Wednesday, July 17, 2013

૧૦પર ગામડા, ૧૬ હજાર કિ.મી.માં છે સિંહોના આંટાફેરા.


Jul 14, 2013જૂનાગઢ : એશિયાઈ સિંહો ફક્ત સાસણ કે ગિર અભયારણ્યમાં જ નથી, પરંતુ જૂનાગઢ, અમરેલી, ભાવનગર જિલ્લાઓના ૧૦પર ગામડા અને ૧૬ હજાર ચો.કિ.મી.ના વિસ્તારમાં આંટાફેરા મારી રહ્યા છે. અને ભાવનગર પંથકમાંથી કુદરતી રીતે સ્થળાંતરીત થઈને સિંહો એટલા આગળ વધી ગયા છે કે, છેક ભાલ અને વેળાવદરથી હવે ફક્ત ર૭-ર૮ કિ.મી. જ દૂર રહ્યા છે. આ ઉપરાંત ભાવનગર પંથકમાં અને ગિર અભયારણ્યમાં વસવાટ કરતા સિંહો વચ્ચે કોઈ સંપર્ક નથી. બન્ને સિંહો સ્વતંત્ર રીતે રહે છે. રેડિયો કોલર અને જી.પી.એસ. સિસ્ટમના ડેટાબેઈઝના આધારે કરાયેલા વૈજ્ઞાનિક વિશ્લેષણ બાદ આ વિગતો બહાર આવી છે.
  • ભાલ અને વેળાવદરથી સિંહો હવે ફક્ત ર૭-ર૮ કિ.મી. દૂર : ભાવનગર અને ગિરમાં વસવાટ કરતા સિંહો વચ્ચે કોઈ સંપર્ક નહીં
સિંહોના સ્થળાંતરના ચર્ચાસ્પદ મામલે વનવિભાગના અધિકારીઓ દ્વારા સુપ્રિમ કોર્ટમાં રજૂ કરવામાં આવેલી વિગતો અંગે પ્રકાશ પાડતા સાસણના નાયબ વન સંરક્ષક ડો.સંદિપકુમારે જણાવ્યું હતું કે, ગિર અભયારણ્ય તો ફક્ત ૧૪૧ર ચો.કિ.મી.માં જ પથરાયેલું છે. જેની સામે સિંહો ફક્ત સાસણ પુરતા જ સિમિત નથી, પણ ૧૬ હજાર ચો.કિ.મી.ના વિસ્તારમાં તેના આટાંફેરા સત્તાવાર રીતે નોંધાયેલા છે. આજે સાસણમાં સિંહોના સંવર્ધન અંગેના એક સેમીનારમાં તેઓએ વધુ વિગતો રજૂ કરતા જણાવ્યું હતું કે, વર્ષ ૧૮૮૪ થી સિંહોનું સંવર્ધન થઈ રહ્યું છે. વર્ષ ૧૯૦૦ થી ૧૯૦પ વચ્ચેના સમયગાળા દરમિયાન પશ્ચિમમાં બરડા સુધી, ઉત્તરમાં ગોંડલ સુધી, પૂર્વમાં રાજૂલા અને સાવરકુંડલા સુધી તેમજ દક્ષિણમાં સોમનાથ સુધી સિંહોનું અસ્તિત્વ નોંધાયેલું હતું. જે ધીમે ધીમે ગિર પુરતું સિમિત થઈ ગયું હતું. હવે સિંહોની સંખ્યા વધતા તે ધીમે ધીમે પોતાનો ગુમાવેલો વિસ્તાર ફરી મેળવી રહ્યા છે. ગિરમાં ફક્ત ૩૦૦ સિંહો જ રહી શકે તેમ છે, માટે અન્ય સિંહો ગિરનાર, મિતિયાળા, બાબરાવીડી, લીલીયા, દરિયાઈ પટ્ટી અને રાજૂલા-મહૂવા સુધી ફરી વખત પહોંચ્યા છે.
સિંહોને રેડિયો કોલર લગાવીને જી.પી.એસ. સિસ્ટમ દ્વારા તેની ઉપર સતત નજર રાખીને એકત્ર કરવામાં આવેલા ડેટાબેઈઝના વૈજ્ઞાનિક રીતે કરાયેલા વિશ્લેષણમાં એવું પણ બહાર આવ્યું છે કે, ગિર અભયારણ્યમાં વસવાટ કરતા સિંહો ગિર જંગલની બહાર જતા નથી. જ્યારે બહારના સિંહો હવે ધીમે ધીમે જે તે સ્થળોએ સ્થાયી થવા માંડયા છે.
ભાવનગર પંથકમાં સિંહોએ કાયમી નવું નિવાસસ્થાન બનાવ્યું છે. આ સિંહો અને ગિરના સિંહો વચ્ચે કોઈ સંબંધ નથી. બન્ને વચ્ચે કોઈ આંતરિક આંટાફેરા પણ થતા નથી. ભાવનગરથી પણ સિંહો ધીમે ધીમે કુદરતી રીતે આગળને આગળ માઈગ્રેડ થઈ રહ્યા છે. આગળ માઈગ્રેડ થયેલા સિંહો ફરી વખત પરત આવતા નથી. એકત્ર થયેલી વિગતો પ્રમાણે એશિયાઈ સિંહો ઘંઉ માટે પ્રખ્યાત એવા ભાલ પંથક અને વેળાવદરથી ફક્ત ર૭-ર૮ કિ.મી. જ દૂર રહ્યા છે. અને સિંહ માત્ર ૧ર કલાકમાં ૬૦ થી ૬પ કિ.મી.ના વિસ્તારમાં આંટાફેરા મારી શકે છે. આ પ્રમાણે સિંહો ભાલ પંથક કે વેળાવદરથી દૂર નથી. અને કદાચ સિંહોને અહી વધુ સંરક્ષણ મળી રહેશે તો આગામી થોડા વર્ષોમાં અમદાવાદ કે ગાંધીનગર સુધી સિંહો આસાનીથી પહોંચી જશે. એટલે કે ગુજરાતમાં જ અન્ય ઘણા બધા સ્થળોએ સિંહોના નવા ઘર બની રહ્યા છે. સુપ્રિમ કોર્ટમાં વનવિભાગ દ્વારા આ વિગતો રજૂ કરવામાં આવી છે.
ભાવનગર પંથકને સિંહોનું અલગ અભયારણ્ય બનાવવા દરખાસ્ત
જૂનાગઢ: ભાવનગર જિલ્લાના મહૂવા, જેસર, પાલિતાણા, હિપાવડલી ઝોન તથા શેત્રુંજ્ય નદીનો ઝોન સામાન્ય પણે અનન્ય છે. તેઓ સિંહની કેન્દ્રસ્થ વસ્તી સાથે જોડાયેલા નથી. આ વસ્તી વૈકલ્પિક છે. ગુજરાતમાં આવી બીજી વૈકલ્પિક વસ્તીનો વિકાસ થઈ રહ્યો છે, જે ગિર અભયારણ્યથી દુર છે અને ઘણા જ અલગ એવા વિસ્તારના સિંહો અને ગિરના સિંહો વચ્ચે ખાસ કોઈ સંબંધ પણ નથી. ત્યારે આ વિસ્તારને અનામત અને સંરક્ષિત વિસ્તાર તરીકે જાહેર કરવાની દરખાસ્ત વનવિભાગ દ્વારા કરવામાં આવી છે
સ્થાયી થવા સિંહોને શું જોઈએ ??
જૂનાગઢ : કુદરતી રીતે નવા વિસ્તારમાં સ્થાયી થવા માટે સિંહોને મુખ્ય ત્રણ પાસાઓની જરુર પડે છે. આ ત્રણ બાબતો તેને મળી રહે એટલે સિંહો પોતાની રીતે જ જે તે વિસ્તારમાં કાયમી નિવાસસ્થાન બનાવી લે છે. આ ત્રણ પાસાઓ આ રહ્યા..
* સ્થાનિક લોકો દ્વારા મળતું રક્ષણ
* પીવા માટે પાણીના પુરતા સ્ત્રોત
* બચ્ચાઓ માટે સલામત વાતાવરણ
વિસ્તાર વાઈઝ નરની સંખ્યા વધારે, સંવર્ધન માટે સારી બાબત
જૂનાગઢ
: ગિર ઉપરાંત અન્ય સ્થળોએ સિંહોમાં નર અને માદાના પ્રમાણની કરાયેલી સરખામણીમાં નરની સંખ્યા વધારે જોવા મળી છે. પરિણામે આ બાબત સિંહોના સંવર્ધન માટે સારી માનવામાં આવે છે. કારણ કે પોતાનું પ્રાઈડ બનાવવા અને નવી ટેરેટરી બનાવવા માટે નર સતત આગળ વધતા રહેશે. તથા અનુકૂળ વાતાવરણમાં સ્થાયી થતા જશે. પરિણામે એશિયાઈ સિંહો વધુને વધુ વિસ્તારમાં પ્રસરતા રહેશે. વિસ્તાર વાઈઝ સિંહોનું પ્રમાણ કંઈક આ પ્રમાણે છે.
વિસ્તાર             નર        માદા
ગિર                    ૧          ર.૦૪
ગિરનાર              ૧          ૧.પ
મિતિયાળા           ૧          ૧.પ
કોસ્ટલ એરિયા     ૧          ૦.૬
સાવરકુંડલા          ૧          ૦.૮
 
સિંહોના ગિર સિવાયના છ કુદરતી સરનામા
* ગિરનાર
* મિતિયાળા
* ઉના-સુત્રાપાડાની દરિયાઈ પટ્ટી
* રાજૂલા-જાફરાબાદની દરિયાઈ પટ્ટી
* ભાવનગરનો શેત્રુંજ્ય પંથક
* લીલીયા અને ક્રાંકચ વિસ્તાર
 
આર્ટીફિશ્યલ માઈગ્રેશન ક્યારેય સફળ નથી રહ્યું : સી.સી.એફ. આર.એલ.મીના
 સિંહોના સંવર્ધન માટે સ્થાનિક પ્રજાનો સહયોગ જરુરી
 સિંહોના સ્થળાંતર અંગે સુપ્રિમ કોર્ટના નિર્ણય બાદ આજે પ્રથમ વખત સાસણમાં યોજાયેલા સેમીનારમાં જાહેરમાં વન અધિકારી દ્વારા આડકતરી રીતે સ્થળાંતરના વિરોધી કારણો રજૂ કરવામાં આવ્યા હતાં. મુખ્ય વન સંરક્ષક આર.એલ.મીનાએ અહી સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, સિંહોનું આર્ટીફિશ્યલ સ્થળાંતર ક્યારેય સફળ રહ્યું નથી. તેમણે કહ્યું હતું કે, અત્યારે અહીના સિંહોમાં કોઈ ભય નથી. છેલ્લા ૧રપ વર્ષમાં કંઈ નથી થયું. ટેકનિકલી રીતે બ્રિડિંગનો પણ કોઈ સવાલ નથી. તો પછી બિનજરુરી રીતે ડિસ્ટર્બ કરવા યોગ્ય નથી. કુદરતી રીતે સ્થાળાંતરીત થઈને સિંહો કોઈ પણ સ્થળે પહોંચે તેની સામે વાંધો નથી. દેશમાં વાઘના ઘણા બધા પાર્ક છે. જેમાં ૧૮-ર૦ વાઘ જોવા મળતા હોય છે. જ્યારે અહીના સિંહોના આવડા ટોળા તો ખેતરોમાં જોવા મળતા હોય છે. એટલે કે સિંહોના સંવર્ધન માટે સ્થાનિક પ્રજાનો સહયોગ અને સપોર્ટ જરુરી છે. અહીનું વાતાવરણ સિંહોને રહેવા માટે અનુકૂળ છે. લોકો તેને ભગવાન માને છે. માટે ભક્ત તરીકે તેની પૂજા કરે છે. અને જો ગિર જેવું જ વાતાવરણ અન્ય સ્થળોએ સર્જાય તો સિંહો આપમેળે ત્યાં જતા રહેશે. કુદરતી રીતે સ્થળાંતર થાય તે યોગ્ય અને વ્યાજબી છે.
જિલ્લો     નર        માદા
જૂનાગઢ   ૧          ૧.૯૧
અમરેલી   ૧          ૧.૪૩
ભાવનગર ૧          ૧

No comments: