Bhaskar News, Mangrol | Jan 24, 2013, 00:24AM IST
- ગીર નેચર યુથ ક્લબનાં સભ્યોએ રંગેહાથ ઝડપી લીધો : વનવિભાગે અન્ય ૩ને પકડ્યામાંગરોળ તાલુકાનાં શીલબારા નજીક ગીર નેચર યુથ ક્લબનાં સભ્યોએ મધરાત્રે ત્રણ કુંજ પક્ષીઓનો શિકાર કરતા મછીયારા યુવાનને રંગેહાથ ઝડપી લીધો હતો. જ્યારે અન્ય ત્રણ શખ્સોને વનવિભાગે ઝડપી લઇ તેઓ સામે વન્ય પ્રાણી સંરક્ષણ ધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી પ્રત્યેકને ૨૦-૨૦ હજારનો દંડ ફટકાર્યો છે.
શિયાળાનું વેકેશન ગાળવા માંગરોળ નજીકનાં વિસ્તારોમાં આવતા કુંજપક્ષીઓનો બેફામ શિકાર થતો હોવાની ફરિયાદો છેલ્લા કેટલાક સમયથી લોકોમાંથી ઉઠી હતી. માંગરોળથી ૧૨ કિ.મી. દૂર આવેલા શીલ પાસે સાંગાવાડાબારા તરીકે ઓળખાતી જગ્યામાં હજારોની સંખ્યામાં આ પક્ષીઓ આવે છે.
ગતરાત્રીનાં ૨:૩૦ વાગ્યાના સુમારે શીલ ગામનાં છ જેટલા પ્રકૃતપ્રેમી યુવાનોએ ત્રણ કુંજ પક્ષીઓનો શિકાર કરેલી હાલતમાં શેરીયાજબારાના રહેવાસી અકબર હાસમને ઝડપી લીધો હતો. જો કે, આ શિકારી ઝડપાયા બાદ વનવિભાગને મોબાઈલ પર તુરંત જ જાણ કરવા છતાં વહેલી સવારનાં ૫:૩૦ વાગ્યા સુધી જંગલખાતાનાં કોઈ અધિકારી કે કર્મચારી ઘટના સ્થળે પહોંચ્યા ન હોવાનો યુવાનોએ આક્ષેપ કર્યો હતો.
આજે માંગરોળ નોર્મલ રેન્જનાં આરએફઓ વંશ, ફોરેસ્ટર બ્લોચ, પરમાર, ખુમાર, ચુડાસમા સહિતના વનવિભાગના સ્ટાફે અન્ય ત્રણ આરોપીઓ અકબર અબ્દુલ્લા, બિલાલ ગફૂર અને અબ્દુલ દાઉદને શેરીયાજબારાના જંગલ વિસ્તારમાંથી ઝડપી લીધા હતા. વનખાતાએ આરોપીઓ પાસેથી પતંગ, દોરો તેમજ તીક્ષ્ણ હથિયાર સહિતનો મુદ્દામાલ કબ્જે કરી કુલ ૮૦ હજારનો દંડ ફટકાર્યો હતો. પશુ ડોક્ટર પરમારે કુંજપક્ષીઓનું પી.એમ. હાથ ધર્યા બાદ પક્ષીઓને જમીનમાં દાટી દેવાયા હતા. નિર્દોષ પક્ષીઓનાં શિકારને પગલે લોકોમાં રોષની લાગણી ફેલાવા પામી છે.
- કઈ રીતે થાય છે નિર્દોષ પક્ષીઓનો શિકાર ?
જ્યાં કંુજ સહિતનાં વિદેશી પક્ષીઓ મોટી સંખ્યામાં આવતા હોય તેવા સ્થળે શિકારીઓ રાત્રીનાં અંધકારનો લાભ લઈ શિકારી પ્રવૃત્તિ આચરે છે. સૌપ્રથમ તેઓ મોટા પતંગને આકાશમાં ઉડાડે છે. ત્યારબાદ દોરામાં વચ્ચે જાળ બાંધી અને નાનકડો પથ્થર લટકાવી દે છે. દરમિયાન જે જગ્યાએ શાંતિથી પક્ષીઓ બેઠા હોય ત્યાં પતંગને લઈ જાય.
જેથી દોરામાં બાંધેલી જાળમાં આવા કુંજ પક્ષીઓ ફસાઈ જતાં અન્ય કુંજપક્ષીઓ ગભરાઈને ઉડવા માંડે છે અને ચિચિયારીઓ પાંડવા માંડે છે. જેને લીધે વાતાવરણ ગુંજી ઉઠે છે. જે દરમિયાન ૧૦ થી ૧૫ મિનિટ શિકારીઓ સંતાઈ જાય છે. ત્યારબાદ વાતાવરણ શાંત થતાં જાળમાં ફસાયેલા પક્ષીઓને બહાર કાઢી ડોક મરડી નાંખે છે. અથવા તો તિક્ષ્ણ હથિયારથી નિર્દોષ પક્ષીઓની કતલ કરી નાંખે છે.
No comments:
Post a Comment