં ગુંદીયાળી (રાણીધાર) ગામે રહેતા ભુપતભાઇ મુળુભાઇ પરમાર (ઉ.વ.૩૮) નામનો શ્રમિક યુવાન પોતાનાં પરિવાર સાથે ઝુંપડા જેવા કાચા મકાનમાં રાત્રિનાં સમયે ભરઉંઘમાં હતો ત્યારે ત્રણેક વાગ્યાની આસપાસ એક ખુંખાર દીપડાએ ઝુંપડામાં ઘુસી જઇ ભુપતભાઇ પર હુમલો કરી દેતાં પરિવારનાં અન્ય સભ્યો પણ જાગી જતાં અને રાડારાડી કરી મૂકતા આસપાસમાંથી પણ લોકોએ દોડી આવી હાકલા-પડકારા કરતા દીપડો ત્યાંથી નાસી ગયો હતો.

આ હુમલામાં ભુપતભાઇને માથા તથા હાથ-પગનાં ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. ગામનાં સરપંચ ખોડુભાઇ લાલુએ માળીયા ૧૦૮ને જાણ કરતા જતીન દેસાઇ અને જબ્બરદાન ગઢવીએ ગુંદીયાળી ગામે પહોંચી પ્રાથમિક સારવાર આપી મેંદરડા અને ત્યાંથી જૂનાગઢ હોસ્પિટલ ખાતે લવાયા બાદ રાજકોટ રીફર કરાયો હોવાનું જાણવા મળે છે. આ બનાવનાં પગલે દેવળીયા રેન્જનાં ફોરેસ્ટરે સ્ટાફ સાથે દોડી જઇ દીપડાને પાંજરે પૂરવા કવાયત હાથ ધરી છે.

Thursday, June 28, 2012

ચિતળ અને નીલગાય વનરાજાને ભાવતા ભોજનીયા! : રસપ્રદ સર્વે.


રાજકોટ/ધારી તા.૨૭
જેવી રીતે મનુષ્યોને ચોકકસ ભોજન ડીશ ફેવરીટ હોય એમ હિંસક પશુઓને પણ ચોકકસ પ્રાણીના માંસ પ્રત્યે લગાવ હોય છે. તાજેતરમાં વનવિભાગે વનરાજને કયો ખોરાક વધુભાવે અને એ શિકારમાં કયાં તૃણાહારીની પસંદ પહેલી કરે છે એ માટે સર્વેક્ષણ કરતા એવુ નકકી થયુ છે કે વનરાજને ચીતળનું માંસ બહુ જ ભાવે છે. તેને અને નીલગાયને શિકારમાં અગ્રતા આપે છે. વનરાજોના મળ દ્વારા સંશોધન કરી વનવિભાગે શિકારના દરેક પાસાઓનો રસપ્રદ સરવે કર્યો હતો.
  • વનરાજના મળના પૃથ્થકકરણ દ્વારા વનવિભાગે મેળવેલી વિગત
  • વનવિભાગના સર્વેક્ષણ મુજબ
સિંહો જંગલમાં અને રેવન્યુ વિસ્તારમાં સૌથી વધુ કયાં પ્રાણીનો શિકાર કરીને આરોગે છે એ અંગે સાસણ વિભાગ દ્વારા એક રસપ્રદ સરવે કરવામાં આવ્યો હતો. જેમાં સિંહોના એકત્ર કરેલા મળના પૃથ્થકરણ દ્વારા પ્રાણીઓના મળેલા વાળના આધારે એમ નકકી થયું હતુ કે વનરાજને શિકાર માટે ચીતળ બહુ જ ફેવરિટ છે. જેનો શિકાર વનવિસ્તારમાં ૩૧.૦૬ ટકા છે.આ ઉપરાંત નીલગાય બીજા નંબરે આવે છે. જે વનવિસ્તારમાં ૨૪.૦૫ ટકા અને રેવન્યુ વિસ્તારમાં ૪૫.૭૨ ટકા છે. માલઢોર માત્ર ૩.૫ ટકા, છે એને ફેવરિટ શિકાર ચિતલ નીલગાય છે. અને એ પછી ચિંકારા આવે છે. તેને સાબરનું માંસ પણ બહુ જ ભાવે છે. જો વનરાજ બહુ જ ભૂખ્યો હોય અને શિકારની કોઈ ઉપલબ્ધતા ન હોય તો જ જંગલી ભુંડનો શિકાર કરે છે. એની ટકાવારી ૦.૭૫ ટકા આવી હતી. રેવન્યુ વિસ્તારમાં શિકારની પેટર્ન બદલી જાય છે. ત્યાં વધુ નીલગાયને પસંદ કરે છે. જેનો રેશિયો ૪૫.૭૨ ટકા છે. સાબર ૬.૪૧ ટકા, ચિતલ ૯.૨૫ ટકા, માલઢોર ૪૫.૭૨ ટકા ચીકારા ૧૦.૨૨ ટકાનો શિકાર થાય છે. ઉલ્લેખનીય છે કે એપ્રિલ ર૦૧૦ની સિંહ વસતિ ગણતરી મુજબ કુલ ૪૧૧ સિંહો નોંધાયા હતા. જેમાં ૯૭ નર,૧૬૨ માદા, અને ૧૫૨ બચ્ચા હતા.
Source: http://www.sandesh.com/article.aspx?newsid=68505

Tuesday, June 26, 2012

ડંખ મારે એટલે વીજશોક જેવો ઝટકો લાગે મીતીયાળા પંથકના ગામોમાં ઝેરી વીંછીઓનો ઉપદ્રવ.


સાવરકુંડલા, તા. ૨૫
વરસાદ પડતા જ સાવરકુંડલાના મિતિયાળાના અભ્યારણ સહિત ગીરકાંઠાના ગામોમાં પત્થરીયા ઝેરી વિંછીઓનો રાફડો ફાટયો છે. સીમમાં, ગામતળમાં ઝેરી વિંછીઓથી લોકો પરેશાન બની ગયા છે.
ચોમાસાની સિઝન શરૃ થવાના આરે છે ત્યારે સાવરકુંડલા તાલુકાના મીતીયાળાના જંગલ વિસ્તાર સહિત ગીરકાંઠાના આસપાસના ગામોમાં હાલ એક નવીનતમ સમસ્યા સર્જાઇ રહી છે. અહીં ચોમાસાની શરૃઆતમાં ઇયળોનો ઉપદ્રવ રહે તો પરંતુ ચાલુ ચોમાસાની શરૃઆતમાં પત્થરીયા વિંછીના ઝુંડો જોવા મળતા સીમ ખેતરોમાં કામ કરતાં ખેડૂતો, માલધારીઓ હાલ આ વિંછીના ઝુંડોનો સામનો કરી રહ્યા છે.
ત્યારે જંગલ વિસ્તારમાં વાડી ધરાવતા ખેડૂતના જણાવ્યા અનુસાર ચાલુ વર્ષે જ આ વિંછી જોવા મળી રહ્યા છે અને દેખાવમાં એકદમ ભુરા આકારના લાગતા આ વિંછી કરડે તો શોટ લાગે તેવો અનુભવ થાય છે. હાલમાં જ તેના મજૂરને કરડી જતા ખાનગી દવાખાને સારવાર કરાવી હતી. ત્યારે ચોમાસા દરમિયાન જંગલ વિસ્તારોમાં ઇયળોનો ઉપદ્રવ વધુ હોય છે પરંતુ આ વિંછીના ઝુંડ ક્યાંકથી આવી જતા લોકો, ખેડૂતો અને માલધારી આ વિંછીઓથી ફફડી રહ્યા છે.
Source: http://www.gujaratsamachar.com/20120626/gujarat/sau3.html

ડંખ મારે એટલે વીજશોક જેવો ઝટકો લાગે
મીતીયાળા પંથકના ગામોમાં ઝેરી વીંછીઓનો ઉપદ્રવ
પથ્થરીયા વીંછીઓના જોવા મળતા ઝુંડના ઝુંડ

જંગલની જડીબુટીમાંથી દવા બનાવી પગભર બનતી આદિવાસી સીદી બાદશાહ મહિલાઓ.


જૂનાગઢ, તા.૨૩
આજના પુરૂષ પ્રધાન સમાજમાં આત્મનિર્ભર બનવવા માટે મહિલાઓમાં પણ હોડ લાગી છે. આ હોડમાં ગિર જંગલની મધ્યે રહેતી આદિવાસી મહિલાઓ પણ પાછળ નથી. ગિર જંગલની મધ્યે રહેતી સીદી બાદશાહ કોમની મહિલાઓએ આત્મનિર્ભર બનવા માટેનો અનોખો માર્ગ શોધી કાઢયો છે. જંગલમાંથી જડીબુટીઓ લાવીને તેમાંથી દેશી દવા બનાવીને હવે આ મહિલાઓ પગભર બનવા માંડી છે.
  • સ્થાનિક કક્ષાએ લોકપ્રિય બનેલી દવાઓ આગામી દિવસોમાં સૌરાષ્ટ્રભરમાં મોકલાશે
રાત-દિવસ જ્યાં સાવજોની ડણકો સંભળાતી રહે છે તેવા ગિર જંગલમાં આવેલા માધુપુર ગામની સીદી બાદશાહ સમાજની મહિલાઓએ એક સખી મંડળ બનાવ્યું છે. અને આ મહિલાઓ ગિર જંગલમાં આવેલી જડીબુટીઓનો ઉપયોગ કરીને શુદ્દ આયુર્વેદિક દવાઓ બનાવે છે.
ક્યાં રોગ માટે કંઈ દવા અસરકારક રહે છે તેનું માર્ગદર્શન આ મહિલાઓ આયુર્વેદના નિષ્ણાંતો પાસેથી મેળવે છે. અને બાદમાં આયુર્વેદ શાસ્ત્રોમાં ઉલ્લેખ હોય તેવી ઔષધિઓ ઓળખીને જંગલમાંથી લાવે છે. બાદમાં તેમાંથી દવા બનાવી જુદી જુદી બોટલો તથા પેકેટોમાં તેને ભરીને તેનું વેંચાણ કરે છે. ગિર વિસ્તારની મહિલાઓ પેઢીઓથી આ દેશી દવાઓ વિશે જાણે છે. સરકાર દ્વારા આ મહિલાઓને રૂ.૧૦ હજારનું રીવોલ્વિંગ ફંડ આપીને પ્રોત્સાહિત કરવામાં આવી છે.
આ દવાની ગુણવત્તાને ધ્યાને લેતા ભાવનગરમાં યોજાયેલા ભારત ઉત્સવમાં પણ મંડળની મહિલાઓને સ્ટોલ ફાળવવામાં આવ્યો હતો. હાલમાં આ મહિલાઓનો દેશી દવાનો ર્વાિષક વેપાર રૂ.૧ લાખ સુધી પહોંચી ગયો છે. આગામી દિવસોમાં આખા સૌરાષ્ટ્રમાં આ દેશી દવાઓ પહોંચાડીને કારોબાર વધારવામાં આવશે. અનેક મહિલાઓ દેશી દવાના આ વ્યવસાયમાં રોજગારી મેળવી રહી છે.

દૂધાળામાં યુવકને ફાડી ખાનાર દીપડો આખરે પાંજરે પૂરાયો.

Source: Bhaskar News, Amreli   |   Last Updated 2:15 AM [IST](26/06/2012)

દુધાળા ખીસરી રોડ પર ગત મોડીરાત્રીના એક અસ્થિર મગજના કોળી યુવક પર દપિડાએ હુમલો કરી ફાડી ખાધો હતો. યુવકને ફાડી ખાનાર માનવભક્ષી દપિડાને પકડી પાડવા વનવિભાગ દ્રારા બે પાંજરાઓ ગોઠવવામાં આવ્યાં હતાં. આજે વહેલી સવારે આ માનવભક્ષી દિપડો પાંજરે પુરાઇ જતા આ વિસ્તારના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

જળજીવડી ગામે રહેતો હકા શામજીભાઇ કોળી (ઉ.વ.૪૨) નામનો યુવાન છેલ્લા પંદરેક વર્ષથી અસ્થિર મગજનો હોય અને ગમે ત્યાં આંટાફેરા મારતો હોય ગત રાત્રીના આ યુવાન દુધાળા રસ્તા પાસે સુતો હતો. ત્યારે દપિડો આવી ચડતા તેના પર હુમલો કરી દપિડો તેને દોઢસો મીટર દુર આવેલ કાંતિભાઇ બાલધાની આંબાની વાડીમાં ઢસડી ગયો હતો. અને યુવકને ફાડી ખાધો હતો.

જાણ થતા ડીએફઓ અંશુમન શર્મા, આરએફઓ એ.વી.ઠાકર, નિલેષ વેગડા સહિત સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. અને આ દપિડાને પકડી પાડવા કાંતિભાઇની વાડીએ બે પાંજરાઓ ગોઠવવામાં આવ્યાં હતાં. ત્યારે આજે વહેલી સવારે પાંચેક વાગ્યાના સુમારે દપિડો પાંજરે પુરાઇ ગયો હતો. માનવભક્ષી દપિડો પાંજરે પુરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.