Tuesday, September 30, 2014

કમી કેરાળામાં ઝુંપડામાં નિદ્રાધીન મહિલા પર દીપડો ત્રાટક્યો.

Bhaskar News, Dhari | Sep 22, 2014, 00:06AM IST
 
- શિકાર સમજી હુમલો કરી લોહીલુહાણ કરી દીધી

ધારી: ધારી તાલુકાના કમી કેરાળા ગામની સીમમાં ખેત મજુરીનુ કામ કરતી એક દેવીપુજક મહિલા ગઇરાત્રે ઝુંપડામા સુતી હતી ત્યારે શિકારની શોધમાં નીકળેલા દિપડાએ ઝુંપડામા ઘુસી આ મહિલા પર હુમલો કર્યો હતો. અને ઘાયલ કરી દીધી હતી. જો કે બાદમાં દેકારો થતા દિપડો નાસી છુટયો હતો. ઘાયલ મહિલાને સારવાર માટે દવાખાને ખસેડાઇ હતી. અમરેલી જિલ્લામાં દિપડાની સંખ્યા સતત વધી રહી છે. રેવન્યુ વિસ્તારમાં દિપડાઓની વસતી ખુબ જ વધી છે જેને પગલે શિકારની શોધમાં નીકળતા દિપડા દ્વારા અવારનવાર માણસ પર હુમલો કરવાની ઘટનાઓ બહાર આવતી રહે છે. આવી જ એક ઘટના ગઇરાત્રે ધારી તાલુકાના કમી કેરાળા ગામની સીમમાં  બની હતી.

સુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર કમી કેરાળાની સીમમાં ભાગીયુ વાવવા રાખી ખેતીકામ કરતી ભાવનાબેન દિલુભાઇ દેવીપુજક (ઉ.વ.30)નામની મહિલા પર આ હુમલો થયો હતો. ભાવનાબેન અને તેનો પરિવાર અહી ખેતીકામ કરી રાત્રે ઝુંપડામા સુઇ રહે છે.  આ પરિવાર ગઇરાત્રે ઝુંપડામા સુતો હતો ત્યારે શિકારની શોધમા નીકળેલો દિપડો ઝુંપડામા ઘુસ્યો હતો.

આ દિપડાએ ભાવનાબેન પર હુમલો કરી તેમને ઘાયલ કરી દીધા હતા. જો કે તેમણે દેકારો કરતા તેમના પરિવારજનો જાગી જતા દિપડો નાસી ગયો હતો. ઘટનાની જાણ થતા ઇન્ચાર્જ આરએફઓ યુ.એન.લલીયા સ્ટાફના એસ.કે.પરમાર, યાસીનભાઇ વિગેરે સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા.  ઘાયલ ભાવનાબેનને સારવાર માટે ચલાલા દવાખાને ખસેડવામા આવ્યા હતા. તેમને જમણા પગમા ઇજા થઇ હતી. અમરેલી જિલ્લામાં ખેતીની સિઝન પુરબહારમાં ચાલી રહી છે ત્યારે સીમ વિસ્તારમાં આવી ઘટનાઓ અવારનવાર બની રહી છે.

No comments: