Sunday, March 2, 2014

અમરેલી પાસેથી ૮ માસના સિંહબાળનો મૃતદેહ મળ્યો ઃ શિકાર થયાની આશંકા.

Mar 01, 2014 23:47

  • મૃત સિંહબાળના પગ સહિતના અવયવો ગાયબ ઃ ઘટનામાં માનવીય સંડોવણીની શક્યતા દર્શાવતા અમરેલી ડીએફઓ
અમરેલી : ગીરના જંગલમાં વિહરતા એશિયાટીક લાયન્સે તેના નવા વસવાટ માટે ગીરની આજુબાજુના રેવન્યુ વિસ્તાર પર પસંદગી ઉતારી છે, પરંતુ આ રેવન્યુ વિસ્તાર વનરાજોની સલામતી માટે જોખમી પૂરવાર થઈ રહ્યો હોવાના એક પછી એક બનાવો પ્રકાશમાં આવી રહ્યા છે. અમરેલીના તાલુકાના ચાંદગઢ ગામ નજીક રેવન્યુ વિસ્તારમાંથી ગઈકાલે મધરાતે એક ૮ માસની વયના સિંહબાળનો મૃતદેહ મળી આવ્યો છે. મૃત સિંહબાળના પગ સહિતના અવયવો ગાયબ હોવાથી વનતંત્ર દ્વારા આ ઘટનામાં માનવીય સંડોવણીની શક્યતા સાથે હત્યાની આશંકા દર્શાવવામાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
અમરેલી તાલુકાના ચાંદગઢ ગામ નજીકના રેવન્યુ વિસ્તારમાં એક ૮ માસના સિંહબાળનો મુતદેહ પડયો હોવાની ગ્રામજનોને જાણ થતા આ અંગે તાત્કાલિક વનવિભાગને જાણ કરવામાં આવી હતી. જે અનુસંધાને અમરેલીના ડીએફઓ મકવાણા સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયો હતો.
ઘટનાસ્થળે દોડી ગયેલા વેટરનરી ડોકટર વામજાએ જણાવ્યું હતું કે, મૃત સિંહબાળના હાથ,પગ સહિતના અવયવો ગાયબ હોવાથી બનાવ શંકાસ્પદ લાગી રહ્યો છે. જોકે, મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા માટે સિંહબાળના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. આ ઘટના અંગે અમરેલીના ડીએફઓ મકવાણાએ એક વાતચીતમાં જણાવ્યું હતું કે, 'મૃત્યુ પામેલા સિંહબાળના હાથ-પગ સહિતના અવયવો ગાયબ હોવાના પગલે આ ઘટનામાં માનવીય સંડોવણીની શક્યતા નકારી શકાતી નથી. સિંહબાળના મૃતદેહ પરથી એટલું તો સ્પષ્ટ થાય છે કે, તેનું મોત ઈનફાઈટ કે અન્ય કોઈ કારણસર નથી થયું, ત્યારે આ સિંહબાળને મોતને ઘાટ ઉતારવામાં આવ્યું હોવાની આશંકા પ્રબળ છે.' જીલ્લા વન અધિકારીનું આ નિવેદન ગંભીર બાબત છે. આ ઘટનામાં દૂધનું દૂધ ્અને પાણીનું પાણી કરવા માટે જૂનાગઢ ફોરેન્સિક લેબોરેટરીના નિષ્ણાતોની મદદ લેવામાં આવી છે.
૧૪૧૨ ચોરસ કિલોમીટરમાં પથરાયેલું ગીરનું જંગલ હવે એશિયાટીક લાયન્સ માટે ટૂંકુ પડી રહ્યું હોવાની પ્રતીતિ સિંહોના ગીરની બહાર કોસ્ટલ એરિયામાં તથા રેવન્યુ વિસ્તારોમાં વસવાટ દ્વારા થઈ ચૂકી છે. વળી બીજી બાજુ, સલામતીના મુદ્દે ગીરના કેટલાંક સિંહોને મધ્યપ્રદેશમાં સ્થળાંતરિત કરવાના મામલે રાજ્ય સરકાર સુપ્રિમ કોર્ટમાં કાનૂની જંગ પણ લડી રહી છે. પરંતુ ગીરની બહાર રેવન્યુ વિસ્તારને નવું ઘર બનાવનારા વનરાજો માટે તેમનું આ નવું આશ્રયસ્થાન જોખમી પૂરવાર થઈ રહ્યું છે. છેલ્લા છ મહિનામાં એક પછી એક સિંહોના વિવિધ પ્રકારે મૃત્યુની ઘટનાઓના લીધે આ વિસ્તારોમાં સિંહોની સલામતી સામે પ્રશ્રાર્થ સર્જાયા છે.


Friday, February 28, 2014

આઝાદીનાં ૬પ વર્ષ બાદ ખુશાલીનો માહોલ, સીદી પરિવારને મળ્યા મકાન.

આઝાદીનાં ૬પ વર્ષ બાદ ખુશાલીનો માહોલ, સીદી પરિવારને મળ્યા મકાન

Bhaskar News, Talala | Feb 27, 2014, 01:05AM IST
- જાંબુર (ગીર) ગામનાં ૨૦૦ સીદી આદિવાસી પરિવારોને તંત્ર દ્વારા મકાનનાં આધાર અપાયા

તાલાલા પંથકનાં જાબુર ગામે ૨૦૦ સીદી આદિવાસી પરિવારોને મકાનનાં આધાર મળતા ખૂશીનો માહોલ પ્રસર્યો છે.ગીર-સોમનાથ જિલ્લા નાયબ કલેકટર વીરાણીનાં અધ્યક્ષ સ્થાને આજે જાંબુર ખાતે યોજાયેલા સનદ વિતરણ કાર્યક્રમમાં તાલાલા મામલતદાર બી.કે. ઝાલા, ટીડીઓ મકવાણા, આદીપ જુથ - પ્રાયોજન અધિકારી સંભાણીયા, માધુપુર- જાંબુરના સરપંચ ભીમશીભાઇ બારડ, ઉપસરપંચ અલાપાભાઇ મજગુલ, સદસ્યો અહેમદભાઇ દરજાદા, સૈયદભાઇ ભાલીયા, અગ્રણી સોમનાથીસિંહ ક્ષત્રીય સહિ‌ત સીદી આદીવાસી સમાજનાં અગ્રણી અબ્દુલભાઇ મજગુલ, મહીલા અગ્રણી હીરબાઇબેન લોબી સહિ‌ત મોટી સંખ્યામાં આદીવાસી સમાજનાં પરિવારો ઉપસ્થિત રહયા હતાં.

સરપંચ ભીમશીભાઇ બારડે ગરીબ પરિવારો માટે મકાનનાં આધાર ઉપયોગી બનશે તેની કામગીરીને આવકારી હતી. મહિ‌લા અગ્રણી હીરબાઇબેન લોબીએ આદીવાસી પરિવારો માટે ૧૦૦ ચો.વાર જમીનની સનદો આપવા સાથે ભારત સરકાર અને રાજય સરકારની વિવિધ યોજના હેઠળ સીતેર હજારની સહાયથી પાકા મકાનો બનાવી આપવાનાં નિર્ણયથી ગરીબ પરિવારોની કાયમી સમસ્યાનો અંત આવશે તેમ જણાવેલ.

જાંબુરનાં ર૦૦ પરિવારોને સનદો આપ્યા બાદ બાકીનાં પરિવારોનેપણ ઝડપથી આધાર પ્રાપ્ત થશે તેમ નાયબ કલેકટર વીરાણી અને તાલાલા મામલતદારએ જણાવેલ ૭૯ પરિવારોને આદીપ જુથ અને ૪ર પરિવારોને તાલુકા પંચાયત હસ્તક ઇન્દીરા આવાસ યોજના હેઠળ સીતેર હજારની સહાય આપી પાકા મકાનો બનાવી અપાશે તેમ તાલુકા વિકાસ અધિકારી મકવાણા અને આદીપ જુથનાં પ્રાયોજન અધિકારી સંભાણીયાએ જણાવતા ગરીબ પરીવારોમાં ખુશી છવાઇ હતી.
આઝાદીનાં ૬પ વર્ષ બાદ ખુશાલીનો માહોલ, સીદી પરિવારને મળ્યા મકાન
તાલાલા તાલુકા પંચાયતના મયુરભાઇ વ્યાસ અને મામલતદાર કચેરીનાં કમલેશ સોલંકીએ સનદો વિતરણની વ્યવસ્થા સુંદર રીતે ગોઠવી હતી. સનદ વિતરણ કાર્યક્રમનું સંચાલન માધુપુર - જાંબુરનાં તલાટી મંત્રી ડાયાભાઇ મકવાણાએ કરેલ આભાર દર્શન તાલુકા ભાજપ મીડીયા સેલનાં સહ કન્વીનર સંદીપ સુચકે અધિકારી વર્ગનો આભાર વ્યક્ત કર્યો હતો.

ગીર-સોમનાથ કલેકટરનાં ઋણી રહીશુ

અગ્રણી અબ્દુલભાઇ મજગુલે પોતાનાં વકતવ્યમાં ગીર-સોમનાથ કલેકટરનો જાહેર આભાર માની ગદગદીત સ્વરે કલકેટરનાં ઋણી રહીશું તેમ જણાવેલ.

બેવડી ખુશી આખા જાંબુરમાં સી.સી રોડનાં કામ શરૂ
જાંબુરમાં વસતા ગરીબ સીદી પરિવારોનાં ઉત્કર્ષ માટે આવતી યોજના હેઠળ ગામની શેરીઓમાં સી.સી. રોડ બનાવવા અંગે ડી.ડી.ઓ દિલીપ રાણાએ અગાઉ ખાત્રી આપી હતી તે મુજબ ૩૦ લાખનાં ખર્ચે આજથી જાંબુર ગામમાં સી.સી. રોડનાં કામ શરૂ થતા આખા ગામમાં બેવડી ખુશી છવાઇ હતી.

એક નર્સરીમાં ૬૨ પ્રકારની કેરીઓ.

એક નર્સરીમાં ૬૨ પ્રકારની કેરીઓ
Bhaskar News, Ratang | Feb 26, 2014, 00:24AM IST
હાથીઝુલા કેરીનું વજન તો બે થી ત્રણ કિલોનું ..!!

વિસાવદરનાં રતાંગ ગામની એક નર્સરીમાં એકી સાથે ૬૨ પ્રકારની કેરીની વેરાયટીઓ જોવા મળે છે. એમા પણ હાથીઝુલા કેરીનું વજનતો બે થી ત્રણ કિલોનું છે. આઠ માસ સુધી કેરીઓ આંબા પર ઝુલે છે.અહીંની કલમો દેશ-વિદેશમાં પ્રખ્યાત છે. વિસાવદરનાં રતાંગ ગામે પ્રગતિશીલ ખેડૂત સંજયભાઇ વેકરીયાની નર્સરી આવેલી છે.

અહીંયા આલફાન્સો, અમૃતાંગ, વસ્તારા, વશીબદામ, પાયરી, દશેરી, આમ્રપાલી, વન લક્ષ્મી, એપલ મેંગો, હાથીઝુલા સહિ‌તની ૬૨ પ્રકારની કેરીની વેરાયટીઓ સાથે બાગમાં વિવિધતામાં એકતા જોવા મળે છે.

હાલમાં માર્ચથી ઓકટોબર એમ આઠ માસ સુધી બાગમાં કેરીઓ ઝુલતી જોવા મળશે. હાથીઝુલા નામની કેરીમાં આંબાના પાનની લંબાઇ ૨૦ થી ૨પ ઇંચ અને તેનું વજન પણ બે થી ત્રણ કિલો ગ્રામ જેટલું હોય છે. આ ગામની કેરીની કલમો દેશ-વિદેશમાં પ્રખ્યાત છે અને નિકાસ થાય છે.

સરદાર ન હોત તો સિંહ જોવા માટે વિઝા લેવા પડત: મોદી.


Bhaskar News, Junagadh | Feb 23, 2014, 01:45AM IST
- ઉપરકોટમાં 'મેં ગિરનાર હૂં’ લાઇટ એન્ડ સાઉન્ડ શો શરૂ
- સરદાર ન હોત તો સિંહ જોવા માટે વિઝા લેવા પડત : મોદી
-
મંત્રીનાં હસ્તે લોકાર્પણ : પ્રવાસીઓને નવુ નજરાણુ મળ્યુ

ઉપરકોટની મુલાકાતે આવતા પ્રવાસીઓ અને જૂનાગઢની પ્રજા માટે નવુ નજરાણા રૂપ મૈં ગિરનાર હૂં લાઇટ એન્ડ સાઉન્ડ શો વીથ વોટર પ્રોજેકટનુ મંત્રીનાં હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ. આ તકે મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીને વિડીયો રેકોડીંગનાં માધ્યમથી સ્પીચ આપતા જણાવ્યુ હતુ કે, આઝાદી સમયે જૂનાગઢનાં નવાબને પાકિસ્તાનાં ભળવાનો અભરખો ઉપડયો હતો. ત્યારે સરદાર પટેલ છાતી કાઢી ઉભા થયા હતા. અને જૂનાગઢને ભારતમાં રાખ્યુ હતુ. જો સરદાર ન હોત તો આજે આપણી પાસે સોમનાથ ન હોત અને સિંહ જોવા માટે પાકિસ્તાનના વિઝાની જરૂર પડેત.
જૂનાગઢનાં વિકાસમાં એક વધુ મોર પીછનો ઉમેરો થયો છે. જૂનાગઢ આવતા પ્રવાસીઓ અને અહીની પ્રજાને લાઇટ એન્ડ સાઉન્ડ શોની ભેટ મળી છે. ઉપરકોટમાં રૂપિયા ૨ કરોડનાં ખર્ચે બનાવવામાં આવેલા લાઇટ એન્ડ સાઉન્ડ વીથ વોટર પ્રોજેકટ ખૂલ્લો મુકવામાં આવ્યો હતો. પ્રવાસન મંત્રી જયેશ રાદડીય, બાબુભાઇ બોખીરીયા, ગોંવિદભાઇ પટેલ, કલેકટર અને ઉપરકોટ સમિતિનાં ચેરમેન આલોકકુમાર પાંડે, ભારતી બાપુ, કરશનદાસ બાપુ, શેરનાથબાપુ, ઇન્દ્રભારતી બાપુ, ધારાસભ્ય મેહન્દ્રભાઇ મશરૂ, મેયર લાખાભાઇ પરમારની ઉપસ્થિતીમાં જૂનાગઢનુ આ નવુ નજરાણુ પ્રજા માટે ખૂલ્લુ મકવામાં આવ્યુ હતુ. તેમજ આ પ્રોજેકટનુ ઉદ્ઘાટન પ્રસંગ ઓનલાઇન નિહાળ્યો હતો.

'મેં ગિરનાર હૂં’ ના નાદથી આજથી ઉપરકોટ ગુંજશે.

Bhaslkar News, Junagadh | Feb 22, 2014, 01:27AM ISTજૂનાગઢની પૌરાણીક ઉપરકોટ કિલ્લામાં અડીકડી વાવ, નવઘણ કુવો અને માણેક - નિલમ તોપ સાથે સાહસ અને શૌર્યની રખેવાળી કરતા સ્થાપત્યો પ્રવાસીઓને કાયમી ઇતિહાસની યાદ કરાવતા રહ્યા છે. તેની ઝાંખી કરવાતા લાઇટ એન્ડ સાઉન્ડ વીથ વોટર પ્રોજેકટ પ્રવાસીઓ માટે તા. ૨૨ ફેબ્રુઆરીનાં સાંજનાં સાત વાગ્યે મંત્રી આનંદીબેન પટેલ ગાંધીનગરથી ઇલેકટ્રોનીકસ માધ્યમ દ્વારા ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજીનાં ઉપયોગથી શુભારંભ કરશે.
લાઇટ એન્ડ સાઉન્ડ વીથ વોટર પ્રોજેકટમાં મહાભારતમાં જેનો અવાજ છે તેવા હરીશ ભીમાણીનો અવાજ રાખવામાં આવ્યો છે. મહાભારતમાં જેવી રીતે મે સમય હું નો સંવાદ છે તેવી જ રીતે આ પ્રોજેટકમાં પણ મે ગિરનાર હુંથી શરૂઆત થશે. બાદ ગિરનારનો ૨૨પ૦ કરોડ વર્ષ જૂનો ઇતિહાસ, સામ્રાજય, રાજ કરી ગયેલા નવાબ, રાજાનો ઈતિહાસનુ વર્ણન કરવામાં આવશે.

વિસાવદરનાં ઈન્ચાર્જ આરએફઓને હટાવાયા.

વિસાવદરનાં ઈન્ચાર્જ આરએફઓને હટાવાયા
Bhaslkar News, Junagadh | Feb 22, 2014, 01:22AM IST
-પખવાડિયા જૂના પ્રકરણનો અંત : સરકારી બાબુઓની પરિવાર સાથે ઘૂમેલી ગાડી અને સિંહ દર્શનનો મામલો
-
વનવિભાગનાં સ્ટાફે પણ આરએફઓનાં વર્તન મુદ્દે બદલીની માંગ કરી હતી

વિસાવદર નજીક મધ્યગીરમાં ગત તા.૯નાં રોજ રેવન્યું વિભાગનાં અધિકારીઓની ગાડી પરિવાર સાથે રેન્જનાં મેલડી નાકેથી પ્રવેશી કનકાઈ અને બાણેજમાં ગેરકાયદેસર જંગલ યાત્રા અને સિંહ દર્શનનો મામલે વનવિભાગનાં આરએફઓ સહિ‌તનો ઢાંક પીછોડો સહિ‌ત વિવાદ છેલ્લા પખવાડીયાથી થયો હતો અને આ મામલે ઉચ્ચકક્ષાએ ઉગ્ર રજૂઆતોનો દોર પણ રહ્યો હતો. જ્યારે સ્થાનિક તથા જિલા આગેવાનો દ્વારા પણ સામાન્ય માણસને દંડ ફટકારતા વનવિભાગનાં આ અધિકારીની આ જંગલ યાત્રામાં મેલી મુરાદ હોવાનો આક્ષેપ ઉઠયો હતો જો કે, આજે મોડેથી મળતા સમાચાર મુજબ વિસાવદરનાં ઈન્ચાર્જ આરએફઓ ગોઢાણીયા પાસેથી તાત્કાલીક અસરથી ચાર્જ લઈ લેવાયો છે અને તેઓને મુળ સ્થાને ખાંભા મૂકી દેવામાં આવ્યા છે.

જ્યારે નવનિયુક્તમાં ગોંડલથી ગોંધીયાની નિમણૂંકનો આદેશ થયાનું જાણવા મળી રહ્યું છે. ઉલ્લેખનીય એ છે કે, આ સમગ્ર ગેરકાયદેસર જંગલ યાત્રા અને સિંહ દર્શન બાદ મતદાન મથક ચેક કરવાનું બહાનું વન અને રેવન્યું વિભાગે સાથે જ ઉપજાવ્યું હતું કારણ કે બાણેજ ગીર સોમનાથ જિલ્લામાં આવતું હતું પણ યાત્રામાં માત્ર ગીર કનકાઈ બતાવી જિલ્લા વહિ‌વટી તંત્રના ઉચ્ચઅધિકારીને પણ અંધારામાં રાખવાનો પ્રયાસ થયો હતો. જ્યારે ૧પ દિવસનાં આ વિવાદીત પ્રકરણમાં ઈન્ચાર્જ આરએફઓ ગોઢાણીયાને વિસાવદર રેન્જમાંથી હટાવ્યાનાં સમાચાર મળતા પર્યાવરણ પ્રેમીઓ અને અગ્રણીઓએ સાચી લડત અને અખબારી માધ્યમનો વિજય ગણાવ્યો હતો.

વિસાવદરનાં ડે.કલેકટર અને તેના પરિવારજનો ગત તા.૯નાં રોજ વિસાવદર રેન્જનાં મેલડી નાંકેથી પ્રવેશી કનકાઈ અને બાણેજ ગયા હતા જેમાં સ્થાનિક આરએફઓ ગોઢાણીયાએ આ અિિાકારીઓને વહાલા થવા સ્ટાફને પણ મોકલ્યો હતો. એક તરફ વનવિભાગનાં નિયમ મુજબ મેલડી નાંકામાંથી પ્રવેશો કે તુરંત જ પરમીટ લેવામાં આવે છે પરંતુ સરકારી તંત્રનાં આ અધિકારીઓની જંગલ યાત્રામાં આવુ કશુ થયું ન હતું. દરમિયાન આ જંગલ યાત્રના બીજા દિવસેથી જ આ મુદ્દે વિવાદ ચેડાયો હતો અને વિસાવદરનાં આરએફઓ સામે અનેક પ્રશ્નાર્થો પણ રચાયા હતા. આ મુદ્દે જિલ્લા ભાજપ પ્રમુખ, અન્ય અગ્રણીઓ, પર્યાવરણ પ્રેમીઓ સહિ‌ત લોકોએ વનવિભાગનાં આ વર્તનનો બુલંદ સ્વરે વિરોધ વ્યકત કર્યો હતો. જ્યારે તંત્રનાં અધિકારીઓનાં આ પ્રવાસ અંગે જ્યારે જૂનાગઢ જિલ્લા કલેકટરે રીપોર્ટ માગ્યો ત્યારે તેમાં ગીર કનકાઈની મુલાકાત જ દર્શાવાઈ હતી. પરંતુ અગ્રણીઓના સોગંધનામા સહિ‌ત પુરાવા મુજબ આ અધિકારીઓ પરિવાર સાથે બાણેજ પણ પહોંચ્યા હતા.

દોષીતોને બચાવતો રીપોર્ટ સોમવારે જાહેર થશે

આ બાબતે જૂનાગઢ કલેકટર આલોકકુમાર પાંડે સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, આ બાબતે ગીરપશ્વિમના ડીસીએફ ડો.કે.રમેશને મે તમામ થાણા ડાયરીઓ લઈ બોલાવ્યા છે. જે હાલ ગાંધીનગર હોવાથી શનિવારે મને મળશે. અને થાણા ડાયરી જોયા બાદ આ બાબતનો રીપોર્ટ સોમવારે જાહેર કરશું. પરંતુ પરીક્ષાનું પેપર ફૂટી જાય તેમ આ સમગ્ર પ્રકરણનો રીપોર્ટ સૂત્રો પાસેથી અગાઉ જ મળી ગયો હોય તેવી રીતે આઈએએસ અને આઈએફએસ વચ્ચેની ગુપ્ત બેઠકમાં જંગલયાત્રાના જવાબદારોને કાગળ પર બચાવવાનું અગાઉથી જ નક્કી થઈ ગયું.

જેથી તે મુજબ તમામ થાણાઓમાં બાણેજની એન્ટ્રી ગુમ ? બાણેજની એન્ટ્રી ગૂમ થવાથી જવાબદારો નિર્દોષ ઠરશે. કારણ કે કનકાઈની યાત્રા તો મતદાન ચકાસણીની (કાગળ પર) હતી. જેથી સોમવારે કલેકટરે જંગલયાત્રા માત્ર કનકાઈ સુધી અને એ પણ મતદાન મથકો ચકાસણીની કાયદેસર યાત્રા થશે અને આમ અધિકારીઓ બાણેજ ગયા જ નથી તેવો રીપોર્ટ જ જાહેર કરશે તેવું સુત્રો પાસેથી જાણવા મળ્યું છે.

મેંદરડા પંથકમાં સાવજ-દીપડાનો આતંક, લોકો ભયભીત.

મેંદરડા પંથકમાં સાવજ-દીપડાનો આતંક, લોકો ભયભીત
Bhaskar News, Veraval | Feb 21, 2014, 02:06AM IST
- ફફડાટ : ગઢાળી અને ડેડકીયાળ ગામ પાસે બનેલા બનાવ : લોકો ભયભીત
-
બે યુવાનો પર હુમલો : બંનેને સારવાર માટે જૂનાગઢ સિવીલમાં ખસેડાયા

મેંદરડા પંથકનાં ગઢાળી અને ડેડકીયાળ ગામ પાસે આજે સાવજ અને દીપડાનાં હૂમલામાં બે યુવાન ઘાયલ થતાં જૂનાગઢ હોસ્પિટલે સારવારમાં ખસેડાયા હતાં. વન્ય પ્રાણીઓનાં આતંકથી લોકોમાં ગભરાટનો માહોલ પ્રસરી ગયો છે.છેલ્લા કેટલાય સમયથી જંગલનો પનો ટૂંકો પડતો હોય તેમ વન્યપ્રાણી સાવજ અને દીપડા સીમ અને નગરમાં છેવાડા સુધી આવી જતાં હોવાનાં બનાવો સામાન્ય બન્યા છે.મેંદરડાનાં ગઢાળી ગામે રહેતો વિપ્ર યુવાન કુલદીપ શિવલાલભાઇ જોષી (ઉ.વ.૨૨) આજે સવારનાં અરસામાં પોતાની સીમમાં આવેલ વાડીએ પાણીની મોટર ચાલુ હોય તે બંધ કરવા ગયેલ ત્યારે ખીજડીયા - ગઢાળી રોડ પર અચાનક સાવજે હૂમલો કરી દેતાં તેને પગનાં ભાગે ઇજા પહોંચી હતી.

આવાજ બીજા બનાવમાં ડેડકીયાળ ગામની સીમમાં આવેલ વાડીએ આજે સવારનાં અરસામાં ભુપતભાઇ બીજલભાઇ પીપળીયા (ઉ.વ.૪૦) પાણી વાળી રહયા હતાં ત્યારે ઘઉંનાં પાકમાં લપાયેલા દીપડાએ અચાનક હૂમલો કરી દઇ ડાબા હાથ અને માથાનાં ભાગે ઇજા પહોંચાડી હતી. હૂમલાના પગલે ભુપતભાઇએ બુમાબુમ કરી મુકતા આસપાસનાં લોકોએ દોડી આવી હાકલા પડકારા કરી મુકતા દીપડો નાસી ગયો હતો. આ બંને ઇજાગ્રસ્ત યુવાનોને જૂનાગઢ હોસ્પિટલે સારવારમાં ખસેડવામાં આવ્યા હતાં.

વિપ્ર યુવાને સાવજનો કર્યો હિંમતપૂર્વક પ્રતિકાર
વિપ્ર યુવાન કુલદીપ પર સાવજે અચાનક હૂમલો કરી તેના પગને જડબામાં જકડી લીધો હતો. પરંતુ આ હૂમલાથી જરાય વિચલીત થયા વગર કુલદીપે સામો પ્રતિકાર કરી સાવજનાં મસ્તક પર મુક્કા મારવા લાગતા વળતાં હૂમલાથી સાવજે પણ પાછીપાની કરી લઇ ત્યાંથી નાસી ગયો હતો. આમ હિંમત પૂર્વક સાવજનો વળતો પ્રતિકાર કરતાં તેનો બચાવ થયો હતો.

લોકોએ સિંહને કાંકરીચાળો કરતાં છંછેડાયેલ
આ બનાવને પગલે ગઢાળીમાં પાંજરૂ મુકી દેવામાં આવ્યું છે. અહીંયા સિંહણ તેનાં બચ્ચા સાથે હોય તેવું જાણવા મળે છે. તેમજ કોઇએ સિંહને કાંકરીચાળો કર્યો હોય તો જ છંછેડાય એમ આરએફઓ ડોડીયા સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું. સવારે સિંહ પરિવારને જોવા લોકોનાં ટોળા એકત્રીત થયા હતાં બાદમાં આ હૂમલાનો બનાવ બન્યો હતો.