Source: Bhaskar News, Junagadh
- ભવનાથ તળેટીમાં પાંચ હજાર સંતોનું આગમન
ભવનાથ તળેટીમાં સદીઓથી દર વર્ષે યોજાતો મહાશિવરાત્રિનો મેળો આવી પુગ્યો છે. આવતીકાલે સવારે સંતો-રાજકીય આગેવાનોની ઉપસ્થિતિમાં ભવનાથ મહાદેવ મંદિર ઉપર ધજા ચઢશે. એ સાથે જ મેળો શરૂ થઈ જશે. મેળાનાં મુખ્ય આકર્ષણ સમા નાગાબાવાઓનુ ભવનાથ તળેટીમાં આગમન થઈ ચૂક્યું છે.
ભવનાથ મહાદેવ મંદિરે સવારે ૭:૩૦ વાગ્યે મુખ્ય મંદિરે ધજા ચઢાવાશે એ સાથે જ મહાશિવરાત્રિનાં મેળાનો દબદબાભેર પ્રારંભ થશે. આ તકે જુના અખાડાનાં મહામંડલેશ્વર વિશ્વંભર ભારથીજી, અગ્નિ અખાડાનાં સભાપતિ ગોપાલાનંદજી, મોટા પીરબાવા તનસુખગીરીજી, ત્રિલોકીનાથનાં મહંત શેરનાથજી, આવાહન અખાડાનાં સંતો, જિલ્લા કલેક્ટર આશીર્વાદ પરમાર, એસ.પી.નિલેશ ઝાંઝડીયા, મેયર કેપ્ટન સતીષ વીરડા, ડે.મેયર ગીરીશ કોટેચા, ધારાસભ્ય મહેન્દ્ર મશરૂ વગેરે ઉપસ્થિત રહેશે.
દરમ્યાન મેળામાં ભાગ લેવા માટે ભવનાથ તળેટીમાં જુદા જુદા અખાડાઓનાં આશરે પાંચ હજાર સંતોનું આગમન થઈ ચૂક્યું છે. આ સંતોએ જુના અખાડા, અગ્નિ અખાડા, આવાહન અખાડા ઉપરાંત જુના અખાડાથી પ્રેરણાધામ સુધીનાં રસ્તાની સાઈડે ધૂણી ધખાવી દીધી છે. તળેટીમાં અત્યારથી જ બમ બમ ભોલેનાં નાદ ગુંજી રહ્યાં છે. અને મેળાનો માહોલ જામી રહ્યો છે.
મેળા દરમ્યાન ઉતારાઓ, અન્નક્ષેત્રો અને ધાર્મિક જગ્યાઓમાં રસોડાં સહિતનાં કામોમાં સેવાકાર્યો માટે સ્વયંસેવકો પણ આવી રહ્યાં છે. અનેક ઉતારાઓમાં જો કે, હજુ સુધી સામાન આવી રહ્યો છે. ગિરનાર રોડ ઉપર ટ્રાફિકની અવર જવર આજથી જ વધી ગઈ છે.
વેરાવળ-જુનાગઢ વચ્ચે વધારાની ટ્રેન -
રેલવે દ્વારા શિવરાત્રિનાં મેળા માટે ખાસ મીટરગેજ ટ્રેન વેરાવળ જુનાગઢ વચ્ચે શરૂ કરાશે. તા.૨૭ ફેબ્રુ. થી ૪ માર્ચ દરમ્યાન આ ટ્રેન દોડશે. જે વેરાવળથી બપોરે ૩:૧૫ વાગ્યે ઉપડશે અને જુનાગઢથી સવારે ૧૦ :૪૫ વાગ્યે ઉપડશે.
Source: http://www.divyabhaskar.co.in/article/SAU-shivratri-fair-start-with-bum-bum-bole-from-today-1884703.html