Thursday, March 31, 2016

રાજુલા: સોખડામાં બે સાવજોએ ઘરમાં ઘુસી બે બળદોનો શિકાર કર્યો

રાજુલા: સોખડામાં બે સાવજોએ ઘરમાં ઘુસી બે બળદોનો શિકાર કર્યો
  • Bhaskar News, Rajula
  • Mar 31, 2016, 12:18 PM IST
રાજુલા: ગીર જંગલમાં વસતા સાવજો હવે રેવન્યુ વિસ્તારમાં વધુ પ્રમાણમાં આંટાફેરા મારતા જોવા મળી રહ્યાં છે. રાજુલા જાફરાબાદ પંથકમાં પણ અનેક સાવજો વસવાટ કરી રહ્યાં છે. અનેક વખત સાવજો ગામમા કે છેક ઘરમા ઘુસી પશુઓનુ મારણ કરતા હોવાની ઘટનાઓ પણ બને છે ત્યારે આવી જ એક ઘટના જાફરાબાદના સોખડા ગામે બની હતી. જયાં આજે વહેલી સવારે બે સાવજો શિકારની શોધમાં એક ખેડૂતના ઘરમા ઘુસી ફરજામા બાંધેલા બે બળદોનુ મારણ કર્યુ હતુ. જેને પગલે ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો.

બે સાવજોએ ઘરમાં ઘુસી બે બળદનુ મારણ કર્યાની આ ઘટના જાફરાબાદ તાલુકાના સોખડા ગામે આજે વહેલી સવારે બની હતી. અહી રહેતા જીલુભાઇ વરૂ નામના ખેડૂતના ઘરમાં આજે બે સાવજો ઘુસી ગયા હતા અને ફરજામા બાંધેલા બે બળદોનુ મારણ કર્યુ હતુ. બે સાવજો છેક ઘરના ફરજામા ઘુસી જતા ઘરમા રહેલા જીલુભાઇના પરિવારોમા પણ ભય ફેલાઇ ગયો હતો.

બાદમાં આ સાવજો વાડી વિસ્તાર તરફ નાસી છુટયા હતા. વહેલી સવારે બે સાવજોની ગામમા લટારથી લોકોમાં ભય ફેલાઇ ગયો હતો. અને વાડી ખેતરોમાં કામ કરતા મજુરોમા પણ ફફડાટ જોવા મળ્યો હતો. ગ્રામજનોએ જણાવ્યું હતુ કે જંગલમાં વન્યપ્રાણીઓને પુરતો ખોરાક કે પાણી મળતુ ન હોય શિકારની શોધમાં અવારનવાર સાવજો છેક ગામ સુધી આવી ચડે છે.

ગીરકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં અવારનવાર સાવજો શિકારની શોધમાં ખાસ કરીને રાત્રીના સમયે આંટાફેરા મારતા જોવા મળી રહ્યાં છે. જેને કારણે વાડી ખેતરોમાં કામ કરતા ખેડૂતો અને મજુરોને સતત ભય રહે છે. વનવિભાગ દ્વારા ગીરકાંઠાના વિસ્તારોમાં પેટ્રોલીંગ વધારવામા આવે તેવી પણ ગામ લોકોએ માંગણી ઉઠાવી છે.

અમરેલીથી ભાવનગર વચ્ચેનાં વિસ્તારમાં શિકારી ટોળકી સક્રીય, ફોટા થયા વાયરલ

    અમરેલીથી ભાવનગર વચ્ચેનાં વિસ્તારમાં શિકારી ટોળકી સક્રીય, ફોટા થયા વાયરલ
  • Bhaskar News, Amreli
  • Mar 28, 2016, 00:36 AM IST
    વિસાવદરઃ ગીર જંગલમાં શિકારીઓને વનવિભાગે સબક શીખડાવ્યા બાદ આજ ગીરમાં શીકારીઓનાં વન વિભાગનાં નામથી હાની ગગડી જાય છે. પરંતુ બૃહદગીરમાં આજે નિલગાય, સસલા, મોર સહિતનાં અન્ય વન્યદ પ્રાણીઓનો શિકાર બેરોકટોક બન્યો છે. કારણકે, શિકારીઓ છે માથાભારે. તેની પાસે વન વિભગનો પન્નો ટુંકો પડતો હોય તેમ કાર્યવાહી થતી નથી. જેથી પ્રકૃતીપ્રેમીઓએ મહામહેનતે આ શિકારીઓને ખુલ્લા પાડવા અથાગ પ્રયત્નો કર્યા બાદ ફોટા પાડવામાં સફળતા મેળવી છે અને જે ફોટા આજકાલ સોશ્યલ મીડીયામાં વાઇરલ થયા બાદ પણ વન વિભાગ શિકારીઓને મ્હાત કરવામાં શરમ અનુભવી રહી છે.
     
    - નિલગાય, સસલાનો શિકાર કરતી ટોળકીનાં ફાંસલામાં સિંહ ફસાયતો ? વન વિભાગ સમગ્ર બાબતે વાકેફ

    બનાવની પ્રાપ્ત વિગતો પ્રમાણે રાજુલા પંથકનો એક માથામારે શખ્સ વન્યપ્રાણીઓનાં શિકાર કરી તેનું માસ વેંચવા માટે જ ગવિખ્યાત છે.  આ માથાભારે શિકારીનું મસમોટું નેટવર્ક છેલ્લ ઘણા સમયથી અમરેલી થી ભાવનગર વચ્ચેનાં વિસ્તારમાં બે રોકટોક ચાલી રહ્યું છે. જેમાં, રાજુલા, જાફરાબાદ, લીલીયા, કાંક્રચ સહિતનાં વિસ્તારોમાં નિલગાય, સસલા, મોર સહિતનાં અન્ય પક્ષી, પ્રાણીઓનાં શિકાર ખુલ્લેઆમ થાય છે. જે બાબથી વન વિભાગનાં ઘણાખરા અધિકારીઓ, કર્મચારીઓ પણ સામેલ છે. જેમાં મોટાભાગનાં પૈસાથી અને ઘણા ખરા માથાભારે શીકારીનાં ડરથી થરથર ધ્રુજે છે. આ શિકારીને પકડવા માટે પ્રકૃતિ પ્રેમીઓએ છેલ્લા ઘણા સમયથી વોચ ગોઠવી હતી. જેની ચારેક દીવસ પહેલા એક ટ્રેકટરને નીલગાયનાં મૃતદેહ સાથે પોલીસે પાસે પકડાવ્યું. પરંતુ વન વિભાગે કઇ કાર્યવાહી નહી કરી અને પોલીસે આજદિન સુધી મુખ્ય શીકારનું નામ પણ ખોલાવી શકી નથી. જેથી તે અવાર-નવાર બચવામાં સફળ થાય છે.
     
    પ્રકૃતિ પ્રેમીઓએ જાનનાં જોખમે કામ કરવું પડ્યું

    પ્રકૃતિપ્રેમીઓએ ત્રણ દિવસ પહેલા શિકારી શીકારીની ફીરાકમાં હતા. તેવામાં ફોટા પાડવામાં મોટી સફળતા મેળવી લીધી હતી. જે કામ વન વિભાગને કરવાનું હતું. તે કામ પ્રકૃતિ પ્રેમીઓએ જાનનાં જોખમે કરવું પડ્યું હતું. આ સમગ્ર બાબતે પ્રકૃતી પ્રેમી નરેન્દ્રસીંહ જેઠવાએ ધારીનાં ડી.સી.એફ.કૃપા સ્માવને સમગ્ર ફોટો તથા અન્ય વિગતોથી વાકેફ કરવા પ્રયત્નો કર્યા તયારે ડી.સી.એફ. પ્રકૃતિ પ્રેમી શિકારી હોય તેવું વર્તન કરી ફોન કાપી નાખીયો હતો. એક તરફ ગુજરાત સરકારનું વન વિભાગ શિકારીઓને માહિતી માટે લાખો રૂ.નાં ઇનામોની જાહેરાત કરે છે. ત્યારે આવા પ્રકૃતિપ્રેમીઓ પોતાની જાનનાં જોખમે વન વિભાગે કરવાની થતી કામગીરી કરે અને છતાં પણ ડી.સી.એફ. આવી રીતે બેધ્યાન થાય તે નવાઇ વાત કહેવાય.
     
    વન્ય પ્રાણીઓનાં શિકાર કર્યા બાદ આ માસનું વેંચાણ રાજુલામાં કરતા

    પ્રકૃતિ પ્રેમી નરેન્દ્રસીંહ જેઠવાનાં જણાવ્યા પ્રમાણે આ શિકારી ટોળકી નિલગાય, સસલા, મોરનો શિકાર કરવા માટે વિદેશી બંધુક, ફાસલા, યુરીયા પુક્ત પાણી સહિતની વસ્તુઓનો ઉપયોગ કરી રહ્યા છે અને આ ટોળકીનું નેટવર્ક ખુબ જ મોટું હોય માથાભારે હોય જેથી તેને પકડવા ખુબ જ અઘરા છે. નરેન્દ્ર સિંહનાં વધુમાં જણાવ્યા પ્રમાણે આ શિકારનાં ફોટા રાજુલા પંથકનાં ત્રણ દિવસ પહેલાનાં જ છે. શિકારીઓ વન્ય પ્રાણીઓનાં શિકાર કર્યા બાદ આ માસનું વેંચાણ રાજુલામાં કરતા હોય જેની કિંમત રૂ.1500 થી 2000 સુધી કીલોનાં ભાવે ખુલ્લેઆમ વેંચી રહ્યા છે. ત્યાર આવા શિકારીઓને શબક શીખવવા માટે કોઇ કડક અધિકારીની ખુબ જ જરૂર છે. કારણ કે, નિલગાય, સસલા અને મોરને ફસાવવા મુકેલા ફાસલામાં ક્યારેક સિંહ કે સિંહનાં બચ્ચ ફસાઇને મોતને ભેટે પછી જ  વન વિભાગ કુંભકર્ણની નીંદરમાંથી બહાર આવશે.

3 દિવસમાં 3 સાવજોના મોતથી હાહાકાર

3 દિવસમાં 3 સાવજોના મોતથી હાહાકાર
  • DivyaBhaskar News Network
  • Mar 26, 2016, 02:40 AM IST
સરાકડીયા નજીક વધુ એક ત્રણ વર્ષનાં સિંહનો મૃતદેહ મળી આવ્યો : યુરિયા યુક્ત પાણી પીવાથી મોતની આશંકા


અમરેલીજિલ્લાના રેવન્યુ વિસ્તારમાં વસતા સાવજોની જાણે માઠી દશા બેઠી છે. છેલ્લા ત્રણ દિવસ દરમિયાન રેવન્યુ વિસ્તારમાં ત્રણ સાવજોના મોતની ઘટનાથી પ્રકૃતિપ્રેમીઓમાં હાહાકાર મચ્યો છે. સરકાર સાવજોની રક્ષા માટે કરોડોનો ખર્ચ કરી રહી છે આમ છતા સાવજો ટપોટપ મરશે તો તેના અસ્તિત્વ સામે ખતરો ઉભો થશે. ખાંભા તાલુકાના સરાકડીયા ગામે આજે આશરે ત્રણ વર્ષની ઉંમરના એક સિંહનો મૃતદેહ મળી આવ્યો હતો. સિંહના મોતનુ કારણ સ્પષ્ટ થયુ હતુ પરંતુ યુરિયાયુકત પાણી પીવાથી મોતની શકયતા નકારી શકાતી નથી.

અમરેલી જિલ્લામાં સાવજો કમોતે મરી રહ્યાં છે. સાવજોની વસતી ગણતરી વખતે સિંહપ્રેમીઓ ખુશખુશાલ હતા કારણ કે અમરેલી જિલ્લાના રેવન્યુ વિસ્તારમાં સાવજોની વસતી વધી હતી. પરંતુ છેલ્લા ત્રણ દિવસમા ત્રણ સાવજ કાળનો કોળીયો બની ગયા છે. વનતંત્રની ઘોર બેદરકારી ઉડીને આંખે વળગી રહી છે. ત્રણમાંથી એકેય કિસ્સામા વનતંત્રનુ પેટ્રોલીંગ કે સાવજો પર દેખરેખ નજરે પડી હતી. કે ત્રણમાથી એકેય કિસ્સામા કોઇની જવાબદારી નક્કી થઇ હતી. આજે ખાંભા તાલુકાના રબારીકા રાઉન્ડ નીચે સરાકડીયા રેવન્યુ વિસ્તારમાં ભુપતભાઇ લાલજીભાઇ રામાણી નામના ખેડૂતની વાડીના શેઢા પરથી આશરે ત્રણ વર્ષની ઉંમરના સિંહનો મૃતદેહ મળી આવ્યો હતો.

જાણ થતા ફોરેસ્ટર બી.બી.વાળા અહી સૌથી પહેલા પહોંચ્યા હતા. બાદમાં એસીએફ તથા વેટરનરી ડોકટરોની ટીમ દોડી આવી હતી. સિંહના મોતનુ દેખીતુ કોઇ કારણ સ્પષ્ટ પડતુ હતુ. જેને પગલે સ્થળ પર સિંહના મૃતદેહનુ પોસ્ટમોર્ટમ કરાયુ હતુ અને જરૂરી નમુનાઓ ગાંધીનગર એફએસએલમા મોકલાયા હતા. વનવિભાગ ભલે મોતનુ કારણ સ્પષ્ટ કરી શકયુ નહી પરંતુ યુરિયાયુકત પાણી પીવાથી સિંહનુ મોત થયાનુ મનાય રહ્યું છે. જો કે અંતિમ સ્પષ્ટતા પીએમ રિપોર્ટ બાદ થશે.

અગાઉ પીપાવાવ, જામકામાં સાવજના મોત

બેદિવસ પહેલા રાજુલા નજીક પીપાવાવ ફોરવે પર એક સિંહણને કોઇ અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા તેનુ મોત થયુ હતુ. વનતંત્ર હજુ પણ વાહન ચાલકને શોધી શકયુ નથી. તો ગઇકાલે ખાંભાના જામકા રેવન્યુ વિસ્તારમાં એક સાવજે ઇનફાઇટમાં સિંહબાળને મારી નાખ્યાની ઘટના બની હતી. જયારે આજે સરાકડીયાની સીમમાંથી સિંહનો મૃતદેહ મળ્યો હતો.

ગૃપનાઅન્ય ત્રણ સાવજો પર નજર

ખાસકરીને ખાંભા વિસ્તારમાં બે દિવસમા બે સાવજના મોતથી વનતંત્ર પણ હચમચી ઉઠયું છે અને આવી કોઇ વધુ ઘટના બની જાય તે અંગે ચિંતિત થયુ છે. અહી ચાર સાવજનુ ગૃપ હતુ જે પૈકી બે સિંહણ અને એક સિંહ હજુ પણ વિસ્તારમા છે અને વનતંત્રએ તેના પર સતત વોચ શરૂ કરી છે.

અમરેલીઃ સાવજના ઘર સમું ક્રાંકચનું જંગલ બીજે દિવસે પણ સળગતું રહ્યું, વનતંત્ર નિષ્ફળ


અમરેલીઃ સાવજના ઘર સમું ક્રાંકચનું જંગલ બીજે દિવસે પણ સળગતું રહ્યું, વનતંત્ર નિષ્ફળ

  • Bhaskar News, Liliya
  • Mar 27, 2016, 00:02 AM IST
લીલીયાઃ સાવજોના એક વિશાળ ગૃપે જ્યાં પોતાનું કાયમી રહેઠાણ બનાવ્યુ છે તે લીલીયાના ખારાપાટ વિસ્તારમાં બાવળના જંગલમાં વનતંત્રની ઘોર બેદરકારીના કારણે ગઇકાલે લાગેલા દવ પર આજે પણ કાબુ મેળવી શકાયો ન હતો. અહિં એકાદ હજાર વિઘામાં વન્ય સૃષ્ટિનો નાશ થયો હતો. વનતંત્ર દ્વારા મોડે મોડે અહિં ચાર ફાયર ફાઇટરોને દવ પર કાબુ મેળવવા કામે લગાડાયા હતાં પરંતુ તંત્રને રાત સુધી સફળતા મળી ન હતી. આ વિસ્તારમાં 35 જેટલા સાવજો છે. જેનું લોકેશન મેળવવા પણ પ્રયાસો હાથ ધરાયા છે.
 
- સાવજના ઘરને સળગતુ બચાવવામાં વનતંત્ર નિષ્ફળ : ચાર ફાયર ફાઇટર કામે લાગ્યા છતાં આગ ન ઓલવાઇ
- 35 જેટલા સાવજો અને અન્ય વન્યપ્રાણીઓની ભાળ મેળવવા વન તંત્ર કામે લાગ્યું: મોટા ભાગનું ઘાસ સળગી ગયું

જંગલ વિસ્તારમાં આમ તો દવની ઘટના નવી નથી. પરંતુ લીલીયા તાલુકાના ક્રાંકચ તથા આસપાસનો વિસ્તાર ગીરનું જંગલ નથી પરંતુ ખારાપાટ વિસ્તારમાં આપમેળે ઉગી નિકળેલુ બાવળનું જંગલ છે. અહિં બરૂ નામનું મોટા કદનું ઘાસ પણ વિપુલ પ્રમાણમાં ઉગી નિકળે છે. આસપાસના આઠ-દશ ગામોની સીમને આવરી લેતા આ વિસ્તારમાં સાવજો ઉપરાંત દિપડા, નિલગાય, હરણ, કાળીયાર સહિતના વન્ય પ્રાણીઓ ઉપરાંત પશુ-પક્ષીઓ સરીસૃપોની મોટી સંખ્યા નભે છે. આ વિસ્તારમાં પણ દર વરસે દવની ઘટનાઓ બને છે.
 
વનવિભાગે ચાર ફાયર ફાયટર કામે લગાડ્યા

ગઇકાલે સાંજના સમયે જુના સાવરના સીમ વિસ્તારથી દવની શરૂઆત થઇ હતી. ભારે પવનના કારણે  રાત સુધીમાં આ દવ છેક ક્રાંકચની સીમ સુધી પહોંચી ગયો હતો. નિંભર વનતંત્ર ડોકાયુ ન હતું. વનતંત્રની ઘોર બેદરકારીના કારણે સ્થિતી એ સર્જાય કે આજે પણ દવ પર કાબુ મેળવી શકાયો ન હતો. આજે પણ આખો દિવસ શેત્રુજી કાંઠાના વિસ્તાર સહિત દવ ચાલુ રહ્યો હતો. વનતંત્ર દ્વારા દવ પર કાબુ મેળવવા ચાર ફાયર ફાઇટર કામે લગાડવામાં આવ્યા હતાં. પરંતુ આમ છતાં રાત સુધી દવ પર કાબુ મેળવી શકાયો ન હતો.
 
 
વન્યસૃષ્ટિ ભારે પ્રભાવિત થઇ હતી

ગઇરાત્રે વનતંત્રના અધિકારીઓ અને કર્મચારીઓએ ઘટનાસ્થળે પહોંચવામાં ઘોર બેદરકારી દાખવી હતી. આખરે સિંહ પ્રેમીઓ દ્વારા છેક ગાંધીનગર સુધી રજુઆત કરાયા બાદ સ્થાનિક તંત્ર દોડતુ થયુ હતું. હજુ પણ ઠેકઠેકાણે આગ લબકારા મારી રહી છે. સ્વાભાવીક રીતે જ ભારે દવના કારણે અહિં પક્ષીઓના માળા, સરીસૃપો અને જીવજંતુનો સહિતની વન્યસૃષ્ટિ ભારે પ્રભાવિત થઇ હતી. જો આગ પર સંપૂર્ણપણે કાબુ નહી મેળવાય તો આ જંગલના કોઇપણ ખુણેથી ફરી એકવાર દવ ચારેય તરફ ફરી વળી તેવી શક્યતા જોવાઇ રહી છે.

એક હજાર વિઘામાં વન્ય સૃષ્ટિનો નાશ

જુના સાવરની સીમ વિસ્તારથી શરૂ થયેલો દવ છેક ક્રાંકચ તથા આસપાસના વિસ્તારમાં પ્રસરેલો છે. અહિં એકાદ હજાર વિઘા કરતા વધુ વિસ્તારમાં દવ પ્રસરી ચુક્યો છે. હજુ પણ દવ શરૂ હોય અને સંપૂર્ણ કાબુ મેળવી શકાયો ન હોય ક્ષતિગ્રસ્ત વિસ્તાર વધવાની શકયતા છે.

35 સાવજોની ભાળ ક્યારે મેળવાશે ?

આ ખારાપાટ વિસ્તારમાં 35 જેટલા સાવજો છે. જ્યાં આગ લાગી હતી તે વિસ્તારમાં આગલી સાંજે સાત સાવજોએ એક પશુનું મારણ કર્યુ હતું. આ સાવજોની હજુ ભાળ મળી નથી. આ વિસ્તારમાં વસતા તમામ સાવજોનું લોકેશન મેળવવુ જરૂરી બન્યુ છે. સામાન્ય રીતે સિંહણના બચ્ચા એક કે બે માસથી નાના હોય ત્યારે હરીફરી શકતા નથી.

કયા કયા વિસ્તારમાં દવ ?

લીલીયાના ખારાપાટમાં બૃહદ ગીર વિસ્તારમાં આવતા શેઢાવદર અને ક્રાંકચની સીમ, જુના સાવરની સીમ, નાળીયારાથી ગાગડીયાના  આરા, લોંકીની સીમ સહિતના વિસ્તારોમાં આ દવ પ્રસરી ચુક્યો છે.

વડાપ્રધાન પાક વીમા યોજનામાં કેરીનો સમાવેશ

વડાપ્રધાન પાક વીમા યોજનામાં કેરીનો સમાવેશ
  • DivyaBhaskar News Network
  • Mar 27, 2016, 03:46 AM IST
કેરીઉત્પાદક ખેડુતો માટે કેરીનાં સ્વાદ અને મીઠાશથી પણ વધુ મીઠા સમાચાર આવ્યા છે કે કેન્દ્ર સરકારે કૃષિનીતિ માં વર્ષમાં એકવાર આવતા બાયાગત પાક કેરીનો વડાપ્રધાન પાક વીમા યોજનામાં સમાવેશ કર્યો છે. કેરી ઉત્પાદક ખેડુતોની વર્ષો જુની માંગ સંતોષાતા કેરીનો પાક નિષ્ફળ જાય અથવા કુદરતી આફતોથી નાશ પામે તો પાંચ ટકા પ્રિમીયમનાં દરે કેરી ઉત્પાદક ખેડુતોને વળતર મળશે. નવી વીમા યોજનાની અમલવારી આવતા વર્ષથી અમલમાં આવશે.

ગીર પંથક કેસર કેરીનો ગઢ ગણાતો હોય વિસ્તારમાં બાગાયતી પાક કેરીનું ઉત્પાદન થતું હોય વર્ષમાં એકવાર આવતો કેરીનો પાક નિષ્ફળ જાય તો ખેડુતોને સહાય કે વળતર મળતું નહી વર્ષાથી કેરીનો પાક વીમામાં સમાવેશ કરવા કેરી ઉત્પાદન ખેડુતો અને આગેવાનો રજૂઆત કરતા રહેલ. તાલાલા પંથક સહિત સૌરાષ્ટ્રનાં જિલ્લાઓમાં કેરીનું ઉત્પાદન થતુ હોય કેરી ઉત્પાદક ખેડુતોની સ્થિતિ પાક નિષ્ફળ જવાથી શું થતી હોય તે અંગે તાલાલા માર્કેટીંગ યાર્ડનાં ચેરમેન કિરીટ પટેલ અને તાલુકાનાં સહકારી ક્ષેત્રનાં ખેડુત આગેવાનોએ રાજય અને કેન્દ્રનાં કૃષિમંત્રી ઉપરાંત મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સમક્ષ અસરકારક રજુઆતો લાંબા સમયથી કરતા રહેલ. ગુજરાત સરકાર તરફથી ભારત સરકારનાં કૃષિ વિભાગ અને વિશેષ વડાપ્રધાન સુધી યોગ્ય રીતે રજૂઆત થતાં તાજેતરમાં કેન્દ્રીય પાક વીમા યોજનાની સમીક્ષામાં વર્ષમાં એકવાર આવતા બાગાયત પાક (કેરી)નો પાંચ ટકા વીમા પ્રિમીયમ ચુકવવાનું નક્કી કરી સમાવેશ કરવામાં આવતા કેરી ઉત્પાદક ખેડુતોને ભારે રાહત મળશે.

પાક વીમા યોજનામાં કોઇપણ પાકની નુકશાનીનો સર્વે તાલુકાને આધાર બનાવી નુકશાનીની ટકાવારી મેળવાય છે. નવી નીતિમાં તાલુકાનાં બદલે ગામ દીઠ કેન્દ્ર બનાવી તપાસણી અને સર્વે કરાશે.

ગીરકચ્છ, વલસાડ પંથકને લાભ થશે

કેરીનુંઉત્પાદન સૌરાષ્ટ્રનાં ગીર પંથક ઉપરાંત અમરેલી, પોરબંદર, જૂનાગઢ, ભાવનગર જિલ્લામાં મળી સરેરાશ આઠ લાખ મેટ્રીક ટન કેરીનું ઉત્પાદન થાય છે. કચ્છ ઉપરાંત દક્ષિણ ગુજરાતનાં વલસાડ જિલ્લામાં પણ કેસર અને હાફુસ કેરીનું ઉત્પાદન થાય છે. તમામ વિસ્તારોને લાભ મળશે.

યોજનામાં ટેકનોલોજીનો ઉપયોગ થશે |વડાપ્રધાન પાક વીમા યોજનામાં ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. મોબાઇલ મારફતે ખેડુતો તેમનાં પાક નુકશાન અંગે તરત ચકાસણી કરી શકશે.

તમામ જિલ્લાઓને જુથોમાં મુકાશે

વડાપ્રધાન પાક વીમા યોજનામાં પ્રિમિયમનાં દરમાં એકરૂપતા લાવવા માટે ભારતનાં તમામ જિલ્લાઓને લાંબા સમય માટે જુથોમાં વિભાજીત કરવામાં આવશે.

તાલુકા દીઠ નહી ગામ દીઠ નુકસાનની ટકાવારી ચકાસાશે

વડાપ્રધાન પાક વીમા યોજનામાં બાગાયત પાક કેરીનો સમાવેશ થતા કેરીનો પાક નિષ્ફળ જાય તો ખેડુતોને આર્થિક વળતર મળશે જેથી પાક નિષ્ફળ જવાથી આર્થિક સંકડામણ અનુભવતા ખેડુતોને રાહત મળશે.ખેડુતો કેરીનાં આંબા કાપવાથી દુર થશે.

પાક વીમા યોજનાથી શું ફાયદો થશે ω?

પાક વીમામાં કેરીનો સમાવેશ થતા ગીર પંથક સહિત ગુજરાતનાં ઉત્પાદક ખેડુતોને ભારે રાહત મળશે : ખુશીનાં સમાચાર

અમરેલી શહેરમાં વિશ્વ વન દિવસની ઉજવણી કરાઇ

DivyaBhaskar News Network
Mar 27, 2016, 03:46 AM IST

અમરેલીજિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર બાલ ભવન અને ગિરધરભાઇ સંગ્રહાલય દ્વારા વિશ્વ વન દિવસની ઉજવણી કરવા માટે કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યુ હતુ. ડીસીએસસી ટીમના સભ્યો જિલ્લા સંયોજક અરૂણભાઇ પાનસુરીયા, જિલ્લા સંદશેક ગોપી સરપદડીયા તથા કાઉન્સીલર પ્રોફેસર ડોડીયા દ્વારા સૌપ્રથમ અમરેલી પારેખ મહેતા પ્રાથમીક શાળા ખાતે 109 વિદ્યાર્થીઓ સમક્ષ સજીવોના અસ્તિત્વ માટે વનની મહત્વતા પર ઉદાહરણ સહ મનનીય વ્યાખ્યાન તથા માનવમા બિનહાનીકારક અનુવાંશિક લક્ષણો માહિતી પુર્ણ પ્રવચનના કાર્યક્રમો યોજવામા આવ્યા હતા.

ટીમ દ્વારા જીવનતિર્થ વિદ્યાલય મુકામે અન્ય કાર્યક્રમમા અરૂણભાઇ દ્વારા પ્રાસંગીક ઉદબોધન બાદ પ્રોફેસર ડોડીયાએ વિશ્વ વન દિવસના ઉપલક્ષ્ય કાર્યક્રમમા વનની જરૂરીયાત જણાતા કહ્યુ હતુ કે પૃથ્વી પર સજીવોના અસ્તિત્વ માટે વન અભિ જરૂરી છે. વનસ્પતિ વિહીન જગતની કલ્પના પણ મૃત્યુ કારક બની શકે છે. સજીવોને જીવવા માટે અતિ આવશ્કય ખોરાક, પાણીને પ્રાણવાયુ વનસ્પતિ સંતોષાય છે. શાકાહારી અને માંસાહારી પ્રાણીઓમા પોષણ માટે દાંતની રચના, આકાર, પ્રમાણ અને મહત્વ વિશે નમુનાઓ સહ રસપ્રદ માહિતી પ્રોફે. ડોડીયાએ આપી હતી.

કાર્યક્રમના અંતમા આચાર્ય દિનેશભાઇ ત્રીવેદી તથા ભરતભાઇ ઉપાધ્યાયે લોક વિજ્ઞાન કેન્દ્રનો આભાર માન્યો હતો. કાર્યક્રમની વ્યવસ્થા માટે અધ્યાપક જાડેજા, જીજ્ઞાબેન ત્રીવેદી, વંદનાબેન કુંચલા, દિશાબેન જવાણીએ સહકાર આપ્યો હતો. સાથે પટાંગણમા 15 જેટલા વૃક્ષોના રોપાનુ વાવેતર કરવામા આવ્યુ હતુ. સંસ્થાના પ્રિન્સીપાલ વિપુલભાઇ વ્યાસ, પ્રોફે. ગોંડલીયા, નરેશભાઇ અધ્યારૂ સહિત વિગેરેના હસ્તે વિશ્વ વન દિવસની ઉજવણી કરવામા આવી હતી. સંસ્થાના ટ્રસ્ટી જવાહરભાઇ મહેતા, ચેરમેન હેમેન્દ્રભાઇ મહેતા તથા મંત્રી સંજીવભાઇ મહેતાએ કાર્યને બિરદાવ્યું હતું.

ધારીઃ આધેડને ફાડી ખાનાર નરભક્ષી સાવજ આખરે પાંજરે પુરાયો

ધારીઃ આધેડને ફાડી ખાનાર નરભક્ષી સાવજ આખરે પાંજરે પુરાયો
Hirendrasinh Rathod, Khambha
Mar 23, 2016, 16:27 PM IST
ધારી: ધારીના આંબરડીમાં બે દિવસ પહેલા વાડીમા સુતેલા આંકડીયા ગામના આધેડને સાવજે ફાડી ખાધા બાદ વનવિભાગ દ્વારા આ નરભક્ષી સિંહને પકડવા ત્રણ પાંજરા ગોઠવવામા આવ્યા હતા. દરમિયાન ગઇરાત્રે આ સિંહ પાંજરે પુરાઇ ગયો હતો. સિંહને સાસણ ખાતે મોકલી આપવામા આવ્યો છે.

સાવજ જો એક વખત માણસનું લોહી ચાખી જાય તો પછી તે જોખમી બની જાય છે. સામાન્ય રીતે સિંહ માણસનો શિકાર કરતો નથી પરંતુ જો એક વખત માણસનો શિકાર કરે તો તેની આદત બની જવાની શકયતા છે. આવા સંજોગોમા નરભક્ષી સિંહ બીજા માણસોનો પણ શિકાર કરી શકે છે.

ધારી તાલુકાના આંબરડી ગામની સીમમા એક સાવજે બે દિવસ પહેલા વાડીમા ખુલ્લામાં સુતેલા આધેડને ફાડી ખાતા આ વિસ્તારમાં કામ કરતા ખેડૂતોમાં ભયનો માહોલ પ્રસરી ગયો હતો. નરભક્ષી સિંહ આઝાદ ઘુમતો હોય ખેડૂતો વાડીએ જતા પણ ડરતા હતા.

દરમિયાન વનવિભાગ દ્વારા આ નરભક્ષી સિંહને પકડવા માટે આંબરડી ગામની સીમમાં ત્રણ પાંજરા ગોઠવવામાં આવ્યા હતા. પ્રથમ ચોવીસ કલાક સુધી તો આ સિંહ પાંજરામા સપડાયો ન હતો પરંતુ ગઇરાત્રે ફરી શિકારની શોધમાં નીકળેલો નરભક્ષી સિંહ વનવિભાગે ગોઠવેલા પાંજરામા સપડાઇ જતા વનતંત્ર અને આ વિસ્તારના લોકોએ રાહતનો દમ લીધો હતો. આ સિંહને હાલમાં સાસણ ખાતે મોકલી આપવામા આવ્યો હોવાનું વનવિભાગના સૂત્રોએ જણાવ્યું હતુ.

રાત્રે ખુલ્લામા સુતેલા લોકો બને છે સિંહ દિપડાના હુમલાનો ભોગ

સામાન્ય રીતે સાવજ માણસનો શિકાર કરતો નથી કે તેને ખોરાક સમજતો નથી પરંતુ આંબરડીની ઘટનામા મૃતક જીણાભાઇ મકવાણાએ રાત્રીના સમયે કાળી શાલ ઓઢેલી હોય તેના કારણે સાવજ તેમને પશુ સમજી ઉપાડી ગયાનું વનતંત્ર માની રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે સાવજ માણસની સરખામણીમા રાત્રીના સમયે ખૂબ જ સારી રીતે જોઇ શકે છે. ધારીના ડીએફઓ કરૂપ્પાસામીએ પણ જણાવ્યું હતુ કે, તેમણે કાળી શાલ ઓઢી હોય તેમના કારણે સિંહ ઉઠાવી ગયાની શકયતા છે. તેમણે એમ પણ જણાવ્યું હતુ કે અહી સિંહને પકડવા ત્રણ પાંજરા મુકાયા છે.
 
સિંહ શરીરનો તમામ હિસ્સો ખાઇ ગયો

સિંહ જીણાભાઇના મોઢાને બાદ કરતા બાકીનો શરીરનો તમામ હિસ્સો ખાઇ ગયો હતો. સવાર પડતા સાથી મજૂરોએ જીણાભાઇને ન જોતા આસપાસમા તપાસ કરી હતી. થોડે દૂરથી તેમના અવશેષોમા પડેલો મૃતદેહ મળી આવ્યો હતો. વનવિભાગને જાણ કરાતા ડીએફઓ કરૂપ્પાસામી, એસીએફ મુની સ્ટાફ સાથે અહી દોડી ગયા હતા. મૃતક આધેડની લાશને પીએમ માટે ચલાલા દવાખાને ખસેડાઇ હતી. બીજી તરફ સીમમાં નરભક્ષી સિંહની હાજરીથી ખેડૂતોમાં ફફડાટ ફેલાયો હોય ખેડૂતોએ સિંહને પાંજરે પુરવા માંગ ઉઠાવી હતી.

પીપાવાવ નજીક વાહન હડફેટે સિંહણનું મોત, શ્રધ્ધાંજલિ આપવા સત્યનારાયણની કથા


પીપાવાવ નજીક વાહન હડફેટે સિંહણનું મોત, શ્રધ્ધાંજલિ આપવા સત્યનારાયણની કથા

  • Hirendrasinh Rathod, Khambha
  • Mar 23, 2016, 16:27 PM IST
રાજુલા: અમરેલી જિલ્લાના રેવન્યુ વિસ્તારમાં વસતા સાવજોની જાણે માઠી દશા બેઠી હોય તેમ અવારનવાર રેલ અને માર્ગ અકસ્માતનો ભોગ બની રહ્યાં છે. આવી જ એક વધુ એક ઘટનામા રાજુલાના પીપાવાવ પોર્ટ નજીક ફોર વે પર એક સિંહણનુ અજાણ્યા વાહન હડફેટે ચડી જતા મોત થયુ હતુ. વહેલી સવારે વનવિભાગે અહી દોડી જઇ એક વર્ષની ઉંમરની સિંહણનો મૃતદેહ કબજે લીધો હતો. પીપાવાવ પોર્ટ તરફ જતા માર્ગ અને રેલ લાઇન સાવજો માટે ઘાતકી બની રહ્યાં છે.

રાજુલા પંથકમાં ફરી એકવાર માર્ગ અકસ્માતમા સિંહણના મોતની ઘટના બની છે. આ વિસ્તારમાં ઔદ્યોગિક વિકાસના પગલે દરરોજ હજારો વાહનોની અવરજવર થાય છે. હજુ બે દિવસ પહેલા જ રાત્રીના સમયે એક સિંહણ પીપાવાવ નજીક રસ્તા પર આવી ગઇ હતી. ગઇરાત્રે પણ પીપાવાવ નજીક એકસાથે પાંચ સાવજોનુ ટોળુ રસ્તા પર આવી ગયુ હતુ. અહી વનતંત્રની ઘોર બેદરકારી ખુલીને સામે આવી છે.

આ સાવજો સલામત સ્થળે રહે તે માટે તંત્ર દ્વારા કોઇ ધ્યાન અપાતુ નથી બલકે સાવજો રસ્તા પર હોય ત્યારે પણ તેમને ખસેડવા વનતંત્રના કોઇ કર્મચારી ત્યાં જતા પણ નથી પરિણામ એ આવ્યું કે આ ટોળામા રહેલી એક વર્ષની સિંહણનુ કોઇ અજાણ્યા વાહન હડફેટે મોત થયુ હતુ. ઘટનાની જાણ થતા વનવિભાગના અધિકારીઓ વહેલી સવારે પીપાવાવ નજીક ફોરવે પર પહોંચ્યા હતા અને મૃતદેહનો કબજો લઇ બાબરકોટ ખાતે લઇ ગયા હતા જયાં પીએમ બાદ સિંહણના મૃતદેહના અંતિમ સંસ્કાર કરાયા હતા.

વનવિભાગના અધિકારીઓ દ્વારા આ ઘટનાને છુપાવવા માટે પણ પ્રયાસ કરાયો હતો. સ્થાનિક આરએફઓ સી.બી.ધાંધીયા સહિતના અધિકારીઓએ આ ઘટનાથી ડરી જઇ મિડીયાથી પણ અંતર રાખ્યુ હતુ. વનતંત્રની ઘોર બેદરકારી એ હદે જોવા મળી હતી કે જેની રક્ષા માટે સરકાર કરોડોનો ખર્ચ કરી રહી છે તે સિંહણના મોત બાદ વનતંત્ર દ્વારા એકેય વાહન ચાલકની પુછપરછ પણ કરાઇ ન હતી.

શ્રધ્ધાંજલિ આપવા સત્યનારાયણની કથા

રાજુલા નજીક પીપાવાવ ફોરવે માર્ગ પર ગઇરાત્રે આશરે એક વર્ષની ઉંમરની સિંહણનુ માર્ગ અકસ્માતમા મોત થતા તેને શ્રધ્ધાંજલી આપવા અહીના પ્રકૃતિપ્રેમીઓ દ્વારા સત્યનારાયણની કથાનુ આયોજન કરાયુ હતુ. ભીખુભાઇ બાટાવાળા, આતાભાઇ વાઘ, અશોકભાઇ સાંખટ વિગેરેએ આ ઘટનાથી દુખ વ્યકત કર્યુ હતુ.

બે વર્ષમાં નવ સાવજોનાં મોત

રાજુલા જાફરાબાદ પંથકમાં બે વર્ષમા રેલ અને માર્ગ અકસ્માતમા નવ સાવજો મોતને ભેટયા છે જેમા જીકાદ્રીના પાટીયા પાસે બે સિંહબાળના મોત નિપજયા હતા. જયારે ભેરાઇથી પીપાવાવના ફાટક પાસે પાંચ બચ્ચા અને બે સિંહણ મોતને ભેટી હતી. હજુ પણ અહી રેલવે ટ્રેક પાસે સાવજો આવી ચડે છે.
 
અંધ સિંહણને સારવાર આપવા માંગ

પીપાવાવ બીએમએસ માર્ગ આસપાસ છેલ્લા કેટલાક સમયથી એક આંખે અંધ સિંહણ ફરી રહી છે. આ સિંહણ વારંવાર રસ્તા પર આવી જાય છે. તેને એક આંખે દેખાતુ ન હોય તેની સાથે અકસ્માતનો સતત ખતરો રહે છે. અહીના પ્રકૃતિપ્રેમી અશોક સાંખટે જણાવ્યું હતુ કે સિંહણની સારવાર નહી થાય તો તેનો જીવ જોખમમા છે. પરપ્રાંતિય લોકો તેને અવારનવાર હેરાન કરી રહ્યાં છે.

ખાંભા-ધારી પંથકમાં બીજા દિ' એ પણ માવઠું, ખેડૂતોના જીવ પડિકે બંધાયા


ખાંભા-ધારી પંથકમાં બીજા દિ' એ પણ માવઠું, ખેડૂતોના જીવ પડિકે બંધાયા

  • Hirendrasinh Rathod, Khambha
  • Mar 23, 2016, 16:21 PM IST
- શિયાળુ અને કેરીના પાકને થઇ રહેલુ નુકસાન, ખેડૂતોના જીવ પડિકે બંધાયા

અમરેલી, ધારી, ખાંભા: અમરેલી જિલ્લામા છેલ્લા બે દિવસથી વાતાવરણમા બદલાવ આવતા માવઠાનો માહોલ સર્જાયો છે. ગઇકાલે અમરેલી, સાવરકુંડલા, બાબરા પંથકમાં કમોસમી વરસાદ થયા બાદ આજે ખાંભા અને ધારી પંથકના કેટલાક ગામડાઓમા પણ કમોસમી વરસાદ થયો હતો. ખાંભાના નાનુડી, ભાડ વાંકીયા વિગેરે ગામમા તથા ધારીના પાતળા તથા આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ પડયો હતો.

કમોસમી વરસાદે અમરેલી પંથકમા ખેડૂતોના જીવ અધ્ધર કરી દીધા છે. હજુ શિયાળુ પાક ખેડૂતના ઘરમા પહોંચ્યો નથી. બીજી તરફ કેરીનો પાક પણ આંબે ઝુલી રહ્યો છે. આવા સમયે માવઠાનો માહોલ સર્જાતા ખેડૂતોને પાકના નુકશાનની ભિતી સતાવી રહી છે. ગઇકાલે અમરેલી, બાબરા, સાવરકુંડલા સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ થયો હતો. આજે ધારી અને ખાંભા પંથકમાં કમોસમી વરસાદ થયો હતો. આજે ખાંભા તાલુકાના નાનુડી, ભાડ, વાંકીયા, નાના વિસાવદર, ખડાધાર, સમઢીયાળા, ભાવરડી, દાઢીયાળી વિગેરે ગામમા કમોસમી વરસાદ થયો હતો.

આ વિસ્તારમાં કમોસમી વરસાદથી કપાસ, જીરૂ, ચણાના પાકને નુકશાન થઇ રહ્યું છે. આજે ધારી તાલુકાના પાતળા તથા આસપાસના વિસ્તારમા પણ કમોસમી વરસાદ થયો હતો. પાતળાની બજારમાં જોરદાર ઝાપટુ પડી જતા શેરીઓમા પાણી દોડવા લાગ્યા હતા. પાછલા બે દિવસથી અમરેલી પંથકમાં આકાશ વરસાદી વાદળોથી ઘેરાયેલુ રહે છે અને જુદાજુદા વિસ્તારમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે જેના કારણે બેવડી ઋતુનો પણ અનુભવ થઇ રહ્યો છે.

ખાંભામાં ઝેરી મધમાખીનો વધુ એક પર હુમલો; આબાદ બચાવ

ખાંભામાં ઝેરી મધમાખીનો વધુ એક પર હુમલો; આબાદ બચાવ
  • Hirendrasinh Rathod, Khambha
  • Mar 23, 2016, 16:19 PM IST
ખાંભાઃ ખાંભા તાલુકાના મોટાભાગના ગામડાઓ ગીર બોર્ડરની નજીક આવેલા છે. ત્યારે અવાર નવાર ગીર જંગલ વિસ્તારમાંથી ઝેરી મધમાખીના ઝુંડ રેવન્યુ વિસ્તારના વાડીઓમા ઉડી આવે છે.
 
આજે ખાંભાની ખડાધાર ગામની અને ખાંભા સીટના પુર્વ જિલ્લા પંચાયતના સદસ્ય રમેશભાઇ સાવલીયાને પણ ઝેરી મધમાખીના ઝુંડે ડંખ મારી ઇજા કરી હતી. અને સારવાર માટે મહુવા લઇ જવામા આવ્યા હતા.

ખાંભા: શ્રમિક મહિલા પર દીપડાનો હુમલો, સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઈ


ખાંભા: શ્રમિક મહિલા પર દીપડાનો હુમલો, સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઈ

  • Hirendrasinh Rathod, Khambha
  • Mar 23, 2016, 16:20 PM IST
- વનવિભાગ દ્વારા દિપડાને પાંજરે પૂરવા કવાયત હાથ ધરાઇ

ખાંભા: ગીર જંગલમા વસતા સિંહ, દિપડા સહિતના પ્રાણીઓ હવે રેવન્યુ વિસ્તારમાં વધુ પ્રમાણમાં વસવાટ કરતા જોવા મળી રહ્યાં છે. અવારનવાર સિંહ, દિપડાઓ છેક ગામ સુધી ઘુસી આવે છે અને માનવ અને પશુઓ પર હુમલાની ઘટના બને છે ત્યારે આવી જ એક ઘટના ખાંભાના ભાવરડીમા બની હતી. અહી વાડીમા કામ કરતી એક મહિલા પર દિપડાએ હુમલો કરી ઇજા પહોંચાડતા તેને સારવાર માટે દવાખાને ખસેડવામા આવી હતી.

મહિલા પર દિપડાના હુમલાની આ ઘટના ખાંભાના ભાવરડીમા બની હતી. અહી રાધીબેન રામભાઇ જોગદીયા (ઉ.વ.45) નામની મહિલા ભાભલુભાઇ ગોલણભાઇ ભુંકણની વાડી ભાગીયુ રાખી મજુરીકામ કરે છે. આ મહિલા સવારે આઠેક વાગ્યાના સુમારે બાજરો વાઢી રહ્યાં હતા ત્યારે અચાનક દિપડો ધસી આવ્યો હતો અને મહિલા કંઇ સમજે તે પહેલા તેના પર હુમલો કરી દીધો હતો. મહિલાએ રાડારાડ કરતા દિપડો નાસી છુટયો હતો.

આસપાસમા કામ કરી રહેલા લોકો અહી દોડી આવ્યા હતા અને વનવિભાગને જાણ કરી હતી. મહિલાને સારવાર માટે ખાનગી વાહનમા સારવાર માટે દવાખાને ખસેડવામા આવી હતી. ઘટનાને પગલે આરએફઓ માળવી, સાહિદખાન પઠાણ, પલાસભાઇ, વિક્રમભાઇ સહિત અહી દોડી આવ્યા હતા અને બાજરામા છુપાયેલા દિપડાને બહાર કાઢી પાંજરે પુરવા કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગીરકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં અવારનવાર દિપડા અને સિંહ ઘુસી આવે છે અને પશુઓ અને માનવ પર હુમલો કરે છે.

અરજણસુખમાં ખેડૂત પર હુમલો કરવા જતા દિપડો કુવામાં ખાબકયો

ગીર જંગલમા વસતા સિંહ તેમજ દિપડાઓ રેવન્યુ વિસ્તારમાં પણ આંટાફેરા મારતા જોવા મળી રહ્યાં છે. ત્યારે વડીયા તાબાના અરજણસુખ ગામની સીમમાં પણ છેલ્લા ઘણા સમયથી એક દિપડો આંટાફેરા મારી રહ્યો હોય ગ્રામજનોમા ભય ફેલાયો હતો. ત્યારે આજે અરજણસુખ ગામની સીમમાં આવેલ એક વાડીમાં કુવાકાંઠે ખેડૂત પર હુમલો કરવા જતા દિપડો કુવામા ખાબકયો હતો. વનવિભાગની રેસ્કયુ ટીમે તાબડતોબ અહી દોડી જઇ દિપડાને કુવામાથી બહાર કાઢી બચાવી લઇ પાંજરે પુર્યો હતો. કુવામા પડી ગયેલા દિપડાને બચાવી લેવાની આ ઘટના વડીયાના અરજણસુખ ગામે બની હતી. સુત્રોમાથી જાણવા મળતી વિગત અનુસાર અહી આવેલ ખોડાભાઇની વાડીમા તેઓ કુવાકાંઠે ઉભા હતા ત્યારે અચાનક દિપડો તેના પર હુમલો કરવા ધસી ગયો હતો ત્યારે ખોડાભાઇનુ ધ્યાન જતા જ તેઓ આબાદ રીતે છટકી જતા દિપડો કુવામા ખાબકયો હતો.  દિપડો કુવામા ખાબકતા ખોડાભાઇએ તુરત વનવિભાગને જાણ કરી હતી. વનવિભાગની રેસ્કયુ ટીમ પણ તાબડતોબ અહી દોડી આવી હતી અને દિપડાને બચાવવા કવાયત હાથ ધરી હતી. અને બે કલાકની જહેમત બાદ કુવામાથી દિપડાને હેમખેમ બહાર કાઢી બચાવી લઇ પાંજરે પુર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આ પંથકમાં છેલ્લા ઘણા સમયથી આ દિપડાની રંજાડ હોય દિપડાને પાંજરે પુરાતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.
 
આગળ ક્લિક કરો અને જુઓ ઘટનાની વધુ તસવીરો...
 
તસવીરો: હિરેન્દ્રસિંહ રાઠોડ, ખાંભા

પીપાવાવનાં પુલ પર સિંહણનું પેટ્રોલીંગ, વીસ મિનીટ સુધી રસ્તા પર અડ્ડો જમાવ્યો


પીપાવાવનાં પુલ પર સિંહણનું પેટ્રોલીંગ, વીસ મિનીટ સુધી રસ્તા પર અડ્ડો જમાવ્યો

  • Hirendrasinh Rathod, Khambha
  • Mar 23, 2016, 16:17 PM IST
રાજુલા: રાજુલા પંથકમાં સાવજોની વસતી દિન પ્રતિદિન વધી રહી છે. ત્યારે સાવજો અવારનવાર જાહેર રસ્તાઓ પર પણ આવી ચડે છે. પીપાવાવ નજીક ગઇરાત્રે વીસ મિનીટ સુધી રસ્તા પર સિંહણ આવી જતા વાહન ચાલકોને અનાયાસે જ સિંહ દર્શનનો મોકો મળી ગયો હતો.

પીપાવાવ નજીક બીએમએસ રોડ પર આજે વીસ મિનીટ સુધી એક સિંહણે રસ્તા પર અડ્ડો જમાવી દીધો હતો. સિંહણે મારણ કર્યા બાદ ભરેલા પેટ સાથે જાણે લટાર મારવા નીકળી હોય તેમ રોડ પર ચડી હતી અને પુલ પર આવી અડ્ડો જમાવી દીધો હતો. આ પુલ પર અવારનવાર સાવજો આવી ચડે છે. અહી સાવજો બચ્ચા સાથે પણ અવારનવાર નજરે પડી જાય છે.  સિંહની હાજરીના કારણે અહી વાહન ચાલકોને થંભી જવુ પડયુ હતુ.

મોટર સાયકલ ચાલકોએ પણ પસાર થવાની હિમત કરી ન હતી. પરપ્રાંતિય લોકોને લઇ જતી બસ પણ અહી અટકતા તેઓએ અચરજ સાથે સિંહ દર્શન કર્યા હતા. જો કે બાદમાં આ સિંહણ રસ્તા પરથી ઉતરીને ચાલી જતા વાહન વ્યવહાર રાબેતા મુજબ થયો હતો. પ્રાપ્ત વિગત મુજબ ઇન્ફાઇટ દરમ્યાન આ સિંહણને એક આંખમાં ઇજા થતાં એક જ આંખથી જોઇ શકે છે. અને બીજા દિવસે સાંજે પણ બે સિંહણો બાઇક ચાલક સામે આવી જતાં તે નાસી છૂટ્યો હતો.

24 કલાક બાદ પણ માનવભક્ષી સિંહ વન તંત્રને હાથે ન આવ્યો : મથામણ

24 કલાક બાદ પણ માનવભક્ષી સિંહ વન તંત્રને હાથે ન આવ્યો :  મથામણ
  • Hirendrasinh Rathod, Khambha
  • Mar 23, 2016, 16:17 PM IST
ધારી: ધારીના આંબરડી પાર્કથી ત્રણ કિમી દુર આંબરડી ગામની સીમમાં ગઇકાલે વાડીમા સુતેલા એક આધેડને સિંહે ફાડી ખાધાની ઘટના બન્યા બાદ માનવભક્ષી સિંહને પાંજરે પુરવા વનવિભાગ દ્વારા જહેમત ઉઠાવાઇ રહી છે. અહી વનવિભાગ દ્વારા ત્રણ પાંજરા ગોઠવવામા આવ્યા છે પરંતુ બનાવના ચોવીસ કલાક બાદ પણ હજુ સિંહ પાંજરે સપડાયો નથી જેના કારણે આ વિસ્તારમા રહેતા લોકોમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે.

આંબરડી ગામે આવેલ હરિભાઇ ભીમભાઇ બજાણીયા નામના ખેડૂતની વાડીમા ગઇકાલે સિંહે આધેડને ફાડી ખાધાની ઘટના બની હતી. અહી મોટા આંકડીયા ગામના જીણાભાઇ વાલજીભાઇ મકવાણા મજુરો માટે રસોઇ બનાવવાના કામ માટે આવ્યા હતા. રાત્રીના સમયે તેઓ સુતા હતા ત્યારે સિંહ તેમને ઢસડીને દુર લઇ ગયો હતો અને ફાડી ખાધા હતા. બનાવને પગલે વનવિભાગનો સ્ટાફ પણ તાબડતોબ ઘટના સ્થળે દોડી ગયો હતો.

વનવિભાગે આ માનવભક્ષી સિંહને પાંજરે પુરવા અહી ત્રણ પાંજરા ગોઠવ્યા છે. પરંતુ ઘટનાને ચોવીસ કલાક વિતી ગયા બાદ પણ હજુ આ માનવભક્ષી સિંહ પાંજરે સપડાયો નથી જેના કારણે ખેડૂતો અને આ વિસ્તારમા રહેતા લોકોમાં ભય ફેલાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગીરકાંઠાના ગામોમા રાત્રીના સમયે વાડી ખેતરોમાં મજુરો અને ખેડૂતો પાકનુ રક્ષણ કે કામગીરી કરતા હોય છે ત્યારે સિંહ, દિપડાઓ પણ અવારનવાર વાડી ખેતરોમાં આંટાફેરા મારી હુમલો કરતા હોય ખેડૂતોમા સતત ભય રહે છે ત્યારે આ માનવભક્ષી સિંહને તાકિદે પાંજરે પુરવામા આવે તેવુ લોકો ઇચ્છી રહ્યાં છે.

ગઇકાલે આંબરડી પાર્કથી 3 કિ.મી.દૂર સીમ વિસ્તારમાં ખુલ્લામાં સુતેલા આધેડને સિંહે ફાડી ખાધાની ઘટનાથી ખેડૂતો ભયનો અનુભવ કરી રહ્યા છે અને વન તંત્ર આ માનવભક્ષી સિંહને પકડવા દિવસરાત એક કરી રહ્યું છે.

ખેડૂતો વાડી ખેતરોમાં જાતા ફફડી રહ્યા છે

વનવિભાગે આ માનવભક્ષી સિંહને પાંજરે પુરવા અહી ત્રણ પાંજરા ગોઠવ્યા છે. પરંતુ ઘટનાને ચોવીસ કલાક વિતી ગયા બાદ પણ હજુ આ માનવભક્ષી સિંહ પાંજરે સપડાયો નથી જેના કારણે ખેડૂતો અને આ વિસ્તારમા રહેતા લોકોમાં ભય ફેલાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગીરકાંઠાના ગામોમા રાત્રીના સમયે વાડી ખેતરોમાં મજુરો અને ખેડૂતો પાકનુ રક્ષણ કે કામગીરી કરતા હોય છે ત્યારે સિંહ, દિપડાઓ પણ અવારનવાર વાડી ખેતરોમાં આંટાફેરા મારી હુમલો કરતા હોય ખેડૂતોમા સતત ભય રહે છે

અમરેલીમાં ચકલી માટે 1 હજાર માળાનું વિતરણ

અમરેલીમાં ચકલી માટે 1 હજાર માળાનું વિતરણ
  • DivyaBhaskar News Network
  • Mar 21, 2016, 02:40 AM IST
એનએસયુઆઇ દ્વારા ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી : વિદ્યાર્થીઓ અને શહેરીજનોને ચકલી બચાવવા અપીલ કરવામાં આવી

અમરેલીજિલ્લામાં વિશ્વ ચકલી દિવસની ઠેરઠેર ઉજવણી કરાઇ હતી. ખાંભામા લાયન નેચર ફાઉન્ડેશનના ઉપક્રમે ચકલીના માળા, પોર્ટેબલ ચબુતરા તેમજ પ્લાસ્ટિકના પાણીના કુંડાનુ વિતરણ કરાયુ હતુ. ત્યારે અમરેલીમાં એનએસયુઆઇ દ્વારા પણ ચકલી દિનની ઉજવણી કરી એક હજાર જેટલા માળાઓ વૃક્ષો પર લગાવાયા હતા.

ખાંભામા લાયન નેચર ફાઉન્ડેશનના ભીખુભાઇ બાટાવાળા સહિતની ઉપસ્થિતીમાં કાર્યક્રમ યોજી ચકલીના માળા, પોર્ટેબલ ચબુતરા, પાણીના કુંડાનુ મફત વિતરણ કરાયું હતુ અને ચકલી દિવસની ઉજવણી કરાઇ હતી. અમરેલીમાં જિલ્લા એનએસયુઆઇ દ્વારા વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામા આવી હતી. અહી ધારાસભ્ય પરેશભાઇ ધાનાણીના માર્ગદર્શન હેઠળ એક હજાર માળાઓ તૈયાર કરવામા આવ્યા હતા. માળાઓ પ્રાથમિક શાળાઓમાં તેમજ જુદાજુદા વિસ્તારોમાં વૃક્ષો પર લગાવવામા આવ્યા હતા. તકે ધારાસભ્ય પરેશભાઇ ધાનાણી, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ કેહુરભાઇ ભેડા, પાલિકા પ્રમુખ અલકાબેન ગોંડલીયા, જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ જે.પી.સોજીત્રા, એનએસયુઆઇ પ્રમુખ સમીર કુરેશી, મૌલિક ઉપાધ્યાય, સંદિપ ધાનાણી, પ્રકાશ લાખાણી, ફરિદ રહીશ, શરદ ધાનાણી, હાર્દિક સેંજલીયા, જયેશભાઇ નાકરાણી, વિપુલભાઇ શેલડીયા, બી.કે.સોળીયા, નાસીર ટાંક, દેવરાજ બાબરીયા, પ્રતાપ કામળીયા, રાજ મકરાણી, તેજસ મસરાણી, રૂદ્રાક્ષ ગોસાઇ, હિરેન ટીમાણીયા, રૂતિલ ગજ્જર, શરદ મકવાણા, શાંતિ ખુમાણ, નિકેત સાંગાણી, અતુલ ચાવડા, નિરજ ચાવડા સહિત કાર્યક્રરોએ જહેમત ઉઠાવી હતી.

અમરેલીમાં વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી. }પ્રકાશ ચંદારાણા

તાલાલાનાં રમળેચીમાં 7 ચંદન વૃક્ષોની ચોરી


તાલાલાનાં રમળેચીમાં 7 ચંદન વૃક્ષોની ચોરી

  • DivyaBhaskar News Network
  • Mar 20, 2016, 05:30 AM IST
તાલાલાસહિત ગીર પંથકમાં ચંદનનાં કીંમતી વુક્ષો મોટા પ્રમાણમાં હોય ખનીજ ચોરીની જેમ કુદરતી સંપદા સમાન ચંદન વૃક્ષોની ચોરી પણ થતી હોય શુક્રવારે તાલાલાનાં રમળેચી ગામની હિરણનદીનાં કાંઠે આવેલ ખરાબાની જમીનમાંથી ચંદનનાં તસ્કરો ચંદનનાં સાત મોટા વૃક્ષોનું ગેરકાયદેસર કટીંગ કરી ચોરી કરી જતા રમળેચીનાં ગ્રામજનોમાં રોષ વ્યાપી ગયો છે.

તાલાલા તાલુકાનાં રમળેચી (ગીર) ગામની સર્વે નંબર 122ની ખરાબાની જમીન હિરણ નદીનાં કાંઠે આવેલી હોય શુક્રવારની રાત્રીનાં જમીનમાં રહેલા વીસ વર્ષથી વધુ મોટા ચંદનનાં સાત વૃક્ષોની ચંદનના તસ્કરોએ ગેરકાયદેસર કટીંગ કરી વૃક્ષો ચોરી ગયા હતા. સવારે રમળેચીનાં સરપંચ ધરમશીભાઇ આગેવાન નંદાભાઇ તાલુકા પંચાયતનાં સદસ્ય છગનભાઇ ત્રાંબડીયા સહિતનાં લોકોને જાણ થતાં ઘટના સ્થળે દોડી ગયેલ. અંગે સ્થાનીક તાલાલા રેન્જ કચેરીને જાણ કરવામાં આવેલ. પરંતુ ચંદનના વૃક્ષોની ચોરીની જાણ કર્યા બાદ પણ વનવિભાગે કોઇ કાર્યવાહી કરવાનાં બદલે બેદરકારી બતાવતા રમળેચીનાં ગ્રામજનોમાં રોષ વ્યાપી ગ્યો છે. ચંદનનાં કિંમતી વૃક્ષોની તસ્કરી કરનારી ટોળકી ફરી ઝળકતા પ્રકૃતિપ્રેમીઓમાં ચિંતાની લાગણી પ્રસરી છે.

ગીર પંથકનાં સાસણનાં જંગલમાંથી આઠ વર્ષ પૂર્વે થયેલ ચંદનનાં વૃક્ષોની ચોરીમાં સંડોવાયેલા શખ્સોનું તે સમયનાં સાસણના઼ આરએફઓ બી.કે.પરમાર પગેરૂ શોધી અમરેલી અને ભાવનગર જિલ્લામાંથી ચંદન ચોરીનાં તસ્કરોએ પકડી પાડેલા ચંદનનાં ચોરો ચોરેલા ચંદનના પુજાની સામગ્રીમાં વેંચાણ કરી પૈસા કમાતા હોવાનું તપાસમાં ખુલેલ. ત્યારબાદ તાલાલા રેન્જમાં રમળેચી ગામેથી તત્કાલીન આરએફઓ ચૌહાણનાં કાર્યકાળ દરમિયાન ચંદનનાં વૃક્ષોની ચોરી થયેલ. ફરી ચંદન ચોરોએ તરફથી શરૂ કરી વનવિભાગને પડકાર ફેંકયો છે. તસ્વીર }જીતેન્દ્ર માંડવીયા

અગાઉ અમરેલી- ભાવનગર જિલ્લામાંથી ચંદનનાં તસ્કરો ઝડપાયા હતા

હિરણ નદીનાં કાંઠાની ઘટના : વન વિભાગ સામે રોષ : શુક્રવારે રાત્રે ટોળકી વૃક્ષો કાપી લાકડા લઇ ગઇ

અમરેલીઃ ઈજાગ્રસ્ત સિંહને અપાઈ સારવાર, ઈનફાઈટમાં ઈજા થયાનું તારણ

અમરેલીઃ ઈજાગ્રસ્ત સિંહને અપાઈ સારવાર, ઈનફાઈટમાં ઈજા થયાનું તારણ
  • Bhaskar News, Rajula
  • Mar 17, 2016, 23:29 PM IST
રાજુલા: જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ગામની સીમમાં એક ઇજાગ્રસ્ત સિંહ આંટાફેરા મારતો હોય આ અંગે વનવિભાગને જાણ કરવામા આવતા વનવિભાગનો સ્ટાફ અહી દોડી આવ્યો હતો અને ઇજાગ્રસ્ત સિંહને પાંજરે પુરી સારવાર માટે જસાધાર એનીમલ કેર સેન્ટરમાં ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી.
 
- ઈજાગ્રસ્ત સિંહને વનવિભાગ દ્વારા પાંજરે પુરી સારવાર માટે લઈ જવાયો હતો
 
ઇજાગ્રસ્ત સિંહને પાંજરે પુરી સારવારમા ખસેડયાની આ ઘટના જાફરાબાદ તાબાના નાગેશ્રીની સીમમાં બની હતી. અહી નદીના પટ્ટમા એક ઇજાગ્રસ્ત સિંહ આંટાફેરા મારતો હોવાની વનવિભાગને જાણ કરવામા આવતા વનવિભાગનો સ્ટાફ અહી દોડી આવ્યો હતો અને રેસ્કયુ કરી સિંહને પાંજરે પુરી સારવાર માટે જસાધાર એનીમલ કેર સેન્ટરમાં ખસેડયો હતો. આ વિસ્તારમાં મોટી સંખ્યામા સિંહ સહિતના વન્પ્રાણીઓ વસવાટ કરી રહ્યાં છે. ત્યારે હાલ ઉનાળાની પણ શરૂઆત થઇ ચુકી હોય આ વિસ્તારમાં વન્યપ્રાણીઓને પીવાના પાણીની વ્યવસ્થા કરવામા આવે તેવી પણ સિંહપ્રેમીઓમાથી માંગ ઉઠી રહી છે.

રાંકચ પંથકમાં પાણી માટે ભટકતા સાવજો


  • Bhaskar News, Liliya
  • Mar 16, 2016, 11:00 AM IST
લીલીયા: ઉનાળાનો આરંભ થઇ ચુકયો છે. ગ્રામ્ય વિસ્તારમા લોકો માટે પણ પીવાના પાણીની કફોડી સ્થિતી છે ત્યારે સ્વાભાવિક રીતે જ સાવજો માટે પણ પાણીની મુશ્કેલી હોય. લીલીયા તાલુકાના ક્રાંકચ તથા આસપાસના વિસ્તારમા રહેતા સાવજો માટે પાણીની તકલીફ હોય આમથી તેમ ભટકી રહ્યાં છે. આ વિસ્તારમાં પાણીની વીસ પોઇન્ટ છે પરંતુ હાલમા ટેન્કરના ફેરા દ્વારા માત્ર દસ પોઇન્ટ ભરવામા આવી રહ્યાં છે. બાકીના દસ પોઇન્ટ ખાલી પડયા છે.

- વનતંત્ર પાણીના વીસ કૃત્રિમ પોઇન્ટ પૈકી માત્ર દસમા પાણી ભરે છે

લીલીયાના બૃહદગીર વિસ્તારમા આવતા શેત્રુજી અને ગાગડીયા નદી કાંઠાના આંબા, ભેંસવડી, લોકા લોકી, શેઢાવદર, ક્રાંકચ, બવાડી બવાડા, ઇંગોરાળા, ભોંરીગડા, ટીંબડી, વાઘણીયા, સનાળીયા, અંટાળીયા, ચાંદગઢ સહિતના ગામોની સીમમાં છેલ્લા દોઢેક દાયકાથી સાવજોનો વસવાટ છે. સીમ વિસ્તાર તથા બાવળની કાટનુ રહેઠાણ તેમને માફક આવી ગયુ છે. જો કે દર ઉનાળામા આ સાવજોને પીવાના પાણી માટે આમથી તેમ ભટકવુ પડે છે. આ વિસ્તારમા દિપડા, નિલગાય, હરણ સહિતના વન્યપ્રાણીઓ પણ છે તેમને પણ આવી જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

ચાલુ સાલે ઉનાળાનો હજુ આરંભ થવા જઇ રહ્યો છે. ત્યાં જ પીવાના પાણીની કટોકટી સર્જાઇ છે. જો કે આ વિસ્તારમાં સાવજોને પાણીની મુશ્કેલી ન પડે તે માટે વનવિભાગ દ્વારા પાણીના કૃત્રિમ 20 પોઇન્ટ બનાવવામા આવ્યા છે. પરંતુ હાલમા વનવિભાગ દ્વારા આવા માત્ર દસ પોઇન્ટ જ નિયમિત રીતે ભરવામા આવી રહ્યાં છે. જેના કારણે બાકીના દસ પોઇન્ટ કોરા ધાકોડ રહે છે અને સાવજોને આમથી તેમ પાણી માટે ભટકવુ પડે છે. શિકાર અને પાણીની શોધ માટે સાવજોને ગામડાઓની અંદર જવુ પડે છે જેના કારણે આવનારા સમયમાં માણસ અને સાવજના ઘર્ષણની પણ શકયતા નકારી શકાતી નથી. વન્યપ્રાણીઓ માટે વનવિભાગે અત્યારથી જ પાણીની વ્યવસ્થા કરવી જોઇએ તેવુ પ્રકૃતિપ્રેમીઓનુ કહેવુ છે.

ટેન્કરની ક્ષમતા માત્ર 1500 લીટરની

લીલીયા પંથકમાં હાલમા વનવિભાગ દ્વારા જે ટેન્કરની મદદથી પાણીના કૃત્રિમ પોઇન્ટ પર પાણી પહોંચાડવામા આવે છે તે ટેન્કરની ક્ષમતા માત્ર 1500 લીટરની છે. જો અહી પાંચ હજાર લીટર પાણીની ક્ષમતાવાળુ ટેન્કર દોડાવવામા આવે તો તમામ 20 પોઇન્ટ પર સરળતાથી પાણી પહોંચાડી શકાય તેમ છે.

વધુ ક્ષમતાના ટેન્કર માટે કાર્યવાહી

સ્થાનિક આરએફઓ આર.આર.બેગમે ટેલીફોનિક વાતચીતમા જણાવ્યું હતુ કે હાલમા પાણીના કૃત્રિમ પોઇન્ટ ભરવામા આવી રહ્યાં છે. ભોરીંગડા, ઇંગોરાળાની પવનચક્કી રિપેરીંગ કરવાની કાર્યવાહી શરૂ છે અને વધુ ક્ષમતાના પાણીના ટેન્કર માટે પણ રજુઆત થઇ છે. આજે શેત્રુજીના પટ્ટમા ટેન્કર ફસાઇ ગયુ હતુ.

નદીના પટ્ટમાં પાણીના પોઇન્ટ સુકાયા

ક્રાંકચના જાણિતા પર્યાવરણપ્રેમી  મહેન્દ્રભાઇ ખુમાણે જણાવ્યું હતુ કે શેત્રુજીના પટ્ટમા કુદરતી પાણીના પોઇન્ટ છે પરંતુ ઉનાળાના આરંભે આ પોઇન્ટ સુકાઇ ગયા છે. હાલમાં પાણીના જે ખાડાઓ ભર્યા છે તેમા ખારૂ અને ભાંભળુ પાણી છે. જેથી તાકિદે વનતંત્રએ આ દિશામા ધ્યાન દેવુ જોઇએ.

જિલ્લાની દરેક સ્કુલમાં હવે ચકલીનાં બે માળા લગાવાશે


  • DivyaBhaskar News Network
  • Mar 16, 2016, 07:24 AM IST
પ્રાથમિક શિક્ષકોની શરાફી મંડળી દ્વારા ચકલી બચાવો અભિયાન શરૂ કરાયું

એજ્યુકેશન રીપોર્ટર. અમરેલી

વિશ્વચકલી દિનને ધ્યાને લઇ અમરેલી જીલ્લામાં જુદી જુદી સંસ્થાઓ દ્વારા ચકલી બચાવો અભીયાન ચલાવાઇ રહ્યુ છે ત્યારે અમરેલી જીલ્લાની પ્રાથમિક શિક્ષક શરાફી મંડળી દ્વારા આવુ અભીયાન હાથ ધરાયુ છે અને અમરેલી જીલ્લાની દરેક પ્રાથમિક શાળામાં ઓછામાં ઓછા બે ચકલીના માળા લાગે તેવા પ્રયાસો હાથ ધરાયા છે.

અમરેલી જીલ્લા પ્રાથમિક શિક્ષક શરાફી સહકારી મંડળીના પ્રમુખ આનંદભાઇ ભટ્ટ, મંત્રી અતુલભાઇ કાથરોટીયા, કારોબારી સભ્યો અને સભાસદો તથા કર્મચારીઓના સહીયારા પ્રયાસથી અભીયાન ચલાવાઇ રહ્યુ છે. માર્ચ અને એપ્રિલ એમ બે માસના સમયગાળામાં ચકલીને રહેઠાણની સૌથી વધુ જરૂર હોય છે. સમયગાળા દરમીયાન શિક્ષકો, છાત્રો અને ગામલોકોને વધુને વધુ ચકલીના માળા લગાવી પાણીના નાના કુંડાની વ્યવસ્થા કરવા પણ અપીલ કરાઇ છે.

હાલમાં મંડળી દ્વારા ધિરાણ માટે આવતા તમામ સભાસદોને ધિરાણના ફોર્મની સાથે ચકલીના માળાનું વિતરણ કરવામાં આવી રહ્યુ છે. ચકલીના માળા જે તે સ્કૂલમાં લગાવાઇ રહ્યા છે. મંડળી દ્વારા જીલ્લાની દરેક સ્કૂલમાં ઓછામાં ઓછા બે માળા લાગે તેવા પ્રયાસો થઇ રહ્યા છે. સભાસદો-શિક્ષકોને માળા દરેક સ્કૂલ સુધી પહોંચે તે જોવા અપીલ કરાઇ છે.