Thursday, April 30, 2020

આંકોલવાડી ગામે હત્યા કેસમાં સંડોવાયેલ બે આરોપી ગેર કાયદેસર સિંહ દર્શનનાં પણ ગુનેગાર

  • 6 એપ્રિલે સોશ્યલ મીડિયામાં વીડિયો વાઇરલ કર્યો હતો

દિવ્ય ભાસ્કર

Apr 27, 2020, 05:00 AM IST

તાલાલા. આંકોલવાડીમાં યુવાનની હત્યામાં સંડોવાયેલા 6 આરોપી પૈકી 2 ગેરકાયદેસર સિંહ દર્શન કરી સિંહનો વિડીયો સોશ્યલ મિડીયામાં વાઇરલ કરવાનાં ગુનામાં વન વિભાગની નજરે ચઢી ચુકયા છે. આંકોલવાડીનાં સમીર સોલંકીની હત્યામાં સંડોવાયેલા સાગર જીવા ગઢીયા, હડમતીયાનાં અજય ચૌહાણે ગત 16 એપ્રિલનાં સિંહોનો વિડીયો વાઇરલ કર્યો હતો. અને જંગલમાં ગેરકાયદેસર પ્રવેશ કરી વિડીયો ઉતાર્યો હોવાનું જણાતા આરએફઓ અગ્રાવત, તાલાલા આરએફઓ ભટ્ટનાં માર્ગદર્શન હેઠળ રાઉન્ડ ફોરેસ્ટર ગોપાલસિંહ રાઠોડે આ બંનેની અટક કરી આકરી પુછપરછ કરી હતી. અને વન વિભાગને જયારે જરૂર લાગે ત્યારે હાજર રહેવાની શરતોને આધીન જામીન પર મુકત કર્યા હતાં. હત્યામાં મૃતક યુવાનની પત્ની ઉપરાંત 5 માંથી 4 આરોપી પોલીસ ગીરફતમાં આવી ચુકયા છે. જયારે અજય ચૌહાણ હજુ ફરાર હોય તેમને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/talala/news/the-two-accused-involved-in-the-ankolwadi-village-murder-case-are-also-guilty-of-illegal-lion-watching-127247670.html

સક્કરબાગ ઝૂમાં માત્ર 1 મહિનામાં 6 સિંહણે 21 બચ્ચાને જન્મ આપ્યો, ડી-13 સિંહણનું બ્રિડીંગ થતા 3 બચ્ચા જન્મ્યા

  • 5 વર્ષના આંકોલવાડી સિંહની સાથે ડી-13 સિંહણનું બ્રિડીંગ થતા 3 બચ્ચા જન્મ્યા

દિવ્ય ભાસ્કર

Apr 27, 2020, 05:53 AM IST

જૂનાગઢ . જૂનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય એ સિંહોના બ્રિડીંગ માટે એશિયામાં સૌથી મોટુ છે. અહીં જન્મ લેતા સિંહ દેશના વિવિધ ઝૂમાં ગર્જના કરે છે. જીનપુલ પ્રોગ્રામ હેઠળ લાવેલ ડી નામની 7 સિંહણોમાંથી 6 એ બચ્ચાને જન્મ આપ્યો છે. ત્યારે હવે માત્ર એક જ સિંહણ માતા બનવાની બાકી રહી છે તે પણ આગામી દિવસોમાં બચ્ચાને જન્મ આપશે તેવું જાણવા મળી રહ્યું છે. સક્કરબાગ ઝૂના ડાયરેક્ટર અભિષેક કુમારે જણાવ્યું હતું કે, સિંહના સંવર્ધન કેન્દ્રમાં રહેલ સિંહણ ડી-13 અને 5 વર્ષના આકોલવાડી સિંહના સફળ બ્રિડીંગથી ત્રણ બચ્ચાનો જન્મ થયો છે. જેમાં 1 નર અને બે માદાનો સમાવેશ થાય છે.

સફળ બ્રિડીંગથી 6 સિંહણો માતા બની

સિંહણ-13 તેમના બચ્ચાની વ્યવસ્થિત સારસંભાળ રાખી રહી છે તેમજ સીસીટીવી કેમેરાથી સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. બચ્ચાને જન્મ આપનારી સિંહણના ખોરાકમાં વધારો કરી તેમાં જરૂરી તમામ મિનરલ્સ અને વિટામીન આપવામાં આવી રહ્યા છે. જીનપુલ પ્રોગ્રામ હેઠળ જંગલમાંથી 7 સિંહણોને સક્કરબાગ ઝૂ ખાતે લાવવામાં આવી હતી અને તેમના નામ ડી પરથી રાખવામાં આવ્યા હતા. ત્યારે ઝૂના વિવિધ સિંહો સાથેના સફળ બ્રિડીંગથી 6 સિંહણો માતા બની છે અને 21 બચ્ચાને જન્મ આપ્યો છે. ત્યારે હજુ એક સિંહણ પણ આગામી દિવસોમાં બચ્ચાને જન્મ આપી શકે તેમ જાણવા મળી રહ્યું છે.

21 બચ્ચાને જન્મ આપનાર સિંહણો
સિંહણ    બચ્ચા
ડી-1         6
ડી-4         4
ડી-8         3
ડી-11       3
ડી-13       3
ડી-12       2

https://www.divyabhaskar.co.in/mera-shehar/local/gujarat/junagadh/9

ગિરનારના જંગલમાં બચ્ચાવાળી સિંહણને મારણ પરથી ભગાડી પજવણી, 2 ટ્રેક્ટરો સાથે કેટલાક લોકોએ વિડીયો પણ ઉતાર્યો

  • તપાસ ચાલુ હોવાનું વનવિભાગનું રટણ, લોકોએ લોકડાઉનનો ગેરલાભ લીધો

દિવ્ય ભાસ્કર

Apr 27, 2020, 11:22 PM IST

જૂનાગઢ. ગિરનારના જંગલમાં બચ્ચાંવાળી સિંહણને મારણ પરથી ઉઠાડીને કેટલાક લોકોએ ટ્રેક્ટરથી તેની પજવણી કરી હતી. આ બનાવનો વીડિયો પણ આવા લોકોએ ઉતારીને વાયરલ કર્યો હતો. વીડિયોના બેકગ્રાઉન્ડમાં ગિરનાર પર્વત પણ દેખાય છે. અને તેની દિશાના આધારે ખડિયા તરફનો હોવાની આશંકા સેવાઇ રહી છે. વનવિભાગે આ વીડિયો અંગે તપાસ ચાલુ હોવાનું રટણ કર્યું છે. બે વીડિયો પૈકી એમાં તો હાથમાં ડંડો સાથેના શખ્સને બાકીના લોકો હવે રહેવા દે બહુ ખારા (ગુસ્સે) ન કરાય એમ કહેતા પણ સંભળાય છે. તો એક વ્યક્તિનું નામ લઇને પણ બોલાવે છે. જે ટ્રેક્ટરના ટ્રેલરમાં બેસીને વીડિયો ઉતર્યો છે એમાં ટ્રેક્ટરના નંબર પણ દેખાઇ આવે છે. આ બનાવમાં ડીએફઓ ખરેખર તપાસ કરે એ જરૂરી છે. વીડિયોમાં વળી એકાદનું નામ પણ બોલાય છે. વળી આ બનાવમાં બે ટ્રેક્ટરોનો ઉપયોગ થયો છે. આવા તત્વોમાં વન વિભાગનો ખોફ જ ન હોય, આવી પ્રવૃત્તિ કરનારા પર વન વિભાગનો કોઇ અંકુશજ ન હોય એવી પ્રતિતી આ વીડિયો પરથી થઇ રહી છે.
ટ્રેક્ટરથી સિંહ ડરે

સિંહને ઇજા પહોંચાડીને પજવણી કરનારા મોટાભાગે બંધ બોડીના વાહનમાં બેઠેલા કાયરો હોય છે. પણ સિંહ ટ્રેક્ટરના અવાજ અને મોટા ટાયરથી ડરતું હોઇ અહીં પજવણી કરનારાઓએ બે ખુલ્લા ટ્રેક્ટરનો ઉપયોગ કર્યો છે.લોકડાઉનમાં આજે લોકો ફરવા પણ જઇ શકતા નથી. ત્યારે આ વીડિયોમાં બબ્બે ટ્રેક્ટરોમાં સવાર થઇને આ સ્થિતીનો ગેરલાભ લીધો છે. વન વિભાગ જંગલમાં આવેલા ધાર્મિક સ્થળોએ જતા ભાવિકો અને ફરવા આવેલા સહેલાણીઓ પર જ કાયદો કસીને સંતોષ માનતું હોય છે. જ્યારે પજવણીખોરોના વીડિયો અવારનવાર વાયરલ થતા હોય છે. હકીકતે વન વિભાગે કાયદાનો ઉપયોગ આવા તત્વો પર કરવાની વધુ જરૂર છે.


તપાસ ચાલુ છે : ડીએફઓ

દિવ્ય ભાસ્કરે આ અંગે જૂનાગઢ નોર્મલ ડિવીઝનના ડીએફઓ સુનિલ બેરવાલને પૂછતાં તેમણે આ વીડિયો અંગે તપાસ ચાલુ હોવાનું કહ્યું હતું. વીડિયો નવો જ છે કે ઘટના જૂની છે એ માટેની તપાસ પણ અમે કરી રહ્યા છીએ એમ તેમણે ઉમેર્યું હતું.

(નિમિશ ઠાકર/સરમન રામ જૂનાગઢ)

https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/news/lioness-torture-to-few-people-near-girnar-of-junagadh-127253961.html

સિંહની પજવણી કરવા ટ્રેક્ટર ચલાવનાર ઝડપાયો, વનવિભાગે તેને પકડવાની તજવીજ હાથધરી

  • 1 ફરાર, હજી કેટલાક નામો ખુલશે, બંને બિલખાનાં

દિવ્ય ભાસ્કર

Apr 28, 2020, 05:00 AM IST

જૂનાગઢ. જૂનાગઢ તાલુકાના ખડિયા તરફના ગિરનાર જંગલની બોર્ડર વિસ્તારમાં બે બચ્ચાંવાળી સિંહણને મારણ પરથી ઉઠાડીને બે ટ્રેક્ટર દોડાવી પજવણી કરવાના બનાવની તપાસ ગઇકાલે આરએફઓ ભગીરથસિંહ ઝાલાને સોંપાઇ હતી. તેમણે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, આજે બિલખાના વિશાલ ગોરધન નાળોદાને રાઉન્ડ અપ કર્યો હતો. તેની પુછપરછમાં પોતે ટ્રેક્ટર ચલાવતો હોવાનું  કબુલ્યું હતું. તેણે આ બનાવમાં બિલખાનાજ રાજુ જેબલિયાનું નામ આપ્યું હતું. આથી વનવિભાગે તેને પકડવાની તજવીજ હાથ
ધરી છે.

બનાવ બે જ દિવસ પહેલાંનો
પજવણીનો બનાવ હજુ 25 એપ્રિલનો જ હોવાનું પકડાયેલા શખ્સે વન વિભાગને જણાવ્યું હતું. જોકે, હજુ તેની સાથે બીજા કોણ કોણ હતા ? એ સહિતના અનેક સવાલોના જવાબો મેળવવાની વનવિભાગે તજવીજ હાથ ધરી છે.

https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/news/tractor-driver-caught-harassing-lion-127254805.html

અમરેલી જિલ્લામાં 3 મહિનામાં 21 સિંહના મોત થયા, CDV વાઇરસની વાત તદ્દન ખોટી: જૂનાગઢ CCF

  • એક વર્ષમાં 286 સિંહોના રેસ્ક્યુ કરવામાં આવ્યા 

દિવ્ય ભાસ્કર

Apr 28, 2020, 11:18 PM IST

અમરેલી. તુલસીશ્યામ રેન્જમાં આજે પુખ્ત વયના સિંહનું મોત નીપજ્યાનું સામે આવતા સીસીએફ વસાવડાએ જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ મહિનામાં અમરેલી જિલ્લામાં 21 સિંહોના મોત નીપજ્યા છે. સિંહોના કરવામાં આવેલા રેસ્ક્યુ એ રૂટિન પ્રક્રિયા છે. એક વર્ષમાં 286 સિંહોના રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. દલખાણીયા રેન્જમાં સિંહોમાં રોગચાળો ફેલાયેલો હતો તેવો રોગચાળો હાલ નથી. રેસ્ક્યુ કરેલા 17 સિંહોમાં બે સિંહોમાં હિમોગ્લોબીન ઓછું જોવા મળ્યું હતું. કેનાઇન ડિસ્ટેમ્પર વાઇરસની વાત તદ્દન ખોટી છે. અખબારો અને સોશિયલ મીડિયામાં સિંહોમાં કેનાઇન ડિસ્ટેમ્પર વાઇરસ આવ્યો તે સમાચાર ખોટા છે. 

https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/amreli/news/21-lion-death-last-3-month-in-amreli-district-127256138.html

રાણાવાવ વાડી વિસ્તારમાંથી સવારે દીપડો પાંજરે પુરાયો,

  • 2 દિવસ પહેલાં દીપડાએ વાછરડી નું મારણ કર્યું હતું

દિવ્ય ભાસ્કર

Apr 29, 2020, 05:00 AM IST

પોરબંદર. રાણાવાવમાં વિવેકાનંદ સ્કૂલ નજીક એક વાડી પાસે દીપડાએ દેખા દીધી હતી, અને 2 દિવસ પહેલા એક વાછરડી નું મારણ કરતા, વેન વિભાગે પાંજરું ગોઠવતા, દીપડો વહેલી સવારે પાંજરે પુરાયો હતો. રાણાવાવમાં વિવેકાનંદ સ્કૂલ નજીક લખમણભાઈ કેશવાલા ની વાડી માં તાજેતરમાં દીપડાએ દેખા દીધી હતી, અને 2 દિવસ પહેલા દીપડાએ એક વાછરડી નું મારણ કર્યું હતું, દીપડાએ મારણ કરતા વાડી વિસ્તારમાં ભય વ્યાપી ગયો હતો, અને આ અંગે વન વિભાગને જાણ કરતા રાણાવાવ રેન્જ ફોરેસ્ટ અધિકારી અમિત વાણીયા તથા સ્ટાફે તપાસ કરી, વાડી ખાતે દીપડાને પકડવા પાંજરુ ગોઠવ્યું હતું, આજે વહેલી સવારે દીપડો પાંજરે પુરાતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો, અધિકારીએ જણાવ્યું હતું કે વેટનરી તબીબ દ્વારા દીપડાની મેડિકલ તપાસ કરવામાં આવશે અને એક ચિપ ફિટ કરવામાં આવશે, ત્યારબાદ આ દીપડાને બરડા અભયારણ્ય ખાતે છોડી મુકવામાં આવશે.

https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/porbandar/news/in-the-morning-a-panda-cage-was-found-from-ranavav-wadi-area-127257378.html

2 સાધુને ફાડી ખાનાર દીપડાને આજીવન કેદ, સક્કરબાગ ઝૂ ખાતે મોકલી અપાશે

  • વન વિભાગની 3 ટીમની જહેમત બાદ દીપડો પાંજરે પુરાયો, સક્કરબાગ ઝૂ ખાતે મોકલી અપાશે

દિવ્ય ભાસ્કર

Apr 29, 2020, 06:09 AM IST

જૂનાગઢ. ભવનાથમાં 2 સાધુને ફાડી ખાનાર દીપડાને આજીવન કેદમાં રાખવામાં આવશે. હાલ આ દીપડાને સક્કરબાગ ઝૂ ખાતે મોકલી અાપવામાં આવશે. આ અંગે મળતી વિગત મુજબ 17 એપ્રિલના રોજ ગિરનારની સિડીના 200 પગથિયા સ્થિત શિતળા માતાના મંદિરના 75 વર્ષિય પૂજારી રામબાપાને દીપડાએ ફાડી ખાધા હતા. બાદમાં 25 એપ્રિલે ભવનાથ તળેટીના ગુરૂ ગોરક્ષનાથ આશ્રમ સામેના સરકારી ડોમ પાસે ખુલ્લામાં સુતેલા 52 વર્ષિય ઓમકારગીરી મહારાજને પણ દીપડાએ ફાડી ખાધા હતા. બાદમાં નાયબ વન સંરક્ષક ડો. એસ.કે. બેરવાલ અને મદદનીશ વન સંરક્ષક જે.આર. પટેલના માર્ગદર્શનમાં વન વિભાગની 3 ટીમે શંકાસ્પદ દીપડાને પકડી પાડેલ હતો.

બાદમાં દીપડાના સ્કૈટ- સેમ્પલ મેળવી લેબોરેટરીમાં મોકલી બન્ને માનવ હુમલામાં દીપડાની ખરાઇ કરવામાં આવી હતી. દરમિયાન 2 સાધુને ફાડી ખાનાર ખુંખાર માનવભક્ષી અંદાજે સાતેક વર્ષની ઉંમરના દીપડાને આજીવન છોડવામાં નહી આવે જેથી તે અન્ય માનવ પર હુમલો ન કરી શકે. ખુંખાર માનવ ભક્ષી દીપડાને સક્કરબાગ ખાતે રાખવામાં આવશે.

મોટા કાજલિયાળામાં દીપડાનો આતંક

કણજા |વંથલી પંથકના કાજલીયાળા ગામે દીપડો આવી ચઢ્યો હતો અને એક વાછરડીનું મારણ કરતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યોં છે.જેથી વનવિભાગ દ્રારા પાંજરૂ મુકવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.વંથલી તાલુકા ના મોટા કાજલીયાળા ગામે રહેતાં વિક્રમભાઈ ડાંગરના વાડામાં પશુઓ બાંધેલ હોય ત્યારે જ ગત સોમવારની રાત્રી ના દીપડો ચઢી આવ્યો હતો અને દીવાલ કૂદી વાડામાં પ્રવેશ્યો હતો અને વાછરડીનું મારણ કર્યું હતું.જેથી ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યોં છે.વનવિભાગ દ્રારા પાંજરૂ મૂકી દીપડાને પાંજરે કેદ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.આ ઉપરાંત હાલ માં આ વિસ્તારમાં અનેક જગ્યાએ ઉનાળુ પાકનું પણ વાવેતર હોય જેથી રાત્રીના બદલે દિવસે વીજપુરવઠો આપવામાં આવે તેવી માંગ સાથે સરપંચ મેરામભાઈ ડાંગરે ઉચ્ચકક્ષાએ રજુઆત કરી છે.

https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/news/2-a-monk-who-tore-a-tiger-to-life-imprisonment-127257247.html