Friday, May 30, 2014

વાઘમણીના રૂંછા જંગલી ભૂંડના બચ્ચા માટે બને છે સુરક્ષા દિવાલ.

Bhaskar News, Khambha | May 14, 2014, 01:02AM IST
વાઘમણીના રૂંછા જંગલી ભૂંડના બચ્ચા માટે બને છે સુરક્ષા દિવાલ
- જંગલી ગણાતુ ભુંડ પણ ભારે નાજુકતાથી કરે છે બચ્ચાની રક્ષા

જંગલી ભુંડ એવું ઝનુની પ્રાણી છે કે કદાચ કોઇને તેના પ્રત્યે સહાનુભુતી ન હોય. પરંતુ ભુંડમાં પણ તેના બચ્ચાઓ પ્રત્યે ઠાંસી ઠાંસીને માતૃત્વ ભર્યુ પડયુ છે. માદા ભુંડ જંગલ વિસ્તારમાં બચ્ચાને જન્મ આપ્યા બાદ તેને બખોલમાં છુપાવે છે. નવાઇની વાત એ છે કે ખોરાકની શોધમાં તે ક્યારેક બહાર ભટકે ત્યારે કોઇ શિકારી પ્રાણી બખોલમાં ન પ્રવેશે તે માટે ભુંડણી બખોલના મુખ પર વાઘવણીના ચમકદાર રૂંછાની આડશ કરે છે. ખાસ કરીને રાત્રીના સમયે તેની ચમકથી શીકારી પ્રાણીઓ આઘા ભાગે છે.

આમ તો જંગલી ભુંડ ખુબ જ હિંસક પ્રાણી છે. ક્યારેક તો સાવજો સામે પણ બાથ ભીડી લે છે. માણસ પર પણ હુમલો કરી લે છે. પરંતુ આ હિંસક પ્રાણી ખુબ જ નાજુકતાથી પોતાના બાળ-બચ્ચાની સારસંભાળ લે છે. આમ તો વન્ય જીવસૃષ્ટિમાં સિંહ-દિપડા જેવા હિંસક પ્રાણીઓથી લઇ તૃણભક્ષી પ્રાણીઓમાં પણ પોતાના બચ્ચા પ્રત્યે અપાર મમતાના લક્ષણો જોવા મળે છે. ભુંડના બચ્ચા માટે જંગલમાં જોખમનો કોઇ પાર નથી.

જેને પગલે ભુંડણી પોતાના બચ્ચાને જન્મ આપ્યા બાદ જમીનમાં બખોલ કરી બચ્ચાને તેમાં છુપાવે છે. જો કે એવા અનેક વન્યપ્રાણીઓ છે જેનાથી આ બખોલમાં પણ ભુંડના બચ્ચા માટે જોખમ રહે છે. પરંતુ ભુંડણી પણ પોતાના બચ્ચાની આબાદ રક્ષા કરી શકે છે. ખોરાકની શોધમાં તેને આમથી તેમ ભટકવુ પડે છે. તેવા સમયે બચ્ચા સલામત રહેતા નથી. જો કે તેણે અજીબ તરકીબ શોધી કાઢી છે. ખોરાકની શોધમાં જતા પહેલા જ ભુંડણી બખોલના મુખ પર ચમકદાર રૂછા (વાઘમણી)નો મોટો ઢગલો કરી દે છે. તેની ચમકના કારણે શિકારીઓ દુર રહે છે.

રાત્રે થાય છે વિશેષ રક્ષા

રાત્રીના સમયે પણ શિકારીઓ આ ઢગલાથી દુર ભાગે છે. વાઘમણીના આ રૂંછા દિવસે તો ચમકે જ છે. પરંતુ રાત્રીના સમયે પણ ચમકતા હોય શિકારી પ્રાણીઓ ભુંડની બખોલ આસપાસ જતા ખચકાય છે. જેને પગલે બચ્ચા સલામત રહે છે.

રાજૂલા નજીક વધુ એક સિંહબાળનો મૃતદેહ મળ્યો, વનતંત્રના તાબોટા.

Posted On May 14, 12:02 AM
રાજૂલા નજીક વધુ એક સિંહબાળનો મૃતદેહ મળ્યો, વનતંત્રના તાબોટા
સરકાર જે સાવજોની રક્ષા પાછળ કરોડોનો ખર્ચ કરે છે અને વનતંત્રના મસમોટા સ્ટાફને કામે લગાડે છે તે સાવજોની રક્ષામાં વનતંત્ર જાણે રીતસર તાબોટા પાડી રહ્યુ છે. પરિણામે એક પછી એક સાવજોના કમોત થઇ રહ્યા છે. નઘરોળ વનતંત્રના પાપે રાજુલાના ભેરાઇ નજીક વધુ એક સિંહબાળનુ કમોત થતા સાવજોની રક્ષામાં સરીયામ નિષ્ફળ ગયેલા વનતંત્ર સામે સિંહપ્રેમીઓમાં રોષ ભભુકી ઉઠ્યો છે. ભેરાઇ નજીકથી આજે અર્ધ ખવાયેલી હાલતમાં ચારેક માસના સિંહબાળનો ક્ષત-વિક્ષત મૃતદેહ મળી આવ્યો હતો. બે દિવસ પહેલા ટ્રેઇન હડફેટે સિંહબાળનું મોત થયુ હતું તે ગૃપનું જ આ સિંહબાળ હોવાનું મનાય છે. બેહદ શરમની વાત એ છે કે વનતંત્ર દ્વારા સિંહબાળના મોતને ઇનફાઇટમાં ખપાવવા પ્રયાસ થઇ રહ્યો છે.
 
રાજુલાના ભેરાઇ તથા આસપાસનો વિસ્તાર સાવજોના અસ્તીત્વ માટે જોખમી સાબીત થઇ રહ્યો છે. અહિં વનતંત્ર સાવજોની રક્ષામાં સદંતર નિષ્ફળ જઇ રહ્યુ છે. જેને પગલે દેશની અમુલ્ય ધરોહર સમા સાવજો કુતરાના મોતે મરી રહ્યા છે. છતાં નિંભર તંત્રના પેટનું પાણી હલતુ નથી. ઉચ્ચ અધિકારીઓ એ.સી. ચેમ્બરમાં બેસી સાવજોના મોતના દરેક કિસ્સામાં ઢાંક-પીછોડો કરવાની પાપી પ્રવૃતિ થઇ રહી છે. જ્યારે નીચેનો સ્ટાફ ભ્રષ્ટાચારમાં ખદબદી રહ્યો છે. પરિણામે સાવજોનો ખો નિકળી રહ્યો છે. આજે રાજુલાના ભેરાઇ ગામથી થોડે દુર રેલવે ટ્રેકથી માત્ર ૩૦૦ મીટરના અંતરે વધુ એક સિંહબાળનો મૃતદેહ ક્ષત-વિક્ષત હાલતમાં મળી આવ્યો હતો.
 
ભેરાઇ નજીક ભચાદર અને ઉચૈયા વચ્ચેના રેલવે ટ્રેકથી થોડે દુર સરકારી પડતર જમીનમાં આશરે ચારેક માસની ઉંમરના એક સિંહબાળનો મૃતદેહ પડયો હોવાની સ્થાનીક લોકો દ્વારા વનતંત્રને જાણ કરાઇ હતી. માત્ર ત્રણ દિવસના ગાળામાં બીજા સિંહબાળના કમોતની જાણ થતા જ સુસ્ત વનતંત્ર હલબલી ગયુ હતું અને અધિકારીઓના ધાડેધાડા દોડવા લાગ્યા હતાં.
રાજૂલા નજીક વધુ એક સિંહબાળનો મૃતદેહ મળ્યો, વનતંત્રના તાબોટા
અહિં સિંહબાળનું કોઇ રીતે મોત થયા બાદ અજાણ્યા પ્રાણીઓએ તેના મૃતદેહને ફાડી પણ ખાધો હતો. આ સિંહબાળનો માથાનો ભાગ ખવાઇ ગયો હતો. સિંહબાળનું મોત રાત્રીના સમયે થયાનું મનાય છે. સવારથી અહિં મૃતદેહ પડયો હોવા છતાં વનતંત્રને તેની જાણ થઇ ન હતી. બે દિવસ પહેલાની ઘટના બાદ મસમોટો સ્ટાફ ફેરણુ કરતો હોવા છતાં સ્થાનીક લોકોએ જાણ કરી ત્યારે તંત્રને જાણ થઇ હતી. સ્થાનીક આરએફઓ એસ.બી. રાઠોડ, ડીએફઓ પી.પરશોતમ, એસીએફ બી.એમ. શુક્લા વિગેરે ભેરાઇ દોડી ગયા હતાં.

એવું મનાય રહ્યુ છે કે બે દિવસ પહેલા ટ્રેઇન હડફેટે જે સિંહબાળનું મોત થયુ હતુ તે ગૃપનું જ આ બચ્ચુ હતું. બે સિંહણ એક બચ્ચા સાથે આ વિસ્તારમાં નઝરે પણ પડી હતી. આમ આ સિંહ પરિવારના બન્ને બચ્ચા કમોતે મર્યા છતાં નિષ્ઠુર વનતંત્ર કશું કરી શક્યુ નહી. જેને પગલે સિંહપ્રેમીઓમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે.
રાજૂલા નજીક વધુ એક સિંહબાળનો મૃતદેહ મળ્યો, વનતંત્રના તાબોટા
ઘટનાને ઇનફાઇટમાં ખપાવવા પ્રયાસ

સિંહબાળના કમોતની ઘટના અંગે એસીએફ બી.એમ. શુક્લાએ જણાવ્યુ હતું કે પ્રાથમીક તપાસમાં બચ્ચાના શરીર પર ઇજાના નિશાન અને નહોરના ઘા મળી આવ્યા છે. જેના આધારે ઇનફાઇટમાં બચ્ચાનું મોત થયાની શક્યતા છે. છતાં સાચુ કારણ પીએમ રીપોર્ટમાં બહાર આવે તેની રાહ જોવાઇ રહી છે. સાવજોના કમોતના અનેક કિસ્સામાં વનતંત્ર દ્વારા ઇનફાઇટની સ્ટોરી રજુ કરી દેવામાં આવે છે જે લોકોને ગળે ઉતરતી નથી.
સિંહબાળ બે દિવસથી રેલવે ટ્રેક નજીક જતુ હતું

બે દિવસ પહેલા એક સિંહબાળનું ટ્રેઇન હડફેટે મોત થયા બાદ એવું કહેવાય છે કે બે દિવસ પહેલા રેલવે ટ્રેક પર એક સિંહબાળનું મોત થયા બાદ આ સિંહબાળ પણ અવાર નવાર રેલવે ટ્રેક નજીક આંટા મારતુ નઝરે પડયુ હતું અને ઝુરતુ હતું.

સૌદર્ય સમા નેસડાઓનું અધ:પતન, કુદરતના ખોળે જીવન વ્યતિત.

Raju Mesuria, Amreli | May 13, 2014, 00:09AM IST
સૌદર્ય સમા નેસડાઓનું અધ:પતન, કુદરતના ખોળે જીવન વ્યતિત
- ગીરના સૌદર્ય સમા નેસડાઓનું અધ:પતન
- વિટંબણા - દાયકાઓ પહેલા સરકારે ગીર ડેવલપમેન્ટ સ્કીમ અંતર્ગત નેસડાઓનુ સ્થળાંતર કર્યુ હતુ
 
ગીર જંગલનુ પ્રાકૃતિક સૌદર્ય નદી, ડુંગરાળો, લીલાછમ વૃક્ષો, પશુ પક્ષીઓથી તો ખીલી ઉઠે જ છે. પરંતુ જો ગીરમાં નેસડાઓ ન હોય તો આ સૌદર્ય અધુરૂ લાગે. આવુ જ કંઇક હાલ ગીર જંગલમા જોવા મળી રહ્યું છે. દાયકાઓ પહેલા સરકાર દ્વારા ગીર ડેવલપમેન્ટ સ્કીમ અંતર્ગત નેસડાઓનુ સ્થળાંતર કરવામા આવ્યુ હતુ. બસ ત્યારબાદ જંગલમા નેસડાઓ ઓછા થવા લાગ્યા. હાલ ગીરપુર્વમા પણ નેસડાઓની સંખ્યા ગણીગાંઠી જોવા મળી રહી છે. ત્યારે જેવી રીતે જંગલમાથી માલધારીઓએ નેસડા છોડી અન્ય સ્થળે વાટ પકડી છે તેવી જ રીતે હાલ સાવજોએ પણ રેવન્યુ વિસ્તાર તરફ વસવાટ વધાર્યો હોવાનુ જોવા મળી રહ્યું છે.

ગીર જંગલમા સાવજોની ગર્જનાઓ અને પક્ષીઓના કલરવ વચ્ચે નેસડાઓમા માલધારીઓ અનેક વિટંબણાઓનો સામનો કરી કુદરતના ખોળે જીવન વ્યતિત કરી રહ્યાં છે. પુર્વ અને પ‌શ્ચિ‌મ ગીરમાં દાયકાઓ પહેલા નેસડાઓ ધમધમતા હતા. પરંતુ ૧૯૭૦ બાદ સરકાર દ્વારા ગીર ડેવલપમેન્ટ સ્કીમ અંતર્ગત નેસડાઓનુ સ્થળાંતર કરવામા આવ્યુ હતુ. ધીમેધીમે ગીર જંગલમાથી નેસડાઓની સંખ્યા ઘટી ગઇ અને હાલમાં ગણ્યાંગાંઠયા નેસડાઓ બચ્યા છે. માલધારીઓ અનેક રીતે વનવિભાગને મદદરૂપ બને છે. જંગલમા કોઇ વન્યપ્રાણી બિમાર હોય તો તુરત વનવિભાગને જાણ કરે છે. આ ઉપરાંત દવની ઘટના બને તો દવને ઠારવામા પણ મદદ કરે છે.

આ ઉપરાંત જંગલમા થતી શિકારની કોઇ શંકાસ્પદ પ્રવૃતિ અંગે પણ તેઓ વનવિભાગને માહિ‌તગાર કરી જંગલ અને વન્યપ્રાણીઓની સુરક્ષા કરવામા મદદરૂપ બની રહ્યાં છે. તો સામે પક્ષે વનવિભાગ દ્વારા તેઓને થોડી કનડગત પણ કરવામા આવતી હોવાનુ ફરિયાદો પણ ઉઠી રહી છે. તેમછતા તેઓ દ્વારા જંગલ અને વન્યપ્રાણીઓની સુરક્ષા બાબતે પુરતુ ધ્યાન આપવામા આવી રહ્યું છે. સાવજો દ્વારા ભેંસનુ મારણ કરવામા આવે તો સરકાર દ્વારા માત્ર આઠેક હજાર રૂપિયાની સહાય ચુકવવામા આવે છે. આમ અનેક મુશ્કેલીઓ વચ્ચે પણ હાલ થોડા ઘણા નેસડાઓમા માલધારીઓ વસવાટ કરી રહ્યાં છે.
સૌદર્ય સમા નેસડાઓનું અધ:પતન, કુદરતના ખોળે જીવન વ્યતિત
પુર્વ અને પ‌શ્ચિ‌મ ગીરના હડાળાનેસ, અરલનેસ, કાણેકનેસ, ખજુરીનેસ, માંડવીનેસ, દોઢીનેસ, ભીમચાસનેસ, રાજસ્થળીનેસ, આંસોદરીનેસ, સાપનેસ, બલીયાડનેસ, વડસલીનેસ, કાશીયાનેસ જાંબુરડીનેસ, ખીમાગાળીનેસ, સુવરડીનેસ, સાપુરનેસ, સુડાવી, સુડાવો, ધામણીયા, લપટણી, વાંકાજાંબુ, રૂસાળી, બાણેજ, કરૂણાપાન, ઘોડાવડી, રૂપાપાટ, છોડવડી, નાના મોટા ગોળાનેસ, ભુતડાનેસ, ગુપ્તીનેસ, પારેવાનેસ સહિ‌ત નામોના અનેક નેસડાઓ આવેલા છે. ત્યારે સરકાર દ્વારા નેસડાઓમા વસવાટ કરતા માલધારીઓને પુરતી પ્રાથમિક સુવિધાઓ મળી રહે તેવી વ્યવસ્થા કરવામા આવે તે ઇચ્નીય છે.
સૌદર્ય સમા નેસડાઓનું અધ:પતન, કુદરતના ખોળે જીવન વ્યતિત
નેસડાઓ ઘટતા સાવજોએ પણ સ્થળાંતર કર્યુ ?

દાયકાઓ પહેલા સાવજો કયાંય રેવન્યુ વિસ્તારમાં જોવા મળતા ન હતા. નેસડાઓનુ સ્થળાંતર કરવામા આવતાની સાથે જ ધીમેધીમે સાવજોએ પણ જાણે જંગલમાથી રેવન્યુ વિસ્તાર તરફ વાટ પકડી હોય તેમ જોવા મળી રહ્યું છે. ગીરપુર્વના જંગલમાથી સાવજો લીલીયા, રાજુલા, જાફરાબાદ, સાવરકુંડલા અને છેક અમરેલીના ચાંદગઢ નજીક પહોંચી ગયા છે. નેસડાઓની સંખ્યા ઘટવાની સાથે માલઢોર પણ ઓછા થતા સાવજોને અપુરતો ખોરાક મળતો હોય જેના કારણે સાવજો નવા રહેઠાણની શોધમા નીકળી ગયા હોય તેવા કારણની પણ શકયતા જોવાઇ રહી છે.

સિંહબાળનાં કમોતથી વનતંત્ર આકરું, દોષિત ઠરશે તેની સામે કાર્યવાહી કરાશે.

Bhaskar News, Rajula | May 13, 2014, 00:02AM IST
સિંહબાળનાં કમોતથી વનતંત્ર આકરું, દોષિત ઠરશે તેની સામે કાર્યવાહી કરાશે
More:
સોની
- સિંહબાળનાં કમોતથી વનતંત્ર આકરું
- કાર્યવાહી : ભેરાઇ ઉચૈયા વચ્ચે ગઇકાલે રેલ્વે ટ્રેક પર માલગાડી હડફેટે સિંહબાળનું મોત નિપજતા રેલ્વેને નોટીસ ફટકારાઇ
- અકસ્માતનો ગુનો નોંધાયો : દોષિત ઠરશે તેની સામે કાર્યવાહી કરાશે : વનવિભાગે રેલ્વે ટ્રેક પર પેટ્રોલીંગ સઘન બનાવ્યું

રાજુલા તાલુકાના ભેરાઇ ઉચૈયા વચ્ચે ગઇકાલે માલગાડી હડફેટે સિંહબાળનુ મોત નિપજતા આ મામલે વનવિભાગ દ્વારા અકસ્માતનો ગુનો નોંધી તેમજ રેલ્વે ડીઆરએમ ભાવનગરને નોટીસ પાઠવી આગળની કાર્યવાહી હાથ ધરવામા આવી છે. આ ઉપરાંત વનવિભાગ દ્વારા રેલ્વે ટ્રેક પર પેટ્રોલીંગ સઘન બનાવવામા આવ્યુ છે. અવારનવાર માલગાડી હડફેટે સાવજોના મોતથી સિંહપ્રેમીઓમા ભારે રોષ જોવા મળી રહ્યો છે. ભેરાઇ ઉચૈયા વચ્ચે ગઇકાલે રેલ્વે ટ્રેક પર માલગાડી હડફેટે સિંહબાળનુ મોત નિપજતા સિંહપ્રેમીઓમા દુખની લાગણી વ્યાપી ઉઠી હતી. વારંવાર માલગાડી હડફેટે સિંહોના કમોતથી સિંહપ્રેમીઓમા રોષ પણ જોવા મળી રહ્યો છે.

ત્યારે વનવિભાગ દ્વારા આ મામલે નિવેદનો લેવાની કાર્યવાહી પુર્ણ કરી લીધી છે. આરએફઓ રાઠોડે જણાવ્યુ હતુ કે માલગાડીના પાયલોટ અને કો-પાયલોટ સહિ‌ત સ્ટેશન માસ્તર વિગેરેના નિવેદનો લેવાની કાર્યવાહી પુર્ણ કરી દીધી છે અને જે કોઇ દોષિત ઠરશે તેની સામે કાર્યવાહી કરવામા આવશે. આ ઉપરાંત વનવિભાગ દ્વારા દસ માણસોની ટીમ બનાવી અહીના ભેરાઇ, ઉચૈયા, રામપરા, ભચાદર સહિ‌તના વિસ્તારોમાં રાત્રીના પેટ્રોલીંગ સઘન બનાવવામા આવ્યુ હતુ.

રાત્રીના બે વાગ્યાના સુમારે જે સ્થળે સિંહબાળનુ મોત થયુ ત્યાં બે સિંહણ અને એક બચ્ચુ આંટાફેરા મારતા જોવા મળ્યા હતા. ત્યારે હજુ પણ આ વિસ્તારમાં સાવજો આંટાફેરા મારી રહ્યાં હોય તાકિદે પગલા લેવામા આવે તેવુ સિંહપ્રેમીઓ ઇચ્છી રહ્યાં છે. તો બીજી તરફ પીપાવાવ પોર્ટ દ્વારા પણ આ અંગે યોગ્ય કાર્યવાહી કરવામા આવે તેવુ લોકો ઇચ્છી રહ્યાં છે. રાજુલા જાફરાબાદ પંથકમાં અનેક સાવજો હાલ વસવાટ કરી રહ્યાં હોય અત્યાર સુધીમાં અહી સિંહ, દિપડા સહિ‌ત ૧૭ જેટલા વન્યપ્રાણીઓના મોત નિપજયા છે. ત્યારે કોસ્ટલ હાઇવે પર સ્પીડબ્રેકર બનાવવા પણ લોકમાંગ ઉઠી છે. આ ઉપરાંત રેલ્વે ટ્રેક પર વનવિભાગ દ્વારા કાયમી કર્મચારીઓને મુકી ફેરણુ કરાવવામા આવે તેવી પણ માંગ ઉઠી છે.
સિંહબાળનાં કમોતથી વનતંત્ર આકરું, દોષિત ઠરશે તેની સામે કાર્યવાહી કરાશે
More:
સોની
રેલ્વેને નોટીસ આપવામા આવી છે-ડીએફઓ પુરૂષોતમ

ઇન્ચાર્જ ડીએફઓ પુરૂષોતમે જણાવ્યુ હતુ કે ભેરાઇ ઉચૈયા વચ્ચે માલગાડી હડફેટે સિંહબાળના મોતની ઘટનામા ભાવનગર રેલ્વે ડીઆરએમને નોટીસ ફટકારવામા આવી છે જેમાં જણાવાયુ છે કે અગાઉ રેલ્વે સાથે પત્ર વ્યવહાર કરવામા આવ્યો હતો ત્યારે વન્યપ્રાણીઓને બચાવવા શું શું પગલા લેવામા આવ્યા ? ઉપરાંત રેલ્વે સામે વન્યપ્રાણી સંરક્ષણ એકટનો ગુનો કેમ ન કરવો તેવુ જણાવાયુ હતુ. અગાઉ પણ રેલ્વે તંત્ર સાથે બેઠકો કરવામા આવી હતી. પરંતુ બેઠકમા જણાવાયુ હતુ કે આ બાબતે રેલ્વે મંત્રાલય નિર્ણય લેશે.
સિંહબાળનાં કમોતથી વનતંત્ર આકરું, દોષિત ઠરશે તેની સામે કાર્યવાહી કરાશે
More:
સોની
મહાકાય ઉદ્યોગો-રેલ્વે અને વનવિભાગ સાવજોની સુરક્ષામા નિષ્ફળ-બાટાવાળા

લાયન નેચર ફાઉન્ડેશનના પ્રમુખ ભીખુભાઇ બાટાવાળાએ જણાવ્યુ હતુ કે રાજુલા પંથકમાં સાવજોની સુરક્ષામા મહાકાય ઉદ્યોગો, વનવિભાગ તેમજ રેલ્વે સદંતર નિષ્ફળ રહ્યું છે. પીપાવાવ પોર્ટથી રેલ્વે ટ્રેક નીકળ્યો છે તેને ભેરાઇના ખારામા તબદીલ કરવા માંગણી કરવામા આવી છે. ઉપરાંત આ ટ્રેક પર માલગાડી પસાર થાય ત્યારે સતત વ્હીસલ વગાડવી અને ગતિ મર્યાદા ૨૦કિમીની રાખવા પણ માંગ કરવામા આવી હતી. વધુમાં જણાવાયુ હતુ કે વનતંત્ર દુધે ધોયેલુ હોય તો પાછલી ચાર ઘટનાઓના પીએમ રિપોર્ટ અને એફએસએલ રિપોર્ટ જાહેર કરવા જોઇએ. પીપાવાવ પોર્ટથી લીલીયા સુધી રેલ્વે ટ્રેક પર બંને બાજુ જાળી ફિટ કરવા પણ તેમણે માંગ ઉઠાવી છે.

રાજુલમાં ટ્રેનની હડફેટે વધુ એક સિંહબાળનું મોત, વનતંત્રની ઘોર નિંદ્રા.

Bhaskar News, Rajula | May 12, 2014, 01:33AM IST
રાજુલમાં ટ્રેનની હડફેટે વધુ એક સિંહબાળનું મોત, વનતંત્રની ઘોર નિંદ્રા
- સાવજોના કમોતનો માર્ગ 'રેલ ટ્રેક'
- રોષ : રોજની ૧૦ થી ૧પ માલગાડીઓની અવર-જવર છતાં તંત્ર ઘોર નિદ્રામાં
- વન વિભાગની ઘોર બેદરકારી અને રેલ્વે તંત્રને જાણે પડી ન હોય તેવી સ્થિતિ

રાજુલા શહેર ઔદ્યોગિક રીતે વિકાસ સાધી રહ્યું છે અહી અનેક નાના મોટા ઉદ્યોગો કાર્યરત છે. તો બીજી તરફ અહીના રેવન્યુ વિસ્તારમાં હાલ અનેક સાવજો પણ વસવાટ કરી રહ્યાં છે. અહીથી પસાર થતી માલગાડી હડફેટે સાવજોના મોતની ઘટનાઓ વધી રહી છે. જેને પગલે સિંહપ્રેમીઓમા ચિંતાની લાગણી જન્મી છે. ત્યારે આજે ભેરાઇ ઉચૈયા વચ્ચે માલગાડી હડફેટે આવી જતા એક સિંહબાળનુ ઘટના સ્થળે જ મોત નિપજતા સિંહપ્રેમીઓમા દુખ સાથે રોષ પણ ફેલાયો છે. રાજુલા પંથકમાં કાળમુખી માલગાડી હડફેટે અનેક સાવજો મોતને ભેટયા છે ત્યારે ફરી એક વખત આજે સવારના છએક વાગ્યા આસપાસ અહીના ભેરાઇ ઉચૈયા વચ્ચે આવેલ રેલ્વે ટ્રેક પર માલગાડી હડફેટે એક સિંહબાળનુ મોત નિપજયુ હતુ.

સવારના સુમારે અહીથી એક સિંહ, સિંહણ અને તેના બે બચ્ચા પસાર થઇ રહ્યાં હતા ત્યારે સામેથી પુરપાટ આવી રહેલી માલગાડી હડફેટે એક સિંહબાળ આવી ગયુ હતુ. ઘટનાને પગલે વનવિભાગ દ્વારા આગળની કાર્યવાહી શરૂ કરી દેવામા આવી હતી. એક પછી એક માલગાડી હડફેટે સાવજોના મોતથી સિંહપ્રેમીઓમા રોષ જોવા મળી રહ્યો છે. વનવિભાગની ઘોર બેદરકારીના કારણે સાવજો મોતને ભેટી રહ્યાં હોવાનુ સિંહપ્રેમીઓ જણાવી રહ્યાં છે. દોઢેક માસ પહેલા પણ નાગેશ્રી ઉના હાઇવે પર હેમાળ નજીક હાઇવે પર એક અજાણ્યા વાહન હડફેટે બે સિંહબાળ મોતને ભેટયા હતા છતા હજુ સુધી વનવિભાગ વાહન ચાલક સામે કાર્યવાહી કરવામા નિષ્ફળ રહ્યું છે.

ત્રણેક માસ પહેલા પણ લીલીયાના આંબાની સીમમાંથી એક સિંહબાળનો કોહવાઇ ગયેલો મૃતદેહ મળી આવ્યો હતો. આ મૃતદેહના ચાર પગ અને નખ ગાયબ થઇ ગયા હતા જેને શોધવા વનતંત્ર ઉંધેમાથે થયુ હતુ. તો ખાંભાના પીપળવા રાઉન્ડમા પણ કુવામાથી એક સિંહનો મૃતદેહ મળી આવ્યો હતો. જેના નખ ગાયબ હતા. સાવરકુંડલાના ભમ્મર ગામ નજીક પણ માલગાડી હડફેટે એક સિંહબાળનુ મોત નિપજયુ હતુ. વનવિભાગ અને રેલ્વે તંત્રના અધિકારીઓ દ્વારા મિટીંગો પણ કરવામા આવી હતી પરંતુ હજુ સુધી માલગાડીની ગતિ મર્યાદા બાબતે કોઇ નિર્ણય લેવામા આવ્યો નથી. રાજુલા પંથકમા હાલ અનેક સાવજો રેવન્યુ વિસ્તારમાં વસવાટ કરી રહ્યાં છે પરંતુ વનવિભાગ દ્વારા અહીના રેલ્વે ટ્રેક આસપાસ કે હાઇવે પર જરૂરી પેટ્રોલીંગ વધારવામા આવતુ નથી.

સાવજો કિડી મકોડાની જેમ મોતને ભેટી રહ્યાં છે-ધારાસભ્ય સોલંકી

ધારાસભ્ય હિ‌રાભાઇ સોલંકીએ જણાવ્યુ હતુ કે સૌરાષ્ટ્રના ઘરેણારૂપ સાવજોના કિડી મકોડાની જેમ મોત થઇ રહ્યાં છે. અગાઉ પણ માલગાડી હડફેટે બે સિંહણ મોતને ભેટી હતી. પીપાવાવ પોર્ટ દ્વારા નકકર આયોજન કરવામા નથી આવતુ. ત્યારે પોર્ટ દ્વારા કોઇ પગલા લેવામા નહી આવે તો જયાં સુધી સાવજો સુરક્ષિત ન થાય ત્યાં સુધી માલગાડી બંધ કરી અને વેસ્ટ જગ્યાઓમા રેલ્વે ટ્રેક ફેરવી બાઉન્ડ્રી કે દિવાલ ઉભી કરવી તેમજ ટ્રેનને સંપુર્ણ ગતિ મર્યાદામા દોડાવવા જણાવ્યુ હતુ અને જો કોઇ પરિણામ નહી આવે તો સુપ્રિમ કોર્ટમા જવાનુ પણ જણાવાયુ હતુ.

વનતંત્રની નોર્મલ કચેરી ખોલવી જોઇએ-શશીભાઇ રાજયગુરૂ

રાજુલાના ચિંતક શશીભાઇ રાજયગુરૂ ઘટના અંગે ખેદ વ્યકત કરતા જણાવ્યુ હતુ કે સમગ્ર વિશ્વ જયારે સિંહોને બચાવવાના અભિયાનમા વ્યસ્ત છે ત્યારે રાજુલામા માલગાડી હડફેટે સિંહોના કમોતની ઘટના વધી રહી છે જે ખુબ ગંભીર બાબત છે. ત્યારે સમાજે, જાગૃત સરકારે અને સંલગ્ન ખાતાઓએ સામુહિ‌ક રીતે સિંહોની સુરક્ષા બાબતે વિચારવાની જરૂર છે. રાજુલા વિસ્તારમાં વનવિભાગની એક નોર્મલ કચેરી ખોલવામા આવે તેવી પણ માંગ કરવામા આવી છે.
તંત્ર ગંભીરતા નથી લેતુ- અશોક સાંખટ

પર્યાવરણ અને સિંહપ્રેમી અશોક સાંખટે જણાવ્યુ હતુ . રાજુલાથી ૧પ કિમી પોર્ટની રેંજમા પોર્ટ તરફથી સિંહોની સુરક્ષા માટે સિકયુરીટી મુકવા તેમણે માંગ કરી છે.

ટ્રેક પર પેટ્રોલીંગ જરૂરી- વિપુલ લહેરી

વર્લ્ડ વાઇલ્ડ લાઇફના સભ્ય વિપુલભાઇ લહેરીએ જણાવ્યુ હતુ કે સાવજો ઔદ્યોગિક ઝોનમા આંટાફેરા મારે છે ત્યારે તેની સુરક્ષા માટે વનવિભાગ દ્વારા ઘનિષ્ઠ પેટ્રોલીંગ કરવામાં આવે તેવી માંગ કરી હતી.

કોડીનાર પંથકનાં સરખડીમાં આખરે ખુંખાર દીપડી પાંજરામાં કેદ થઇ.

Bhaskar News, Kodinar | May 11, 2014, 00:03AM IST
કોડીનાર પંથકનાં સરખડીમાં આખરે ખુંખાર દીપડી પાંજરામાં કેદ થઇ
કોડીનાર પંથકનાં સરખડીમાં આખરે ખુંખાર દીપડી પાંજરામાં કેદ થઇ

કોડીનારનાં સરખડીની સીમમાંથી મધરાતે દીપડી પાંજરે પુરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. વન વિભાગે અલગ- અલગ વિસ્તારમાં બે પાંજરા ગોઠવી દેતાં આ સફળતા મળી હતી.
કોડીનારનાં સરખડી ગામની રાઘવાનાપા સીમમાં આવેલા અરશીભાઇ રાજાભાઇનાં ખેતરમાં પાળેલા કુતરાનું દીપડીએ મારણ કરતાં આ અંગે જામવાળા રેન્જને જાણ કરાતાં આરએફઓની સૂચનાથી સ્ટાફે અહીંયા અલગ- અલગ વિસ્તારમાં બે પાંજરા ગોઠવી દીધા હતાં.

દરમિયાન મધરાતનાં એક વાગ્યાની આસપાસ એક પાંજરામાં ૭ વર્ષની દીપડી પાંજરે પુરાઇ જતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. છારા બીટનાં ફોરેસ્ટર મનસુખ પરમાર, બુધ્ધેશભાઇ, રમેશબાપુ સહિ‌તનાં સ્ટાફે મધરાતે જ પહોંચી આ દીપડીને જામવાળા કચેરીએ લઇ આવ્યાં હતાં. આ વિસ્તારમાં હજુ પણ દીપડાનાં ધામા હોવાનું ગ્રામજનો કહી રહયાં છે.

ભર ઉનાળે લીમડામાંથી નીકળે છે પાણી, દર્શન માટે લોકો ઉમટ્યાં.

Bhaskar News, Babra | May 09, 2014, 00:27AM IST
ભર ઉનાળે લીમડામાંથી નીકળે છે પાણી, દર્શન માટે લોકો ઉમટ્યાં
- બાબરાનાં પાનસડામાં લીમડાના વૃક્ષમાંથી ઝરતા પાણીથી કૂતુહલ
- ’ પથ્થરોની વચ્ચે આવેલો આ લીમડો આજદિન સુધી સુકાયો નથી

બાબરા તાલુકાના પાનસડા ગામે આવેલ ખોડિયાર માતાજીના મંદિર ખાતે એક લીમડાના વૃક્ષમાથી પાણી ઝરતુ હોય લોકોમા કુતુહલ ફેલાયુ છે. અહી અનેક શ્રધ્ધાળુઓ દર્શનાર્થે આવે છે અને આ લીમડાના વૃક્ષમાથી નીકળતા પાણીનો પ્રસાદ તરીકે ઉપયોગ કરતા જોવા મળી રહ્યાં છે. એવુ પણ કહેવાય રહ્યું છે કે આ પાણીના ઉપયોગથી અનેક અસાધ્ય રોગો પણ મટી જાય છે. પાનસડા ગામે ખોડિયાર માતાજીના સ્થાનકે એક લીમડાનુ વૃક્ષ આવેલુ છે.
 
આ વૃક્ષમાથી વર્ષોથી પાણી ઝરી રહ્યું છે. અહી આવતા આસપાસના શ્રધ્ધાળુઓએ જણાવ્યુ હતુ કે લીમડાના વૃક્ષમાથી ઝરતા આ પાણીનો ઉપયોગ ચરણામૃત તરીકે કરવામા આવે છે આ પાણીથી અસાધ્ય રોગો પણ દુર થાય છે તેવી માન્યતા પ્રચલિત છે. અહી દિવસ દરમિયાન અનેક શ્રધ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. લીમડાના વૃક્ષમાથી પાણી ઝરતુ હોય આ પાણી લોકો અમદાવાદ, મુંબઇ, સુરત સુધી પોતાના સગા સબંધીઓને પણ બોટલોમા ભરીને મોકલી રહ્યાં છે.
ભર ઉનાળે લીમડામાંથી નીકળે છે પાણી, દર્શન માટે લોકો ઉમટ્યાં
આ અંગે દિનેશભાઇ ભરવાડે જણાવ્યુ હતુ કે પોતે રીક્ષાનો ધંધો કરતા હેાય વર્ષોથી ગોઠણનો દુખાવો થતા રીક્ષા ચલાવવામા પણ મુશ્કેલી પડતી દવાઓ કારગત ન નીવડી ત્યારે આ પાણી પીધા બાદ દુખાવામાથી કાયમી છુટકારો મળ્યો હતો. પાનસડાના લક્ષ્મણભાઇ વઘાસીયાએ જણાવ્યુ હતુ કે તેઓ પ૦ વર્ષથી આ નજારો જોતા આવે છે. લીમડાનુ વૃક્ષ પથ્થરોની વચ્ચે આવેલુ છે તેમ છતા આજદિન સુધી આ વૃક્ષ સુકાયુ નથી. સામાન્ય રીતે વૃક્ષો પર પાણી રહે તો વૃક્ષ સડી જાય છે પરંતુ આ લીમડાનુ વૃક્ષ અડીખમ ઉભુ છે. તો મંદિરના મહંત હરીઓમદાસે આ માતાજીના આશિર્વાદ હોવાનુ જણાવ્યુ હતુ. હાલ તો લોકો શ્રધ્ધાપુર્વક આ લીમડામાથી ઝરતુ પાણી પી રહ્યાં છે.