Thursday, August 30, 2012

ચંદનનાં વૃક્ષની તસ્કરી કરનારા પોલીસ સામે પડકાર.


Bhaskar News, Talala | Aug 30, 2012, 01:25AM IST
વનવિભાગ અને પોલીસની નિષ્ક્રિયતા સામે ભારે લોકરોષ, તસ્કરોને પકડી પાડવાની માંગ સાથે આંદોલનાત્મક કાર્યક્રમોની તૈયારી

ગીર જંગલનાં પ્રવેશદ્વાર ગણાતા સાસણ (ગીર) ગામની ભાગોળે આવેલા રાઘવેન્દ્ર આશ્રમનાં પટાંગણમાંથી સોમવારે મોડી રાત્રે પવિત્ર ચંદનનાં કિંમતી તોતીંગ વૃક્ષનું અજાણ્યા તસ્કરો કટીંગ કરી ગયાનો બનાવ બનતા સાસણનાં લોકોમાં ભારે રોષ ઉઠ્યો છે. આશ્રમની પવિત્ર ભૂમિમાંથી ચોરી કરનારા તસ્કરોને પકડી પાડવા અંગે વનવિભાગ અને પોલીસ વચ્ચે સંકલન ન થતા તસ્કરો ફરાર છે. આશ્રમથી થોડે દુર કટીંગ થયેલ ચંદનનાં ઝાડનાં ટૂકડા મળ્યા જે કબ્જે લઇ વનવિભાગે સામાન્ય ગુનો નોંધ્યો છે. પણ તસ્કરોને પકડવામાં નિષ્ફળ રહેતા ગ્રામજનો આંદોલનાત્મક કાર્યક્રમોની તૈયારી કરી રહ્યા છે.

સાસણ (ગીર)ની ભાગોળે હીરણ નદીનાં કાંઠે આવેલા રાઘવેન્દ્ર આશ્રમમાંથી ચંદનનાં કિંમતી વૃક્ષની તસ્કરી કરનારા તસ્કરો હજૂ ફરાર છે. વનવિભાગે રેઢા મળેલા ચંદન વૃક્ષનાં થોડાક કટકા કબ્જે લીધા છે. સાસણ રેન્જનાં આરએફઓ ટીલાળાએ જણાવેલ કે આમાં કોઇ વ્યક્તિનાં નામ ન હોય અજાણ્યા શખ્સો સામે રોયલ્ટી ભર્યા વગર ગેરકાયદેસર વૃક્ષ છેદનનો ગુનો નોંધાયો છે.

આશ્રમમાં કામ કરતા જયસુખગીરીબાપુએ પોલીસ અને વનવિભાગ બંનેને લેખિત ફરિયાદ આપેલ હોય પણ બંને વિભાગો વચ્ચે સંકલન ન થતા અને જવાબદારીની ફેંકા-ફેંકીથી તસ્કરો હજૂ ફરાર હોય લોકોમાં રોષ વધ્યો છે.

સાસણ ગામ બંધનું એલાન અપાયુ ન હતુ

સાસણ આશ્રમમાં વૃક્ષ ચોરીનાં તસ્કરો ૪૮ કલાકમાં ન પકડાય તો સાસણ ગામ બંધ રાખ્યાનું એલાન અપાયુ ન હતુ. પરંતુ તસ્કરોને પકડવાની માંગ સાથે આંદોલનાત્મક કાર્યક્રમો કરવાનું નક્કી થઇ રહ્યું હતુ. રાઘવેન્દ્ર આશ્રમનાં સંત પૂ બીમલદાસબાપુનાં આદેશ અનુસાર તેમની સાથે ચર્ચા કર્યા બાદ કોઇપણ કાર્યક્રમ અપાશે તેમ વેપારી અગ્રણી જીકાભાઇ અને ભરતભાઇ લાખાણીએ જણાવેલ.

ચંદનની તસ્કરીને વનવિભાગ મહત્વ નથી આપતુ કે શું ?

ચંદનનાં કિંમતી વૃક્ષોનું વનવિભાગનાં સિંહ સદન, મગર ઉછેર કેન્દ્ર અને જવાબદાર ઉચ્ચ અધિકારીઓનાં ક્વાટરનાં ફળીયામાંથી કટીંગ થયેલાનાં બનાવો બનેલા છે. પરંતુ તસ્કરો પકડાયા નથી. રાઘવેન્દ્ર આશ્રમમાં ચંદન વૃક્ષ ચોરી અંગે વનવિભાગે માત્ર બે રૂપિયા કે પાંચ રૂપિયા જેવી રકમની રોયલ્ટી ભર્યા વગર વૃક્ષછેદનનો ગુનો લખ્યો તો ચંદનનાં વૃક્ષની વનવિભાગનાં મતે મહત્વનાં કેટલી તેવો વેધક સવાલ લોકોમાંથી ઉઠી રહ્યો છે.

No comments: