Wednesday, April 3, 2013

જંગલ-પ્રાણીઓના રક્ષણ માટે કરાતો ગ્રામ વિકાસ, એક વર્ષમાં ૭૦ લાખના કામ થયા.



જૂનાગઢ, તા.૨
જંગલ અને વન્યપ્રાણીઓની જાળવણી તથા જતન માટે ફક્તને ફક્ત કાયદાના શસ્ત્રથી કામ લેવાના બદલે લોકભાગીદારી કરવાનો નવતર અભિગમ અપનાવવામાં આવ્યો છે. જેમાં ગ્રામ્ય લોકો પર્યાવરણના રક્ષણ માટે પોતાનું પ્રદાન આપે છે, જેના વળતરરૃપે વનવિભાગ મધ્યસ્થી રહીને ગામડાના સામૂહિક વિકાસ કાર્યો સરકાર પાસે કરાવી આપે છે. જૂનાગઢ વનવિભાગની પાંચ રેન્જ હેઠળ આવતી ગામડાઓની રચાયેલી વનવિકાસ સમિતિઓની બેઠક મળી હતી. જેમાં વર્ષ દરમિયાન રૃ.૭૦ લાખના વિકાસ કામો કરાયા હોવાની વિગતો આપવામાં આવી હતી.
  •   જૂનાગઢ વનવિભાગ હેઠળની પાંચ રેન્જમાં નવતર અભિગમ : ગામડાઓમાં રચાયેલી વનવિકાસ સમિતિઓની બેઠક મળી
વન્ય વિસ્તાર અને વન્યપ્રાણીઓના રક્ષણમાં આસપાસના વિસ્તારમાં વસવાટ કરતા ગ્રામ્ય લોકોને સામેલ કરવા માટેની યોજના વર્ષ ૧૯૯૩ થી ગુજરાતમાં અમલમાં છે. જેમાં ગામડે ગામડે વનવિકાસ સમિતિની રચના કરીને આ સમિતિની ભલામણ અનુસાર વનવિભાગ મધ્યસ્થી રહીને ગ્રામ વિકાસના કામો કરાવી આપે છે. આ કામ કરવા માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા પૈસા આપવામાં આવે છે. જેના બદલામાં ગ્રામ્ય પ્રજાજનો જંગલ અને પ્રાણીઓના રક્ષણમાં વનવિભાગની મદદ કરે છે. આ અભિગમ અંતર્ગત વનવિભાગ દ્વારા ઈમારતી અને ફળાઉ વૃક્ષોનો ઉછેર, નર્સરી બનાવવી, શાળાના ઓરડા બનાવવા, સ્મશાન કે બસસ્ટેન્ડની છાપરી, ચેકડેમ, કોઝ-વે, પ્રોટેક્શન વોલ, સી.સી.રોડ, પાણીના ટાંકા, વિતરણ માટે પાઈપ લાઈન સહિતની કામગીરી નોડલ એજન્સી તરીકે કરાવી આપવામાં આવે છે. જૂનાગઢ વનવિભાગ હેઠળની પાંચ રેન્જમાં આવતા ગામડાઓની સંખ્યાબંધ વનવિકાસ સમિતિઓની બેઠકમાં જણાવાયા અનુસાર એક વર્ષમાં આવી રીતે રૃ.૭૦ લાખના કામ કરવામાં આવ્યા છે. આ તકે સી.સી.એફ. જી.યાદૈયા, ડી.સી.એફ. કે.રમેશ, આરાધના શાહૂએ પણ માર્ગદર્શન પુરૃ પાડયું હતું. જ્યારે કાર્યક્રમને સફળ બનાવવા આર.એફ.ઓ. પી.જે.મારૃ, પી.ટી.કનેરિયા, આર.ડી.વંશ તથા સ્ટાફે જહેમત ઉઠાવી હતી.

No comments: