Wednesday, May 31, 2017

દસ દિવસના બચ્ચાઓને દિપડીએ ત્યજી દીધા, ‘મા’ બની સંભાળ કરે છે વન વિભાગ

Bhaskar News, Visavadar | May 14, 2017, 04:53 AM IST
દસ દિવસના બચ્ચાઓને દિપડીએ ત્યજી દીધા, ‘મા’ બની સંભાળ કરે છે વન વિભાગ,  amreli news in gujarati
  • વન વિભાગ દ્વારા બચ્ચાંને ઉછેરવામાં આવી રહ્યાં છે
વિસાવદર:14મે એટલે માતૃત્વ દિવસ, મનુષ્ય અને વન્યજીવોમાં પણ પોતાનાં સ઼તાનો પ્રત્યે માતૃત્વ હોય છે. પરંતુ મનુષ્ય કરતા વન્ય જીવોમાં માતૃત્વ કંઇક અલગ હોય છે. જેમાં દિપડાઓ, સિંહો પોતપોતાનાં બચ્ચાઓનો કંઇક ખાસ પ્રકારે ઉછેર કરતા હોય છે પણ ભાગ્યેજ બનતા કિસ્સાઓ મુજબ માતા તેના બચ્ચાને ત્યજીને ચાલી ગયા બાદ તે બચ્ચાની માતા વન વિભાગ બન્યું છે અને માતાથી પણ સવાયા બચ્ચાનો ઉછેર કરવામાં આવી રહ્યો છે.
 
શેરડીનાં વાડમાંથી દિપડીનાં ત્રણ બચ્ચાઓને લઇ આવવામાં આવ્યા
 
સાસણ સ્થિત એનીમલ કેર હોસ્પિટલમાં ગત તા. 15-2-17નાં રોજ વેરાવળનાં રામપરા ગામનાં શેરડીનાં વાડમાંથી દિપડીનાં ત્રણ બચ્ચાઓને લઇ આવવામાં આવ્યા હતા. જે અંગેની વિગત આપતા સાસણનાં એસીએફ અપારનાથીનાં જણાવ્યા પ્રમાણે ગીર સોમનાથ જિલ્લાનાં વેરાવળ તાલુકાનાં રામપરા ગામની સીમમાં શેરડીનાં વાડમાં દિપડીનાં દસેક દિવસનાં ત્રણ બચ્ચા રેઢા મળી આવ્યા હતા. બાદમાં વન વિભાગ દ્વારા દિપડી અને બચ્ચાઓનું મિલન કરાવવા અથાગ પ્રયત્નો બાદ પણ દિપડીએ ત્યજી દીધેલા બચ્ચાને લેવા માટે પરત ન આવતા ત્રણેય બચ્ચાઓને સાસણ સ્થિત એનીમલ કેર હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.

24 કલાક સીસીટીવી કેમેરાની નજર હેઠળ
 
જયાં વન વિભાગ દ્વારા બચ્ચાઓને તેની મા બની ઉછેરવામાં આવી રહ્યા છે. જેમાં તેને શરૂઆતનાં દસ દિવસ દરરોજ દિવસમાં 25 એમએલ બકરીનું દૂધ ચાર વખત આપવામાં આવતુ હતુ. બાદમાં દસ દિવસ બાદ આ બચ્ચાને 250 એમએલ બે વખત અને ત્યારબાદ એક માસનાં અંતે તેને મટનનો કીમો અને તેમાં દૂધ મિશ્રણ કરીને આપવામાં આવી રહ્યું છે. આ બચ્ચાઓને એનીમલ કેર હોસ્પિટલમાં લઇ આવ્યાને ત્રણેક માસ બાદ તેની તબિયત એકદમ હૃષ્ટપૃષ્ટ થઇ ગઇ છે. એસીએફ અપારનાથીનાં વધુમાં જણાવ્યા મુજબ આ ત્રણેય બચ્ચાને 24 કલાક સીસીટીવી કેમેરાની નજર હેઠળ સતત મોનેટરીંગ કરવામા આવી રહ્યું છે.
આજીવન શિકાર કરવા સક્ષમ ન બની શકે
 
તેની દેખભાળ રાખવા સતત બે વેટરનરી ડોકટરો ખડેપગે હાજર છે અને બન્ને બચ્ચાઓને વેટરનરી ડોકટરોની હાજરીમાં ખોરાક આપવામાં આવી રહ્યો છે અને તેની જરૂરીયાત મુજબ વીટામીન, કેલ્શીયમ વગેરે પણ આપવામાં આવી રહ્યું છે. વન વિભાગનાં જણાવ્યા પ્રમાણે હવે ત્રણેય બચ્ચાઓને કાયમી વન વિભાગનું ઓશીયાળુ બની રહેવું પડશે, આ બચ્ચા મોટા થયા બાદ તેને શિકાર કરતા ન આવડે કારણ કે તેની મા ન હોવાથી તેને શિકાર કરવાની ટ્રેનીંગ મળી ન હોવાથી તે આજીવન શિકાર કરવા સક્ષમ ન બની શકે જેથી હવે આજીવન વન વિભાગ દ્વારા સાસણમાં સ્થિત દેવળીયા પાર્કમાં બનાવવામાં આવેલ ઓરફન સેન્ટરમાં મોટા થયા બાદ ત્યાં રહેવું પડશે અને આજીવન તેની મા ની જરૂરીયાત વન વિભાગ દ્વારા પૂરી પાડવામાં આવશે.

No comments: