Sunday, August 26, 2012

ઊના પંથકનાં માલધારીઓની હાલત કફોડી : કલેક્ટરને રજૂઆત.


Bhaskar News, Junagadh | Aug 22, 2012, 04:33AM IST
પૂર્વ ધારાસભ્યની સાથે ઘાસચારો અને પાણીની વ્યવસ્થાની માંગ કરી

ઊના પંથકનાં જંગલ તેમજ જંગલ નજીક વસતા માલધારીઓની હાલત ઘાસચારાનાં અભાવે કફોડી થઇ ગઇ છે. જેથી આજે આ માલધારીઓ પૂર્વ ધારાસભ્યની સાથે કલેક્ટરને રજૂઆત કરવા આવ્યા હતા.ઊનાનાં પૂર્વ ધારાસભ્ય પુંજાભાઇ વંશની સાથે આ માલધારીઓ કલેક્ટરને રજૂઆત કરવા જૂનાગઢ આવ્યા હતા. જેમાં તેમને સરકાર દ્વારા તાત્કાલીક અસરથી ઘાસચારો અને પાણી મળી રહે તેવી માંગણી કરી હતી. તેમજ ગીર પૂર્વ અને ગીર પશ્ચિમ વનવિભાગમાં હાલ જે માલધારીઓ વસવાટ કરી રહ્યા છે અને તેમના વસવાટનાં પાંચ કિલોમીટર વિસ્તારમાં ચરીયાણ ન હોય તેવા માલધારીઓને હંગામી ધોરણે ચરીયાણ મળી રહે તેવા વિસ્તારમાં સ્થળાંતર કરવાની મંજૂરી પણ માંગી હતી.

જ્યારે પીવાનાં પાણીની સમસ્યા નિવારવા માટે કાણેક, માંડવી, ઘોડાવડી, ખજૂરી, ઘુડજીંજવા,મોટા મીંઢા, હડાળા, ટિંબરવા, આછુન્દ્રાળી, દોઢી નેસ, લેરીયા, લોકી, સાપનેસ, બાબરીયા સહિતનાં તમામ નેસમાં વસ્તીનાં હિસાબથી આઠ ઇંચનાં નવા બોર કરવાની માંગણી પણ કરી છે. તેમજ હયાત હેંડપંપને નિયમિત રીપેરિંગ અને ઘટતી પાઇપ નાંખવાની, મચ્છુન્દ્રી ડેમમાંથી માલધારીઓનાં પશુઓને પાણી પીવા માટે છુટ આપવાની પણ માંગણી કરી છે. ઘાસચારાનાં અભાવે પશુધન ભૂખે મરી રહ્યુ છે.

સેટલમેન્ટ ખાતેદારોને કુવાની મંજૂરી આપો

સેટલમેન્ટ ખેડૂત ખાતેદારોને કુવો અને બોર કરવાની મંજૂરી તેમજ તાત્કાલીક અસરથી વીજ જોડાણ આપવાની માંગણી કરી હતી.

મચ્છુન્દ્રી નજીક ઢોર ચારવા કરી માંગણી

કલેક્ટરને રજૂઆત કરવા આવેલા માલધારીઓને સરકાર દ્વારા તેમને રાહતદરે ઘાસચારો આપવામાં આવશે તે અંગે કલેક્ટર મનિષ ભારદ્વાજ સમજાવી રહ્યા હતા. ત્યારે જ એક માલધારીએ તેમને જણાવ્યુ હતુ કે, સાહેબ સરકાર અમને રાહતદરે ઘાસચારો તો આપશે પણ તે ખરીદવાનાં પૈસા અમે ક્યાંથી કાઢશુ? તેના બદલે મચ્છુન્દ્રીનાં કાંઠા નજીક સારૂ ઘાસ છે તો અમારા ઢોર ત્યાં ચારવાની અમને મંજૂરી આપો.

No comments: