મેંદરડાનાં ગુંદીયાળી (રાણીધાર) ગામે મધરાતનાં સુમારે ઝુંપડામાં નિંદ્રાધીન કોળી યુવાન પર દીપડાએ અચાનક હુમલો કરી દઇ તેને માથા તથા હાથ-પગનાં ભાગે ગંભીર રીતે ઘાયલ કરી દેતાં આ યુવાનને વધુ સારવાર અર્થે રાજકોટ ખાતે ખસેડવામાં આવ્યો છે.
આ અંગેની મળતી વિગત મુજબ ગીર જંગલ બોર્ડરને અડીને આવેલા અને આશરે ચારસો માણસોની વસતી ધરાવતા મેંદરડા તાલુકાનાં ગુંદીયાળી (રાણીધાર) ગામે રહેતા ભુપતભાઇ મુળુભાઇ પરમાર (ઉ.વ.૩૮) નામનો શ્રમિક યુવાન પોતાનાં પરિવાર સાથે ઝુંપડા જેવા કાચા મકાનમાં રાત્રિનાં સમયે ભરઉંઘમાં હતો ત્યારે ત્રણેક વાગ્યાની આસપાસ એક ખુંખાર દીપડાએ ઝુંપડામાં ઘુસી જઇ ભુપતભાઇ પર હુમલો કરી દેતાં પરિવારનાં અન્ય સભ્યો પણ જાગી જતાં અને રાડારાડી કરી મૂકતા આસપાસમાંથી પણ લોકોએ દોડી આવી હાકલા-પડકારા કરતા દીપડો ત્યાંથી નાસી ગયો હતો.
આ હુમલામાં ભુપતભાઇને માથા તથા હાથ-પગનાં ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. ગામનાં સરપંચ ખોડુભાઇ લાલુએ માળીયા ૧૦૮ને જાણ કરતા જતીન દેસાઇ અને જબ્બરદાન ગઢવીએ ગુંદીયાળી ગામે પહોંચી પ્રાથમિક સારવાર આપી મેંદરડા અને ત્યાંથી જૂનાગઢ હોસ્પિટલ ખાતે લવાયા બાદ રાજકોટ રીફર કરાયો હોવાનું જાણવા મળે છે. આ બનાવનાં પગલે દેવળીયા રેન્જનાં ફોરેસ્ટરે સ્ટાફ સાથે દોડી જઇ દીપડાને પાંજરે પૂરવા કવાયત હાથ ધરી છે.
No comments:
Post a Comment