Tuesday, July 23, 2013

વિસાવદર પાસે સિંહનું ભેદી મોત, અકસ્માતની વાત ગળે ઉતરતી નથી.

Bhaskar News, Visavadar | Jul 23, 2013, 03:37AM IST
- ગંભીર ઈજા નથી: અકસ્માતની વાત ગળે ઉતરતી નથી

વિસાવદર નજીક ધારી રોડ પર આજે વ્હેલી સવારે રસ્તા પાસેથી એક સિંહનો મળ્યો હતો. પ્રાથમિક રીતે આ સિંહ અકસ્માતને લીધે મોતને ભેટયાનું અનુમાન કર્યું હતું. જોકે, પીએમ દરમ્યાન તેના શરીર પર ઇજાનાં કોઇ નિશાનો જોવા નહોતા મળ્યા. પરિણામે અનેક શંકા-કુશંકાઓ જાગી છે.

વિસાવદરથી ધારી જતા રોડ પર લાલપુર-વેકરીયા ગામ વચ્ચે રોડની સાઇડે એક સિંહનો મૃતદેહ મળતા આર.એફ.ઓ. એન. એમ. જાડેજા અને સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. સ્થળ તપાસ દરમિયાન રોડની સાઇડમાં લોહીનાં આછા નિશાન જોવા મળ્યા હતા. સિંહનો મૃતદેહ પણ રોડથી ૮ થી ૧૦ ફૂટનાં અંતરે પડ્યો હતો. તેથી મૃત્યુનું કારણ કોઇ અજાણ્યા વાહન હડફેટે થયાનું માનવામાં આવ્યું હતું. તેનાં મૃતદેહનાં થોડા અંતરે તેનાં ફૂટ માર્ક જોવા મળ્યા હતા.

રોડથી દૂર જંગલ તરફ તપાસ કરતાં અન્ય ત્રણ સિંહોનાં ફૂટમાર્ક જોવા મળ્યા હતા.આ વિસ્તારમાં તાજેતરમાંજ ચાર સિંહોનું ગૃપ આંટાફેરા કરતું જોવા મળ્યું હતું. બેએક દિવસો પહેલાં જંગલ વિસ્તારમાંજ બે ગાયોનું મારણ પણ કર્યું હતું. રાત્રિનાં એ વિસ્તારમાંથી તેના અવાજો પણ સંભળાયા હતા. આ ગૃપમાં બે નર, એક માદા અને એક પાઠડો હતો. જંગલ વિસ્તારમાંથી ત્રણ સિંહોનાં ફૂટમાર્ક જોવા મળ્યા હતા.

- શું કહે છે આરએફઓ?

આ અંગે આરએફઓ જાડેજા કહે છે, હાલ તુરત તો સ્થળ તપાસમાં સિંહનું મોત અકસ્માતને લીધે થયાનું માલુમ પડ્યું છે. તેમણે વધુમાં એમ પણ જણાવ્યું હતું કે, અમે માર્ગ અને મકાન વિભાગને આ વિસ્તારમાં સિંહની અવરજવર હોવાથી રોડ પર બંપ મૂકવા માંગણી કરી હતી. પરંતુ આજ સુધી કોઇ જ ધ્યાન અપાયું નથી.

- પ્રદેશ ભાજપ પ્રમુખ ઊભા રહી ગયા

ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ આર. સી. ફળદુ રોડ પરથી નીકળતાં ભારે ભીડ જોઇને તેઓ નીચે ઉતર્યા હતા. અને બનાવની વીગતો જાણી હતી.

- અગ્નિસંસ્કાર કરાયો

સિંહની વય આશરે પાંચ વર્ષની હોવાનું માલુમ પડ્યું છે. તેનાં પીએમ બાદ સાસણ ખાતે જ તેનો  અગ્નિસંસ્કાર કરાયો હતો.

- શંકાસ્પદ બાબતો

- સિંહનું મૃત્યુ માર્ગ અકસ્માતને લીધે થયાનું વનવિભાગ પ્રાથમિક દ્રષ્ટિએ માને છે. પરંતુ તેનાં પીએમમાં સિંહને કોઇ ગંભીર ઇજા થઇ હોવાનું માલુમ પડ્યું નથી. ડીએફઓ ડૉ. સંદપિકુમારે કહ્યું હતું કે, અકસ્માતને લીધે ઇજા થયાનાં કોઇ ચિન્હો તેના શરીર પર દેખાયા નથી.

- ધારી ડીએફઓ ડૉ. અંશુમાન ઘટનાસ્થળે આવ્યા અને તેમણે સિંહનાં મૃતદેહને ફેરવ્યો ત્યારે ફકત આંખની પાસે લોહી જોવા મળ્યું હતું. જ્યારે ગળાનાં ઉપરનાં ભાગે એકાદ ઇંચની સાઇઝનો એક ઉંડો જખમ પણ દેખાયો હતો. જેમાં ઇયળો ખદબદતી હતી.

- વાહન હડફેટે જો સિંહનું મૃત્યુ થયું હોય તો રોડ પર વાહનની બ્રેમ મારવાનાં નિશાન જોવા મળવા જોઇએ. જે મળ્યા નથી. તેમજ રોડ પરથી કોઇએ ઢસડીને નીચે ફેંકયો હોય તેમ રોડથી તેનાં મૃતદેહનાં આઠ થી દસ ફુટનાં અંતરે અલગ અલગ જગ્યાએ સિંહનાં શરીરની રૂંવાંટી જોવા મળી હતી.

ખાંભાના કોટડા ગામની સીમમાં યુવક પર સિંહણનો હુમલો.

Bhaskar News, Khambah, Savarkundla | Jul 22, 2013, 03:47AM IST
વાડીએથી ઘરે પરત ફરતા સિંહણે હુમલો કર્યો : ૧૦૮ની મદદથી દવાખાને ખસેડાયો

અમરેલી જિલ્લામાં રેવન્યુ વિસ્તારમાં વસતા સાવજો દ્વારા અવારનવાર માણસ પર હુમલાની ઘટનાઓ બનતી જ રહે છે. ત્યારે આજે ખાંભા તાલુકાના કોટડા ગામના એક યુવાન પર બપોરે સિંહણે હુમલો કરી દેતા આ યુવકને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યો છે.

યુવક પર સિંહણના આ હુમલાની ઘટના ખાંભાના કોટડી ગામે બની હતી. જયાં નરેન્દ્રભાઇ બાબુભાઇ બોરીસાગર (ઉ.વ.૪૦) નામના યુવક આજે બપોરે વાડીએથી પોતાના ઘર તરફ આવી રહ્યો હતો. આ દરમિયાન અચાનક એક સિંહણે તેના પર હુમલો કરી દીધો હતો. આજુબાજુમાં વાડી ધરાવતા ખેડુતોએ હાકલા પડકારા કરતા સિંહણ નાસી છુટી હતી. સિંહણે નરેન્દ્રભાઇને ડાબા પગ અને સાથળના ભાગે ગંભીર ઇજા પહોંચાડતા તેને ૧૦૮ની મદદથી પ્રથમ સાવરકુંડલા દવાખાને ખસેડવામાં આવ્યા હતા.

નરેન્દ્રભાઇને વધુ સારવાર માટે બાદમાં અમરેલી દવાખાને રિફર કરવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ખાંભા પંથકમાં અવારનવાર જંગલ વિસ્તારમાંથી સાવજો ગામમાં આવી ચડે છે. અને દુધાળા પશુ તેમજ ઘણી વખત માણસ પર હુમલો કરી બેસે છે. કોટડા ગામે યુવક પર સિંહણે હુમલો કરતા ગ્રામજનોમાં ભય ફેલાયો હતો. વધુ એક વખત વન્યપ્રાણીના હુમલાના બનાવથી વનતંત્ર હરકતમાં આવી ગયું હતું અને સિંહણને પાંજરે પૂરવા દોડી ગયું હતું.

ગજબ પ્રેમ કહાની: પ્રેયસીને મળવા સિંહે ૧૨ ફૂટની દીવાલ કૂદી’તી.


ગજબ કહાની: પ્રેયસીને મળવા સિંહે ૧૨ ફૂટની દીવાલ કૂદી’તી
Sarman Ram, Junagadh   |  Jul 23, 2013, 05:12AM IST
આ બન્ને ધીમે ધીમે શહેરમાં આટા મારવા લાગતા વન - ઝૂમાં ૧૯૯૦ની સાલની 'અજબ પ્રેમ કી ગજબ કહાની’, પ્રેયસીને મળવા સિંહે ૧૨ ફૂટની દીવાલ કૂદી’તી

અજબ પ્રેમની ગજબ કહાની વર્ષ ૧૯૯૦માં જૂનાગઢ સક્કરબાગમાં બની હતી. નર સિંહ તેની પ્રિયસી જે ઝૂનાં ૧૨ ફૂટ ઉંચા પાંજરામાં કેદ હતી. તેમને મળવા માટે સિંહે જીવસટોસટનો ખેલ ખેલી નાખ્યો હતો અને વિરહમાં ૧૨ ફૂટ ઉંચુ પાંજરૂ કુદી ગયો હતો.
જૂનાગઢ ઝૂમાં જંગલ અને ઝૂમાં વસતા પ્રાણીઓ વચ્ચે પ્રેમનાં ત્રણ કિસ્સા બન્યા હતા. જેમા ૧૯૯૦નાં વર્ષમાં એક નર સિંહ સક્કર બાગમાં તેમની પ્રિયાને મળવા માટે આવ્યો હતો. પરંતુ ફિલ્મ માફક બે પ્રેમી વચ્ચે પાંજરૂ વિલન બન્યુ હતુ. સિંહણ ૧૨ ફૂટનાં પાંજરમાં કેદ હતી. પ્રિયાનો વિરહ સહન ન થતા સિંહે લાંબી દોડ લગાવી જીવસટોસટનો ખેલ ખેલી એક છંલાગમાં ૧૨ ફૂટ દિવાલ કુદી ગયો હતો. તેમજ ૧૯૮૯માં પણ બે સિંહ એમની સિંહણને મળવા સક્કર બાગમાં આવતા હતા.
તંત્રએ તેમને પકડી કેદ કરીને પ્રેમીકાઓ સાથે મિલન કરાવ્યુ હતુ. ઉપરાંત સક્કર બાગમાં રહેલી રૂપા અને રુક્ષ્મણીની પ્રેમ કહાની પણ રોચક છે. આ બન્ને સિંહણને પ્રેમ કરતા બે સિંહ નિયમીત સક્કર બાગમાં આવતા હતા. આ કહાનીમાં જેવા સક્કરબાગનાં દરવાજા બંધ થયાની સાથે સિંહણ તેનાં પાંજરમાં આટા મારવા લાગે અને તેમનાં પ્રેમી નજરે ન પડતા સિંહણ પોતાનાં ગળામાંથી ગર્જના કરવાનુ શરૂ કરી દેતી હતી.

થોડીક ક્ષણોમાં તો બે સિંહ ધીમે પગેલ જંગલની દિશાએથી સક્કરબાગમાં પ્રેવશ છે. અને સીધે સીધા રૂપા અને રુક્ષ્મણીનાં પાંજરા પાસે જઇને ઉભા રહેતા હતા.નજરો મળે છે, બન્ને સિંહ - સિંહણ પાંજરા સાથે પોતાનાં શરીર ઘસીને એકમેક પ્રત્યે હૂંફ પ્રદર્શિ‌ત કરતા હતા. આ રીતે ઝૂમાંસિંહ - સિંહણની લવ સ્ટોરી આકાર પામતી હતી.
- નિતા - નવીનને જુદા કરતાં મોત થયા’તા
૧૯૭૦માં જંગલમાંથી પકડી સિંહ - સિંહણને જૂનાગઢ સક્કર બાગમાં લાવવામાં આવ્યા હતા. તેમનાં નામ નીતા - નવીન પાડવામાં આવ્યા હતા.બન્ને ઝૂમાં એક જ પાંજરામાં રાખવામાં આવ્યા હતા. પાંજરામાંજ તેમનો પ્રેમ ગાઢ બન્યો હતો.બન્ને એક બીજા ઉપર માથુ રાખી ને સુતા હતા. પરંતુ ૧૯૭૬ માં સિંહ નવીનને સક્કરબાામાં જ તેનુ મોત થયુ હતુ. તેવી રીતે એપ્રિલ ૧૯૭૬માં સિંહણ નિતાને કાનપુર ઝૂમાં ખસેડવામાં આવી હતી. જયાં તે ત્રણ વર્ષ જીવી હતી. નીતા અને નવીન જૂદા પડયા પછી પણ પોતાની વફાદારી ખંડિત થવા દીધી ન હતી.

Saturday, July 20, 2013

રાજુલા પંથકમાં દીપડી અને દીપડાના ભેદી સંજોગોમાં મોત.


Bhaskar News, Rajula | Jul 20, 2013, 01:46AM IST
ઝેરી પાણી પીવાથી બન્ને મોતને ભેટયા ? : અમૂલી અને બાબરિયાધારમાં બન્નેના મૃતદેહ નદી કાંઠેથી કેમ મળ્યા ?
 
રાજુલા પંથકમાં આજે બે અલગ અલગ ઘટનામાં એક દિપડી અને એક દિપડાનું રહસ્યમય સંજોગોમાં મોત થતા વનતંત્ર દોડતુ થઇ ગયુ હતું. બાબરીયાધારની સીમમાં નદીના પટમાંથી એક દિપડીની લાશ મળી આવી હતી. જ્યારે અમુલી ગામની સીમમાં નદીના પટમાંથી દિપડાની લાશ મળી હતી. આ વિસ્તારમાં ઝેરી પાણી પીવાથી બન્નેના મોત થયાની ચર્ચા ઉઠી હતી. જો કે વન અધિકારીઓ પીએમ રીપોર્ટની રાહ જોઇ રહ્યા છે.
 
અમરેલી જીલ્લાનો મોટાભાગનો રેવન્યુ વિસ્તાર દિપડાઓનું ઘર બન્યો છે. ત્યારે દિપડાને લઇને કોઇને કોઇ ઘટનાઓ બનતી જ રહે છે. આવી વધુ એક ઘટનામાં રાજુલા પંથકમાં આજે દિપડો અને દિપડીના મોતની ઘટના બની હતી. સૌ પ્રથમ વન વિભાગને રાજુલા તાલુકાના બાબરીયાધાર ગામની સીમમાં નવલખી નદીના પટમાં એક દિપડીનો મૃતદેહ પડયો હોવાની જાણ થતા વન વિભાગનો સ્ટાફ અહિં દોડી ગયો હતો. અહિં દિપડીના શરીર પર ઇજાના કોઇ નિશાન જોવા મળ્યા ન હતાં અને મોતનું કોઇ દેખીતુ કારણ પણ નઝરે પડતુ ન હતું. સ્થળ પર જ દિપડીના મૃતદેહનું પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યુ હતું.
 
આ ઘટનાની કાગળપરની કાર્યવાહી પૂર્ણ થાય તે પહેલા વન વિભાગને અમુલી ગામની સીમમાં નદીકાંઠે એક દિપડાનો મૃતદેહ પડયો હોવાની જાણ થઇ હતી. જેને પગલે ઇન્ચાર્જ આરએફઓ એચ.વી. રાઠોડ, સ્ટાફના એમ.જે. ખાવડીયા, આર.એમ. પઠાણ, રેસ્ક્યુ ટીમના ડી.એન. રાઠોડ, નરેશભાઇ પંડયા વિગેરે ઘટનાસ્થળે દોડી ગયા હતાં. અહિં પણ દિપડાના મોતનું કોઇ દેખીતુ કારણ નઝરે પડયુ ન હતું. બન્ને દિપડાનું મોત શાથી થયું તે જાણવા વન વિભાગ દ્વારા પોસ્ટ ર્મોટમ રીપોર્ટની રાહ જોવાઇ રહી છે. દરમીયાન અહિં એવી પણ ચર્ચા ઉઠી હતી કે દિપડી અને દિપડાનું મોત ઝેરી પાણી પીવાના કારણે થયુ હતું. જો કે વન વિભાગને હજુ સુધી તેને સમર્થન આપ્યુ ન હતું.
 
બાબરીયાધારમાં અગાઉ દીપડાની હત્યા થઇ હતી
 
રાજુલાના બાબરીયાધારમાં એક વર્ષ પહેલા દિપડાની હત્યાની ઘટના પણ બની હતી. ત્યારે આજે બાબરીયાધારની સીમમાં જ એક દિપડીનું ભેદી સંજોગોમાં મોત થતા અનેક સવાલો ઉઠવા પામ્યા છે. વળી બન્ને મૃતદેહો નદીકાંઠેથી જ મળી આવ્યા હતાં.

Wednesday, July 17, 2013

૧૦પર ગામડા, ૧૬ હજાર કિ.મી.માં છે સિંહોના આંટાફેરા.


Jul 14, 2013જૂનાગઢ : એશિયાઈ સિંહો ફક્ત સાસણ કે ગિર અભયારણ્યમાં જ નથી, પરંતુ જૂનાગઢ, અમરેલી, ભાવનગર જિલ્લાઓના ૧૦પર ગામડા અને ૧૬ હજાર ચો.કિ.મી.ના વિસ્તારમાં આંટાફેરા મારી રહ્યા છે. અને ભાવનગર પંથકમાંથી કુદરતી રીતે સ્થળાંતરીત થઈને સિંહો એટલા આગળ વધી ગયા છે કે, છેક ભાલ અને વેળાવદરથી હવે ફક્ત ર૭-ર૮ કિ.મી. જ દૂર રહ્યા છે. આ ઉપરાંત ભાવનગર પંથકમાં અને ગિર અભયારણ્યમાં વસવાટ કરતા સિંહો વચ્ચે કોઈ સંપર્ક નથી. બન્ને સિંહો સ્વતંત્ર રીતે રહે છે. રેડિયો કોલર અને જી.પી.એસ. સિસ્ટમના ડેટાબેઈઝના આધારે કરાયેલા વૈજ્ઞાનિક વિશ્લેષણ બાદ આ વિગતો બહાર આવી છે.
  • ભાલ અને વેળાવદરથી સિંહો હવે ફક્ત ર૭-ર૮ કિ.મી. દૂર : ભાવનગર અને ગિરમાં વસવાટ કરતા સિંહો વચ્ચે કોઈ સંપર્ક નહીં
સિંહોના સ્થળાંતરના ચર્ચાસ્પદ મામલે વનવિભાગના અધિકારીઓ દ્વારા સુપ્રિમ કોર્ટમાં રજૂ કરવામાં આવેલી વિગતો અંગે પ્રકાશ પાડતા સાસણના નાયબ વન સંરક્ષક ડો.સંદિપકુમારે જણાવ્યું હતું કે, ગિર અભયારણ્ય તો ફક્ત ૧૪૧ર ચો.કિ.મી.માં જ પથરાયેલું છે. જેની સામે સિંહો ફક્ત સાસણ પુરતા જ સિમિત નથી, પણ ૧૬ હજાર ચો.કિ.મી.ના વિસ્તારમાં તેના આટાંફેરા સત્તાવાર રીતે નોંધાયેલા છે. આજે સાસણમાં સિંહોના સંવર્ધન અંગેના એક સેમીનારમાં તેઓએ વધુ વિગતો રજૂ કરતા જણાવ્યું હતું કે, વર્ષ ૧૮૮૪ થી સિંહોનું સંવર્ધન થઈ રહ્યું છે. વર્ષ ૧૯૦૦ થી ૧૯૦પ વચ્ચેના સમયગાળા દરમિયાન પશ્ચિમમાં બરડા સુધી, ઉત્તરમાં ગોંડલ સુધી, પૂર્વમાં રાજૂલા અને સાવરકુંડલા સુધી તેમજ દક્ષિણમાં સોમનાથ સુધી સિંહોનું અસ્તિત્વ નોંધાયેલું હતું. જે ધીમે ધીમે ગિર પુરતું સિમિત થઈ ગયું હતું. હવે સિંહોની સંખ્યા વધતા તે ધીમે ધીમે પોતાનો ગુમાવેલો વિસ્તાર ફરી મેળવી રહ્યા છે. ગિરમાં ફક્ત ૩૦૦ સિંહો જ રહી શકે તેમ છે, માટે અન્ય સિંહો ગિરનાર, મિતિયાળા, બાબરાવીડી, લીલીયા, દરિયાઈ પટ્ટી અને રાજૂલા-મહૂવા સુધી ફરી વખત પહોંચ્યા છે.
સિંહોને રેડિયો કોલર લગાવીને જી.પી.એસ. સિસ્ટમ દ્વારા તેની ઉપર સતત નજર રાખીને એકત્ર કરવામાં આવેલા ડેટાબેઈઝના વૈજ્ઞાનિક રીતે કરાયેલા વિશ્લેષણમાં એવું પણ બહાર આવ્યું છે કે, ગિર અભયારણ્યમાં વસવાટ કરતા સિંહો ગિર જંગલની બહાર જતા નથી. જ્યારે બહારના સિંહો હવે ધીમે ધીમે જે તે સ્થળોએ સ્થાયી થવા માંડયા છે.
ભાવનગર પંથકમાં સિંહોએ કાયમી નવું નિવાસસ્થાન બનાવ્યું છે. આ સિંહો અને ગિરના સિંહો વચ્ચે કોઈ સંબંધ નથી. બન્ને વચ્ચે કોઈ આંતરિક આંટાફેરા પણ થતા નથી. ભાવનગરથી પણ સિંહો ધીમે ધીમે કુદરતી રીતે આગળને આગળ માઈગ્રેડ થઈ રહ્યા છે. આગળ માઈગ્રેડ થયેલા સિંહો ફરી વખત પરત આવતા નથી. એકત્ર થયેલી વિગતો પ્રમાણે એશિયાઈ સિંહો ઘંઉ માટે પ્રખ્યાત એવા ભાલ પંથક અને વેળાવદરથી ફક્ત ર૭-ર૮ કિ.મી. જ દૂર રહ્યા છે. અને સિંહ માત્ર ૧ર કલાકમાં ૬૦ થી ૬પ કિ.મી.ના વિસ્તારમાં આંટાફેરા મારી શકે છે. આ પ્રમાણે સિંહો ભાલ પંથક કે વેળાવદરથી દૂર નથી. અને કદાચ સિંહોને અહી વધુ સંરક્ષણ મળી રહેશે તો આગામી થોડા વર્ષોમાં અમદાવાદ કે ગાંધીનગર સુધી સિંહો આસાનીથી પહોંચી જશે. એટલે કે ગુજરાતમાં જ અન્ય ઘણા બધા સ્થળોએ સિંહોના નવા ઘર બની રહ્યા છે. સુપ્રિમ કોર્ટમાં વનવિભાગ દ્વારા આ વિગતો રજૂ કરવામાં આવી છે.
ભાવનગર પંથકને સિંહોનું અલગ અભયારણ્ય બનાવવા દરખાસ્ત
જૂનાગઢ: ભાવનગર જિલ્લાના મહૂવા, જેસર, પાલિતાણા, હિપાવડલી ઝોન તથા શેત્રુંજ્ય નદીનો ઝોન સામાન્ય પણે અનન્ય છે. તેઓ સિંહની કેન્દ્રસ્થ વસ્તી સાથે જોડાયેલા નથી. આ વસ્તી વૈકલ્પિક છે. ગુજરાતમાં આવી બીજી વૈકલ્પિક વસ્તીનો વિકાસ થઈ રહ્યો છે, જે ગિર અભયારણ્યથી દુર છે અને ઘણા જ અલગ એવા વિસ્તારના સિંહો અને ગિરના સિંહો વચ્ચે ખાસ કોઈ સંબંધ પણ નથી. ત્યારે આ વિસ્તારને અનામત અને સંરક્ષિત વિસ્તાર તરીકે જાહેર કરવાની દરખાસ્ત વનવિભાગ દ્વારા કરવામાં આવી છે
સ્થાયી થવા સિંહોને શું જોઈએ ??
જૂનાગઢ : કુદરતી રીતે નવા વિસ્તારમાં સ્થાયી થવા માટે સિંહોને મુખ્ય ત્રણ પાસાઓની જરુર પડે છે. આ ત્રણ બાબતો તેને મળી રહે એટલે સિંહો પોતાની રીતે જ જે તે વિસ્તારમાં કાયમી નિવાસસ્થાન બનાવી લે છે. આ ત્રણ પાસાઓ આ રહ્યા..
* સ્થાનિક લોકો દ્વારા મળતું રક્ષણ
* પીવા માટે પાણીના પુરતા સ્ત્રોત
* બચ્ચાઓ માટે સલામત વાતાવરણ
વિસ્તાર વાઈઝ નરની સંખ્યા વધારે, સંવર્ધન માટે સારી બાબત
જૂનાગઢ
: ગિર ઉપરાંત અન્ય સ્થળોએ સિંહોમાં નર અને માદાના પ્રમાણની કરાયેલી સરખામણીમાં નરની સંખ્યા વધારે જોવા મળી છે. પરિણામે આ બાબત સિંહોના સંવર્ધન માટે સારી માનવામાં આવે છે. કારણ કે પોતાનું પ્રાઈડ બનાવવા અને નવી ટેરેટરી બનાવવા માટે નર સતત આગળ વધતા રહેશે. તથા અનુકૂળ વાતાવરણમાં સ્થાયી થતા જશે. પરિણામે એશિયાઈ સિંહો વધુને વધુ વિસ્તારમાં પ્રસરતા રહેશે. વિસ્તાર વાઈઝ સિંહોનું પ્રમાણ કંઈક આ પ્રમાણે છે.
વિસ્તાર             નર        માદા
ગિર                    ૧          ર.૦૪
ગિરનાર              ૧          ૧.પ
મિતિયાળા           ૧          ૧.પ
કોસ્ટલ એરિયા     ૧          ૦.૬
સાવરકુંડલા          ૧          ૦.૮
 
સિંહોના ગિર સિવાયના છ કુદરતી સરનામા
* ગિરનાર
* મિતિયાળા
* ઉના-સુત્રાપાડાની દરિયાઈ પટ્ટી
* રાજૂલા-જાફરાબાદની દરિયાઈ પટ્ટી
* ભાવનગરનો શેત્રુંજ્ય પંથક
* લીલીયા અને ક્રાંકચ વિસ્તાર
 
આર્ટીફિશ્યલ માઈગ્રેશન ક્યારેય સફળ નથી રહ્યું : સી.સી.એફ. આર.એલ.મીના
 સિંહોના સંવર્ધન માટે સ્થાનિક પ્રજાનો સહયોગ જરુરી
 સિંહોના સ્થળાંતર અંગે સુપ્રિમ કોર્ટના નિર્ણય બાદ આજે પ્રથમ વખત સાસણમાં યોજાયેલા સેમીનારમાં જાહેરમાં વન અધિકારી દ્વારા આડકતરી રીતે સ્થળાંતરના વિરોધી કારણો રજૂ કરવામાં આવ્યા હતાં. મુખ્ય વન સંરક્ષક આર.એલ.મીનાએ અહી સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, સિંહોનું આર્ટીફિશ્યલ સ્થળાંતર ક્યારેય સફળ રહ્યું નથી. તેમણે કહ્યું હતું કે, અત્યારે અહીના સિંહોમાં કોઈ ભય નથી. છેલ્લા ૧રપ વર્ષમાં કંઈ નથી થયું. ટેકનિકલી રીતે બ્રિડિંગનો પણ કોઈ સવાલ નથી. તો પછી બિનજરુરી રીતે ડિસ્ટર્બ કરવા યોગ્ય નથી. કુદરતી રીતે સ્થાળાંતરીત થઈને સિંહો કોઈ પણ સ્થળે પહોંચે તેની સામે વાંધો નથી. દેશમાં વાઘના ઘણા બધા પાર્ક છે. જેમાં ૧૮-ર૦ વાઘ જોવા મળતા હોય છે. જ્યારે અહીના સિંહોના આવડા ટોળા તો ખેતરોમાં જોવા મળતા હોય છે. એટલે કે સિંહોના સંવર્ધન માટે સ્થાનિક પ્રજાનો સહયોગ અને સપોર્ટ જરુરી છે. અહીનું વાતાવરણ સિંહોને રહેવા માટે અનુકૂળ છે. લોકો તેને ભગવાન માને છે. માટે ભક્ત તરીકે તેની પૂજા કરે છે. અને જો ગિર જેવું જ વાતાવરણ અન્ય સ્થળોએ સર્જાય તો સિંહો આપમેળે ત્યાં જતા રહેશે. કુદરતી રીતે સ્થળાંતર થાય તે યોગ્ય અને વ્યાજબી છે.
જિલ્લો     નર        માદા
જૂનાગઢ   ૧          ૧.૯૧
અમરેલી   ૧          ૧.૪૩
ભાવનગર ૧          ૧

૧૧૦ વર્ષ પહેલા મિડિયાના વિરોધથી ગીરમાં બંધ થયો સિંહોનો શિકાર.


Jul 12, 2013જૂનાગઢ: સાસણમાં આજે સિંહોના સંવર્ધનમાં માધ્યમોની ભૂમિકા અને ઉત્તરદાયિત્વ વિષય ઉપર યોજાયેલા એક સેમીનારમાં મુખ્ય વનસંરક્ષક આર.એલ.મીનાએ જણાવ્યું હતું. વર્ષ ૧૯૦૪ માં જ્યારે લોર્ડ કર્ઝન ગિરમાં સિંહોનો શિકાર કરવા આવ્યા હતાં, ત્યારે મિડિયાએ કરેલા વિરોધને પરિણામે તેઓ પરત જતા રહ્યા હતાં. ત્યારથી સિંહોના શિકારમાં બ્રેક લાગી છે.
  • સમાજ, વનતંત્ર અને સત્તાધિશો વચ્ચે માધ્યમોની ભૂમિકા સેતુરુપ
પ્રદેશિક માહિતિ કચેરી અને નાયબ વન સંરક્ષક(વન્યપ્રાણી વર્તુળ)ના સંયુક્ત ઉપક્રમે જૂનાગઢ માહિતિ કચેરીના સહયોગથી યોજાયેલા આ સેમીનારમાં તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, લોર્ડ કર્ઝને શિકાર કરવાનું તો માંડી વાળ્યું હતું સાથે સાથે નવાબને પણ સિંહોના સંવર્ધનને વેગ આપવા સુચના આપી હતી. તેઓએ એમ પણ કહ્યું હતું કે, સિંહોએ ક્યારેય માનવીને નૂકશાન પહોંચાડયું નથી, તે તેની પ્રકૃતિ નથી. અધિકારીઓ અને માધ્યમો વચ્ચેની હકારાત્મક ભૂમિકા અંગે તેમણે વિસ્તૃતમાં છણાવટ કરી હતી. જ્યારે દૂરદર્શનના જોઈન્ટ ડાયરેક્ટર સંતોષકુમારે જણાવ્યું હતું કે, સમાજ, વનતંત્ર અને સત્તાધિશો વચ્ચે માધ્યમોની ભૂમિકા સેતુરુપ હોય છે. સાસણ વન્યપ્રાણી વિભાગના નાયબ વન સંરક્ષક ડો.સંદિપકુમારે એશિયાઈ સિંહોના સંરક્ષણને વૈશ્વિક કક્ષાએ ઉત્કૃષ્ઠ ગણાવીને સિંહ સંવર્ધન અંગેની રસપ્રદ વિગતો આપી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે, રાજ્યમાં અન્ય ૬ સ્થળોએ સિંહોના નવા નિવાસસ્થાનો બની રહ્યા છે. તેઓએ પ્રેઝન્ટેશન દ્વારા આ વિગતો સમજાવી હતી. કાર્યક્રમના પ્રારંભે સ્વાગત પ્રવચન સંયુક્ત માહિતિ નિયામક પરમારે અને આભાર વિધિ નાયબ માહિતી નિયામક એ.પી. જોષીએ કરી હતી.

ખાંભા તાલુકાના મોટા સમઢીયાળામાં દીપડાએ બે વર્ષની બાળકીને ફાડી ખાધી.

Jul 14, 2013

ખાંભા/અમરેલી: ખાંભા તાલુકાના મોટા સમઢીયાળા ગામની સીમમાંમ ગઈ રાત્રે પરિવારની વચ્ચે સુતેલી બે વર્ષની બાળકીને બીલીપગે આવેલા એક દીપડાએ મોં અંદર દબોચી ગંભીર રીતે ઘાયલ કરી દેતા બાળકીને સારવાર માટે અમરેલી દવાખાને લઈ આવેલ પરંતુ બાળકીનું વહેલી સવારે મોત થયું હતું.
  • આદિવાસી પરિવાર મધ્યપ્રદેશથી મજૂરી કામ માટે આવ્યો હતો
ખાંભાના મોટા સમઢીયાળા ગામના ખેડૂત રમેશભાઈ કેશુભાઈની વાડીમાં શીંગ ભાગીયું વાવવા રાખેલ મધ્ય પ્રદેશના સરદારપુર ગામના આદિવાસી ભરતભાઈ ખેલસીંગ વસુનીયા પોતાના પરિવાર સાથે અહી વાડીએ જ રહે છે. ગઈ રાત્રે આખો આદિવાસી પરિવાર વાડીના ગોડાઉનમાં દરવાજા ખુલ્લા રાખીને સુતો હતો.
દરમિયાન રાત્રીના ૧.૩૦ વાગ્યા આસપાસ બીલીપગે એક દીપડો ગોડાઉનમાં ઘૂસ્યો હતો અને પરિવારની વચ્ચે માતાના પડખામાં સુતેલી બે વર્ષની સીલસીલા નામની બાળકીને ગરદનેથી દબોચી મોંમાં ભરાવી ચાલતો થયો જે અવાજથી જાગી ગયેલા આદિવાસી પરિવારે દીપડાના મુખમાંથી બાળકીને છોડાવવા દોટ મુકી ને દીપડો ભાગ્યો. રસ્તામાં અંધારામાં ખાડામાં દીપડો પડી જતા મોં અંદર દબોચાયેલી બાળકી છુટી ગઈ અને દીપડો ભાગી ગયો.
 દીપડાના મુખમાંથી બચેલી બાળકીના ગરદન અને માથાના ભાગે દીપડાના દાંત ઘૂસી જવાથી ગંભીર રીતે લોહીલોહાણ બનતા રાતે વાડીના માલિકને ફોન કરી જાણ કરી હતી. વાડીમાલિક રમેશભાઈ કારમાં બાળકીને સારવાર માટે અમરેલીના ખાનગી દવાખાને ખસેડી,પરંતુ ટુંકી સારવાર દરમિયાન બાળકીનું આજે વહેલી સવારે સાત વાગ્યે મોત થયું હતું. તેનું પી.એમ.અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યું હતું.
 આ ઘટનાથી ખાંભા પંથકમાં ફફડાટ ફેલાયો છે.નરભક્ષી દીપડાને પકડવા વન વિભાગે પાંજરા મુકયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે હજુ ગઈ કાલે બપોરે ખાંભાના દામાગાળા વિસ્તારમાં એક સિંહણે ૪પ વર્ષના કોળી યુવાન ઉપર જીવલેણ હુમલો કરી ગંભીર રીતે ઘાયલ કર્યો હતો ત્યારે મોડી રાત્રે દીપડાએ હુમલો કરી બાળકીને મારી નાખતા રાની પશુઓથી લોકોમાં ફફડાટ ફેલાયો છે. છેલ્લા ત્રણ દિવસમાં હુમલાઓની આ ત્રીજી ઘટના છે. છેલ્લા એક વર્ષ દરમિયાન અમરેલી જિલ્લાના રાજુલા, ખાંભા, ઉના,ધારી, ચલાલા અને ગીરના રેવન્યુ વિસ્તારમાં સિંહ દીપડાના હુમલાના ૩૮ બનાવો બનવા પામ્યા છે, જેમાંથી પાંચના મોત થયા છે.