સરકાર જે સાવજોની રક્ષા પાછળ કરોડોનો ખર્ચ કરે છે અને વનતંત્રના
મસમોટા સ્ટાફને કામે લગાડે છે તે સાવજોની રક્ષામાં વનતંત્ર જાણે રીતસર
તાબોટા પાડી રહ્યુ છે. પરિણામે એક પછી એક સાવજોના કમોત થઇ રહ્યા છે. નઘરોળ
વનતંત્રના પાપે રાજુલાના ભેરાઇ નજીક વધુ એક સિંહબાળનુ કમોત થતા સાવજોની
રક્ષામાં સરીયામ નિષ્ફળ ગયેલા વનતંત્ર સામે સિંહપ્રેમીઓમાં રોષ ભભુકી ઉઠ્યો
છે. ભેરાઇ નજીકથી આજે અર્ધ ખવાયેલી હાલતમાં ચારેક માસના સિંહબાળનો
ક્ષત-વિક્ષત મૃતદેહ મળી આવ્યો હતો. બે દિવસ પહેલા ટ્રેઇન હડફેટે સિંહબાળનું
મોત થયુ હતું તે ગૃપનું જ આ સિંહબાળ હોવાનું મનાય છે. બેહદ શરમની વાત એ છે
કે વનતંત્ર દ્વારા સિંહબાળના મોતને ઇનફાઇટમાં ખપાવવા પ્રયાસ થઇ રહ્યો છે.
રાજુલાના ભેરાઇ તથા આસપાસનો વિસ્તાર સાવજોના અસ્તીત્વ માટે જોખમી
સાબીત થઇ રહ્યો છે. અહિં વનતંત્ર સાવજોની રક્ષામાં સદંતર નિષ્ફળ જઇ રહ્યુ
છે. જેને પગલે દેશની અમુલ્ય ધરોહર સમા સાવજો કુતરાના મોતે મરી રહ્યા છે.
છતાં નિંભર તંત્રના પેટનું પાણી હલતુ નથી. ઉચ્ચ અધિકારીઓ એ.સી. ચેમ્બરમાં
બેસી સાવજોના મોતના દરેક કિસ્સામાં ઢાંક-પીછોડો કરવાની પાપી પ્રવૃતિ થઇ રહી
છે. જ્યારે નીચેનો સ્ટાફ ભ્રષ્ટાચારમાં ખદબદી રહ્યો છે. પરિણામે સાવજોનો
ખો નિકળી રહ્યો છે. આજે રાજુલાના ભેરાઇ ગામથી થોડે દુર રેલવે ટ્રેકથી માત્ર
૩૦૦ મીટરના અંતરે વધુ એક સિંહબાળનો મૃતદેહ ક્ષત-વિક્ષત હાલતમાં મળી આવ્યો
હતો.
ભેરાઇ નજીક ભચાદર અને ઉચૈયા વચ્ચેના રેલવે ટ્રેકથી થોડે દુર સરકારી
પડતર જમીનમાં આશરે ચારેક માસની ઉંમરના એક સિંહબાળનો મૃતદેહ પડયો હોવાની
સ્થાનીક લોકો દ્વારા વનતંત્રને જાણ કરાઇ હતી. માત્ર ત્રણ દિવસના ગાળામાં
બીજા સિંહબાળના કમોતની જાણ થતા જ સુસ્ત વનતંત્ર હલબલી ગયુ હતું અને
અધિકારીઓના ધાડેધાડા દોડવા લાગ્યા હતાં.
અહિં સિંહબાળનું કોઇ રીતે મોત થયા બાદ અજાણ્યા પ્રાણીઓએ તેના મૃતદેહને
ફાડી પણ ખાધો હતો. આ સિંહબાળનો માથાનો ભાગ ખવાઇ ગયો હતો. સિંહબાળનું મોત
રાત્રીના સમયે થયાનું મનાય છે. સવારથી અહિં મૃતદેહ પડયો હોવા છતાં
વનતંત્રને તેની જાણ થઇ ન હતી. બે દિવસ પહેલાની ઘટના બાદ મસમોટો સ્ટાફ ફેરણુ
કરતો હોવા છતાં સ્થાનીક લોકોએ જાણ કરી ત્યારે તંત્રને જાણ થઇ હતી. સ્થાનીક
આરએફઓ એસ.બી. રાઠોડ, ડીએફઓ પી.પરશોતમ, એસીએફ બી.એમ. શુક્લા વિગેરે ભેરાઇ
દોડી ગયા હતાં.
એવું મનાય રહ્યુ છે કે બે દિવસ પહેલા ટ્રેઇન હડફેટે જે સિંહબાળનું મોત થયુ હતુ તે ગૃપનું જ આ બચ્ચુ હતું. બે સિંહણ એક બચ્ચા સાથે આ વિસ્તારમાં નઝરે પણ પડી હતી. આમ આ સિંહ પરિવારના બન્ને બચ્ચા કમોતે મર્યા છતાં નિષ્ઠુર વનતંત્ર કશું કરી શક્યુ નહી. જેને પગલે સિંહપ્રેમીઓમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે.
ઘટનાને ઇનફાઇટમાં ખપાવવા પ્રયાસ
સિંહબાળના કમોતની ઘટના અંગે એસીએફ બી.એમ. શુક્લાએ જણાવ્યુ હતું કે પ્રાથમીક તપાસમાં બચ્ચાના શરીર પર ઇજાના નિશાન અને નહોરના ઘા મળી આવ્યા છે. જેના આધારે ઇનફાઇટમાં બચ્ચાનું મોત થયાની શક્યતા છે. છતાં સાચુ કારણ પીએમ રીપોર્ટમાં બહાર આવે તેની રાહ જોવાઇ રહી છે. સાવજોના કમોતના અનેક કિસ્સામાં વનતંત્ર દ્વારા ઇનફાઇટની સ્ટોરી રજુ કરી દેવામાં આવે છે જે લોકોને ગળે ઉતરતી નથી.
સિંહબાળ બે દિવસથી રેલવે ટ્રેક નજીક જતુ હતું
બે દિવસ પહેલા એક સિંહબાળનું ટ્રેઇન હડફેટે મોત થયા બાદ એવું કહેવાય છે કે બે દિવસ પહેલા રેલવે ટ્રેક પર એક સિંહબાળનું મોત થયા બાદ આ સિંહબાળ પણ અવાર નવાર રેલવે ટ્રેક નજીક આંટા મારતુ નઝરે પડયુ હતું અને ઝુરતુ હતું.
No comments:
Post a Comment