Wednesday, December 31, 2014

રાજુલાના વાવેરા ગામની સીમમાં દીપડી કુવામાં પડી.


Bhaskar News, Rajula | Dec 23, 2014, 00:02AM IST

રાજુલાના વાવેરા ગામની સીમમાં દીપડી કુવામાં પડી
- વનવિભાગે રેસ્કયુ કરી દિપડીને બહાર કાઢી સારવારમાં ખસેડી

રાજુલા: ગીર જંગલમા વસતા સાવજો હવે રેવન્યુ વિસ્તારમાં વધુ પ્રમાણમાં વસવાટ કરતા જોવા મળી રહ્યાં છે. રાજુલા જાફરાબાદ પંથકમાં પણ મોટી સંખ્યામાં સિંહ, દિપડાઓની સંખ્યા જોવા મળી રહી છે. હજુ બે દિવસ પહેલા જાફરાબાદના વડલીની સીમમાં એક સિંહ ખુલ્લા કુવામા ખાબકયો હતો. ત્યાં આજે સવારે વાવેરા ગામની સીમમાં એક દિપડી કુવામા ખાબકતા વનવિભાગની રેસ્કયુ ટીમે તેને બચાવી લઇ સારવારમાં ખસેડી  હતી.

વન્યપ્રાણીઓ અવારનવાર વાડી ખેતરોમાં શિકારની શોધમાં આંટાફેરા મારતા હોય છે. ત્યારે વાડીઓમાં આવેલા ખુલ્લા કુવાઓ આ પ્રાણીઓ માટે જોખમી સાબિત થઇ રહ્યાં છે. અનેક વખત સિંહ, દિપડા કુવામા ખાબકવાની ઘટનાઓ બનતી રહે છે. ત્યારે રાજુલા તાલુકાના વાવેરા ગામની સીમમાં આવેલ જીલુભાઇ કાથડભાઇ ધાખડાની વાડીમાં આવેલ ખુલ્લા કુવામા શિકારની શોધમાં નીકળેલી એક વર્ષની દિપડી ખાબકી હતી.

આ  અંગે જીલુભાઇએ વનવિભાગને જાણ કરતા વનવિભાગનો સ્ટાફ રેસ્કયુ ટીમ સાથે અહી દોડી ગયો હતો. અને મહામહેનતે દિપડીને કુવામાંથી બહાર કાઢી સારવાર માટે જસાધાર એનીમલ કેર સેન્ટરમાં ખસેડવામા આવી હતી. ફોરેસ્ટર રાઠોડ, કે.જી.ગોહિલ, ચાંદુભાઇ, પઠાણભાઇ, હરિયાણીભાઇ, ભરતભાઇ સહિત પણ રેસ્કયુ ઓપરેશનમાં જોડાયા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે ગીરકાંઠા નજીક આવેલા ગ્રામ્ય વિસ્તારોમાં વાડી ખેતરોમાં અનેક ખુલ્લા કુવાઓ જોવા મળી રહ્યાં છે. જે વન્યપ્રાણીઓ માટે જોખમી સાબિત થઇ રહ્યાં છે. અનેક વખત નિલગાય, સિંહ, દિપડા સહિતના પ્રાણીઓ કુવામા ખાબકે છે જેમાંથી કેટલાક મોતને પણ ભેટે છે. ત્યારે વનતંત્ર દ્વારા આ દિશામાં યોગ્ય કાર્યવાહી કરવામા આવે તેવુ લોકો ઇચ્છી રહ્યાં છે.

No comments: