Saturday, May 3, 2008

ભવિષ્યમાં ઔષધિય દેશી દાતણો માત્ર ચિત્રોમાં જ જોઇ શકાશે!

Bhupendra Maheshwari, Madhapar
Wednesday, April 30, 2008 23:34 [IST]

આજે આ વ્યવસાય સાથે જૉડાયેલા લોકોનો ધંધો પડી ભાંગ્યો છે, જંગલમાં ૫૦ કિ.મી ફરવા છતાં સારા દાતણો હવે મળતાં નથી

ટૂથપેસ્ટના જમાનામાં આજે પણ ડોકટરો ખુદ દેશી બાવળોનો ઉપયોગ કરી દાંતની જાળવણી કરે છે. આજે પણ દેશી દાતણનો ઉપયોગ જૂની પેઢી કરી રહી છે અને નવી પેઢીમાં પણ આ આયુર્વેદિક ઔષધની મહતા સમજતા તેઓ પણ આ તરફ ડગ માંડી રહ્યા છે ત્યારે આ મહામૂલી ઔષધિનું ભકતનું નિકંદન બુદ્ધિજીવીઓમાં ચિંતાનો વિષય બન્યો છે. આ દાતણ વેચી રોજી-રોટી રળતા લોકોનો પેટનો ખાડો કેમ પુરાશે ? તે પ્રશ્ન પણ તેઓને સતાવી રહ્યો છે.

ગાંડા બાવળની સાથે દેશી બાવળનો સોથ વાળવામાં આવી રહ્યો છે. કદાચ એવો સમય આવશે કે, આવનારી પેઢીને ટૂથપેસ્ટનો એક સમયે દેશી દાતણ વિકલ્પ હતો તે સમજાવવા ફોટા બતાવવા પડશે. દાતણ વ્યવસાય સાથે સંકળાયેલા દેવીપૂજકોની જેમ તેમ ગાડી ગબડતી હતી પણ, ગાંડાબાવળ કાપવાની છૂટ મળતાંની સાથે દેશી બાવળનો સોથ વાળવામાં આવતા આ વ્યવસાય ભંગાણની અણીએ આવીને ઉભો છે. હાલમાં આ લોકોને દાતણ મેળવવા જંગલમાં પચાસ કિલોમીટર સુધી ભટકવું પડે છે.

એક સમયે કરછમાં નિંગાળ, ખડીર, છપરિયા આડેસર પાસે પુંગબીડ, નખત્રાણા, ભુજ, માંડવી વગેરે તાલુકાની રખાલોમાં વિપુલ પ્રમાણમાં દેશી બાવળોની ઝાડી હતી. કરછ હરિયાળું હતું, રાજાશાહીમાં દેશીબાવળનું વાવેતર થયું હતું. એ માટે પંજાબ સરકાર તરફથી લોન સર્વિસ ઉપર ખાસ ટેકનિકલ અધિકારી લાભુરામ શર્માની કરછના રાજાએ નિમણૂક કરી હતી. તેમની મહેનતથી આજે કરછમાં દેશી બાવળ દેખાય છે. વહેલી તકે દેશી બાવળનું થતું નિકંદન રોકવા લોકપ્રતિનિધિઓએ આગળ આવવું જૉઇએ જેથી દેવીપૂજકો પણ પોતાના વ્યવસાયનો વધુ વિકાસ કરી શકે અને મહામૂલી ઔષધિ લુપ્ત થતી બચી જાય.

Source: http://www.divyabhaskar.co.in/2008/04/30/0804302336_natural_teeth_freshener.html

No comments: