Thursday, March 22, 2012

જૂનાગઢ ‘ઝૂ’માં સફાઈ કરતાં શ્રમયોગી પર સિંહનો હુમલો.


જૂનાગઢ, તા.૫
જૂનાગઢ સક્કરબાગ ઝૂ માં આવેલા સિંહના રાત્રિ નિવાસ માટેના ઘરની સફાઈ કરવા માટે આજે સવારે ગયેલા એક શ્રમયોગી ઉપર સાવજે હૂમલો કર્યો હોવાનો બનાવ બન્યો છે. નાઈટ સેન્ટરનો દરવાજો ખૂલ્લો રહી જતા પાંજરામાં આટાફેંરા મારી રહેલો સિંહ અહી આવી ચડયો હતો. બનાવ બાદ ગંભીર રીતે ઈજાગ્રસ્ત બનેલા શ્રમયોગીને જૂનાગઢમાં પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
  • ગંભીર ઈજાગ્રસ્ત બનેલા શ્રમયોગીને પ્રાથમિક સારવાર આપી રાજકોટ ખસેડાયો
  • દરવાજો ખૂલ્લો રહી જતા પાંજરામાં ફરતો સિંહ નાઈટ સેન્ટરમાં આવી ચડયો
આ વિશેની મળતી વિગતો અનુસાર આજે સવારે સાડા આઠેક વાગ્યાના અરસામાં જૂનાગઢના સક્કરબાગ ઝૂ માં રાબેતા મૂજબ સિંહના રાત્રિ નિવાસ માટેની ઓરડીમાં ઈરફાન તારમહમદ ઠેબા નામનો ર૩ વર્ષનો શ્રમયોગી સફાઈ કરવા માટે ગયો હતો. સિંહને પાંજરામાં મોકલીને બાદમાં જ પાંજરા સાથે જોડેલી આ ઓરડીમાં કર્મચારી સફાઈ માટે જાય છે. પરંતુ આજે ઓરડીનો દરવાજો ખૂલ્લો રહી જતા પાંજરામાં આંટાફેરા મારી રહેલો પુખ્ત સિંહ ઓરડીમાં સફાઈ કરી રહેલા ઈરફાન ઉપર ત્રાટક્યો હતો. જો કે, બનાવની જાણ થતા જ સક્કરબાગનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. તથા ઈરફાનને સિંહના પંજામાંથી બચાવી લીધો હતો. આ હૂમલામાં ઈરફાનની કરોડરજ્જુમાં ગંભીર ઈજાઓ પહોંચી છે. ઈજાગ્રસ્ત બનેલા શ્રમયોગીને જૂનાગઢમાં પ્રાથમિક સારવાર આપીને બાદમાં વધુ સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
રાજકોટ ખાતે ખસેડવામાં આવેલા ઈજાગ્રસ્ત શ્રમયોગીની સાથે સક્કરબાગના સ્ટાફને પણ સારસંભાળ માટે મોકલવામાં આવ્યો છે. ભોગ બનનાર શ્રમયોગી બે વર્ષ જેટલા સમયથી અહી ફરજ બજાવતો હોવાનું જાણવા મળે છે.
છ વર્ષ પહેલા સિંહણ પાંજરાની બહાર નિકળી ગઈ હતી
જૂનાગઢ, તા.પ :
જૂનાગઢ સક્કરબાગ ઝૂ માં કોઈ કર્મચારી ઉપર વન્યપ્રાણીએ હૂમલો કર્યો હોય તેવી કોઈ ઘટના લગભગ આજ સુધીમાં બની નથી. પરંતુ સુત્રોના જણાવ્યા અનુસાર વર્ષ ર૦૦૬-૦૭ ના અરસામાં એક સિંહણ પાંજરાની બહાર નિકળી જતા દોડધામ મચી ગઈ હતી. અને આવી રીતે જ એક રીંછ પણ પાંજરાની બહાર નિકળી ગયું હોવાની ઘટના ઘટી હતી. જો કે આ ઘટનાઓમાં કોઈ ઉપર હૂમલો થયો નથી. કે બીજી કંઈ નૂકશાની પહોંચી નહોતી.
Source: http://www.sandesh.com/article.aspx?newsid=40760

No comments: