Bhaskar News, Visavadar
| Jul 23, 2013, 03:37AM IST
વિસાવદર નજીક ધારી રોડ પર આજે વ્હેલી સવારે રસ્તા પાસેથી એક સિંહનો મળ્યો હતો. પ્રાથમિક રીતે આ સિંહ અકસ્માતને લીધે મોતને ભેટયાનું અનુમાન કર્યું હતું. જોકે, પીએમ દરમ્યાન તેના શરીર પર ઇજાનાં કોઇ નિશાનો જોવા નહોતા મળ્યા. પરિણામે અનેક શંકા-કુશંકાઓ જાગી છે.
વિસાવદરથી ધારી જતા રોડ પર લાલપુર-વેકરીયા ગામ વચ્ચે રોડની સાઇડે એક સિંહનો મૃતદેહ મળતા આર.એફ.ઓ. એન. એમ. જાડેજા અને સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. સ્થળ તપાસ દરમિયાન રોડની સાઇડમાં લોહીનાં આછા નિશાન જોવા મળ્યા હતા. સિંહનો મૃતદેહ પણ રોડથી ૮ થી ૧૦ ફૂટનાં અંતરે પડ્યો હતો. તેથી મૃત્યુનું કારણ કોઇ અજાણ્યા વાહન હડફેટે થયાનું માનવામાં આવ્યું હતું. તેનાં મૃતદેહનાં થોડા અંતરે તેનાં ફૂટ માર્ક જોવા મળ્યા હતા.
રોડથી દૂર જંગલ તરફ તપાસ કરતાં અન્ય ત્રણ સિંહોનાં ફૂટમાર્ક જોવા મળ્યા હતા.આ વિસ્તારમાં તાજેતરમાંજ ચાર સિંહોનું ગૃપ આંટાફેરા કરતું જોવા મળ્યું હતું. બેએક દિવસો પહેલાં જંગલ વિસ્તારમાંજ બે ગાયોનું મારણ પણ કર્યું હતું. રાત્રિનાં એ વિસ્તારમાંથી તેના અવાજો પણ સંભળાયા હતા. આ ગૃપમાં બે નર, એક માદા અને એક પાઠડો હતો. જંગલ વિસ્તારમાંથી ત્રણ સિંહોનાં ફૂટમાર્ક જોવા મળ્યા હતા.
- શું કહે છે આરએફઓ?
આ અંગે આરએફઓ જાડેજા કહે છે, હાલ તુરત તો સ્થળ તપાસમાં સિંહનું મોત અકસ્માતને લીધે થયાનું માલુમ પડ્યું છે. તેમણે વધુમાં એમ પણ જણાવ્યું હતું કે, અમે માર્ગ અને મકાન વિભાગને આ વિસ્તારમાં સિંહની અવરજવર હોવાથી રોડ પર બંપ મૂકવા માંગણી કરી હતી. પરંતુ આજ સુધી કોઇ જ ધ્યાન અપાયું નથી.
- પ્રદેશ ભાજપ પ્રમુખ ઊભા રહી ગયા
ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ આર. સી. ફળદુ રોડ પરથી નીકળતાં ભારે ભીડ જોઇને તેઓ નીચે ઉતર્યા હતા. અને બનાવની વીગતો જાણી હતી.
- અગ્નિસંસ્કાર કરાયો
સિંહની વય આશરે પાંચ વર્ષની હોવાનું માલુમ પડ્યું છે. તેનાં પીએમ બાદ સાસણ ખાતે જ તેનો અગ્નિસંસ્કાર કરાયો હતો.
- શંકાસ્પદ બાબતો
- સિંહનું મૃત્યુ માર્ગ અકસ્માતને લીધે થયાનું વનવિભાગ પ્રાથમિક દ્રષ્ટિએ માને છે. પરંતુ તેનાં પીએમમાં સિંહને કોઇ ગંભીર ઇજા થઇ હોવાનું માલુમ પડ્યું નથી. ડીએફઓ ડૉ. સંદપિકુમારે કહ્યું હતું કે, અકસ્માતને લીધે ઇજા થયાનાં કોઇ ચિન્હો તેના શરીર પર દેખાયા નથી.
- ધારી ડીએફઓ ડૉ. અંશુમાન ઘટનાસ્થળે આવ્યા અને તેમણે સિંહનાં મૃતદેહને ફેરવ્યો ત્યારે ફકત આંખની પાસે લોહી જોવા મળ્યું હતું. જ્યારે ગળાનાં ઉપરનાં ભાગે એકાદ ઇંચની સાઇઝનો એક ઉંડો જખમ પણ દેખાયો હતો. જેમાં ઇયળો ખદબદતી હતી.
- વાહન હડફેટે જો સિંહનું મૃત્યુ થયું હોય તો રોડ પર વાહનની બ્રેમ મારવાનાં નિશાન જોવા મળવા જોઇએ. જે મળ્યા નથી. તેમજ રોડ પરથી કોઇએ ઢસડીને નીચે ફેંકયો હોય તેમ રોડથી તેનાં મૃતદેહનાં આઠ થી દસ ફુટનાં અંતરે અલગ અલગ જગ્યાએ સિંહનાં શરીરની રૂંવાંટી જોવા મળી હતી.
No comments:
Post a Comment