Wednesday, December 31, 2014

રાજુલામાં પતંગની દોરીથી 4 પક્ષીઓ ઘાયલ.


રાજુલામાં પતંગની દોરીથી 4 પક્ષીઓ ઘાયલ

Bhaskar News, Rajula | Dec 25, 2014, 00:13AM IST
- ચિંતા | ઉતરાયણના પર્વ પહેલા ચાઇનીઝ દોરીઓ પક્ષીઓ માટે બની ઘાતક
- સર્પ સંરક્ષણ મંડળ દ્વારા પક્ષીઓને સારવાર આપી મુકત કરાયા: ચાઇનીઝ દોરીઓ પર રોક કયારે

રાજુલા: મકરસંક્રાંતિ પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે. આ પર્વને ઉજવવા અત્યારથી જ યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પરંતુ ઉતરાયણ પર્વમાં દર વર્ષે અનેક પક્ષીઓ પતંગની દોરીના કારણે મોતને ભેટે છે. દર વર્ષે સ્વૈચ્છિક સંસ્થાઓ તેમજ પક્ષીપ્રેમીઓ દ્વારા ઉતરાયણના પર્વે હેલ્પલાઇન શરૂ કરવામા આવે છે અને પતંગની દોરીથી ઘાયલ થયેલા પક્ષીઓને સારવાર આપી બચાવી લેવાની કામગીરી કરવામા આવે છે. હજુ આ પર્વને ગણતરીના દિવસો બાકી હોય અત્યારથી જ પતંગની દોરીથી પક્ષીઓ ઘાયલ થવા લાગ્યા છે. રાજુલામાં આવી જ રીતે ચાર પક્ષીઓ ઘાયલ થતા સર્પ સંરક્ષણ મંડળ દ્વારા તેને સારવાર આપવામા આવી હતી.

રાજુલામાં ઉતરાયણના પર્વે દર વર્ષે અનેક પક્ષીઓ પતંગની દોરીઓથી ઘાયલ થાય છે તેમજ મોતને પણ ભેટે છે. હજુ ઉતરાયણ પર્વને ગણતરીના દિવસો બાકી છે ત્યાં બજારમાં પતંગ દોરીઓનું ધુમ વેચાણ શરૂ થઇ ગયું છે. ખાસ કરીને પ્રતિબંધિત ચાઇનીઝ દોરીઓથી અનેક પક્ષીઓ મોતને ભેટે છે. ત્યારે રાજુલામાં બાયપાસ વિસ્તાર, મફતપરા, ગૌશાળા નજીક વિગેરે વિસ્તારોમાં ચાર પક્ષીઓ પતંગની દોરીઓથી ઘાયલ થયેલા નજરે પડયા હતા.
રાજુલામાં પતંગની દોરીથી 4 પક્ષીઓ ઘાયલ

આ અંગે સર્પ સંરક્ષણ મંડળના પ્રમુખ અશોકભાઇ સાંખટને જાણ કરવામા આવતા તેઓ ટીમ સાથે દોડી જઇ ઘાયલ પક્ષીઓને પકડી સારવાર આપી હતી અને સલામત સ્થળે મુકત કરી દીધા હતા. અશોકભાઇ સાંખટે જણાવ્યું હતુ કે ઉતરાયણ પર્વે મંડળની હેલ્પ લાઇન શરૂ કરવામા આવી છે. કોઇ સ્થળે ઘાયલ પક્ષી નજરે પડે તો સંપર્ક સાધવા લોકોને અપીલ કરવામા આવી છે. આ ઉપરાંત તેમણે વધુમાં જણાવ્યું હતુ કે ઉતરાયણ પર્વે યુવાનો પતંગ ચગાવવાની સાથેસાથે પક્ષીઓને કોઇ પ્રકારની ઇજા ન પહોંચે તેનુ ધ્યાન રાખે તે પણ જરૂરી છે.

No comments: