Bhaskar News, Veraval
|
Feb 21, 2014, 02:06AM IST
- ફફડાટ : ગઢાળી અને ડેડકીયાળ ગામ પાસે બનેલા બનાવ : લોકો ભયભીત- બે યુવાનો પર હુમલો : બંનેને સારવાર માટે જૂનાગઢ સિવીલમાં ખસેડાયા
મેંદરડા પંથકનાં ગઢાળી અને ડેડકીયાળ ગામ પાસે આજે સાવજ અને દીપડાનાં હૂમલામાં બે યુવાન ઘાયલ થતાં જૂનાગઢ હોસ્પિટલે સારવારમાં ખસેડાયા હતાં. વન્ય પ્રાણીઓનાં આતંકથી લોકોમાં ગભરાટનો માહોલ પ્રસરી ગયો છે.છેલ્લા કેટલાય સમયથી જંગલનો પનો ટૂંકો પડતો હોય તેમ વન્યપ્રાણી સાવજ અને દીપડા સીમ અને નગરમાં છેવાડા સુધી આવી જતાં હોવાનાં બનાવો સામાન્ય બન્યા છે.મેંદરડાનાં ગઢાળી ગામે રહેતો વિપ્ર યુવાન કુલદીપ શિવલાલભાઇ જોષી (ઉ.વ.૨૨) આજે સવારનાં અરસામાં પોતાની સીમમાં આવેલ વાડીએ પાણીની મોટર ચાલુ હોય તે બંધ કરવા ગયેલ ત્યારે ખીજડીયા - ગઢાળી રોડ પર અચાનક સાવજે હૂમલો કરી દેતાં તેને પગનાં ભાગે ઇજા પહોંચી હતી.
આવાજ બીજા બનાવમાં ડેડકીયાળ ગામની સીમમાં આવેલ વાડીએ આજે સવારનાં અરસામાં ભુપતભાઇ બીજલભાઇ પીપળીયા (ઉ.વ.૪૦) પાણી વાળી રહયા હતાં ત્યારે ઘઉંનાં પાકમાં લપાયેલા દીપડાએ અચાનક હૂમલો કરી દઇ ડાબા હાથ અને માથાનાં ભાગે ઇજા પહોંચાડી હતી. હૂમલાના પગલે ભુપતભાઇએ બુમાબુમ કરી મુકતા આસપાસનાં લોકોએ દોડી આવી હાકલા પડકારા કરી મુકતા દીપડો નાસી ગયો હતો. આ બંને ઇજાગ્રસ્ત યુવાનોને જૂનાગઢ હોસ્પિટલે સારવારમાં ખસેડવામાં આવ્યા હતાં.
વિપ્ર યુવાને સાવજનો કર્યો હિંમતપૂર્વક પ્રતિકાર
વિપ્ર યુવાન કુલદીપ પર સાવજે અચાનક હૂમલો કરી તેના પગને જડબામાં જકડી લીધો હતો. પરંતુ આ હૂમલાથી જરાય વિચલીત થયા વગર કુલદીપે સામો પ્રતિકાર કરી સાવજનાં મસ્તક પર મુક્કા મારવા લાગતા વળતાં હૂમલાથી સાવજે પણ પાછીપાની કરી લઇ ત્યાંથી નાસી ગયો હતો. આમ હિંમત પૂર્વક સાવજનો વળતો પ્રતિકાર કરતાં તેનો બચાવ થયો હતો.
લોકોએ સિંહને કાંકરીચાળો કરતાં છંછેડાયેલ
આ બનાવને પગલે ગઢાળીમાં પાંજરૂ મુકી દેવામાં આવ્યું છે. અહીંયા સિંહણ તેનાં બચ્ચા સાથે હોય તેવું જાણવા મળે છે. તેમજ કોઇએ સિંહને કાંકરીચાળો કર્યો હોય તો જ છંછેડાય એમ આરએફઓ ડોડીયા સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું. સવારે સિંહ પરિવારને જોવા લોકોનાં ટોળા એકત્રીત થયા હતાં બાદમાં આ હૂમલાનો બનાવ બન્યો હતો.
No comments:
Post a Comment