Saturday, February 26, 2011
- સાવજોના ઓચિંતા આક્રમણથી અન્ય બે યુવાનો જીવ બચાવવા ઝાડ પર ચડી ગયા
ઊના તાલુકાનાં ભાચા ગામની સીમમાં આવેલી આંબાવાડીમાં એક સાથે ત્રણ સિંહો આવી ચડયા હતા. અને વાડીમાં કામ કરી રહેલા યુવાન પર હુમલો કર્યો હતો. ડાલા મથ્થાનાં ઓચીંતા આક્રમણથી અન્ય બે યુવાનો ઝાડ પર ચડી ગયા હતા.
આ અંગેની વિગત એવી છે કે તાલુકાના ભાચા ગામની સીમમાં વાજડી જતા રોડ પર આવેલા ખેતરમાં આજે વહેલી સવારે ત્રણ સિંહો ખોરાકની શોધમાં આવી ચડયા હતા. એ વખતે આંબાવાડીનો ઈજારો રાખેલ ઈજારાદાર તથા મજુરો ખેતરમાં કામ કરવા ગયા હતા. ત્યારે અચાનક આંબાના ઝાડ નીચે ત્રણ ત્રણ ડાલામથ્થાઓને જોઈ જતા જીવ બચાવવા ભાગવા ગયેલા કેશુ કાળુ ખસીયા (ઉ.વ.૨૧, રે.મોઢ) ઉપર સિંહે હુમલો કરી નોર ભરાવતા આ યુવાન પડી ગયો હતો. જ્યારે તેની સાથેના અન્ય શખ્સોએ હાકલા પડકારા કરતા સાવજો બાજુની ઝાડીમાં છુપાઈ ગયા હતા.
બીજી તરફ સિંહે કરેલા હુમલાના ડરથી અન્ય બે યુવાનો ખેતરમાં આવેલા આંબાના ઝાડ પર ચડી ગયા હતા. જ્યારે ઈજા ગ્રસ્ત યુવાનને તાત્કાલીક ઊના હોસ્પિટલે સારવાર અર્થે ખસેડયો હતો. આ અંગેની જાણ વનવિભાગને થતા તેઓ હોસ્પિટલે પહોંચ્યા હતા. અને વનખાતાના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી સિંહોનું લોકેશન મેળવવા પ્રયત્નો કર્યા હતા. સવારમાંજ ભાચા ગામની સીમમાં સાવજોએ દર્શન દેતા લોકોમાં ભયનું લખલખુ પ્રસરી ગયું હતું.
Source: http://www.divyabhaskar.co.in/article/SAU-three-lions-attack-on-young-man-1884740.html
No comments:
Post a Comment