Thursday, August 30, 2012

HOTOS : ગીર જંગલમાં મોડે મોડે ચોમાસું જામ્યું.

Bhaskar News, Junagadh  |  Aug 30, 2012, 00:40AM IST
અધિક ભાદરવામાં અષાઢી માહોલ : કોડીનાર, માણાવદર અને જૂનાગઢમાં ૧ ઈંચ : કનકાઈ, આંબળાશ, પીપળવામાં મહેર
મુરઝાતી મોલાતને 'પાણ’ મળવાથી જીવતદાન મળ્યું : કેટલાક વિસ્તારોમાં ઝાપટાં


તાલાલા પંથક અને વિસાવદરનાં કનકાઇ મધ્યગીર જંગલમાં ત્રણ થી ચાર ઇંચ વરસાદ ખાબકી ગયો હતો. કોડીનારમાં આજે બપોર પછી ગાજવીજ સાથે મેઘાની એન્ટ્રી થઇ હતી. કોડીનાર, માણાવદર અને જૂનાગઢમાં એક ઇંચ વરસાદ નોંધાયો છે.

તાલાલા સહિ‌ત સમગ્ર ગીરપંથકમાં આજે બપોર પછી મેઘરાજાનું ધમાકેદાર આગમન થતાં લાંબા સમયથી વરસાદની પ્રતિક્ષા કરી રહેલા લોકો ઝુમી ઉઠ્યા હતા. આંબળાશ અને પીપળવામાં દોઢ કલાકમાં ત્રણ ઇંચ વરસાદ ખાબકી જતાં વોંકળા - નાળા છલોછલ પાણીથી વહેવા લાગ્યા હતા. આ ઉપરાંત હડમતીયા, ભીમદેવળ, ઘુંસીયા, ગુંદરણ, આંકોલવાડી, બામણાસા, સુરવા, જશાપુર, મોરૂકા, ધાવા, બોરવાવ, રમળેચી, માધુપુર, ચિત્રાવડ, હરીપુર, ધણેજ સહિ‌તનાં ગ્રામ્ય વિસ્તારમાં પણ વ્યાપક વરસાદ પડતાં મુરઝાતી મોલાતને 'પાણ’ મળી જવાથી જીવત દાન મળી ગયું છે.

જ્યારે વિસાવદરનાં કનકાઇ મધ્યગીર જંગલમાં પણ મધરાતનાં સમયે ત્રણથી ચાર ઇંચ જેવો વરસાદ પડી જતાં શીંગોડા અને રામપરી નદીમાં પુર આવ્યા હતા. ઝાંઝેશ્રી અને ધ્રાફડ ડેમમાં પણ નવા નીરની આવક થયેલ હોવાનું જાણવા મળે છે.

જ્યારે કોડીનાર પંથકમાં આજે બપોરનાં બે વાગ્યા આસપાસ ગાજવીજ સાથે વરસાદ શરૂ થતાં એક ઇંચ પાણી પડી ગયું હતું. તાલુકાનાં દરીયાઇપટ્ટીનાં કાજ, વેલણ, માઢવાડ, કોટડા, નાનાવાડા, જત્રાખંડી, સરખડી, દેવળી, મુળદ્વારકા સહિ‌તનાં ગામોમાં સારો વરસાદ થયાનાં અહેવાલ છે. સુત્રાપાડાનાં ઘંટીયા પ્રાચીમાં એક કલાકમાં એક ઇંચ વરસાદ પડી ગયો હતો.

માણાવદર, સણોસરા, ગડવાવ, દગડ, ખાંભલા, બુરી, જીલાણા, સહિ‌તનાં ગામોમાં એક ઇંચ જેવું પાણી પડી ગયું છે. જ્યારે જૂનાગઢમાં રાત્રિ દરમ્યાન અને આજે બપોર પછી એક ઇચ જેવો વરસાદ વરસી ગયો હતો. આ ઉપરાંત માળીયાહાટીના , મેંદરડા, કેશોદ, ભેંસાણ, વંથલીમાં ઝાપટાં વરસ્યા હતાં.

સૌરાષ્ટ્ર-કચ્છને નિભાવતા 'ગીર’માં મેઘમહેર ફાયદાકારક

ચોમાસુ શરૂથી નબળુ પડતા પશુધન માટે લીલા ઘાસચારાની સમગ્ર રાજયમાંથી વ્યાપક માંગ ઉઠી હોય સૌરાષ્ટનાં છ જિલ્લા રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર, ભાવનગર, પોરબંદર, અમરેલી સહીત કચ્છ જિલ્લામાં લીલો ઘાસચારો તાલાલા પંથક શેરડીનાં ઉત્પાદનમાં મોખરે હોય શેરડીનું પુષ્કળ વાવેતર થયેલ હોય તે પાકનો પશુધન માટે મોટા પ્રમાણમાં ઉપયોગ થતો હોય રોજ ૨૦૦થી વધુ વાહનો શેરડી ભરી તાલાલાથી સૌરાષ્ટ્ર-કચ્છનાં વિવિધ વિસ્તારોમાં લીલોચારો લઇ જાય છે. આજે તાલાલા પંથકમાં પડેલા સાર્વત્રીક વરસાદથી શેરડીનાં પાકને સારૂ પાણી મળી જવાથી શેરડી લાંબો સમય ટકશે અને ગીરમાંથી લીલો ઘાસચારો વધુ મળી શકશે.

No comments: