Bhaskar News, Babara | Sep 28, 2014, 00:12AM IST
- વનવિભાગ ઘટના સ્થળે દોડી ગયો, ખેડૂતોમાં ફફડાટ
બાબરા: ગીર જંગલમા વસતા સાવજો હવે રેવન્યુ વિસ્તારમાં આંટાફેરા મારતા જોવા મળી રહ્યાં છે. બાબરા તાલુકાના નડાળા ગામે ગતરાત્રીના એક વાડીમાં સાવજ આવી ચડયો હતો. વાડીમાં બાંધેલા એક બળદ પર સાવજે હુમલો કર્યો હતો. જો કે લોકોએ રાડારાડ કરતા સાવજ નાસી છુટયો હતો. ઘટનાને પગલે વનવિભાગનો સ્ટાફ અહી દોડી ગયો હતો અને સાવજની શોધખોળ આદરી હતી.
બળદ પર હુમલાની આ ઘટના બાબરા તાલુકાના નડાળા ગામે બની હતી. અહી જેશીંગભાઇ બકોતરાની વાડીમા ગતરાત્રીના એક સાવજ ચડી આવ્યો હતો. વાડીએ બાંધેલ એક બળદ પર હુમલો કરી ઇજા પહોંચાડી હતી. જો કે બળદે ભાંભરડા નાખતા લોકોએ રાડારાડ કરતા સાવજ ત્યાંથી નાસી છુટયો હતો. આસપાસના વાડી ખેતરોમાં પણ લોકો એકઠા થઇ ગયા હતા.
આ અંગે વનવિભાગને જાણ કરવામા આવતા આરએફઓ હેરભા, ફોરેસ્ટર ડી.જી.દાફડા સહિતનો સ્ટાફ અહી દોડી આવ્યો હતો. વનવિભાગને અહી સાવજના સગડ મળી આવ્યા છે. સાવજ કઇ દિશામા ગયો તે નકકી થયા બાદ સાવજને પકડવા પાંજરૂ પણ ગોઠવવામા આવશે. સાવજ દ્વારા હુમલો કરવામા આવતા આસપાસના વાડી ખેતરોમાં કામ કરી રહેલા ખેડૂતોમાં હાલ તો ભય ફેલાયો છે. રાત્રીના સમયે ખેડૂતો વાડી ખેતરોમાં જતા ભય અનુભવી રહ્યાં છે.