Saturday, May 17, 2008

રાજકોટ ઝૂની 'બંસી'ની ડણક સદાને માટે શમી

રાજકોટ,તા.૧૬

રાજકોટ આજી ઝૂમાં ૧૯૯૨માં જન્મેલી અને અહીં વસતા સાવજોના પરિવારના વડલા સમાન સિંહણ 'બંસી'ને ગર્ભાશયમાં ગાંઠ થઈ જતાં માત્ર સાત દિવસની જ ટૂંકી બીમારીના અંતે આજે તેનું મૃત્યું નિપજ્યું હતું. 'પાર્થ'ની સગી બહેન 'બંસી' આજીવન 'કુંવારી' રહી હતી. વર્ષોથી અહીં ઝૂમાં ડણક દેતી 'બંસી' સાથે સ્ટાફને ઉંડી લાગણી બંધાઈ ગઈ હતી. તેની વિદાયથી સ્ટાફ એક આપ્તજન ગૂમાવ્યાના ઘેરા શોકમાં ડૂબી ગયો છે.

તા. ૨૦ ઓક્ટોબર ૧૯૯૨માં આજી ઝૂમાં જ માતા 'મસિહા' અને પિતા 'કેસર' થકી જન્મેલી સિંહણ આજી ઝૂમાં વટવૂક્ષ બનતા જતાં સાવજ પરિવારની વડીલ બની રહી હતી. બાળપણમાં તેના સગા ભાઈ 'પાર્થ' સાથે ઝૂમાં બાલ્યાવસ્થાને મનભરીને માણી હતી. તેનો રમતિયાળ સ્વભાવ જોવા એ વખતે શહેરીજનો મોટો સંખ્યામાં ઝૂની મુલાકાતે આવતા. દરમિયાન છેલ્લાં એકાદ અઠવાડિયાથી તેની તબિયત અચાનક લથડવા લાગતાં તબીબી પરિક્ષણમાં 'બંસી'ને ગભાર્શયમાં ગાંઠ થઈ ગઈ હોય અને તેનું ઇન્ફેક્શન લાગી જતાં માત્ર સાત દિવસની જ ટૂંકી બીમારીના અંતે ગઈકાલે રાત્રે તેણે અંતિમશ્વાસ લીધા હોવાનું મનપાના ડેપ્યુટી કમિશનર પી.પી.વ્યાસે જણાવ્યું હતું.

મૃત સિંહણનું પોસ્ટમોર્ટમ વેટરનર પોલિક્લીનિકના ડે. ડાયરેક્ટર ડો. ઉકાણીએ કરી વિસેરા લેબોરેટરીમાં મોકલી આપ્યા હતા. સાવજોનું સરેરાશ આયુષ્ય વિસેક વર્ષની હોય છે અને ૧૫ વર્ષ બાદ જીવલેણ બીમારીમાં સપડાવાના ચાન્સ વધી જતાં હોવાનું ઝૂના સુપિ. એમ.જી.મારડિયાએ જણાવ્યું હતું.

Source: http://www.sandesh.com/articlewoImage.aspx?No=48&NewsID=76784&Keywords=sfdklj

No comments: