Dilip Raval, Amreli | Apr 18, 2013, 16:09PM IST
- પાણીમાં યુરીયા ખાતર ભેળવ્યાની આશંકા : વનઅધિકારીઓ દોડયાસાવરકુંડલા તાલુકાના અભરામપરા ગામે એક ભરવાડ યુવાને સીમમાં પોતાના બકરા ચરાવ્યા બાદ એક ખેડુતની વાડીમાંથી આ બકરાને પાણી પાતા તે ટપોટપ મરવા લાગ્યા હતા. અને જોતજોતામાં ૪૫ બકરા મોતને ભેટયા હતા. ખેડુતે ગમગુવારના વાવેતરમાં પાવા માટે પાણીમાં યુરીયા ખાતર ભેળવ્યુ હોવાનું કહેવાય છે. વનવિભાગનો સ્ટાફ પણ ઘટના સ્થળે દોડી ગયો હતો.
આ ઘટના આજે સવારે સાવરકુંડલા તાલુકાના અભરામપરા ગામે બની હતી. અહીના ભરવાડ બાઘાભાઇ ગોબરભાઇ માંગુડા પોતાના ૬૫ બકરા લઇ સીમમાં ચરાવવા માટે ગયા હતા. સીમમાં આ બકરાએ ચારો ચર્યા બાદ તેઓ એક ખેડુતની વાડીએ બકરાને પાણી પાવા માટે લઇ ગયા હતા.
અહી તેમના બકરાએ પાણીની કુંડીમાંથી પાણી પીધુ હતુ. જો કે ત્યારબાદ તેના બકરા ટપોટપ મરવા લાગ્યા હતા. અને જોતજોતામાં ૪૫ બકરા તરફડીને મોતને ભેટયા હતા. બાઘાભાઇ માંગુડા તેના બકરા શા માટે મોતને ભેટી રહ્યાં છે તે અંગે કંઇ સમજે તે પહેલા જ ૪૫ બકરાના રામ રમી ગયા હતા. એવુ કહેવાય છે કે જે ખેડુતની વાડીમાં તેણે બકરાને પાણી પાયુ હતુ તે ખેડુતની વાડીમાં ગમગુવારનું વાવેતર કરાયુ છે અને તેની પિયત કરાય છે. અહી પાવા માટે પાણીમાં તેમણે યુરીયા ખાતર મેળવ્યુ હોવાનું કહેવાય છે. જો કે સત્ય હકિકત શું છે તે તો ચૌકકસ તપાસ બાદ જ બહાર આવશે. પરંતુ આ ઘટનાએ અભરામપરાના ભરવાડને આર્થિક ફટકો આપ્યો હતો.
બોકસ
વનવિભાગનો સ્ટાફ દોડયો
એક સાથે ૪૫ બકરાના મોતની જાણ થતા સાવરકુંડલાના વન કચેરીનો સ્ટાફ અભરામપરા દોડી ગયો હતો. જો કે આ પાણી પીવાથી અન્ય કોઇ વન્યપ્રાણીનું મોત થયાનું બહાર આવ્યુ ન હતુ. આ માલધારી દ્વારા સાવરકુંડલાના પશુ દવાખાને પણ ઘટના અંગે જાણ કરાઇ હતી.
No comments:
Post a Comment