- જંગલી ગણાતુ ભુંડ પણ ભારે નાજુકતાથી કરે છે બચ્ચાની રક્ષા
જંગલી ભુંડ એવું ઝનુની પ્રાણી છે કે કદાચ કોઇને તેના પ્રત્યે સહાનુભુતી ન હોય. પરંતુ ભુંડમાં પણ તેના બચ્ચાઓ પ્રત્યે ઠાંસી ઠાંસીને માતૃત્વ ભર્યુ પડયુ છે. માદા ભુંડ જંગલ વિસ્તારમાં બચ્ચાને જન્મ આપ્યા બાદ તેને બખોલમાં છુપાવે છે. નવાઇની વાત એ છે કે ખોરાકની શોધમાં તે ક્યારેક બહાર ભટકે ત્યારે કોઇ શિકારી પ્રાણી બખોલમાં ન પ્રવેશે તે માટે ભુંડણી બખોલના મુખ પર વાઘવણીના ચમકદાર રૂંછાની આડશ કરે છે. ખાસ કરીને રાત્રીના સમયે તેની ચમકથી શીકારી પ્રાણીઓ આઘા ભાગે છે.
આમ તો જંગલી ભુંડ ખુબ જ હિંસક પ્રાણી છે. ક્યારેક તો સાવજો સામે પણ બાથ ભીડી લે છે. માણસ પર પણ હુમલો કરી લે છે. પરંતુ આ હિંસક પ્રાણી ખુબ જ નાજુકતાથી પોતાના બાળ-બચ્ચાની સારસંભાળ લે છે. આમ તો વન્ય જીવસૃષ્ટિમાં સિંહ-દિપડા જેવા હિંસક પ્રાણીઓથી લઇ તૃણભક્ષી પ્રાણીઓમાં પણ પોતાના બચ્ચા પ્રત્યે અપાર મમતાના લક્ષણો જોવા મળે છે. ભુંડના બચ્ચા માટે જંગલમાં જોખમનો કોઇ પાર નથી.
જેને પગલે ભુંડણી પોતાના બચ્ચાને જન્મ આપ્યા બાદ જમીનમાં બખોલ કરી બચ્ચાને તેમાં છુપાવે છે. જો કે એવા અનેક વન્યપ્રાણીઓ છે જેનાથી આ બખોલમાં પણ ભુંડના બચ્ચા માટે જોખમ રહે છે. પરંતુ ભુંડણી પણ પોતાના બચ્ચાની આબાદ રક્ષા કરી શકે છે. ખોરાકની શોધમાં તેને આમથી તેમ ભટકવુ પડે છે. તેવા સમયે બચ્ચા સલામત રહેતા નથી. જો કે તેણે અજીબ તરકીબ શોધી કાઢી છે. ખોરાકની શોધમાં જતા પહેલા જ ભુંડણી બખોલના મુખ પર ચમકદાર રૂછા (વાઘમણી)નો મોટો ઢગલો કરી દે છે. તેની ચમકના કારણે શિકારીઓ દુર રહે છે.
રાત્રે થાય છે વિશેષ રક્ષા
રાત્રીના સમયે પણ શિકારીઓ આ ઢગલાથી દુર ભાગે છે. વાઘમણીના આ રૂંછા દિવસે તો ચમકે જ છે. પરંતુ રાત્રીના સમયે પણ ચમકતા હોય શિકારી પ્રાણીઓ ભુંડની બખોલ આસપાસ જતા ખચકાય છે. જેને પગલે બચ્ચા સલામત રહે છે.
No comments:
Post a Comment