Bhaskar News, Khambah, Savarkundla
| Jul 22, 2013, 03:47AM IST
અમરેલી જિલ્લામાં રેવન્યુ વિસ્તારમાં વસતા સાવજો દ્વારા અવારનવાર માણસ પર હુમલાની ઘટનાઓ બનતી જ રહે છે. ત્યારે આજે ખાંભા તાલુકાના કોટડા ગામના એક યુવાન પર બપોરે સિંહણે હુમલો કરી દેતા આ યુવકને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યો છે.
યુવક પર સિંહણના આ હુમલાની ઘટના ખાંભાના કોટડી ગામે બની હતી. જયાં નરેન્દ્રભાઇ બાબુભાઇ બોરીસાગર (ઉ.વ.૪૦) નામના યુવક આજે બપોરે વાડીએથી પોતાના ઘર તરફ આવી રહ્યો હતો. આ દરમિયાન અચાનક એક સિંહણે તેના પર હુમલો કરી દીધો હતો. આજુબાજુમાં વાડી ધરાવતા ખેડુતોએ હાકલા પડકારા કરતા સિંહણ નાસી છુટી હતી. સિંહણે નરેન્દ્રભાઇને ડાબા પગ અને સાથળના ભાગે ગંભીર ઇજા પહોંચાડતા તેને ૧૦૮ની મદદથી પ્રથમ સાવરકુંડલા દવાખાને ખસેડવામાં આવ્યા હતા.
નરેન્દ્રભાઇને વધુ સારવાર માટે બાદમાં અમરેલી દવાખાને રિફર કરવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ખાંભા પંથકમાં અવારનવાર જંગલ વિસ્તારમાંથી સાવજો ગામમાં આવી ચડે છે. અને દુધાળા પશુ તેમજ ઘણી વખત માણસ પર હુમલો કરી બેસે છે. કોટડા ગામે યુવક પર સિંહણે હુમલો કરતા ગ્રામજનોમાં ભય ફેલાયો હતો. વધુ એક વખત વન્યપ્રાણીના હુમલાના બનાવથી વનતંત્ર હરકતમાં આવી ગયું હતું અને સિંહણને પાંજરે પૂરવા દોડી ગયું હતું.
No comments:
Post a Comment