Saturday, May 3, 2008

આંબરડી વાઈલ્ડ લાઈફ ઈન્ટરપ્રિટેશન પાર્ક અમરેલીને વિશ્વના નકશા પર મૂકશે

અમરેલી, તા.૧
એશિયાટિક લાયન્સ-સિંહો માટેનું વિશ્વભરનું એક માત્ર આશ્રયસ્થાન એવા ગીર અભયારણ્યનો મોટો હિસ્સો અમરેલી જિલ્લાની હદમાં પણ આવે છે. અમરેલી એ ગીર અભયારણ્યમાં જવાનું પ્રવેશદ્વાર કહેવાય છે. ત્યારે પ્રવાસન વર્ષ દરમિયાન ગુજરાતના પ્રવાસન વિભાગે, ભારત સરકારને અમરેલી જિલ્લાના ધારી તાલુકાના આંબરડી ખાતે ઈકો-ટુરિઝમને પ્રોત્સાહન આપવાના ભાગરૃપ અમરેલી જિલ્લામાં પણ મૂલાકાતીઓ મૂકતપણે વિહરતા સિંહોને જોઈ શકે તે માટે આંબરડી ખાતે વાઈલ્ડ લાઈફ પરિયોજના અમલી બનાવવા કેન્દ્રના પ્રવાસન મંત્રાલયે રૃ.૪૭૪.૨૫ લાખની ફાળવણી કરી છે. જે પૈકીની ૮૦ ટકા રૃ.૩૭૯.૦૦ લાખની રકમ ગુજરાત સરકારને ચૂકવી પણ દેવામાં આવી છે. વાઈલ્ડ લાઈફ પરિયોજના સંદર્ભે ગુજરાતના પ્રવાસન વિભાગના વડપણ હેઠળ ગાંધીનગર ખાતે જાન્યુઆરી-૨૦૦૮ માં મળેલ બેઠકમાં એ.ડબલ્યુ.એલ.પી.આઈ. આંબરડી વાઈલ્ડ લાઈફ ઈન્ટરપ્રિટેશન પાર્કની જરૃરી ડિઝાઈન તૈયાર કરી કામના ટેન્ડરો મંગાવી, રાજય સરકારની મંજુરી મેળવી આગળ વધવા વન વિભાગોને જણાવવામાં આવ્યું છે. અમરેલી જિલ્લાના ધારી તાલુકા મથકથી ૩ કિ.મી. અને અમરેલી-ધારી રોડથી ૬ કિ.મી.ના અંતરે આવેલ પ્રકૃતિ અને પાણીની વિપુલતાથી હર્યાભર્યા આંબરડીના આ પરિયોજના માટે પસંદ થવાના ઘણા કારણો છે. તેમાં એક તે, ધારી કેશોદ થી ૧૫૦ કિ.મી., જૂનાગઢથી ૧૧૫ કિ.મી., દિવથી ૬૦ કિ.મી. અને ભાવનગરથી ૧૩૫ કિ.મી.ના અંતરે રસ્તા માર્ગે આંબરડી જોડાયેલું છે.

ધારી(પૂર્વ) વન વિભાગના પરિપત્રમાં જૂનાગઢ અને અમરેલી જિલ્લાના અભયારણ્યો પણ આવેલ છે. આ અભ્યારણ્ય ૪૨૫ ચોરસ કિલોમીટર વિસ્તારમાં પથરાયેલું છે. આ વિસ્તારને તારની મજબૂત વાડથી સુરક્ષિત કરીને પરિયોજના અમલી બનતાં અહીંથી પણ પ્રવાસીઓ સિંહો અને અન્ય વન્યજીવોને મૂકતપણે વિહરતા જોઈ શકશે. આ પરિયોજના માટે અહીં ૪૦૦ હેકટર જેટલી જમીનનો ઉપયોગ થશે. હકીકતમાં આંબરડી ગુજરાતભરથી તુલશીશ્યામ અને દિવ જતાં મોટી સંખ્યાના પ્રવાસીઓના માર્ગમાં આવે છે.

Source: http://www.sandesh.com/articlewoImage.aspx?NewsID=73746&Keywords=Saurashtra%20Gujarati%20News

No comments: