Thursday, July 31, 2014

શિકારી ખૂદ શિકાર હો ગયા..!

Jul 31, 2014 00:17

  • મોરના શિકાર માટે સબસ્ટેશન પર ચડેલી દીપડીનું વીજ શોકથી મોત
ખાંભા ગીર : વીજ સબસ્ટેશન પર બેઠેલા મોરને જોઈ શિકારની લાલચે વીજ સબસ્ટેશન પર ચડેલી ત્રણ વર્ષની દીપડીને અચાનક વીજ શોક લાગતા જ એ ત્યાંજ ચોટી ગઈ હતી જેનું ઘટનાસ્થળે મોત નિપજયું હતુ. આ બનાવ અંગે વાડી માલિકે વનવિભાગને જાણ કરતા જંગલખાતાનો અને પીજીવીસીએલનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃત્યુ પામેલી દીપડીને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ માટે ધારી ખસેડી હતી. ખાંભા તાલુકાના ગઢિયા અને હિરાવા ગામ વચ્ચે ઘોહાભાઈ હમીરભાઈ વાળાની વાડીએ વીજ સબસ્ટેશન આવ્યું છે. આ સબસ્ટેશન પર મોર બેઠેલો હતો જે દીપડીની નજરે ચડી જતાં શિકાર માટે તલપાપડ બની હતી અને સીધી છલાંગ મારીને સબસ્ટેશનના પોલ ઉપર ચડતા જ જોરદાર વીજ આંચકો લાગતા એના ત્યાં જ રામ રમી ગયા હતા. આ અંગે વાડી માલિકને જાણ થતાં ડીએફઓ અંશુમાન શર્માને જાણ કરી હતી એ પછી જંગલખાતાનો અને પીજીવીસીએલનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃત્યુ પામેલી દીપડીને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ માટે ધારી ખસેડી હતી.

લીલીયા બૃહદ (ગીર) પંથકમાં પ્રાણીઓનો બેરોકટોક શિકાર.

Jul 31, 2014 00:08

  • લાયન નેચર ફાઉન્ડેશન દ્વારા વન તંત્રને રજૂઆત
લીલીયા : લીલીયા બૃહદગીર વિસ્તારમાં નિલગાય, સસલા સહિતના વન્ય પ્રાણીઓનો શિકાર થતો હોવાનું જણાવી, તે અટકાવવા માટે લાયન નેચર ફાઉન્ડેશનના પ્રમુખે વન વિભાગને રજુઆત કરી છે.
લીલીયાના આંબા, કણકોટ, શેઢાવદર, બવાડી, ઈંગોરાળા, જુના સાવર, હરિપર, હાથીગઢ સહિતના વિસ્તારમાં મોટી સંખ્યામાં નિલગાયનો વસવાટ હોય તેનો શીકારીઓ દ્વારા શિકાર કરવામાં આવે રહ્યો છે, તેવી લાયન નેચર ફાઉન્ડેશનના પ્રમુખ મનોજ જોષીએ રજુઆત કરેલ છે. બૃહદગીર વિસ્તારમાં મોટી સંખ્યામાં હરણા અને સિંહોનો પણ વસવાટ છે. તે શિકારીનો ભોગ બને તે પહેલા આ વિસતારના ગામોમાં વિના રોકટોક ચાલતી શિકાર પ્રવૃતિ તાકીદે અટકાવવા જવાબદાર વન તંત્ર દ્વારા પગલાં ભરવામાં આવે તે જરૃર બન્યું છે. આધારભુત વર્તુળોમાંથી જાણવા મળ્યું છે કે ભેંસવડી, લોકો, આંબા સહિતના વિસ્તારમાં શીકારીઓ જાળ બાધી સસલાનો શિકાર કરે છે. અગાઉ અનેકવાર સસલા પકડવાની જાળ વન વિભાગને હાથ લાગી છે, પણ જાળ પાથરનાર હાથ લાગેલ નથી. આ બાબત વન તંત્રની કાર્ય પધ્ધતિ સામે પણ શંકા સેવાય રહી હોવાનું તેમણે જણાવ્યું છે.

વિસાવદરના ઈશ્વરીયા(માંડાવડ)ગામે ફરજામાં ઘૂસી સિંહોએ હૂમલો કરતા એક ગાયનુું મોત


  • Jul 30, 2014 00:04
  • ત્રણ ગાયો બચી ગઈ ઃ આ વિસ્તારમાં પ્રથમ વખત જ સિંહો ત્રાટકતા ગામલોકોમાં ભય
વિસાવદર : સિંહો પોતાના પેટનો ખાડો પુરવા માટે નવી ટેરીટરી ઉભી કરી રહ્યા છે.જેમાં આજે વિસાવદરના ઈશ્વરીયા(માંડાવડ) ગામમાં ઘુસી મકાનના ફરજામાં બાંધેલ ચાર ગાયો પર સિંહોએ હુમલો કરતા તમામ ગાયો ખીલાઓ તોડાવી ભાગી ગઈ હતી.જેમાંથી એક ગાય ગામની બહાર ભાગતા સિંહોએ તેને પકડી શિકાર કરી આખી રાત નિરાંતે ભોજન માણ્યું હતું.ગામમાં મોતના ડરથી ભાગેલી ત્રણ ગાયોને સામાન્ય ઈજાઓ થઈ હતી.
 ઈશ્વરીયા અને તેની આસપાસમાં કદી સિંહ જોવા મળ્યા નથી.ઈતિહાસમાં પ્રથમવાર ગામમાં ઘુસી જીવાભાઈ મેપાભાઈ ભરવાડના મકાનમાં ઘુસી મકાનના ફરજામાં બાંધેલ ચાર ગાયો પર રાત્રીના સાડા બાર વાગ્યા આસપાસ આવી અચાનક ગાયો પર હુમલો કરવાનું ચાલુ કરતા તમામ ચારે ચાર ગાયો ખીલા તોડાવી ભાગી ગઈ હતી.પણ તેમાંથી એક ગાય મકાનના સામેના ભાગે આવેલી નદી તરફ જતા બંને સિંહોએ તેની પાછળ દોડી તેનો શિકાર કર્યો હતો અને આખી રાત શિકાર આરોગ્યો હતો. બચી ગયેલી ગાયો પર હુમલાની કોશિષ કરતા ગાયને સામાન્ય નહોર ભરાવ્યા હતા પણ ત્રણેય ગાયો બચી ગઈ હતી.
  •  ભજનની રમઝટ વચ્ચે સિંહો મારણમાં મસ્ત
વિસાવદર ઃ સિંહોએ ગત રાત્રે ઈશ્વરીયામાં મકાનના ફરજામાં ઘુસી ગાયોનો શિકાર કર્યો ત્યારે નજીકમાં જ ભજનનો પ્રોગ્રામ ચાલી રહ્યો હતો, પણ ભુખ કોઈની સગી થતી નથી તેમ સમજી ભજનની નોંધ પણ ન લીધી.ગાયો પર હુમલો કરેલ ત્યારે એક ગાય નદીમાં ગઈ અને ત્રણ ગાયો બચવા માટે નજીકમાં જ ચાલી રહેલ ભજનના પ્રોગ્રામ નજીક જઈ ફફડતી ઉભી રહી હતી.જેથી ગામલોકોેને પણ કંઈક થયાની શંકા ગઈ,પણ સિંહોની કદી કલ્પના પણ ન હોવાથી તેનો વિચાર ન આવ્યો. મકાનમાલિક અને ગામલોકોને સવારે સિંહોના સગડ પરથી સમગ્ર હકીકત માલુમ પડી હતી.જે ગાયનો શિકાર કર્યો તે ગર્ભવતી હોવાનું જાણવા મળ્યું છે. સવારના સમયે ત્રણમાંથી બે ગાયો પરત આવી પણ એક ગાય ઘરમાં આવતી જ ન હતી અને ફફડી રહી હતી.

વિસાવદરનાં શેત્રુંજવડાળામાં ૮ બકરા મારનાર દીપડી પાંજરે

Bhaskar News, Visavadar | Jul 30, 2014, 00:54AM IST
વિસાવદરનાં શેત્રુંજવડાળામાં ૮ બકરા મારનાર દીપડી પાંજરે
( તસવીર - પાંજરે પુરાયેલી દીપડી )

વિસાવદરનાં શેત્રુંજવડાળામાં ૮ બકરા મારનાર દીપડી પાંજરે
વનવિભાગની ચાર દિવસની જહેમત કામ લાગી


વિસાવદર: વિસાવદરનાં શેત્રુંજવડાળા ગામે ચાર દિવસ પૂર્વે આઠ બકરાંનો શિકાર કરનાર દીપડી પાંજરે પુરાતા લોકોએ રાહત શ્વાસ લીધો હતો.વિસાવદરનાં શેત્રુંજવડાળા ગામે ચાર દિવસ પૂર્વે ભરવાડ ઘુસાભાઈ ભીખાભાઈનાં મકાનની આઠ ફૂટની દિવાલ ઠેકી દીપડીએ આઠ બકરાંનો શિકાર કર્યો હતો. આ ઘટનાને પગલે આરએફઓ ગોંધીયાનાં માર્ગદર્શન હેઠળ સ્ટાફે પાંજરુ ગોઠવી દીધેલ અને ગતરાત્રીનાં પાંચ વર્ષની ઉંમરની દીપડી પાંજરે પુરાઈ હતી. આ દીપડીને પકડવા વનવિભાગનાં એસ.જે.જોષી, એમ.વી.સોલંકી સહિ‌તનાં સ્ટાફે જહેમત ઉઠાવી હતી. આ દીપડીને સાસણ એનીમલ કેર સેન્ટર ખાસે મોકલી અપાઈ હતી.

૧૫ યુવાનો દર શ્રાવણે શિવપૂજા માટે જંગલો ખૂંદે છે.

DivyaBhaskar News Network | Jul 28, 2014, 05:45AM IST
જૂનાગઢનાં યોગી પઢિયાર અને ચેતન શુકલની આગેવાનીમાં ૧૫ યુવાનો દર વર્ષે શ્રાવણ માસમાં ગિરનારનાં જંગલમાં આવેલા શિવમંદિરોએ જવા નીકળી પડે છે. આ યુવાનો સાથે મહાપૂજાની સામગ્રી લેતા જાય. જંગલનાં ખાડા-ટેકરાવાળા તેમજ ઉબડખાબડ અને સીધા ચઢાણવાળો રસ્તો કાપી અડાબીડ જંગલમાં આવેલા શિવમંદિરોમાં પહોંચે છે. અને ત્યાં શિવજીની આરાધના કરવા સાથે અપૂજ રહેલા શિવલિંગની પૂજા કરે છે. છેલ્લા થોડા વર્ષોમાં તેઓ ખાસ કરીને ગિરનારનાં ૪ હજાર પગથિયે આવેલા ગુપ્તેશ્વર મહાદેવ, જોગણીયા ડુંગરમાં આવેલી શિવગુફા, ઇંટવા પાસેનાં જોગણેશ્વર મહાદેવ, અપૂજ શિવમંદિર એવા ચંદ્રમૌલેશ્વર મહાદેવ, જટાશંકર, રામનાથ, ભવનાથ, વગેરે શિવમંદિરોમાં પૂજન-અર્ચન કરે છે.

ગીરનારની ગોદમાં આવેલ પ્રસિદ્ધ ઇન્દ્રેશ્વર મહાદેવ

DivyaBhaskar News Network | Jul 28, 2014, 05:45AM IST
જૂનાગઢનાં દોલતપરા પાસે ગીરનારની ગોદમાં આવેલ ઇન્દ્રેશ્વર મહાદેવનાં દર્શન માટે આજે લોકોની ભીડ જામી હતી. ઇન્દ્રેશ્વર મંદિરનો ઇતિહાસ કાંઇક આવો છે. નરસીંહ મહેતા આ જંગલમાં ગાયો ચરાવવા જતા હતા. ત્યારે એક ગાય રોજ એક જગ્યા ઉપર ઉભી રહે ત્યારે તેના ચાર આચળમાંથી દૂધ વહેતુ હતું. ત્યાં જઇને આસપાસમાંથી બધુ હટાવતા ત્યાં શીવલીંગ મળી આવી હતી. ઇન્દ્રરાજાએ આ મંદિર બનાવેલું હોવાથી તેનું ઇન્દ્રેશ્વર નામ રાખવામાં આવ્યું છે. આ મંદિર આશરે ૨૫૦ વર્ષ જુનુ છે અને આસ્થાનું કેન્દ્ર છે. અહીં શ્રાવણમાસમાં મોટી સંખ્યામાં ભકતો ઉમટી પડે છે.
આલેખન : મનિષ જોષી

રાજુલા નજીક રસ્તા પર આવી ચડેલા પાંચ સિંહને ટીખળી તત્વોએ પરેશાન કરી મૂક્યા.

Bhaskar News, Rajula | Jul 31, 2014, 00:04AM IST
રાજુલા નજીક રસ્તા પર આવી ચડેલા પાંચ સિંહને ટીખળી તત્વોએ પરેશાન કરી મૂક્યા
હાથ પડયુ વાહન લઇને લોકો સિંહ દર્શન માટે પહોંચ્યા પણ વનતંત્ર ન ડોકાયુ


રાજુલા: અમરેલી જિલ્લાના રેવન્યુ વિસ્તારમાં ખુબ મોટા પ્રમાણમાં સાવજો વસી રહ્યા છે ત્યારે આ સાવજો અવાર નવાર રસ્તા પર આવી જાય છે. આ સમયે સિંહ દર્શન માટે ટોળા એકઠા થાય છે અને સાવજોને પરેશાન પણ કરવામાં આવે છે. આવી ઘટના ગઇરાત્રે રાજુલા નજીક હિંડોરણા ચોકડી પાસે બની હતી. પાંચ સાવજોનું ટોળુ રસ્તા પર આવી જતા સિંહ દર્શન માટે વાહનોના થપ્પા લાગ્યા હતાં. સાવજોને હેરાન-પરેશાન પણ કરાયા હતાં. આમ છતાં વનતંત્ર અહિં ડોકાયુ ન હતું. રાજુલા-જાફરાબાદ પંથકમાં વસતા સાવજો અવાર નવાર રસ્તા પર આવી જાય છે અને ક્યારેક રસ્તા પર અડ્ડા પણ જમાવે છે. ખાસ કરીને જ્યાં વાહનોની વધારે અવર જવર હોય તેવા રસ્તા પર જ્યારે સાવજો આવે ત્યારે ખુદ સાવજોની જ પરેશાની વધે છે. કારણ કે સિંહ દર્શન માટે લોકોના ટોળે ટોળા એકઠા થઇ જાય છે.

રાજુલાના હિંડોરણા ચોકડી નજીક ચારનાળા વિસ્તારમાં ગઇરાત્રે પાંચ સાવજોનું ટોળુ રસ્તા પર આવી જતા હાથ પડયા વાહનો લઇને લોકો અહિં સિંહ દર્શન માટે પહોંચી ગયા હતાં. સાવજો એકાદ કલાક સુધી રોડ પર રહ્યા હતાં અને ત્યાં સુધી ટીખળી તત્વોએ સાવજોને હેરાન પરેશાન કર્યા હતાં. કેટલાક બાઇક ચાલકોએ તો અહિં ભારે દેકારો પણ કર્યો હતો. સાવજોનો કાંકરીચાળો અને તેના પર લાઇટ ફેંકવાની પ્રવૃતિથી આ સાવજો પણ અકળાયા હતાં. અહિં વન વિભાગનો સ્ટાફ ડોંકાયો ન હતો. આખરે લોકોની કનડગત વધી જતા સાવજો ત્યાંથી ચાલ્યા ગયા હતાં. ઉલ્લેખનીય એ છે કે, લીલીયા ક્રાંકચ વિસ્તારમાં અને રાજુલા નજીક સિંહો વારંવાર ચઢી આવતા સિંહ જોવાની મજા માણવા માટે આવી રીતે ટીખડી તત્વો દ્વારા અવાર નવાર પરેશાન કરવાની ઘટના બની ચુકી છે.

પ૦ બાઇકનો જમેલો ખડકાયો
ચારનાળા નજીક રસ્તા પર સાવજો હોવાની જાણ થતા જોતજોતામાં અહિં ટોળુ એકઠુ થઇ ગયુ હતું. પ૦ જેટલા બાઇક ચાલકો આસપાસના વિસ્તારમાંથી અહિં આવી પહોંચ્યા હતાં. અહિં જોતજોતામાં ૧૦૦થી વધુ લોકોનું ટોળુ એકઠુ થયુ હતું.

સરકારી ગાડીમાં મહિ‌લાઓને સિંહ દર્શન કરાવાયુ
હદ તો ત્યારે થઇ કે રાત્રે એક સરકારી ગાડી પણ સાવજો જ્યા હતા ત્યાં આવી પહોંચી હતી અને તેમાં આઠ મહિ‌લાઓ સિંહ દર્શન માટે અહિં પહોંચી હતી. સરકારી ગાડીના ડ્રાઇવરે ખીચોખીચ મહિ‌લાઓને બેસાડી અહિં કોના કહેવાથી તેને સિંહ દર્શન માટે લઇ આવ્યો હતો તે પણ તપાસનો વિષય બન્યો છે. સમગ્ર ઘટનામાં વનતંત્ર ઘોર બેદરકારી સામે આવી હતી.