Wednesday, May 31, 2017

અમરેલીજિલ્લાના ખેડૂતોના ખેતરોને ફરતે તાર ફેન્સીંગ કરી આપવાની જાહેરાત

DivyaBhaskar News Network | May 06, 2017, 02:00 AM IST

અમરેલીજિલ્લાના ખેડૂતોના ખેતરોને ફરતે તાર ફેન્સીંગ કરી આપવાની જાહેરાત બાદ ખેડૂતાએ હોંશે હોંશે તમામ જરૂરી કાગળો જે-તે વિભાગમાં રજૂ કરી દીધાને ઘણાં મહિનાઓ પસાર થયા છતાં પણ તાર ફેન્સીંગ કરી આપવામાં આવતાં ખેડૂતોમાં રાજ્ય સરકાર સામે રોષ જોવા મળી રહ્યો છે.

દામનગર લાઠી તાલુકાના ખેડૂતોએ તાર ફેન્સીંગનો લાભ મેળવવા માટે ડીસ્ટ્રીક લેન્ડ રેકર્ડમાંથી નકશા મેળવી નિયત નમૂનામાં વનવિભાગમાં દરખાસ્તો કરી અને વન વિભાગે દરખાસ્તદાર ખેડૂતોની જમીનમાં તાર ફેન્સીંગ વ્યક્તિગત અને જૂથ બંનેનો સર્વે કર્યો. દિવસો સુધી લાઠી તાલુકાનાં ખેડૂતોએ દોડા દોડી કરી દરખાસ્તો કરી અને તાર ફેન્સીંગ માટે વનવિભાગે સર્વે તો કર્યો પણ તાર ફેન્સીંગ ક્યારે પ્રશ્ના સૌ ખેડૂતોનાં મનમાં હતો.

સરકારી યોજનાઓનો જોરશોરથી પ્રચાર કરી ખેડૂતોનાં તારણહાર બની ખેડૂતોના પાક રક્ષણ માટે બજેટ જોગવાઇ કરાઇ હતી. પણ તાર ફેન્સીંગ કરાઇ હતી. દિવસો સુધી ધંધે લાગેલું તંત્ર અને ખેડૂત બંનેએ દિવસો સુધી સર્વેમાં સાથે શ્રમ કરી લાઠી તાલુકાનાં મોટાભાગનાં ગ્રામ્ય વિસ્તારોમાં અને શહેરી વિસ્તારોમાં ખેડુતના પાક રક્ષણ માટે સરકાર દ્વારા તાર ફેન્સીંગ યોજાવાનો લાભ ક્યારે લાઠી તાલુકાના ખેડૂતોમાં ગણગણાટ સંભળાઇ રહ્યો છે. અને જિલ્લા તંત્રને તાર ફેન્સીંગ યોજના માટે જગાડવા દામનગર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોની મીટીંગનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. બાબતની દેવરાજભાઇ ઇસામલીયા સહિતના આગેવાનો દ્વારા સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી.

સરકાર દ્વારા કૃષિ ઉદ્યોગને પ્રોત્સાહન અાપવા માટે ખેડૂતોને તાર ફેન્શીંગ માટે સબસીડી આપવામાં આવે છે. જેના થકી ખેડૂતો પોતાના ખેતર ફરતે તાર ફેન્સીંગ લગાવી વન્ય પ્રાણીઓથી સલામત રાખે છે. પરંતુ ખેડૂતોને યોજનાનો લાભ લેવા માટે ઘણી મુસ્કેલી વેઠવી પડી રહી છે.

ગુજરાતી ખેડુતના અનોખા IDEAથી નવાઈ લાગશે: હવે બારે માસ મળશે Mango


અમરેલી: બારે માસ કેરી ખાવા મળે તો નવાઇ લાગીને પણ આ સાચી વાત છે. કેરીનું નામ પડતાં જ સૌના મોઢામાં પાણી આવી જાય છે. ઉનાળાની સિઝન ચાલુ થતાં જ બજારમા વિવિધ પ્રકારની કેરીઓ જોવા મળે છે. આખા વર્ષમાં બેથી ત્રણ મહિના સુધી બજારમાં કેરીઓ મળતી હોય છે પરંતુ જો સિઝન પુરી થયા બાદ પણ કેરી ખાવા મળે તો નવાઇ લાગે. પરંતુ દિતલા ગામના બચુભાઇ ઝાલાએ વિકલ્પ શોધી કાઢ્યો છે. જે કેરીની સિઝન પુરી થતાં પણ છ મહીના સુધી કેરી ખાવા મળશે. આ કેરીનું નામ છે પંચરત્ન કેરી જે ખાવામાં પણ મજેદાર છે અને તેમના ફાર્મમાં દશેરી, મલ્લિકા, કેસર, જન્બો કેસર, આલ્ફ્રેન્જો, લંગડો, જમાદાર, બારમાસી વગેરે કેરીઓની અલગ-અલગ જાત વિકસાવી છે.
  કેરીના શોખીનોને બારેમાસ કેરી ખાવા મળશે

કેરીની વાત આવે એટલે બધાં લોકોને કેસર કેરી યાદ આવી જાય છે. આવનારા દિવસોમાં કેરીના શોખીનોને બારેમાસ કેરી ખાવા મળશે, નવાઇ લાગીને પણ આ હકીકત છે. દિતલા ગામના બચુભાઇ ઝાલાએ તેમના આંબાના બગીચામાં પંચરત્ન કેરીની જાત વિકસાવી છે. અત્યારે બજારમાં કેરીની ધીમે ધીમે આવક શરૂ થઈ ગઈ છે અને લોકો કેરી ખાવાની શરૂઆત કરી દીધી છે. ત્યારે કેરીની સિઝન પુરી થયા બાદનો વિકલ્પ બચુભાઇએ શોધી કાઢ્યો છે. 

સાવરકુંડલાના પ્રગતિશીલ ખેડૂતનો અનોખો પ્રયોગ

સાવરકુંડલાના નેસડી ગામ પાસે આવેલ દિતલા ગામના એક પ્રગતિશીલ ખેડુતે કેસર કેરીનો વિકલ્પ શોધી કાઢ્યો છે. આ ઉપરાંત આ કેરી બારેમાસ લોકોને ખાવા મળે તે માટે પંચરત્ન કેરીની જાત તેમના ફાર્મમાં વિકસાવી છે. અમરેલી જીલ્લાની વાત કરીએ તો જીલ્લામાં અનેક ખેડુતો પોતાની કોઠાસુઝથી અલગ-અલગ સંશોધન કરી રહ્યા છે. કેરી બારેમાસ ખાવા મળે તે માટે બચુભાઇ છેલ્લા પાંચ વર્ષથી મહેનત કરી રહ્યા હતા અને આ વર્ષે તેમની મહેનત રંગ લાવી. બચુભાઇના કેરીના ફાર્મમાં 30થી 35 જાતની અલગ અલગ કેરીની જાત જોવા મળે છે. પરંતુ રણજીતભાઇને પંચરત્ન કેરીમાં વધારે રસ છે કારણ કે આ કેરી કેસર કરતા પણ મીઠી છે તેવું તેમનું માનવુ છે.

સાવરકુંડલા: વન્ય વિસ્તારમાં ખડકાઇ આડેધડ પવનચક્કીઓ, સિંહોની સુરક્ષા સામે ખતરો

Bhaskar News, Savarkundla | May 09, 2017, 02:02 AM IST
સાવરકુંડલા: વન્ય વિસ્તારમાં ખડકાઇ આડેધડ પવનચક્કીઓ, સિંહોની સુરક્ષા સામે ખતરો,  amreli news in gujarati
સાવરકુંડલા પંથકમાં સિંહોની સંખ્યામાં પણ વધારો થયો
સાવરકુંડલા:છેલ્લા ત્રણ દાયકામાં વન વિભાગ દ્વારા સિંહોની સુરક્ષાની કામગીરી નોંધપાત્ર બની છે. સાવરકુંડલા પંથકમાં સિંહોની સંખ્યામાં પણ વધારો જોવા મળ્યો છે. ત્યારે આ વિસ્તારમાં ઉભી થઇ રહેલી આડેધડ પવનચક્કીઓથી સિંહોની સુરક્ષા સામે ખતરો ઉભો થતાં સરકારી તંત્ર સામે રોષ ઉભો થયો છે.
 
પશુઓનું જીવન જોખમી બની ગયું
 
આ વિસ્તારમાં ખાનગી કંપની દ્વારા આડેધડ ઉભી રાઇ રહેલી પવનચક્કીઓથી સિંહ – મોર અને અન્ય પશુઓનું જીવન જોખમી બની ગયું છે. આ વિસ્તાર ઇકો સેન્સિટિવ ઝોનથી આરક્ષિત છે. ખાસ કરીને સાવરકુંડલા તાલુકાના જ પીઠવડી, ભેકરા, છાપરી, મેવાસા, સેજળ – વડાળબીડમાં આશરે 24 જેટલાં સિંહો કાયમી વસવાટ કરે છે. જ્યારે 3 હજાર ઉપર મોરનું રહેઠાણ છે. પર્યાવરણવિદ્ મંગળુભાઇ ખુમાણના જણાવ્યા અનુસાર સિંહ ઉપરાંત મોર, ચિંકારા, હરણ, ઇન્ડીયન પાઇથન, પેલીકન કુંજ, રાજહસ તથા વિદેશી પ્રવાસી પક્ષી સારસ આ વિસ્તારમાં જોવા મળે છે.
 
હજારો પશુ પક્ષીઓનાં જીવનનો ખતરો
 
હાલમાં 8 જેટલાં નાના સિંહબાળ અહી ઉછરી રહ્યાં છે. આ વિસ્તારના આઠ ગામડાઓમાં વિન્ડ ફાર્મ – પાવર ઉત્પાદન વીજ ટ્રાન્સફોર્મરો ખડકાતા આ હાઇવોલ્ટેજ વિજ એકમો હજારો પશુ પક્ષીઓનાં જીવનનો ખતરો બની રહ્યું છે. જ્યારે આ વિસ્તારમાંથી પવનચક્કીઓનાં ખડકલા દૂર કરવામાં આવે તો તમામને અન્યત્ર સલામત સ્થળે ખસેડવા માંગ ઉભી થઇ છે. હવે જોવાનું એ રહ્યું છે કે, આ મહાકાય કંપનીઓ સામે સરકારી તંત્રતો વામણું પુરવાર થાય છે કે, ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર સિંહોની સુરક્ષા કરી શકશે કે કેમ?
સાવજોને પહોંચશે ખલેલ

વિન્ડફાર્મ અવાજ અને વીજ પ્રવાહથી  સિંહોના જીવનનો પૂરો ખતરો છે. સામાન્ય રીતે અવાજ અને ગંધના માધ્યમથી આ પ્રાણીઓ શિકાર કરતાં હોય છે. ત્યારે વિન્ડફાર્મના અવાજથી તેને ખલેલ પહોંચશે. પરિણામે તેના ખોરાક અને જીવન પર ખતરો છે.

અમરેલીમાં પક્ષી પ્રેમીઓ દ્વારા પાણીનાં કુંડા મૂકાયા

DivyaBhaskar News Network | May 10, 2017, 02:40 AM IST
આકરી ગરમીને લઇ પક્ષીઓ માટે કાર્ય

અત્યારેઉનાળો ચાલી રહ્યો છે. ત્યારે સૌ કોઇને પાણીની જરૂરીયાત રહે છે. પશુ પક્ષીને પણ પાણીની જરૂરીયાત પડે છે. તેથી પક્ષી પ્રેમીઓ પક્ષીઓ માટે પાણીના કુંડાઓ મુકે છે. જેથી પક્ષીઓ પાણી પી શકે. અમરેલીમાં આવેલાં બાલભવનમાં પણ પક્ષી પ્રેમીઓ દ્વારા પાણીના કુંડા મૂકવામાં આવ્યા છે.

ઉનાળો ચાલી રહ્યા છે ત્યારે બધી જગ્યાએ પીવાના પાણીની સમસ્યા રહે છે. ઠેર ઠેર પાણીના ટેન્કરો મંગાવા પડે છે. લોકોને પીવાનું પાણી નથી મળતું આવી કેટકેટલી સમસ્યા લોકોને પરેશાન કરતી રહે છે. ઉપરાંત પશુ પક્ષીઓને પાણીની સમસ્યા પડે છે. તેથી પક્ષી પ્રેમીઓ દ્વારા પાણીના કુંડાઓ મુકવામાં આવે છે. જેથી પશુ પક્ષીઓ પણ પાણી પી શકે. અને તેમને તકલીફ પડે.

અમરેલીમાં આવેલા ગીરધરભાઇ સંગ્રહાલય બાલભવન અમરેલીના ગ્રાઉન્ડમાં પક્ષી પ્રેમીઓ દ્વારા પાણીના કુંડાઓ મુકવામાં આવ્યા છે. અહીં ખૂબ મોટા પ્રમાણમાં કબૂતરો રહેતા હોય તેમને પાણીની સમસ્યા પડે તે માટે પાણીના કુંડાઓ મૂકવામાં આવ્યા છે.

દસ દિવસના બચ્ચાઓને દિપડીએ ત્યજી દીધા, ‘મા’ બની સંભાળ કરે છે વન વિભાગ

Bhaskar News, Visavadar | May 14, 2017, 04:53 AM IST
દસ દિવસના બચ્ચાઓને દિપડીએ ત્યજી દીધા, ‘મા’ બની સંભાળ કરે છે વન વિભાગ,  amreli news in gujarati
  • વન વિભાગ દ્વારા બચ્ચાંને ઉછેરવામાં આવી રહ્યાં છે
વિસાવદર:14મે એટલે માતૃત્વ દિવસ, મનુષ્ય અને વન્યજીવોમાં પણ પોતાનાં સ઼તાનો પ્રત્યે માતૃત્વ હોય છે. પરંતુ મનુષ્ય કરતા વન્ય જીવોમાં માતૃત્વ કંઇક અલગ હોય છે. જેમાં દિપડાઓ, સિંહો પોતપોતાનાં બચ્ચાઓનો કંઇક ખાસ પ્રકારે ઉછેર કરતા હોય છે પણ ભાગ્યેજ બનતા કિસ્સાઓ મુજબ માતા તેના બચ્ચાને ત્યજીને ચાલી ગયા બાદ તે બચ્ચાની માતા વન વિભાગ બન્યું છે અને માતાથી પણ સવાયા બચ્ચાનો ઉછેર કરવામાં આવી રહ્યો છે.
 
શેરડીનાં વાડમાંથી દિપડીનાં ત્રણ બચ્ચાઓને લઇ આવવામાં આવ્યા
 
સાસણ સ્થિત એનીમલ કેર હોસ્પિટલમાં ગત તા. 15-2-17નાં રોજ વેરાવળનાં રામપરા ગામનાં શેરડીનાં વાડમાંથી દિપડીનાં ત્રણ બચ્ચાઓને લઇ આવવામાં આવ્યા હતા. જે અંગેની વિગત આપતા સાસણનાં એસીએફ અપારનાથીનાં જણાવ્યા પ્રમાણે ગીર સોમનાથ જિલ્લાનાં વેરાવળ તાલુકાનાં રામપરા ગામની સીમમાં શેરડીનાં વાડમાં દિપડીનાં દસેક દિવસનાં ત્રણ બચ્ચા રેઢા મળી આવ્યા હતા. બાદમાં વન વિભાગ દ્વારા દિપડી અને બચ્ચાઓનું મિલન કરાવવા અથાગ પ્રયત્નો બાદ પણ દિપડીએ ત્યજી દીધેલા બચ્ચાને લેવા માટે પરત ન આવતા ત્રણેય બચ્ચાઓને સાસણ સ્થિત એનીમલ કેર હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.

24 કલાક સીસીટીવી કેમેરાની નજર હેઠળ
 
જયાં વન વિભાગ દ્વારા બચ્ચાઓને તેની મા બની ઉછેરવામાં આવી રહ્યા છે. જેમાં તેને શરૂઆતનાં દસ દિવસ દરરોજ દિવસમાં 25 એમએલ બકરીનું દૂધ ચાર વખત આપવામાં આવતુ હતુ. બાદમાં દસ દિવસ બાદ આ બચ્ચાને 250 એમએલ બે વખત અને ત્યારબાદ એક માસનાં અંતે તેને મટનનો કીમો અને તેમાં દૂધ મિશ્રણ કરીને આપવામાં આવી રહ્યું છે. આ બચ્ચાઓને એનીમલ કેર હોસ્પિટલમાં લઇ આવ્યાને ત્રણેક માસ બાદ તેની તબિયત એકદમ હૃષ્ટપૃષ્ટ થઇ ગઇ છે. એસીએફ અપારનાથીનાં વધુમાં જણાવ્યા મુજબ આ ત્રણેય બચ્ચાને 24 કલાક સીસીટીવી કેમેરાની નજર હેઠળ સતત મોનેટરીંગ કરવામા આવી રહ્યું છે.
આજીવન શિકાર કરવા સક્ષમ ન બની શકે
 
તેની દેખભાળ રાખવા સતત બે વેટરનરી ડોકટરો ખડેપગે હાજર છે અને બન્ને બચ્ચાઓને વેટરનરી ડોકટરોની હાજરીમાં ખોરાક આપવામાં આવી રહ્યો છે અને તેની જરૂરીયાત મુજબ વીટામીન, કેલ્શીયમ વગેરે પણ આપવામાં આવી રહ્યું છે. વન વિભાગનાં જણાવ્યા પ્રમાણે હવે ત્રણેય બચ્ચાઓને કાયમી વન વિભાગનું ઓશીયાળુ બની રહેવું પડશે, આ બચ્ચા મોટા થયા બાદ તેને શિકાર કરતા ન આવડે કારણ કે તેની મા ન હોવાથી તેને શિકાર કરવાની ટ્રેનીંગ મળી ન હોવાથી તે આજીવન શિકાર કરવા સક્ષમ ન બની શકે જેથી હવે આજીવન વન વિભાગ દ્વારા સાસણમાં સ્થિત દેવળીયા પાર્કમાં બનાવવામાં આવેલ ઓરફન સેન્ટરમાં મોટા થયા બાદ ત્યાં રહેવું પડશે અને આજીવન તેની મા ની જરૂરીયાત વન વિભાગ દ્વારા પૂરી પાડવામાં આવશે.

ઈકોઝોન નાબૂદ નહીં થાય તો તાલાલામાં નેતાઓને નો એન્ટ્રીઃ પ્રવીણ રામ

Bhaskar News, Talala | May 16, 2017, 08:21 AM IST

  • તાલાલામાં જન અધિકાર મંચ દ્વારા ઈકોઝોનના વિરુદ્ધમાં જનવેદના રેલી આયોન કરાયું હતું
તાલાલા:ગીર પંથકની પ્રજાએ ઇકોઝોનનાં થયેલા અન્યાયની વેદના રૂપે પ્રચંડ લોકરોષ દર્શાવી જનવેદના રેલીમાં મોટી સંખ્યામાં હાજરી આપી જનવેદના રેલીને ભારે સફળતા સાથે અભુતપુર્વ બનાવી હતી.

સરકારને પંદર દિવસનું અલ્ટીમેટમ

તાલાલા મામલતદાર કચેરી ખાતે જન અધિકાર મંચ દ્વારા ઈકોઝોનના વિરુદ્ધમાં જનવેદના રેલી નીકળી હતી. લડતના કન્વીનર પ્રવીણ રામે મામલતદારને આવેદન આપીને સરકારને 15 દિવસનું અલટીમેટમ આપ્યું હતું. ઈકોઝોન બાબતે જન અધિકાર મંચની ટીમ સરકાર સાથે મંત્રણા કરવા તૈયાર છે. જો ઈકોઝોન નાબૂદ નહી થાઈ તો તાલાલામાં રાજકારણીઓ અને વનવિભાગના કર્મચારીઓ માટે નો એન્ટ્રી ઝોન લગાવવાની પ્રવિણ રામે જાહેરાત કરી છે. તાલાલામાં મોટા ભાગના બજારો બંધ રાખીને લોકો રેલીમાં જોડાયા હતા.

ગામડાઓમાંથી ખેડુતો અને લોકો મોટી સંખ્યામાં પહોંચ્યા

તાલાલા મામલતદાર કચેરી ખાતે બપોરથી જ ગામડાઓમાંથી ખેડુતો અને લોકો મોટી સંખ્યામાં પહોંચ્યા હતા. બપોરે ચાર વાગ્યા સુધીમાં ભારે જનસમુદાય એકઠો થઇ જતા મામલતદાર કચેરીનું ગ્રાઉન્ડ અને તાલાલા, સાસણ રોડ જામ થઇ ગયો હતો. જનઅધિકાર મંચની રાહબરી હેઠળ તાલાલા મામલતદારને ગીરની પ્રજાએ આવેદન આપી પંદર દિવસનું અલ્ટીમેટમ આપી ઇકોઝોન અંગે અંતર મર્યાદાનો કરવામાં આવેલ અન્યાય દુર નહીં થાય તો ઉગ્ર આંદોલનનાં કાર્યક્રમો કરવાની ચીમકી આપી હતી.

ખાંભાનાં રાયડીમાં સાવજે બે પશુઓનું મારણ કર્યું

DivyaBhaskar News Network | May 17, 2017, 02:10 AM IST
અવારનવાર સાવજો છેક ગામ સુધી આવી જતા હોઇ ખેડૂતોમાં ફફડાટ

ખાંભાતાલુકામાં સિંહો અવાર નવાર ગામમાં આવી જાય છે. અને પશુઓનું મારણ કરી જાય છે. તાજેતરમાં ખાંભા તાલુકાનાં રાયડી ગામની મેઇન બજારમાં બે વાછરડીનું મારણ કરતાં સિંહના તરખાટથી ગ્રામજનો ભયભીત થઇ ચુક્યા હતા.

ખાંભા તાલુકાનાં રાયડી ગામે ગત રાત્રીના 1 કલાકનાં અરસામાં બે સિંહ ચડી આવતા મેઇન બજાર વિસ્તારમાં દાણા બજાર તરીકે ઓળખાતી શેરીમાં બે વાછરડીનું મારણ કર્યું હતું. જેમાં 1 વાછરડીને જગ્યા પર અને 1 વાછરડીને મારણ કરી શેરીમાં ખેંચી ગયો હતો. અહીં વિસ્તારમાં અવાર નવાર સિંહો આવી ચડે છે. જેના કારણે લોકો સતત ભયભીત થતાં રહે છે. અને રાત્રીના સમયે લોકોને બહાર નીકળવું મુશ્કેલ થઇ જાય છે.

જાણવા મળતી વિગત અનુસાર રાયડી વિસ્તારમાં અવાર નવાર સિંહ આવ ચડે અને પશુઓનું તથા ઢોરનું મારણ કરતાં હોય છે. વન વિભાગ દ્વારા નક્કર કામગીરી કરવામાં આવે અને ગ્રામજનોને ભયમુક્ત કરવામાં આવે તેની બુલંદ માંગ ઉઠી છે. રાયડી પંથક જંગલ વિસ્તારમાં હોય તંત્ર કોઇ ચોક્કસ ફરજ બજાવતું હોય નારાજગી છે. જે કાયમી ધોરણે સલામતીનાં ભાગરૂપે કામ થાય. વિસ્તારમાં પાંજરૂ મુકવા ગ્રામજનોએ માંગ કરી છે. 

અમરેલી: કૂવામાં પડતા સિંહણનું મોત, ત્રણ દિવસ બાદ કઢાયો મૃતદેહ

Jaydev Varu, Amreli | May 17, 2017, 05:39 AM IST
અમરેલી: કૂવામાં પડતા સિંહણનું મોત, ત્રણ દિવસ બાદ કઢાયો મૃતદેહ,  amreli news in gujarati
  • વનતંત્ર દ્વારા સિંહણનો મૃતદેહ કુવામાંથી બહાર કાઢ્યો
અમરેલી/ધારી:ગીર પૂર્વની સરસીયા રેંજમાં આંબરડી ગામની સીમમાં આજે એક વાડીના કૂવામાંથી કોહવાઇ ગયેલી હાલતમાં સિંહણનો મૃતદેહ મળી આવ્યો હતો. આ સિંહણનું મોત ત્રણેક દિવસ પહેલા કૂવામાં પડી જવાના કારણે થયુ હતું. આંબરડી પાર્કની બાજુમાં જ આ ઘટના બની હોવા છતાં ત્રણ દિવસ સુધી વનતંત્રને તેની ખબર પડી ન હતી. જીલ્લાના રેવન્યૂ વિસ્તારમાં વધુ એક સિંહણનું કમોત થયુ છે.
 
કૂવામાં સિંહણનો મૃતદેહ પડયો
 
આજે ધારી નજીક સરસીયા રેંજમાં આવતા આંબરડી ગામની સીમમાં નસીયા વિસ્તારમાં આવેલી બાબુભાઇ કાતરીયાની વાડીમાં કૂવામાંથી સિંહણનો મૃતદેહ મળી આવ્યો હતો. આજે વનતંત્રને બાતમી મળી હતી કે વાડીના કૂવામાં એક સિંહણનો મૃતદેહ પડયો છે. જેને પગલે એસીએફ સી.પી. રાણપરીયાની સુચનાથી સ્થાનિક આરએફઓ જાડેજા, વેટરનરી ડો. હિતેષ વામજા ઘટનાસ્થળે દોડી ગયા હતાં.
 
કૂવામાં સિંહણનો મૃતદેહ હોવા છતા જાણ ન થઇ
 
રેસ્ક્યુ ટીમના વનરાજભાઇ ધાધલ, જે.ડી. બાયલ, એમ.ડી. વાળા વિગેરે પણ દોડી આવ્યા હતાં. કૂવામાં ખાબકવાથી સિંહણનું મોત થયું હતું અને તેનો મૃતદેહ કોહવાયેલી હાલતમાં મળ્યો હતો. વન વિભાગે આ મૃતદેહને કૂવામાંથી બહાર કાઢ્યો હતો અને બાદમાં પેનલ ડોક્ટરથી તેનું પીએમ કરાયું હતું. નવાઇની વાત એ છે કે આંબરડીપાર્ક નજીક હોવા છતાં અહીં પેટ્રોલીંગ કરતા વનકર્મીઓને ત્રણ દિવસ સુધી કૂવામાં સિંહણનો મૃતદેહ હોવા અંગે જાણ થઇ ન હતી.

અમરેલી: એક સાથે ચાર સાવજો ત્રાટક્યા, બળદનું મારણ કરી માણી મેજબાની

Bhaskar News, Amreli | May 18, 2017, 02:01 AM IST

  • અમરેલી: એક સાથે ચાર સાવજો ત્રાટક્યા, બળદનું મારણ કરી માણી મેજબાની,  amreli news in gujarati
અમરેલી:રાજુલા તાલુકાના ઉંટીયા ગામે ગઇકાલે વહેલી સવારે એક સાથે ચાર સાવજોએ વાડીમા એક બળદનુ મારણ કર્યુ હતુ. સાવજોના આ પ્રકારના કાયમી ત્રાસના કારણે ખેડૂતોમા ફફડાટ છે. અમરેલી જિલ્લામા રેવન્યુ વિસ્તારમા સાવજો પોતાના પેટની ભુખ ભાંગવા માટે અવારનવાર ખેડૂતોના ઉપયોગી માલઢોરનુ મારણ કરતા રહે છે.

વાડી ખેતરોમાં સાવજોનાં આંટાફેરાથી ખેડૂતોમાં ફફડાટ

ખાંભા પંથકમા આવી ઘટના બન્યા બાદ આજે રાજુલા તાલુકાના ઉંટીયા ગામની સીમમા વહેલી સવારે એક બળદના મારણની ઘટના બની હતી. સુત્રોમાથી જાણવા મળતી વિગત અનુસાર ઉંટીયાના બુઘાભાઇ સામતભાઇ લાખણોત્રાએ પોતાના ખેતરમા એક બળદ બાંધી રાખ્યો હતો. વહેલી સવારે એકસાથે ચાર સાવજોનુ ટોળુ શિકારની શોધમા અહી આવી પહોંચ્યુ હતુ. અને તેમના બળદનુ મારણ કર્યુ હતુ. ઘટનાની જાણ થતા વનવિભાગનો સ્ટાફ પણ અહી દોડી ગયો હતો. આ પ્રકારના બનાવો અવારનવાર બનતા હોય લોકોમા ફફડાટ છે.

માણેકવાડા: નિવૃત આચાર્યએ કોઠાસૂઝથી કરી કાજુની ખેતી, એક ઝાડે 20 કિલો ઉત્પાદન

Bhaskar News, Manekwada | May 25, 2017, 00:35 AM IST
માણેકવાડા: નિવૃત આચાર્યએ કોઠાસૂઝથી કરી કાજુની ખેતી, એક ઝાડે 20 કિલો ઉત્પાદન,  amreli news in gujarati
  • કોઠસૂઝથી ખેડૂતે કાજુની ખેતી કરી
માણેકવાડા:કેશોદ તાલુકાનાં માણેકવાડા ગામે રહેતા નિવૃત આચાર્ય કૃષિ ક્ષેત્રે અવનવા સંશોધનો કરી રહયાં છે. તેઓ હાલ કાજુની ખેતી કરી સારૂં એવું ઉત્પાદન મેળવી રહયાં છે. માણેકવાડા ગામે રહેતા નિવૃત આચાર્ય રામભાઇ દેવાયતભાઇ ડાંગર પોતાની આગવી કોઠાસૂઝથી  ખેતી કરી રહયાં છે અને બાગાયતી ખેતીમાં આગળ વધી રહયાં છે.
 
તેમનાં પુત્ર હિતેષનાં જણાવ્યા અનુસાર તેમણે પોતાના ખેતરમાં કાજુની ખેતી કરી છે અને હાલ 12 જેટલા કાજુનાં ઝાડ અને એક ઝાડ દીઠ 20 કિલો કાજુ ઉત્પાદન  થઇ રહયું છે જે અમદાવાદ અને રાજકોટ મોકલવામાં  આવી રહયાં છે અને નિવૃત શિક્ષકની આ બાગાયતી ખેતી અંગે માર્ગદર્શન મેળવવા માટે ગામ લોકો પણ જઇ રહયાં છે. અત્રે ઉલ્લેખનિય છે કે, તેમનાં ખેતરમાં 1 કિલોનું જામફળ, અંજીર, લાલ સીતાફળનાં ઝાડ પણ જોવા મળી રહયાં છે.

સાવરકુંડલામાં અજાણ્યા વાહન હડફેટે હરણનું મોત

Bhaskar News, Amreli | May 27, 2017, 00:27 AM IST

    સાવરકુંડલામાં  અજાણ્યા વાહન હડફેટે હરણનું મોત,  amreli news in gujarati
અમરેલી:સાવરકુંડલામાં ગઇકાલે રાત્રીના સમયે કોઇ અજાણ્યા વાહન ચાલકે મહુવા રોડ પર એક હરણને હડફેટે લીધુ હતુ. આ બનાવમાં વાહનચાલક પુરઝડપે અને બેફીકરાઇથી ગાડીને ચલાવી હતી. જેમાં અચાનક ગીરીધર વાવ પાસે  હરણ આવી ચડેલ હતુ. આ અકસ્માતમાં હરણ મૃત્યુ પામ્યુ હતુ. બનાવ બનવાની સાથે વાહનચાલક પલાયન થઇ ગયો હતો.  બાદમાં જંગલખાતાના અધિકારીઓને જાણ થતા ઘટના સ્થળે દોડી ગયા હતા. આ હરણને મૃત હાલતમાં અધિકારીઓએ પી.એમ કરવા માટે ધારી ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ સાથે વાહનચાલકની તપાસ પણ ચાલી રહી છે.

પીપાવાવ પોર્ટ વિસ્તાર સાવજનું નિવાસસ્થાન બન્યું, સિંહ રોજ મારે છે લટાર

Jaydev Varu, Rajula | May 29, 2017, 22:22 PM IST
પીપાવાવ પોર્ટ વિસ્તાર સાવજનું નિવાસસ્થાન બન્યું, સિંહ રોજ મારે છે લટાર,  amreli news in gujarati
  • પીપાવાવ નજીકના પુલ પર સિંહે લટાર મારી
રાજુલા: ગીર જંગલમા વસતા સાવજો હવે રેવન્યુ વિસ્તારમાં વધુ પ્રમાણમાં જોવા મળી રહ્યાં છે. ખાસ કરીને રાજુલા જાફરાબાદ પંથકના દરિયાકાંઠાળ વિસ્તારોમા પણ સાવજોએ વસવાટ કર્યો છે. ત્યારે અહીનાં પીપાવાવ પોર્ટ નજીક પુલ ઉપર એક ડાલામથ્થા સાવજે લટાર મારી હતી. અહીથી પસાર થતા વાહન ચાલકોએ પણ સિંહ દર્શનનો લ્હાવો લીધો હતો. તો અહી સિંહોની સુરક્ષા માટે પ્રકૃતિપ્રેમીઓએ માંગ ઉઠાવી છે.

પીપાવાવ પોર્ટ વિસ્તાર સિંહોનું નિવાસ્થાન બની ગયું છે. અહીં દરરોજ આ વિસ્તારમાં સિંહો ધોળા દિવસે લટાર મારવા નીકળી પડે છે. આજે પણ એક એવી ઘટના બની છે. પીપાવાવ બીએમએસના પુલ પર ડાલામથ્થો સિંહ આવી ચડયો હતો અને  પુલ પર 13 મિનિટ સુધી આંટાફેરા મારતો જોવા મળ્યો હતો. અહીં પુલ પર દરરોજ નાના મોટા વાહનો પૂરપાટ ઝડપે દોડી રહ્યાં હોય ત્યારે સિંહ પ્રેમીઓમાં પણ નારાજગી સાથે સિંહોની સુરક્ષા સામે સવાલો ઉઠાવ્યા હતા.
 
આગળ જુઓ, વધુ તસવીરો
 
(તસવીરો: જયદેવ વરૂ)