Thursday, March 22, 2012

ગિરનાર રોપ વે રાજકારણનો ભોગ, સાકાર થવાની શક્યતા નહીવત.


જૂનાગઢ, તા.૨૦
સૌરાષ્ટ્રના પ્રજાજનો માટે અતિશય મહત્વકાંક્ષી બની ગયેલા એવા ગિરનાર રોપ વે માટે સેન્ટ્રલ એમ્પાવર્ડ કમિટીએ નકારાત્મક આપતા ૩૦ વર્ષથી ચાલી રહેલા સંઘર્ષ ઉપર એક તબક્કે પાણી ફરી વળ્યું છે. ટેકનિકલ નિષ્ણાંતોના આ અંગે સ્પષ્ટ મત વ્યક્ત કરતા જણાવ્યું છે કે, અત્યાર સુધી રાજકારણનો ભોગ બની ગયેલી આ યોજના સાકાર થવાની શક્યતા હવે નહીવત રહી છે.
વર્ષોથી અનેક સમસ્યાઓ પાર કરીને આખરી તબક્કામાં પહોંચેલો ગિરનાર રોપ વે આખરી અગ્નિપરીક્ષામાં નિષ્ફળ રહ્યો છે. સુત્રોમાંથી મળતી વિગતો અનુસાર સુપ્રિમ કોર્ટના નિર્દેશ હેઠળ કામ કરતી જ્યુડિશ્યલ કમિટી સેન્ટ્રલ એમ્પાવર્ડ કમિટીએ આ યોજનાનો નકારાત્મક રિપોર્ટ આપ્યો છે. ગિરનારમાં વસવાટ કરતા ગીધના ૩૭ માળાને આગળ ધરીને ગીધનું અસ્તિત્વ જોખમમાં હોવાનું જણાવી આ યોજનાને મંજૂરી નહી આપવાની ભલામણ કમિટીએ કરી છે. કમિટીએ પોતાનો રિપોર્ટ સુપ્રિમ કોર્ટમાં સબમીટ કરીને તેની એક નકલ રાજ્ય સરકારના વનવિભાગને પણ સોંપી દીધી છે.
  • સેન્ટ્રલ એમ્પાવર્ડ કમિટીનો નકારાત્મક રિપોર્ટ આવ્યો : ગીધના ૩૭ માળાનું કારણ અપાયું
બીજી તરફ આ અંગે ટેકનિકલ નિષ્ણાંતોના કહેવા પ્રમાણે ગિરનાર રોપ વે થવાની શક્યતા સાવ નહીવત છે. અત્યાર સુધી આ યોજના રાજકિય કાવા-દાવામાં જ ફસાયેલી રહી છે. રાજકિય આગેવાનો વાસ્તવિકતા સામે આંખ આડા કાન કરીને પ્રજાને સતત ગેરમાર્ગે દોરતા રહ્યા છે. છેલ્લે સેન્ટ્રલ એમ્પાવર્ડ કમિટી જૂનાગઢની મૂલાકાતે આવી ત્યારે ફક્ત પ૦ જેટલા લોકો તેમની સમક્ષ રજૂઆત કરવા માટે પહોંચ્યા હતાં.
પરિણામે આ છેલ્લી રજૂઆત પણ બિનઅસરકારક રહી હતી. હકિકતમાં એ સમયે પાંચ-દશ હજાર લોકો અહી આવી પહોંચ્યા હોત તો રજૂઆત અસરકર્તા બની રહેત. આ ઉપરાંત કમિટી સમક્ષ આગેવાનો ફક્ત માગણીઓ કરતા રહ્યા છે. પરંતુ ટેકનિકલ પાસાઓ આ કમિટી સમક્ષ તાર્કિક રીતે રજૂ કરી શકાયા નહોતા. પરિણામે કમિટીએ કદાચ આવો રિપોર્ટ આપ્યો હશે. તેમ પણ સુત્રોએ  જણાવ્યું છે.

No comments: