Tuesday, April 30, 2013

સિંહ મુદ્દે ધરણા અંગે સંઘાણીના નિવેદનની કોંગ્રેસે ઝાટકણી કાઢી.


Bhaskar Neews, Amreli | Apr 27, 2013, 00:21AM IST
- સંઘાણી કાયદામંત્રી હતાં ત્યારે યોગ્ય રજૂઆતો થઇ ન હોવાનો આક્ષેપ : ત્યારે સજાગ રહ્યા હોત તો સિંહોના મુદ્દે ગુજરાતની આ સ્થિતિ ન હોત : અધ્યારૂ

સાવરકુંડલામાં ગઇકાલે ચિંતન શિબીર દરમીયાન સુપ્રિમ કોર્ટ સામે ધરણાની વાત કરનાર માજી કાયદામંત્રી દિલીપ સંઘાણીના આ નિવેદનનું અમરેલી જીલ્લા કોંગ્રેસ સમિતીએ આકરી ઝાટકણી કાઢી જણાવ્યુ છે કે અત્યાર સુધી દિલીપ સંઘાણી કાયદામંત્રી હતાં અને તેમણે કરેલી ભુલોના કારણે જ સિંહો અંગે આ ચુકાદો આવ્યો છે.

અમરેલી જીલ્લા કોંગ્રેસ સમિતીના મહામંત્રી નરેશભાઇ અધ્યારૂએ જણાવ્યુ છે કે દિલીપ સંઘાણીના નિવેદનો પ્રકૃતિપ્રેમીઓને રીઝવવાનો બાલીશ પ્રયાસ છે. અત્યાર સુધી તેઓ કાયદામંત્રી હતાં. વળી મધ્યપ્રદેશમાં પણ ભાજપની સરકાર છે છતાં સિંહોના મુદે તે સરકારે ગુજરાત સાથે ગજગ્રાહ કર્યો. જે તે સમયે કાયદા વિભાગના મંત્રી તરીકે આપ વન્ય પ્રેમીઓની લાગણી સમજી ન શક્યા. સરકાર ઉદ્યોગપ્રેમીઓના દિલ જીતવામાં મસ્ત હતી. જેને પગલે લડત કરવાનું ચુકાઇ જવાયુ છે. હવે પ્રકૃતિપ્રેમીઓએ સરકાર સામે અવાજ બુલંદ બનાવ્યો છે અને સરકાર સામે મોરચો ખોલ્યો છે. ત્યારે સુપ્રિમ કોર્ટ સામે ધરણાની વાતો બહાદુરી દેખાડવાનું નાટક છે.

કોંગ્રેસના મંત્રી અધ્યારૂએ અંતમાં એમ પણ જણાવ્યુ છે કે કાયદા મંત્રી તરીકે સંઘાણી સજાગ રહ્યા હોત તો સિંહોના મુદે ગુજરાતની આ સ્થિતિ ન હોત. પૂર્વ કૃષિ મંત્રી દિલીપ સંઘાણીએ સુપ્રિમ કોર્ટ સામે સિંહો માટે ધરણા કરવાના નિવેદન સામે કોંગ્રેસે  તેમના નિવેદનની ઝાટકણી કાઢતા કહ્યુ હતુ કે, દિલીપ સંઘાણી કાયદા મંત્રી હતા અને તેની ભૂલના કારણે જ સિંહો અંગે આ ચુકાદો આવ્યો છે. ઉલ્લેખનીય એ છે કે, ગીર સિંહોના મધ્યપ્રદેશ સ્થળાંતર કરવાના સુપ્રિમના આદેશથી હવે સિંહ માટે રાજકીય ખેંચતાણ જોવા મળી રહી છે.

No comments: