Wednesday, December 31, 2014

ગીરપુર્વે વિસ્તારમાં બે માસમાં છ સિંહ અને પાંચ દિપડાના મોત.

Dec 26, 2014 00:04
જંગલમાં ખુલ્લા કુવા,વાડીઓમાં વીજ કરન્ટ વન્ય પ્રાણીઓ માટે જોખમી


અમરેલી : ધારી ગીર પૃર્વ અને આસપાસના વિસ્તારમાં વન્ય પ્રાણીઓની માઠી દશા બેઠી હોય તેમ છેલ્લા બે માસના સમયગાળામાં છ સિંહ અને પાંચ દિપડાના મોત થયા છે,જયારે કુવામાં પડેલા ત્રણ દિપડાને બચાવી ૫ણ લેવામાં આવ્યા હતા.એક માત્ર ગીરમાં જ સિંહોનું અસ્તિત્વ હોવા છતાં અને ભુતકાળમાં ગુજરાતના સિંહો સલામત ન હોવાનો મુદો સમગ્ર દેશમાં ચર્ચાની એરણે ચડયો હોવા છતાં આજે પણ ગીરમાં સિંહ અને દિપડા સલામત નથી છતાં વનવિભાગનું પેટનું પાણીયે હલતું નથી.છેલ્લા બે માસમાં જ ઉપરા ઉપરી સિંહ દિપડા સહીતના વન્ય પ્રાણીઓના ટપોટપ મોત થઈ રહ્યા છે તેમાં કુદરતી મોત કરતા માનવસર્જીત મોતનું પ્રમાણ વધું છે. થોડા દિવસ પહેલા બગદાણાના ધરાઈ ગામે ખેડૂત દ્વારા વાડીમાં વીજ કરન્ટ છોડવાના કારણે એક સિંહણ અને એક સિંહના બચ્ચા (પાઠડા)ના મોત થયા હતા. એ જ રીતે ખાંભાના માલકનેસમાં પણ સીમમાં ખેડૂત દ્વારા વીજ કરન્ટના કારણે દોઢ વર્ષની દિપડીનું મોત થયું હતું.થોડા દિવસ પૃર્વે એક બાળસિંહનું કુવામાં પડી જવાથી મોત થયું હતું.ખાંભાના પીપળલગ, તુલસીશ્યામ રેન્જ, દલખાણીયા રેન્જમાંથી અને ધારીના ગોવિંદપુર ગામેથી દિપડા દિપડીના મૃતદેહ મળી આવ્યા હતા.ધારીના જીરામાંથી પણ દિપડાનો મૃતદેહ મળ્યો હતો.કરમદડી રાઉન્ડમાંથી સિંહને પકડયા બાદ સારવારમાં મોત થયું હતું.શેત્રુંજી નદીના કાંઠેથી પણ સિંહનો મૃતદેહ મળ્યો હતો.રાજુલામાં આતંક મચાવનારી સિંહણનું જૂનાગઢમાં ભેદી સંજોગોમાં મોત થયું હતું. અધુરામાં પુરૃ હોય તેમ બે ત્રણ દિવસમાં રાજુલા ખાંભાના વડલી,વાવેરા અને જસાધાર રેન્જના વિસ્તારમાં ત્રણ દિપડા અકસ્માતે ખુલ્લા કુવામાં પડી જતા વન વિભાગે રેસ્કયુ ઓપરેશન કરી બચાવી લીધા હતા.આમ બે માસમાં છ સિંહ અને પાંચ દિપડાના મોત થયા હતા.જેના કારણે પ્રકૃતિપ્રેમીઓમાં તંત્ર સામે રોષ ફાટી નીકળ્યો છે.ખુલ્લા કુવા સિંહ દિપડાની કબર બની રહ્યા છે.વન વિભાગ આવા કુવાઓનો સર્વે કરીને પાળ બંધાવવાની કામગીરી કરાવે તેવી માગણી ઉઠી રહી છે.

No comments: