Saturday, July 20, 2013

રાજુલા પંથકમાં દીપડી અને દીપડાના ભેદી સંજોગોમાં મોત.


Bhaskar News, Rajula | Jul 20, 2013, 01:46AM IST
ઝેરી પાણી પીવાથી બન્ને મોતને ભેટયા ? : અમૂલી અને બાબરિયાધારમાં બન્નેના મૃતદેહ નદી કાંઠેથી કેમ મળ્યા ?
 
રાજુલા પંથકમાં આજે બે અલગ અલગ ઘટનામાં એક દિપડી અને એક દિપડાનું રહસ્યમય સંજોગોમાં મોત થતા વનતંત્ર દોડતુ થઇ ગયુ હતું. બાબરીયાધારની સીમમાં નદીના પટમાંથી એક દિપડીની લાશ મળી આવી હતી. જ્યારે અમુલી ગામની સીમમાં નદીના પટમાંથી દિપડાની લાશ મળી હતી. આ વિસ્તારમાં ઝેરી પાણી પીવાથી બન્નેના મોત થયાની ચર્ચા ઉઠી હતી. જો કે વન અધિકારીઓ પીએમ રીપોર્ટની રાહ જોઇ રહ્યા છે.
 
અમરેલી જીલ્લાનો મોટાભાગનો રેવન્યુ વિસ્તાર દિપડાઓનું ઘર બન્યો છે. ત્યારે દિપડાને લઇને કોઇને કોઇ ઘટનાઓ બનતી જ રહે છે. આવી વધુ એક ઘટનામાં રાજુલા પંથકમાં આજે દિપડો અને દિપડીના મોતની ઘટના બની હતી. સૌ પ્રથમ વન વિભાગને રાજુલા તાલુકાના બાબરીયાધાર ગામની સીમમાં નવલખી નદીના પટમાં એક દિપડીનો મૃતદેહ પડયો હોવાની જાણ થતા વન વિભાગનો સ્ટાફ અહિં દોડી ગયો હતો. અહિં દિપડીના શરીર પર ઇજાના કોઇ નિશાન જોવા મળ્યા ન હતાં અને મોતનું કોઇ દેખીતુ કારણ પણ નઝરે પડતુ ન હતું. સ્થળ પર જ દિપડીના મૃતદેહનું પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યુ હતું.
 
આ ઘટનાની કાગળપરની કાર્યવાહી પૂર્ણ થાય તે પહેલા વન વિભાગને અમુલી ગામની સીમમાં નદીકાંઠે એક દિપડાનો મૃતદેહ પડયો હોવાની જાણ થઇ હતી. જેને પગલે ઇન્ચાર્જ આરએફઓ એચ.વી. રાઠોડ, સ્ટાફના એમ.જે. ખાવડીયા, આર.એમ. પઠાણ, રેસ્ક્યુ ટીમના ડી.એન. રાઠોડ, નરેશભાઇ પંડયા વિગેરે ઘટનાસ્થળે દોડી ગયા હતાં. અહિં પણ દિપડાના મોતનું કોઇ દેખીતુ કારણ નઝરે પડયુ ન હતું. બન્ને દિપડાનું મોત શાથી થયું તે જાણવા વન વિભાગ દ્વારા પોસ્ટ ર્મોટમ રીપોર્ટની રાહ જોવાઇ રહી છે. દરમીયાન અહિં એવી પણ ચર્ચા ઉઠી હતી કે દિપડી અને દિપડાનું મોત ઝેરી પાણી પીવાના કારણે થયુ હતું. જો કે વન વિભાગને હજુ સુધી તેને સમર્થન આપ્યુ ન હતું.
 
બાબરીયાધારમાં અગાઉ દીપડાની હત્યા થઇ હતી
 
રાજુલાના બાબરીયાધારમાં એક વર્ષ પહેલા દિપડાની હત્યાની ઘટના પણ બની હતી. ત્યારે આજે બાબરીયાધારની સીમમાં જ એક દિપડીનું ભેદી સંજોગોમાં મોત થતા અનેક સવાલો ઉઠવા પામ્યા છે. વળી બન્ને મૃતદેહો નદીકાંઠેથી જ મળી આવ્યા હતાં.

No comments: