Saturday, May 17, 2008

જંગલોમાં થતી ભેદી હિલચાલ પર વોચ રાખવા ‘જાસૂસ’ ટુકડી રચાઇ

Viral Vasavada, Rajkot
Saturday, May 17, 2008 00:24 [IST]

શંકાસ્પદ લાગતી વ્યકિતઓનો ડેટાબેઝ તૈયાર થઇ રહ્યો છે

ગીરના જંગલમાં ગત વર્ષ્ોએક સાથે આઠ આઠ સિંહોને ક્રૂરતાથી મોતને ઘાટ ઉતારી દેવાની ત્રણ-ત્રણ ઘટનાઓથી ચોંકી ઊઠેલી ગુજરાત સરકારે લાંબી કવાયતને અંતે વાઇલ્ડ લાઇફ ક્રાઇમ સેલની રચના કરીને જંગલોમાં ચાલતી ઝીણામાં ઝીણી ગતિવિધિઓ પર બાજનજર રાખવાનું શરુ કરી દીધું છે.

આ ખાસ ટુકડી જંગલ વિસ્તારની શંકાસ્પદ વ્યકિતઓનો આખો ડેટાબેઝ તૈયાર કરીને ગાંધીનગર મોકલશે. આ માટે આ ટુકડી પોલીસતંત્ર અને કોસ્ટગાર્ડ સાથે પણ સંકલનમાં રહેશે.

રાજયના વનખાતાના મુખ્ય વનસંરક્ષક પ્રદીપ ખન્નાએ આ અંગેની વિગતો આપતા કહ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા ડબલ્યુસીસીની રચના કરી દેવાઇ છે. આ વિશેષ્ા ટુકડીએ વનસંપત્તિ પર કુઠારાઘાત કરતાં તત્ત્વોનો ડેટાબેઝ તૈયાર કરવાનું શરુ પણ કરી દીધું છે.

આ ટુકડીના સભ્યો કેન્દ્ર અને રાજયોની સરકારો સાથે સંકલન સાધશે. એટલું જ નહીં, વન સંપત્તિને નુકસાન પહોંચાડતાં તત્ત્વોને ડામી દેવા પોલીસ તંત્ર અને કોસ્ટગાર્ડનો પણ સહયોગ લેવાશે.

ખાસ કરીને આરક્ષિત વનવિસ્તારોની આસપાસ ચાલતી હરકતો પર આ ટુકડી વોચ રાખશે. ગત વર્ષ્ોગીરમાં સિંહોના શિકારની ઘટના બાદ રાજય સરકાર દ્વારા આવી ટુકડી રચવા ભલામણ કરવામાં આવી હતી.

ખન્નાએ ઉમેર્યું હતું કે, આ પગલાંથી વન્યજીવોની સુરક્ષા વધારી શકાશે અને વનસંબંધી ગુનાઓ કચડી શકાશે. આ સેલમાં એડિશનલ ડીજીપી, ગૃહવિભાગ, મુખ્ય વનસંરક્ષક (વન્ય), જૂનાગઢના વનસંરક્ષક (વન્યજીવો સંબંધી ગુનાઓ), ગાંધીનગર સંલગ્ન રહેશે.

Source: http://www.divyabhaskar.co.in/2008/05/17/0805170027_forest_committee.html

No comments: