Thursday, January 31, 2013

કાપણી વખતે પાછળથી ખેડૂત પર ત્રાટકતો દીપડો.


Bhaskar News, Kodinar | Jan 31, 2013, 01:46AM IST
- શેરડીનાં ખેતરમાં કાપણી ચાલતી હતી એ વખતે દીપડો પાછળથી ત્રાટકયો

સૂત્રાપાડા તાલુકાનાં સીંગસર ગામની સીમમાં એક શેરડીનાં ખેતરમાં દીપડાએ ખેડૂત પર હુમલો કર્યો હતો. જોકે, ખેડૂતનાં હાથમાં લાકડીનો ટુકડો આવી જતાં તેનાથી સામનો કરતાં દીપડો ભાગી છુટ્યો હતો.

સૂત્રાપાડા તાલુકાનાં સીંગસર ગામની સીમમાં ગામનાં જ ખેડૂત અભેસીંગભાઇ નારણભાઇ (ઉ.૩૮) નામનાં ખેડૂત શેરડીની કાપણી ચાલતી હોઇ પોતાનાં વાડમાં ગયા હતા. અને શેરડીની કાપણીનું કામ કરતા મજૂરો પર દેખરેખ રાખતા હતા. એ વખતે એક દીપડો અચાનક જ વાડમાંથી ધસી આવ્યો અને અભેસીંગભાઇ ઉપર પાછળથી હુમલો કરી દીધો હતો.

અચાનક જ થયેલા દીપડાનાં હુમલાથી અભેસીંગભાઇ પહેલાં તો હેબતાઇ ગયા હતા. પરંતુ યોગાનુયોગે તેમનાં હાથમાં લાકડીનો ટુકડો હોઇ તેમણે સમયસૂચકતા વાપરીને લાકડી ફેરવી હતી. આથી દીપડો ડરીને નાીસ છુટ્યો હતો. આ બનાવ બાદ ગભરાયેલા મજૂરો પણ નાસી છુટયા હતા. બનાવની જાણ થતાં તુરતજ ગામનાં માજી સરપંચ કાનજીભાઇ નકુમે વેરાવળ આરએફઓ પડશાલા અને સૂત્રાપાડા સ્થિત ફોરેસ્ટરને જાણ કરી હતી.

સાથોસાથ ૧૦૮ ને જાણ કરી અભેસીંગભાઇને સૌપ્રથમ કોડીનારની રા. ના. વાળા હોસ્પિટલ અને બાદમાં સરકારી દવાખાને સારવાર માટે ખસેડાયા હતા. આ વિસ્તારમાં શેરડીની સીઝન આવતાં વાડમાં મજૂરોની અવરજવર વધી છે ત્યારે દીપડાનો પણ ત્રાસ વધી જતાં ખેડૂતો અને મજૂરો ખેતરે આવતા-જતાં ડર અનુભવી રહ્યા છે.

સાસણ ગીર અભ્યારણ્યમાં ગેરકાયદેસર સિંહદર્શન પડ્યું ભારે.

Bhaskar News, Talala | Jan 30, 2013, 23:33PM IST
- વન વિભાગે રાજકોટનાં યુવાન પાસેથી ૨૫ હજારનો દંડ વસૂલ્યો

પ્રવાસીઓ માટે સાસણમાં સિંહ દર્શન માટે અલાયદી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. છતા ઘણા સિંહ દર્શનના શોખીન ગેરકાયદેસર સિંહ દર્શન કરવા પહોંચી જતા હોય છે આવા લોકોને વન વિભાગ ઝડપી લઇ દંડ ફટકારતી હોય છે ત્યારે અભિયારણ  વિસ્તારમાં  ગેરકાયદેસર સિંહ દર્શન કરતા રાજકોટના યુવાનને ઝડપી લઇ રૂપિયા ૨૫ હજારનો દંડ વસુલ્યો હતો.

જંગલ વિસ્તારમાં ગેરદાયદેસર સિંહ દર્શન કરનારાઓ પર વન તંત્રે ઘોસ બોલાવી છે. આવા લોકોને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરતા હોય છે ત્યારે સાસણ નજીકનાં અભિયારણ વિસ્તારમા ગેરકાયદેસર સિંહ દર્શન કરતા હોવાની બાતમી સાસણ રેન્જનાં આરએફઓ ટીલાળાને મળતા સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા.

ગેરકાયદેસર સિંહ દર્શન કરતા શખ્સને ઝડપી લીધો હતો. રાજકોટનાં કેતન ઇન્દ્રવદન જોષી પોતાની માલીકીની ગાડી લઇ અભિયારણ વિસ્તારમાં ગેરકાયદે પ્રવેશ કરી સિંહ દર્શન કરી રહયો હતો. તે સમયે વન વિભાગની ટીમ ત્રાટકી કેતનને તેની ગાડી સાથી ઝડપી લીધો હતો. ગાડી જપ્ત કરી રૂપિયા ૨૫ હજારનો દંડ ફટકાર્યો હતો.  તેમની સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. વન તંત્રના આકરા પગલાને લઇ ગેરકાયદેસર સિંહ દર્શન કરતા તત્વોમા ફફડાત ફેલાય ગયો છે.

જંગલમાં પ્રવેશબંધી હોવા છતાં તસ્કરો આવ્યા કયાંથી ?

જંગલમાં પ્રવેશબંધી હોવા છતાં તસ્કરો આવ્યા કયાંથી ?
Bhaskar News, Una  |  Jan 29, 2013, 00:03AM IST
સુપ્રસિધ્ધ તુલશીશ્યામનું મંદિર જંગલ વિસ્તારમાં આવેલ છે. અને ત્યાં જવા માટે રાત્રીનાં ૮ વાગ્યાથી સવારનાં ૬ વાગ્યા સુધી જંગલમાં પ્રવેશવાના રસ્તા બંધ થઈ જાય છે. ત્યારે ચોરી સવારે પ:૪પ વાગ્યે થઇ છે. આથી તસ્કરો મંદિર સુધી પહોંચ્યા કેવી રીતે ? તસ્કરો મંદિરની ધર્મશાળામાં રોકાયા કે પછી રાતવાસો જંગલમાં કર્યો ? એ સવાલ પણ સો મણનો છે. જયારે મંદિરનાં સુત્રોનું એવું કહેવું છે કે, કોઈ શંકાસ્પદ શખ્સોએ ધર્મશાળામાં રાતવાસો કર્યો નથી.

- ડોગ મંદિરનાં આંટા મારી જશાધાર તરફ જતા રોડ પર અટકી ગયો

તુલશીશ્યામ મંદિરે રૂ. પાંચ લાખની ચોરી થયા બાદ, જૂનાગઢથી ડોગ સ્કવોડની મદદ લેવામાં આવી હતી. અને ડોગ પણ આવી પહોંચ્યો હતો. પરંતુ આવેલો ડોગ જશાધાર તરફ જતા રસ્તા પર રોકાઈ ગયો હતો. આમ તસ્કરો જશાધાર થી ઊના તરફ આવ્યા હોવાની આશંકા સેવાઈ રહી છે.

'બોલ માંડી અંબે, જય જય અંબે'ના નારાથી ગૂંજી ઉઠયો ગિરનાર.


'બોલ માંડી અંબે, જય જય અંબે'ના નારાથી ગૂંજી ઉઠયો ગિરનાર

Indravadansin Jhala, Junagadh  |  Jan 28, 2013, 09:45AM IST
- ગિરનાર પર બિરાજેલા મા અંબાજીનાં પ્રાગટય દિવસની ભાવભેર ઉજવણી
ગરવા ગિરનાર પર બિરાજતા મા અંબાજીનો પોષી પૂનમનાં દિવસે પ્રાગટય દિવસ હતો. આ પ્રાગટય દિવસમાં મંદિરે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યાં હતા. આજનાં પવિત્ર દિવસે મંદિરના મહંત મોટા પીરબાવા તનસુખગીરીજી સહિતનાં સાધુ-સંતોએ મા અંબાજીની સેવા-પૂજા અને આરતી કરી હતી. આ સમયે ઉપસ્થિત ભાવિકોએ મા અંબાજીનો જય જયકાર કરી ગિરનારને ગૂંજવી દીધો હતો. દરેક શ્રધ્ધાળુનાં હૈયે હામ પૂરતા મા અંબાના પ્રાગટય દિવસે ભાવિકોએ માતાજીનાં દર્શન, પૂજા અને પ્રસાદનો લાભ લીધો હતો. ગરવા ગિરનાર પર બિરાજેલા મા અંબાનાં પ્રાગટય દિવસની વધુ તસવીરો જોવા આગળ કલીક કરો. તસવીર: મિલાપ અગ્રાવત, જુનાગઢ

તાલાલાના સેમરવાવમાં દીપડાએ કિશોરીને ફાડી ખાધી.


Bhaskar News, Talala | Jan 26, 2013, 01:55AM IST
ગળાના ભાગે દાંત બેસાડી દેતાં મોતને ભેટી : હાહાકાર
 
તાલાલાનાં સેમરવાવ ગામની સીમમાં આજે સવારનાં અરસામાં દીપડાએ કિશોરીને ફાડી ખાતા હાહાકાર મચી ગયો છે.
 
તાલુકાનાં સેમરવાવ ગામે રામશીભાઇ અરશીભાઇ ડોડીયાની વાડી હિ‌રણ નદીનાં કાંઠે આવેલ હોય અહીંયા જાફરાબાદ પંથકનાં ધીરૂભાઇ બાવુભાઇ સોલંકીનો પરિવાર ખેતી કામ માટે આવેલ હતો. 
 
આ પરિવારની પુત્રી લક્ષ્મીબેન (ઉ.વ.૧૨) આજે સવારે ખેતરમાં કામ કરતી હતી ત્યારે નવ વાગ્યાની આસપાસ શેરડીનાં વાડમાંથી એક ખુંખાર દીપડો આવી ચઢી તેની ઉપર હુમલો કરી દઇ મોઢાનાં ભાગે પંજો મારી ગળામાં તીક્ષ્ણ રાક્ષસી દાંત દબાવી તેને લઇ ભાગવાની કોશીષ કરે એ પહેલાજ પરિવારનાં સભ્યોએ દોડી જઇ હાકલા પડકારા કરી પથ્થરોના છુટા ઘા કરતા દીપડો જંગલ તરફ ભાગી છુટયો હતો. 
 
દીપડાનાં તિક્ષ્ણ દાંતથી ગળાની નશો કપાઇ જતા કિશોરીનું ઘટના સ્થળેજ મોત નિપજ્યું હતું. તાલાલા પંથકમાં શ્રમિક પરિવારો છાશવારે દીપડાનાં હુમલાનાં ભોગ બને છે. આ ઘટનાને પગલે માનવભક્ષી દીપડાને પકડવા તાલાલા રેન્જનાં આરએફઓ બ્લોચએ પાંજરા મુકાવી તેના સગડ મેળવવા સ્ટાફને કામે લગાડી દઇ કવાયત હાથ ધરી છે.
 
કેશોદના બડોદરમાં દીપડાએ ખેત મજૂરને ઘાયલ કર્યો
 
કેશોદનાં બડોદર ગામની સીમમાં ગઇકાલે બપોરનાં અરસામાં દીપડાએ હુમલો કરી ખેતમજૂરને ઘાયલ કરી દીધો હતો. મળતી વિગત મુજબ બડોદર ગામનાં પૂર્વ તરફની સીમમાં આવેલ દડુભાઇ વાળાની વાડીમાં ગઇકાલે બપોરનાં અરસામાં દીપક મુળુભાઇ મકડીયા (ઉ.વ.૩પ) નામનો શ્રમિક યુવાન તુવેર વાઢી રહયો હતો ત્યારે અચાનક દીપડાએ આવી તેની પર હુમલો કરી દેતા હાથના ભાગે સામાન્ય ઇજા પહોંચતા કેશોદ હોસ્પિટલે સારવાર લીધી હતી. આ વિસ્તારમાં ઘણાં સમયથી દીપડાની રંજાડ હોય વનવિભાગ તેને પાંજરે પુરે એવી ખેડૂતોમાંથી માંગ ઉઠી છે.
Source: http://www.divyabhaskar.co.in/article/SAU-leopard-hunting-teen-girl-in-semarvav-of-talala-taluka-4159983-NOR.html

વનવિભાગનાં કસૂરવાનો સામે ગુનો નોંધવા કલેક્ટરનો એસપીને આદેશ.


Bhaskar News, Junagadh | Jan 26, 2013, 00:57AM IST
જૂનાગઢનાં સરકડીયા આશ્રમનાં મહંતે સ્વાગત ઓનલાઇન કાર્યક્રમમાં અરજી કરતાં
સરકડીયા આશ્રમ ખાતે બે પોલીસમેનને ડયુટી પર મૂકવા એસપીને અને સરકડીયા હનુમાનજી આશ્રમના મંદિરમાં ભક્તોની અવરજવર ન અટકાવવા વન- વિભાગને સુચના
 
ગિરનારનાં જંગલમાં આવેલી સરકડિયા હનુમાનની જગ્યાનાં મહંત, ટ્રસ્ટી તેમજ ત્યાં આવતા જતા સેવકોને વનવિભાગ દ્વારા અવારનવાર હેરાનપરેશાન કરાતા હોવાની ફરિયાદ મુખ્યમંત્રીનાં સ્વાગત ઓનલાઇન કાર્યક્રમમાં થઇ હતી. જેને પગલે કલેક્ટરે વનવિભાગનાં જવાબદારો સામે ગુનો દાખલ કરવાનો એસપીને આદેશ આપ્યો છે.
 
ગિરનાર જંગલમાં આવેલી સરકડિયા હનુમાનની જગ્યાનાં સેવક અને સામાજીક કાર્યકર અનિલકુમાર એમ. વાઘેલાએ મુખ્યમંત્રીનાં સ્વાગત ઓનલાઇન કાર્યક્રમમાં વનવિભાગનાં જવાબદાર અધિકારીઓ સામે ફરિયાદ કરી હતી. જેમાં તેમણે એમ જણાવ્યું હતું કે, ૧૯૬૧માં ગિરનાર ક્ષેત્રને સરકારે અનામત જંગલ તરીકે જાહેર કર્યું છે. ત્યારપછી ૧૯૬૩માં ગિરનાર ક્ષેત્રમાં આવેલી તમામ જગ્યાઓનો ફોરેસ્ટ સેટલમેન્ટ અહેવાલ બહાર પાડ્યો છે.
 
જે તે સમયે સરકારે ફોરેસ્ટ સેટલમેન્ટ ઓફિસર તરીકે નાયબ કલેક્ટર કક્ષાનાં અધિકારી ડી. ડી. મંકોડીની નિમણૂંક કરી હતી. તેમણે તમામ ધાર્મિ‌ક જગ્યાઓનાં હક્ક હિ‌ત નક્કી કરી આપ્યા હતા. જે મુજબ જગ્યાનાં સંચાલકો, યાત્રિકો, સેવકો અને અનુયાયીઓને આવ-જા કરવા માટે ૨૦ ફૂટ પહોળા, ૧૦ ફૂટ પહોળા તેમજ પગકેડી નક્કી કરી દીધી હતી. ઉપરાંત જગ્યા માટે ઝરણાંમાંથી પાણી લેવાનો, રેતી પથ્થર લેવાનો, ઢોર ચરાવવાનો, સૂકા લાકડાં લેવાનો તેમજ ચાલવા માટે રસ્તાઓ આપ્યા છે. 
 
આ ઉપરાંત ફોરેસ્ટ સેટલમેન્ટ અહેવાલના કિસ્સામાં એક મહત્ત્વની બાબતે એ છે કે, સમગ્ર ગિરનારને અનામત જંગલ જાહેર કરાયું છે. એ પૂરેપૂરી જમીનમાંથી સરકડીયા હનુમાન, માળવેલા, ઝીણાબાવાની મઢી, સુરજકુંડ, બોરદેવી, વગેરે જગ્યાઓને ગિરનારક્ષેત્રની સમગ્ર જમીનમાંથી બાકાત રખાયું છે. તા. ૩૧-પ-૨૦૦૮ નાં રોજ ગિરનારને સરકારે વન્ય પ્રાણી અભયારણ્ય તરીકે જાહેર કર્યું છે.
 
જેમાં આ હક્કો, જગ્યાનાં સંચાલકો, સેવકો, અનુયાયીઓને જે પ્રાપ્ત થયા છે તેની સામે વનવિભાગનાં જવાબદાર કર્મચારીઓએ કે અધિકારીઓએ કોઇ વાંધો લીધો નથી. જેનાં આધારે કોઇ યાત્રિકને રસ્તા પર ચાલવા માટે અટકાવી શકે નહીં કે ધાર્મિ‌ક સંસ્થાની અંદર રાત્રિ રોકાણ કરવા માટે પ્રતિબંધ મૂકી શકે નહીં. પરંતુ જંગલખાતાનાં કર્મચારીઓ અને અધિકારીઓ માત્ર સેવકો, સંચાલકોને મૌખિક રાત્રિ રોકાણ ન કરવું, રસ્તામાં જતા અટકાવવા એવું સ્પષ્ટીકરણ હોય તો વનસત્તાવાળાઓએ તમામને લાગુ પડે એ રીતે એક જાહેરનામું બહાર પાડવું જોઇએ. અને એ જાહેરનામા મુજબ ગિરનાર ક્ષેત્રમાં આવેલી તમામ સંસ્થાઓમાં કોઇ રાત્રિ રોકાણ ન કરે તેનો ખ્યાલ રાખવો જોઇએ. 
 
વનવિભાગ માત્રને માત્ર ચાર-પાંચ સંસ્થાઓને વન્યપ્રાણી અભયારણ્યનાં કાયદા હેઠળ બિનજરૂરી રોકટોક કરે છે. જે ન કરે એવો હુકમ ફરમાવવા માંગણી પણ તેમણે કરી હતી. એટલુંજ નહીં વનઅધિકારીઓ અવારનવાર જગ્યાએ જતા સેવકોને પરેશાન કરતા હોવાની ફરિયાદ પણ ઉઠી હતી.
 
તાજેતરમાંજ સેવકને બહાર કાઢયા હતા
 
આ સાથે સરકડિયાની જગ્યાનાં સેવક, ટ્રસ્ટી/ખજાનચી પ્રવિણભાઇ અમૃતલાલા વિઠ્ઠલાણીએ પણ એસ.પી.ને ફરિયાદ કરી હતી. જેમાં ગત તા. ૧૨ જાન્યુ.નાં રોજ પોતાને વનકર્મચારીઓએ સત્તાનો દુરૂપયોગ કરી, મંડળી રચી, ધાર્મિ‌ક જગ્યાની લાગણી દુભાવવા બળજબરીથી પૈસા પડાવી ગુનાહિ‌ત પ્રવેશ કરવા બદલ પગલાં લેવા માંગણી કરી હતી.

માંગરોળનાં શીલબારા નજીક કુંજનો શિકાર કરતા ૪ ઝડપાયા.

માંગરોળનાં શીલબારા નજીક કુંજનો શિકાર કરતા ૪ ઝડપાયા
Bhaskar News, Mangrol  |  Jan 24, 2013, 00:24AM IST
- ગીર નેચર યુથ ક્લબનાં સભ્યોએ રંગેહાથ ઝડપી લીધો : વનવિભાગે અન્ય ૩ને પકડ્યા

માંગરોળ તાલુકાનાં શીલબારા નજીક ગીર નેચર યુથ ક્લબનાં સભ્યોએ મધરાત્રે ત્રણ કુંજ પક્ષીઓનો શિકાર કરતા મછીયારા યુવાનને રંગેહાથ ઝડપી લીધો હતો. જ્યારે અન્ય ત્રણ શખ્સોને વનવિભાગે ઝડપી લઇ તેઓ સામે વન્ય પ્રાણી સંરક્ષણ ધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી પ્રત્યેકને ૨૦-૨૦ હજારનો દંડ ફટકાર્યો છે.

શિયાળાનું વેકેશન ગાળવા માંગરોળ નજીકનાં વિસ્તારોમાં આવતા કુંજપક્ષીઓનો બેફામ શિકાર થતો હોવાની ફરિયાદો છેલ્લા કેટલાક સમયથી લોકોમાંથી ઉઠી હતી. માંગરોળથી ૧૨ કિ.મી. દૂર આવેલા શીલ પાસે સાંગાવાડાબારા તરીકે ઓળખાતી જગ્યામાં હજારોની સંખ્યામાં આ પક્ષીઓ આવે છે.

ગતરાત્રીનાં ૨:૩૦ વાગ્યાના સુમારે શીલ ગામનાં છ જેટલા પ્રકૃતપ્રેમી યુવાનોએ ત્રણ કુંજ પક્ષીઓનો શિકાર કરેલી હાલતમાં શેરીયાજબારાના રહેવાસી અકબર હાસમને ઝડપી લીધો હતો. જો કે, આ શિકારી ઝડપાયા બાદ વનવિભાગને મોબાઈલ પર તુરંત જ જાણ કરવા છતાં વહેલી સવારનાં ૫:૩૦ વાગ્યા સુધી જંગલખાતાનાં કોઈ અધિકારી કે કર્મચારી ઘટના સ્થળે પહોંચ્યા ન હોવાનો યુવાનોએ આક્ષેપ કર્યો હતો.

આજે માંગરોળ નોર્મલ રેન્જનાં આરએફઓ વંશ, ફોરેસ્ટર બ્લોચ, પરમાર, ખુમાર, ચુડાસમા સહિતના વનવિભાગના સ્ટાફે અન્ય ત્રણ આરોપીઓ અકબર અબ્દુલ્લા, બિલાલ ગફૂર અને અબ્દુલ દાઉદને શેરીયાજબારાના જંગલ વિસ્તારમાંથી ઝડપી લીધા હતા. વનખાતાએ આરોપીઓ પાસેથી પતંગ, દોરો તેમજ તીક્ષ્ણ હથિયાર સહિતનો મુદ્દામાલ કબ્જે કરી કુલ ૮૦ હજારનો દંડ ફટકાર્યો હતો. પશુ ડોક્ટર પરમારે કુંજપક્ષીઓનું પી.એમ. હાથ ધર્યા બાદ પક્ષીઓને જમીનમાં દાટી દેવાયા હતા. નિર્દોષ પક્ષીઓનાં શિકારને પગલે લોકોમાં રોષની લાગણી ફેલાવા પામી છે.

- કઈ રીતે થાય છે નિર્દોષ પક્ષીઓનો શિકાર ?

જ્યાં કંુજ સહિતનાં વિદેશી પક્ષીઓ મોટી સંખ્યામાં આવતા હોય તેવા સ્થળે શિકારીઓ રાત્રીનાં  અંધકારનો લાભ લઈ શિકારી પ્રવૃત્તિ આચરે છે. સૌપ્રથમ તેઓ મોટા પતંગને આકાશમાં ઉડાડે છે. ત્યારબાદ દોરામાં વચ્ચે જાળ બાંધી અને નાનકડો પથ્થર લટકાવી દે છે. દરમિયાન જે જગ્યાએ શાંતિથી પક્ષીઓ બેઠા હોય ત્યાં પતંગને લઈ જાય.

જેથી દોરામાં બાંધેલી જાળમાં આવા કુંજ પક્ષીઓ ફસાઈ જતાં અન્ય કુંજપક્ષીઓ ગભરાઈને ઉડવા માંડે છે અને ચિચિયારીઓ પાંડવા માંડે છે. જેને લીધે વાતાવરણ ગુંજી ઉઠે છે. જે દરમિયાન ૧૦ થી ૧૫ મિનિટ શિકારીઓ સંતાઈ જાય છે. ત્યારબાદ વાતાવરણ શાંત થતાં જાળમાં ફસાયેલા પક્ષીઓને બહાર કાઢી ડોક મરડી નાંખે છે. અથવા તો તિક્ષ્ણ હથિયારથી નિર્દોષ પક્ષીઓની કતલ કરી નાંખે છે.