Wednesday, April 11, 2012

ઊનાના ગામડામાં યોજાય છે રોજ ‘લાયન શો’.


Source: Bhaskar News, Una   |   Last Updated 12:58 AM [IST](05/04/2012)
જંગલ વિસ્તાર નજીકનાં ગામડાઓમાં સિંહ સહિતનાં વન્યપ્રાણીઓનો કાયમી વસવાટ
ઊના પંથક જંગલ વિસ્તારની નજીક આવેલો હોય છેલ્લા ઘણા સમયથી સિંહ સહિતનાં વન્યપ્રાણીઓએ આ પંથકમાં વસવાટ કરવાનું શરૂ કર્યું છે. ત્યારે વનરાજો દ્વારા ગ્રામ્ય પંથકમાં થતાં મારણને કારણે લોકોને કાયમ લાયન શો જોવા મળી રહે છે.

ઊના તાલુકાનાં ૩પથી વધુ ગામડાઓ જંગલ વિસ્તારની નજીક આવેલા છે. જેને કારણે છેલ્લા ઘણા સમયથી આ પંથકમાં વન્યપ્રાણીઓનો વસવાટ શરૂ થયો છે. જેમાં સાવજો પણ બાકાત નથી. સિંહને નિહાળવાનો રોમાંચ જ અલગ હોય છે. તેમાં પણ જ્યારે તે પોતાનાં પરિવાર સાથે મારણની મિજબાની માણી રહ્યો હોય ત્યારે આ સાવજ પરિવારને જોવા લોકોનાં ટોળા ઉમટી પડતા હોય છે. જંગલ વિસ્તાર નજીકનાં ઊના પંથકનાં આ ગામડાઓમાં સિંહનો વસવાટ કાયમી જેવો થઇ ગયો છે.

જેને કારણે લોકોને કાયમી સિંહ જોવા મળી રહે છે. તેમજ સિંહ દ્વારા મારણ કરવામાં આવે ત્યારે લોકો એક બીજાને ફોન પર સંપર્ક કરી સાવજો મજિબાની માણતા હોય તે નજારો જોવા બોલાવતા હોય છે. જંગલ વિસ્તાર હવે સાવજો તેમજ અન્ય પ્રાણીઓ માટે ટૂંકો પડી રહ્યો હોય તેમ આ પંથકમાં દપિડાઓની રંજાડ બાદ સાવજોએ કાયમી વસવાટ શરૂ કર્યો છે.

તેમાં પણ ઊનાળાની મોસમમાં સમી સાંજનાં સિંહ સહિતનાં વન્યપ્રાણીઓ ટહેલવા નિકળી પડે છે. ત્યારે શરૂ થાય છે લાયન શો. ગ્રામ્ય વિસ્તારમાં આ સિંહને જોવા લોકોનાં ટોળા ઉમટી પડે છે. અને આ સમય દરમિયાન વનવિભાગ પણ લાચાર બની જાય છે. જો જંગલ વિસ્તારમાં આ રીતે લાયન શો જોવા લોકો પહોંચે તો વનવિભાગ તરફથી કાયદાકીય કાર્યવાહી થઇ શકે છે. પરંતુ રેવન્યુ વિસ્તારમાં સાવજો જાતે મારણ કરતા હોય અને લોકો જોવા એકઠા થઇ જાય ત્યારે વનવિભાગે સિંહ દ્વારા હુમલો ન થાય કે લોકો સિંહને કાંકરીચાળો ન કરે તે માટે સતત તકેદારી રાખવી પડે છે. પંથકમાં વહિરતા સાવજોની રખેવાળી માટે તેની પાછળ વનવિભાગને પણ રખડવું પડે છે.

સિંહ ગૃપની લાંબી સફર
તાજેતરમાં ચાર સિંહબાળ અને એક માદાનાં ગૃપે આમોદ્રામાં ધામા નાંખ્યા હતા. ત્યાં એક આધેડ પર હુમલો કર્યા બાદ આ ગૃપ દરીયાઇ વિસ્તારમાં આવેલા વાંસોજ ગામ પાસે પહોંચ્યુ હતું. જ્યાં બે દિવસ રોકાયા બાદ તે કેસરીયા તરફ ગયું હતું.

લાયનશોમાં વનખાતુ રહે છે ખડે પગે
હાલના સમયમાં સિંહે ગ્રામ્ય પંથકમાં કે સીમ વિસ્તારમાં વસવાટ કર્યો હોય સાંજ પડેને પાણી પીવા કે શિકાર માટે બહાર નીકળે છે. ત્યારે શરૂ થાય છે લાયન શો. જેને જોવા લોકોનાં ટોળા ઉમટી પડે છે. જેથી તે સમયે વનખાતાએ ખડેપગે રહી લોકોની અને સિંહની રખેવાળી કરવી પડે છે.

Thursday, March 22, 2012

વન તંત્ર પાસે પંચનામાની નકલ મેળવવા અરજદારોને ધરમ ધકકા.


ધારી તા. ૧૭
અહી ગઢિયા ગામે કુતુહલવશ સિંહદર્શન માટે આવતા અનાધિકૃત પ્રવાસીઓ પાસે વન અધિકારીઓ દંડની પ હજાર રકમ સ્થળ પર વસુલી પંચનામાની કાર્યવાહી કરે છે. પરંતુ જયારે પ્રવાસીઓ વન અધિકારીઓ પાસે પંચનામાની નકલ માંગે ત્યારે અનેક બહાના બતાવી નકલ આપવામાં ગલ્લાં તલ્લાં કરવા લાગે છે અને પરેશાનીમાં મુકી દે છે. આ અંગે ઉચ્ચકક્ષાએ રજુઆત કરવામાં આવી છે.
  • સ્થળ પર દંડ ફટકારી બાદ પરેશાનીમાં મૂકતા વન અધિકારીઓ
આજથી પ દહાડા પહેલા સિંહ દર્શનની લાલસાએ જઈ રહેલા લોકોને વન વિભાગના ડીએફઓ તેમજ અન્ય અધિકારીઓએ રોકી સ્થળ પર પાંચ પાંચ હજારનો દંડ ફટકાર્યો હતો. એ પછી કેટલાક એવા લોકો છે કે જેને થયેલી કાર્યવાહીના પંચનામાની નકલની જરૂરિયાત છે અને એ માટે ફોન પર અને રૂબરૂ અવારનવાર રજુઆતો કરવા છતાં નકલ આપવામાં ઠાગાઠૈયાં કરવામાં આવે છે. જેના કારણે ત્રાહિમામ પોકારી ગયેલા આ લોકો હવે ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવા તૈયારી કરી રહયા છે.
Source: http://www.sandesh.com/article.aspx?newsid=44195

દહીડાની સીમમાં કૂવામાંથી મૃત દીપડો મળી આવ્યો.


ધારીઃ 
ધારી તાલુકાના દહીંડા ગામની સીમમાં આવેલ પ્રતાપભાઈ મંગુભાઈની વાડીમાં આવેલ કૂવામાં બેથી અઢી વર્ષનો દીપડો અકસ્માતે પડી જતા પ૦ ફૂટ જેટલાં પાણીમાં દીપડાએ બહાર નીકળવાના પ્રયાસો કરતા તેના નખ ધસાઈ ગયા હતા. પાણી ભરેલ કૂવામાંથી દીપડો બહાર નીકળવામાં અસફળ રહેતા તેનું મૃત્યુ નિપજયાનું વન વિભાગે જણાવ્યું હતું.
Source: http://www.sandesh.com/article.aspx?newsid=43089

ગિરનાર રોપ વે રાજકારણનો ભોગ, સાકાર થવાની શક્યતા નહીવત.


જૂનાગઢ, તા.૨૦
સૌરાષ્ટ્રના પ્રજાજનો માટે અતિશય મહત્વકાંક્ષી બની ગયેલા એવા ગિરનાર રોપ વે માટે સેન્ટ્રલ એમ્પાવર્ડ કમિટીએ નકારાત્મક આપતા ૩૦ વર્ષથી ચાલી રહેલા સંઘર્ષ ઉપર એક તબક્કે પાણી ફરી વળ્યું છે. ટેકનિકલ નિષ્ણાંતોના આ અંગે સ્પષ્ટ મત વ્યક્ત કરતા જણાવ્યું છે કે, અત્યાર સુધી રાજકારણનો ભોગ બની ગયેલી આ યોજના સાકાર થવાની શક્યતા હવે નહીવત રહી છે.
વર્ષોથી અનેક સમસ્યાઓ પાર કરીને આખરી તબક્કામાં પહોંચેલો ગિરનાર રોપ વે આખરી અગ્નિપરીક્ષામાં નિષ્ફળ રહ્યો છે. સુત્રોમાંથી મળતી વિગતો અનુસાર સુપ્રિમ કોર્ટના નિર્દેશ હેઠળ કામ કરતી જ્યુડિશ્યલ કમિટી સેન્ટ્રલ એમ્પાવર્ડ કમિટીએ આ યોજનાનો નકારાત્મક રિપોર્ટ આપ્યો છે. ગિરનારમાં વસવાટ કરતા ગીધના ૩૭ માળાને આગળ ધરીને ગીધનું અસ્તિત્વ જોખમમાં હોવાનું જણાવી આ યોજનાને મંજૂરી નહી આપવાની ભલામણ કમિટીએ કરી છે. કમિટીએ પોતાનો રિપોર્ટ સુપ્રિમ કોર્ટમાં સબમીટ કરીને તેની એક નકલ રાજ્ય સરકારના વનવિભાગને પણ સોંપી દીધી છે.
  • સેન્ટ્રલ એમ્પાવર્ડ કમિટીનો નકારાત્મક રિપોર્ટ આવ્યો : ગીધના ૩૭ માળાનું કારણ અપાયું
બીજી તરફ આ અંગે ટેકનિકલ નિષ્ણાંતોના કહેવા પ્રમાણે ગિરનાર રોપ વે થવાની શક્યતા સાવ નહીવત છે. અત્યાર સુધી આ યોજના રાજકિય કાવા-દાવામાં જ ફસાયેલી રહી છે. રાજકિય આગેવાનો વાસ્તવિકતા સામે આંખ આડા કાન કરીને પ્રજાને સતત ગેરમાર્ગે દોરતા રહ્યા છે. છેલ્લે સેન્ટ્રલ એમ્પાવર્ડ કમિટી જૂનાગઢની મૂલાકાતે આવી ત્યારે ફક્ત પ૦ જેટલા લોકો તેમની સમક્ષ રજૂઆત કરવા માટે પહોંચ્યા હતાં.
પરિણામે આ છેલ્લી રજૂઆત પણ બિનઅસરકારક રહી હતી. હકિકતમાં એ સમયે પાંચ-દશ હજાર લોકો અહી આવી પહોંચ્યા હોત તો રજૂઆત અસરકર્તા બની રહેત. આ ઉપરાંત કમિટી સમક્ષ આગેવાનો ફક્ત માગણીઓ કરતા રહ્યા છે. પરંતુ ટેકનિકલ પાસાઓ આ કમિટી સમક્ષ તાર્કિક રીતે રજૂ કરી શકાયા નહોતા. પરિણામે કમિટીએ કદાચ આવો રિપોર્ટ આપ્યો હશે. તેમ પણ સુત્રોએ  જણાવ્યું છે.

ચકલી બચાવવા પોરબંદરના ચકલીપ્રેમીઓ કટિબધ્ધ.



પોરબંદર તા.ર૦
પોરબંદરમાં આજે વિશ્વચકલી દિને પોરબંદરમાં પક્ષી સંરક્ષણનું કામ કરતી પ્રકૃતિ ધ યુથ સોસાયટી અને નેચરકલબે લોકોએ જાગૃત રહીને બીમાર તથા ઈજાગ્રસ્ત પક્ષીઓને બચાવવા માટે અપીલ કરી હતી તેમજ આ દિશામાં જે પ્રયાસો થઈ રહયા છે તેમાં વધુ જાગૃતિની જરુર હોવાનું જણાવ્યુ હતુ.
 ચકલી એક એવી પ્રજાતીનું પક્ષી છે કે, જે માનવ વસાહતની આસપાસમાં પોતાનો માળો બાંધે છે. અને ચકલી વૃક્ષની ડાળી પર કે બગીચામાં માળો બાંધતી હોય છે. પરંતુ છેલ્લા થોડા વર્ષોથી મોટા શહેરોની વસાહતોમાં વૃક્ષો અને બગીચાઓનું પ્રમાણ સતત ઘટતુ હોવાથી આપણી આસપાસમાં રહેતુ આ આપણુ પક્ષી મિત્ર આપણને હવે જોવા પણ મળતુ નથી, અને વિલુપ્તીના આરે પહોચી ગયુ છે. દર વર્ષે ચકલી દિવસ તરીકે ઉજવી લોકોને ચકલી પ્રત્યે જાગૃત કરવા તે આ દિવસનો મહિમાં છે તેમ જણાવતા પ્રકૃતિ ધ યુથ સોસાયટીના સભ્યોએ જણાવ્યુ હતુ કે, ચકલી બચાવવા તેમની સંસ્થા ચકલીના માળાનું તથા પાણી પીવાના પાત્રોનું આજના દિવસે વિતરણ કરે છે અને ચકલી બચાવવા લોકોને અપીલ કરે છે. જયારે નેચર કલબના સભ્યોએ આજના દિવસ વિશે જણાવતા કહયુ હતુ કે, માત્ર એક દિવસ નહી વર્ષના ૩૬પ દિવસ ચકલી સહિતની પક્ષીઓ બચાવવા નેચર કલબ ઓફ પોરબંદરના સભ્યો કટીબધ્ધ હોવાનો તેઓએ આજે વિશ્વ ચકલી દિને નિર્ધાર વ્યકત કર્યો હતો.

વિધાર્થિનીઓએ ગિરનારના પગથિયા ઉપરથી પ્લાસ્ટિકનો કચરો સાફ કર્યો.


જૂનાગઢ, તા.૧૩:
જંગલોમાં વધતા પ્લાસ્ટીકના ઉપયોગથી જંગલો નાશ થવાને આરે પહોંચ્યા છે. પ્લાસ્ટીકથી જંગલની વનસ્પતિને પણ ભારે નુકશાન પહોંચી રહ્યું છે. ત્યારે તાજેતરમાં જૂનાગઢ ઘોડાસરા કોલેજની બહેનોએ ગિરનારના પગથિયા પર પ્લાસ્ટીકનો કચરો વીણી પર્યાવરણ જાગૃતિનો સંદેશો આપ્યો હતો.
  • પ્રકૃતિનું માર્ગદર્શન મેળવી કર્યો એક દિવસનો શ્રમયજ્ઞા
પટેલ કેળવણી મંડળ સંચાલિત એમ.એમ.ઘોડાસરા મહિલા કોલેજમાં પ્રવૃત એન.એસ.એસ. અને ર્સ્વિણમ ગુજરાત સમુદાય સેવા ધારાની ૭૦ સ્વયંસેવિકાઓએ તા.૧૧ના રોજ ગિરનારના ૧પ૦૦ થી ર૦૦૦ પગથિયા પર મોટા પ્રમાણમાં પ્લાસ્ટીકનો કચરો એકત્ર કરી એક દિવસીય શ્રમયજ્ઞા કર્યો હતો. આ ઉપરાંત તળેટીમાં વન વૃક્ષોનું જતન, પર્યાવરણ જતન, નશાબંધી જાગૃતિ, બેટી બચાવો, પાણીનો બગાડ અટકાવો, સ્ત્રી શિક્ષણનો વ્યાપ, ગંદકી ભગાવો, તંદુરસ્તી સુધારો, સ્વચ્છતા જાણવણી વગેરે અંગે જાગૃતિ ફેલાવવા રેલી અને સુત્રોચ્ચાર કર્યા હતાં. તેમજ રવિવારના દિવસે અહીં વધુ પ્રમાણમાં આવતા યાત્રિકોમાં પર્યાવરણ સંરક્ષણનો સંદેશો પહોંચાડવાના ઉદેશ્યથી ખાસ આ શ્રમયજ્ઞા રવિવારના રોજ રાખવામાં આવ્યો હતો.આ તકે આર.એફ.ઓ. કનેરીયા અને દિનદયાળ ઉપાધ્યાયએ પર્વતારોહણ તાલિમ સંસ્થા દ્વારા બહેનોને વન્યજીવન જાળવણી અંગે માર્ગદર્શન આપ્યું હતું. આ તકે એન.એસ.એસ. પ્રો.ઓ. ભાવનાબેન ત્રિવેદી, સેવાધારા ઈન્ચાર્જ રેખાબેન ગુંજારીયા અને જાગૃતિબેન જાદવ સહિતનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. તેમજ સંસ્થાના પ્રમુખ મોહનભાઈ પટેલ અને પ્રિ. એમ.બી. ભાલોડીયાએ વિદ્યાર્થીનીઓને બિરદાવી હતી.

જૂનાગઢ ‘ઝૂ’માં સફાઈ કરતાં શ્રમયોગી પર સિંહનો હુમલો.


જૂનાગઢ, તા.૫
જૂનાગઢ સક્કરબાગ ઝૂ માં આવેલા સિંહના રાત્રિ નિવાસ માટેના ઘરની સફાઈ કરવા માટે આજે સવારે ગયેલા એક શ્રમયોગી ઉપર સાવજે હૂમલો કર્યો હોવાનો બનાવ બન્યો છે. નાઈટ સેન્ટરનો દરવાજો ખૂલ્લો રહી જતા પાંજરામાં આટાફેંરા મારી રહેલો સિંહ અહી આવી ચડયો હતો. બનાવ બાદ ગંભીર રીતે ઈજાગ્રસ્ત બનેલા શ્રમયોગીને જૂનાગઢમાં પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
  • ગંભીર ઈજાગ્રસ્ત બનેલા શ્રમયોગીને પ્રાથમિક સારવાર આપી રાજકોટ ખસેડાયો
  • દરવાજો ખૂલ્લો રહી જતા પાંજરામાં ફરતો સિંહ નાઈટ સેન્ટરમાં આવી ચડયો
આ વિશેની મળતી વિગતો અનુસાર આજે સવારે સાડા આઠેક વાગ્યાના અરસામાં જૂનાગઢના સક્કરબાગ ઝૂ માં રાબેતા મૂજબ સિંહના રાત્રિ નિવાસ માટેની ઓરડીમાં ઈરફાન તારમહમદ ઠેબા નામનો ર૩ વર્ષનો શ્રમયોગી સફાઈ કરવા માટે ગયો હતો. સિંહને પાંજરામાં મોકલીને બાદમાં જ પાંજરા સાથે જોડેલી આ ઓરડીમાં કર્મચારી સફાઈ માટે જાય છે. પરંતુ આજે ઓરડીનો દરવાજો ખૂલ્લો રહી જતા પાંજરામાં આંટાફેરા મારી રહેલો પુખ્ત સિંહ ઓરડીમાં સફાઈ કરી રહેલા ઈરફાન ઉપર ત્રાટક્યો હતો. જો કે, બનાવની જાણ થતા જ સક્કરબાગનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. તથા ઈરફાનને સિંહના પંજામાંથી બચાવી લીધો હતો. આ હૂમલામાં ઈરફાનની કરોડરજ્જુમાં ગંભીર ઈજાઓ પહોંચી છે. ઈજાગ્રસ્ત બનેલા શ્રમયોગીને જૂનાગઢમાં પ્રાથમિક સારવાર આપીને બાદમાં વધુ સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
રાજકોટ ખાતે ખસેડવામાં આવેલા ઈજાગ્રસ્ત શ્રમયોગીની સાથે સક્કરબાગના સ્ટાફને પણ સારસંભાળ માટે મોકલવામાં આવ્યો છે. ભોગ બનનાર શ્રમયોગી બે વર્ષ જેટલા સમયથી અહી ફરજ બજાવતો હોવાનું જાણવા મળે છે.
છ વર્ષ પહેલા સિંહણ પાંજરાની બહાર નિકળી ગઈ હતી
જૂનાગઢ, તા.પ :
જૂનાગઢ સક્કરબાગ ઝૂ માં કોઈ કર્મચારી ઉપર વન્યપ્રાણીએ હૂમલો કર્યો હોય તેવી કોઈ ઘટના લગભગ આજ સુધીમાં બની નથી. પરંતુ સુત્રોના જણાવ્યા અનુસાર વર્ષ ર૦૦૬-૦૭ ના અરસામાં એક સિંહણ પાંજરાની બહાર નિકળી જતા દોડધામ મચી ગઈ હતી. અને આવી રીતે જ એક રીંછ પણ પાંજરાની બહાર નિકળી ગયું હોવાની ઘટના ઘટી હતી. જો કે આ ઘટનાઓમાં કોઈ ઉપર હૂમલો થયો નથી. કે બીજી કંઈ નૂકશાની પહોંચી નહોતી.
Source: http://www.sandesh.com/article.aspx?newsid=40760