Wednesday, December 31, 2014

ક્રિસમસ ઇફેક્ટ : ગિરનાર પ્રવાસીઓથી છલોછલ.

Dec 26, 2014 00:09


  • નાતાલની રજા માણવા હજ્જારો લોકો ઉમટી પડયાઃ સીડી ઉપર અમુક જગ્યાએ પગ મૂકવાની જગ્યા નહોતી
જૂનાગઢ :  શિયાળાની ઠંડી વચ્ચે આજે નાતાલ પર્વની રજા નિમિત્તે જૂનાગઢના ગિરિવર ગિરનાર ઉપર પ્રવાસીઓની સારી એવી ભીડ રહી હતી. ગિરનાર ઉપરથી નીચે આવેલા પ્રવાસીઓ શહેરના ફરવા લાયક સ્થળોએ પહોંચી ગયા હતાં. પરિણામે અહી પણ ચિક્કાર ગીરદી જોવા મળી હતી.
દર વર્ષે નાતાલની રજાના દિવસે સૌરાષ્ટ્રના જાણિતા ફરવા લાયક સ્થળ બનેલા ગિરનાર પર્વત ઉપર હજ્જારો પ્રવાસીઓ આવી પહોંચે છે. આ પરંપરા અનુસાર આજે પણ વહેલી સવારથી યાત્રિકો ગિરનાર ચડવા આવી પહોંચ્યા હતાં. સીડી ઉપર અમુક જગ્યાએ તો પગ મૂકવાની જગ્યા રહી નહોતી. નીચેથી છેક ઉપર સુધી પ્રવાસીઓએ લાઈનમાં જવું પડયું હતું. અંબાજી, ગોરખનાથ શિખર, દત્તાત્રેય શિખર, ગૌમુખી ગંગા, જૈન દેરાસર, નેમીનાથ વગેરે ધર્મસ્થળોએ ભીડ જોવા મળી હતી. વહેલી સવારે પર્વત ઉપર જઈને બપોર સુધીમાં પરત નીચે આવી ગયેલા પ્રવાસીઓ શહેરના ફરવા લાયક સ્થળો સક્કરબાગ, ઉપરકોટ, નરસિંહ મહેતાનો ચોરો વગેરે જગ્યાએ પહોંચી ગયા હતાં. સ્થળો જોવા માટે મોડી સાંજ સુધી લોકોની કતારો રહી હતી.
દર વરસે જૂનાગઢના ગિરનાર ઉપર પ્રવાસીઓનો ભારે ધસારો રહે છે ત્યારે આ વખતે પણ દિવાળી પછી નાતાલ પર્વમાં પણ દુર દુરથી આવતા પ્રવાસીઓ ઉમટી પડયા છે અને જેને લઇને બજારમાં પણ ભારે ભીડ જોવા મળી રહી છે.

No comments: