Monday, April 29, 2013

માવઠાના માહોલથી કેરીના પાકને નુકસાનની ભિતી, ખેડૂતો ચિંતીત.


Bhaskar News, Amreli | Apr 10, 2013, 00:18AM IST
- સાવરકુંડલા, અમરેલી, ધારી પંથકમાં બે દિવસથી બદલાયેલા માહોલથી કેરી પકાવતા ખેડૂતો ચિંતીત

અમરેલી પંથકમાં પાછલા ૪૮ કલાકથી હવામાનમાં આવેલા બદલાવને પગલે માવઠાનો માહોલ સર્જાયો છે. ગઇકાલે આકાશમાં છુટાછવાયા આછેરા વાદળો નઝરે પડતા હતાં. પરંતુ આજે બપોર બાદ તો જાણે અષાઢી માહોલ હોય તેમ ઘનઘોર વાદળો છવાયા હતાં. અમરેલીમાં તો ગમે ત્યારે માવઠુ થાય તેવું લાગતુ હતું પરંતુ સાંજ સુધીમાં વરસાદ પડયો ન હતો. જો કે બાબરા તથા આસપાસના વિસ્તારમાં દશ મીનીટ સુધી ઝાપટુ વરસ્યુ હતું. સાવરકુંડલા, ધારી, બગસરા, ખાંભા વગેરે પંથકમાં આવો જ માહોલ હોય કેરી પકાવતા ખેડૂતો માવઠાની આશંકાએ ભયભીત થયા છે.

અમરેલી જીલ્લામાં અમરેલી તાલુકા ઉપરાંત ધારી, ખાંભા અને સાવરકુંડલા તાલુકામાં કેસર કેરીની વિશેષ પ્રમાણમાં ખેતી થાય છે. ઓણ સાલ કેરીના પાક માટે વાતાવરણ અત્યાર સુધી સાનુકુળ રહ્યુ હોય પાક પણ સારો બેઠો છે અને કેરીનું મબલક ઉત્પાદન થાય તેવી શક્યતા છે. પરંતુ અમરેલી પંથકમાં ગઇકાલથી જ અચાનક હવામાનમાં બદલાવ આવ્યો હતો અને આજે તો જીલ્લાભરમાં માવઠાનો માહોલ સર્જાયેલો જોવા મળ્યો હતો.

અમરેલી પંથકમાં હવામાં ભેજનું પ્રમાણ અચાનક જ વધીને ૭૬ ટકા જેટલુ થઇ ગયુ હતું. જેને પગલે આજે સવારથી જ આકાશ વાદળોથી ઘેરાયેલુ હતું. જો કે ગરમી લગભગ ગઇકાલ જેટલી જ રહી હતી પણ બપોર બાદ તો અમરેલી તથા આસપાસના વિસ્તારમાં કાળા ડીબાંગ વાદળો છવાયા હતાં. ઉનાળાને બદલે જાણે અષાઢનો માહોલ જામ્યો હતો.

આ વાદળો અમરેલીમાં તો વરસ્યા ન હતાં પરંતુ બાબરામાં ઝાપટુ પડયુ હતું. બાબરામાં દશ મીનીટ સુધી વરસાદ વરસતા શહેરના રસ્તાઓ ભીના થયા હતાં. એટલુ જ નહી ગરમીમાં પણ રાહત મળી હતી. અમરેલી તાલુકાના ટિંબામાં પણ બપોર બાદ હળવુ ઝપટુ પડયુ હોવાના વાવડ છે. માવઠા જેવી સ્થિતિનું નિર્માણ થતા કેરી પકાવતા ખેડૂતો સૌથી વધુ ચિંતીત બન્યા છે. જો માવઠુ થશે તો કેરીના પાકને સૌથી વધુ નુકશાન થવાની આશંકા છે.

- અમરેલીમાં પારો ૩૭.૫ ડીગ્રીએ

અમરેલીમાં આજે ગઇકાલ કરતા ગરમીમાં આંશીક વધારો થયો હતો. આજે શહેરનું મહત્તમ તાપમાન ૩૭.૫ ડીગ્રી રહ્યુ હતું. જ્યારે ન્યૂનત્તમ તાપમાન ૨૨.૬ ડીગ્રી હતું. હવામાં ભેજનું પ્રમાણ ૭૬ ટકા અને પવનની ગતી પ્રતિ કલાક સરેરાશ ૯.૨ કીમીની રહી હતી.

No comments: